Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિપ્પી પરિવારના દીકરાની લાશ મળી, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ:'શોલે' ફૅમ ડિરેક્ટરે ત્રણ સંતાનો હોવા છતાં 17 વર્ષ નાની એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા

    1 day ago

    'કિતને આદમી થે?' 'તેરા ક્યા હોગા કાલિયા?' 'યે હાથ મુઝે દે દે ઠાકુર...' 'હમ અંગ્રેજોં કે જમાને કે જેલર હૈ...' ‘ઇતના સન્નાટા ક્યોં હૈ ભાઈ?’ 'બસંતી, ઇન કુત્તો કે સામને મત નાચના...' એકથી એક ચઢિયાતા ને સીટીમાર આ ડાયલૉગ્સ હિંદી સિનેમાની આઇકોનિક ફિલ્મ 'શોલે'ના છે. આ ફિલ્મના એકેએક પાત્રો ચાહકોના દિલોદિમાગ પર છવાયેલા છે, પછી તે જય-વીરુ હોય કે ગબ્બર કે ઠાકુર કે બસંતી... 'શોલે'ને ન ભૂતો ન ભવિષ્યતિ કહેવામાં આવે તો સહેજ પણ અતિશયોક્તિ થશે નહીં. આ ફિલ્મને રમેશ સિપ્પીએ ડિરેક્ટ કરી હતી. રમેશ સિપ્પીને 'શોલે' જેટલી સફળતા પછી ક્યારેય મળી નહીં. રમેશ સિપ્પીનો 23 જાન્યુઆરીએ એટલે કે આજે 79મો જન્મદિવસ છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું સિપ્પી પરિવારની... જી. પી. સિપ્પી ને રામ જેઠમલાણી ખાસ મિત્રો હતા. મુંબઈ આવીને જી. પી. સિપ્પીને ફિલ્મમાં રસ કેવી રીતે પડ્યો, જી. પી. સિપ્પીએ ન્યૂઝ પેપરની સામે કેમ કેસ કર્યો, રમેશ સિપ્પીએ કેમ લંડનમાં ભણવાનું અધવચ્ચે મૂક્યું, જી. પી. સિપ્પીના સંતાનો વચ્ચે કેવા સંબંધો છે, રમેશ સિપ્પીને કેટલા સંતાનો? રમેશ સિપ્પીની કઈ ફિલ્મના શૂટિંગ દરમિયાન પરવીન બાબી બીમાર પડી હતી ને અમિતાભ પર જાનથી મારી નાખવાનો આક્ષેપ કર્યો? રમેશ સિપ્પીએ કઈ આઇકોનિક સિરિયલ આપી, જેની આજે પણ ચર્ચા થાય છે? આજે વાત માત્ર જી. પી. સિપ્પી ને રમેશ સિપ્પીની જ કરીશું. રમેશ સિપ્પીના સંતાનો અંગે ફરી ક્યારેક વાત કરીશું.... સિપ્પી પરિવારના મોભીથી શરૂઆત... ગોપાલદાસ પરમાનંદ સિપાહીમલાનીનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના હૈદરાબાદ સિંધ (હાલમાં પાકિસ્તાન)માં પૈસાદાર પરિવારમાં થયો હતો. પરિવાર ટ્રેડ્રિંગનો બિઝનેસ કરતો અને તેઓ અંગ્રેજો તથા યુરોપિયન્સ સાથે કામ કરતા. અંગ્રેજો તથા યુરોપિયન્સને સિપાહીમલાની સરનેમ બોલવામાં ઘણી જ તકલીફ પડતી હતી. આ જ કારણે પરિવારે ટૂંકી ને બોલવામાં સરળ પડે તે રીતે 'સિપ્પી' સરનેમ અપનાવી લીધી. થોડા સમય બાદ પરિવાર હૈદરાબાદથી કરાચી શિફ્ટ થયો. પહેરેલ કપડે સિપ્પી પરિવાર ભારત આવ્યો 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયા. ગોપાલદાસના લગ્ન થઈ ચૂક્યા હતા અને બે સંતાનો હતા. સિપ્પી પરિવાર કરાચીમાં પોતાની તમામ સંપત્તિ, ઘરબાર, કપડાં-સોનું બધું જ મૂકીને માત્ર પહેરેલ કપડે તોફાનોની વચ્ચે ભારત આવ્યો. સિપ્પી પરિવાર જ્યારે ભારત આવ્યો ત્યારે ગોપાલદાસની પત્ની મોહિની દેવીની કાખમાં એક દીકરો સાત મહિનાનો ને બીજો થોડો મોટો હતો. ભારતમાં પરિવાર થોડો સમય રેફ્યૂજી કેમ્પમાં રહ્યો. ત્યારબાદ બોમ્બે (મુંબઈ) આવીને વસ્યો. મુંબઈ આવવાનું એક કારણ એ પણ હતું કે સિપ્પી પરિવારની કેટલીક જમીનો ત્યાં હતી. ગોપાલદાસ પોતે વકીલ હતા. આ ઉપરાંત સરકારે પણ પાકિસ્તાનમાં જમીન સંપત્તિ મૂકીને ભાગી આવ્યા હોવાથી થોડું ઘણું વળતર પણ આપ્યું. ભારતમાં વકીલ બનવાનું નક્કી કર્યું ગોપાલદાસે પોતાના મિત્ર સાથે પોલીસ પ્રોસિક્યૂટરમાં અરજી આપી. કમનસીબે ગોપાલદાસની પસંદગી ના થઈ અને તેમના ખાસ મિત્ર રામ જેઠમલાણી સિલેક્ટ થયા. આગળ જઈને રામ જેઠમલાણી ભારતના જાણીતા વકીલ બન્યા. વકીલમાં નસીબે સાથ ના આપ્યો તો ગોપાલદાસે પછી મુંબઈમાં રેસ્ટોરાં શરૂ કરી, પછી કાર્પેટ વેચ્યા. આ બધામાં ખાસ મજા ના આવત તેમણે બિલ્ડિંગ બનાવવાનું શરૂ કર્યું. મુંબઈમાં પહેલી જ વાર લોકો ફ્લેટ માલિક બન્યા મુંબઈમાં તે સમયે ફ્લેટ પાઘડી સિસ્ટમ પર મળતા હતા એટલે કે ખરીદનારનો પૂરો માલિકી હક ફ્લેટ પર ના હોય. ખરીદી બાદ પણ તેણે દર મહિને ભાડું આપવું જ પડતું. તે ક્યારેય ફ્લેટનો પૂરો માલિક બનતો નહીં. ફ્લેટ બનાવનાર ઓરિજિનલ માલિકનો હક તેમાં રહેતો. આટલું જ નહીં, જ્યારે ફ્લેટ વેચે ત્યારે ઓરિજિનલ માલિકને અડધા રૂપિયા ફરજિયાત આપવા પડતા. ગોપાલદાસે તે સમયે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું. તેમને વિચાર આવ્યો કે તેઓ ફ્લેટ ખરીદનાર જ ફ્લેટના માલિક હોય તેવી એક બિલ્ડિંગ બનાવશે. તેમણે ત્યારે તે સમયના મુંબઈના જાણીતા ન્યૂઝ પેપરમાં જાહેરાત આપવાનું નક્કી કર્યું ને તેની ઑફિસે ગયા. ત્યાં તેમણે જાહેરાતની વાત કરી તો તેમને પૂછવામાં આવ્યું કે તમારે જાહેરાતમાં શું આપવું છે? ગોપાલદાસે એકદમ કડક અંદાજમાં કહ્યું કે ઓનર યોર ફ્લેટ ઇન બોમ્બે. (બોમ્બેમાં તમારા ફ્લેટના માલિક બનો) આ વાત એડિટર સુધી પહોંચી અને તેમણે ચોખ્ખું સંભળાવી દીધું કે અમારા ન્યૂઝ પેપરની ઇમેજ ઘણી જ સારી છે અને આવી ખોટી ને ભ્રામક જાહેરાતો અમે ક્યારેય છાપતાં નથી. કોઈ ફ્લેટનું માલિક કેવી રીતે બની શકે? એમ કહીને તેમને ઑફિસમાંથી હાંકી કાઢવામાં આવ્યા. અપમાનિત થયેલા ગોપાલદાસે પછી તો કોર્ટમાં કેસ કર્યો. કોર્ટે ગોપાલદાસને સવાલ કર્યો કે એક બિલ્ડિંગમાં અનેક ફ્લેટ હોય તો કેવી રીતે બધા ફ્લેટના માલિક બની શકે? ગોપાલદાસે ધારદાર દલીલ કરતા કહ્યું કે જ્યારે એક જ કંપનીમાં અનેક શૅર હોલ્ડર્સ હોય છે તો જમીનના શૅર કેમ ના હોય? આ દલીલ પર કોર્ટે ગોપાલદાસના પક્ષમાં ચૂકાદો આપ્યો અને ન્યૂઝપેપરને જાહેરાત છાપવાનો આદેશ પણ કર્યો. ગોપાલદાસે મુંબઈમાં ગોપાલ મેન્શન કરીને બિલ્ડિંગ બનાવી. આ બિલ્ડિંગ મુંબઈની પહેલા એવી બિલ્ડિંગ હતી કે જેમાં ફ્લેટ ખરીદનારા તમામ માલિક હતા. ત્યારબાદ ગોપાલદાસે કોલાબા તથા ચર્ચગેટમાં કેટલીક બિલ્ડિંગ્સ બનાવી. મરીન લાઇન પર દરિયાની સામે ગોવિંદ મહલ બિલ્ડિંગ બનાવી અને તે મુસ્લિમ બિલ્ડરને વેચી નાખી. બિલ્ડરમાંથી બોલિવૂડમાં ઝંપલાવ્યું એકવાર ગોપાલદાસને એક્ટ્રેસ નરગિસનું ઘર બનાવવાનું કામ મળ્યું. કન્સ્ટ્રક્શન કામ દરમિયાન ગોપાલદાસ અવારનવાર નરગિસના ઘરે જતા અને આ રીતે તેમને ફિલ્મી દુનિયાો સંપર્ક થયો. પછી તો તેમણે હિંદી સિનેમામાં જ કામ કરવાનું નક્કી કર્યું. મુસ્લિમ બિલ્ડર પાસેથી મળેલા રૂપિયામાંથી ગોપાલદાસે પારસી મિત્ર ફલી મિસ્ત્રી સાથે બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી. તેમણે ફિલ્મ 'સઝા' પ્રોડ્યુસ કરી. ફિલ્મને ફલી મિસ્ત્રીએ ડિરેક્ટ કરી અને ફિલ્મમાં દેવ આનંદ તથા નિમ્મી લીડ રોલમાં હતા. 1951માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સઑફિસ પર સફળ થઈ. ગોપાલદાસે પછી આ જ ફિલ્ડમાં આગળ જવાનું નક્કી કર્યું ને તેમણે 'સિપ્પી ફિલ્મ્સ'થી હોમ પ્રોડક્શન શરૂ કર્યું. ગોપાલદાસ પછી બોલિવૂડમાં જી.પી. સિપ્પી તરીકે લોકપ્રિય થયા. 1968માં ડિરેક્ટર સાથે ગંભીર મતભેદો સર્જાયા 1968માં ફિલ્મ 'બ્રહ્મચારી'ના શૂટિંગ દરમિયાન જી.પી. સિપ્પી ને ડિરેક્ટર ભપ્પી સોની વચ્ચે કોઈ મુદ્દે ક્રિએટિવ ડિફરન્સ થયો. શમ્મી કપૂર સ્ટારર આ ફિલ્મ અંગે પ્રોડ્યુસર ને ડિરેક્ટર વચ્ચે એ હદે મતભેદો થયા કે ફિલ્મ જ અટકી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે, થોડા સમય બાદ બંને વચ્ચે સમાધાન થયું અને ફિલ્મ સુપરડુપર હિટ રહી. ત્યારબાદ જી. પી. સિપ્પી ફિલ્મ 'બંધન' બનાવી રહ્યા હતા. ફિલ્મમાં રાજેશ ખન્ના તથા મુમતાઝ લીડ રોલમાં હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન જી. પી. સિપ્પીને એક સમયે એવું થયું કે તે ફિલ્મમેકિંગ બંધ કરીને લંડનમાં પોતાની હોટલ ચલાવે. જોકે, પછીથી તેમણે ફિલ્મમેકિંગનું કામ ચાલુ જ રાખ્યું. જી. પી. સિપ્પી રેસ હોર્સ માલિક પણ હતા અને તેમણે 'વો કૌન થી' ફિલ્મ પરથી પોતાની એક ઘોડીનું નામ પણ રાખ્યું હતું. દીકરો અધવચ્ચે અભ્યાસ મૂકીને આવ્યો જી. પી. સિપ્પીનો એક દીકરો લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતો હતો. જોકે, જી. પી. સિપ્પીએ દીકરાને ભણવાનું અધવચ્ચે મૂકીને ભારત પરત ફરવાનું કહ્યું. બંનેએ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું શરૂ કર્યું. જી. પી. સિપ્પીએ 'સીતા ઔર ગીતા', 'શાન', 'શોલે', 'સાગર', 'રાજુ બન ગયા જેન્ટલમેન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. જી. પી. સિપ્પી ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયામાં પ્રેસિડન્ટ રહ્યા હતા. આ ઉપરાંત ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયામાં ચેરમેન પદે રહી ચૂક્યા હતા. ચાર દીકરા ને એક દીકરી જી.પી. સિપ્પીએ નાની ઉંમરમાં જ મોહિની દેવી સાથે લગ્ન કર્યા હતા. મોહિની દેવી તેમની જ કાસ્ટના હતા અને આ એરેન્જ મેરેજ હતા. તેમને ચાર દીકરાઓ અજીત, રમેશ, વિજય તથા સુરેશ ને એક દીકરી સુનીતા હતી. 2007માં 93 વર્ષની ઉંમરે જી. પી. સિપ્પીનું લીવરની બીમારીને કારણે અવસાન થયું. પાંચ સંતાનો શું કરે? દીકરાએ આત્મહત્યા કરી કે મર્ડર થયું? આજ સુધી વણઉકલ્યો સવાલ જી. પી. સિપ્પીના ચારેય દીકરાઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. દીકરા વિજય સિપ્પીએ કાયદાનો અભ્યાસ કર્યો હતો અને તે સિપ્પી ફિલ્મ્સમાં ડિસ્ટ્રીબ્યૂશન સંભાળતો હતો. તેણે ફિલ્મ 'હંમેશાં' પ્રોડ્યુસ કરી હતી પણ તે સુપરફ્લોપ ગઈ હતી. એપ્રિલ, 1998માં વિજય સિપ્પીની લાશ પોતાના ઘરની બિલ્ડિંગની નીચેથી મળી આવી હતી. આજ દિન સુધી એ રહસ્ય જ રહ્યું કે વિજય સિપ્પીએ આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. 52 વર્ષીય વિજય સિપ્પીનું આકસ્મિક અવસાન થતાં તેમની બંને પત્નીઓ ભાંગી પડી હતી. તેમનો દીકરો સાશા લંડન ભણતો હતો પણ પછી તેને તાત્કાલિક ભારત બોલાવી લેવામાં આવ્યો હતો. સાશાના સંબંધો કાકા-મોટા પપ્પા સાથે સારા નથી. બીજો દીકરો અજીત પણ લંડનમાં જ ભણ્યો અને ત્યારબાદ ત્યાં ત્રણ જેટલી હોટલ ચલાવતો હતો. જોકે, તેમાં દેવું થઈ જતાં અજીત બધું વેચી કરીને મુંબઈ આવી ગયો. ત્યારબાદ અજીત ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરવા લાગ્યો. સુરેશ સિપ્પી પિતા જીવ્યા ત્યાં સુધી જોડે રહ્યો. સુરેશ સિપ્પી ફિલ્મમાં કેરેક્ટર રોલ પ્લે કરે છે. દીકરી સુનીતાનું 1994માં અવસાન થયું. સુનીતાએ થિયેટરમાં કામ કર્યું હતું. ખરી રીતે તો, સિપ્પી પરિવારના સંતાનો વચ્ચે સારા સંબંધો નથી. તેમની વચ્ચે જી. પી. સિપ્પીની સંપત્તિ અંગે વિવાદ થયો હતો અને ત્યારબાદથી તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ. વાત હવે જી. પી. સિપ્પીના દીકરા રમેશ સિપ્પીની... 23 જાન્યુઆરી, 1947માં કરાચીમાં જન્મેલા રમેશ સિપ્પીએ લંડનમાંથી અભ્યાસ કર્યો હતો, પરંતુ પિતાને કારણે ભણવાનું અધવચ્ચે મૂકીને ભારત પરત ફર્યા. ચાર વર્ષની ઉંમરે પિતા સાથે સેટ પર જતા 1951માં પિતાની ફિલ્મ 'સઝા'ના સેટ પર રમેશ સિપ્પી જતા અને આ સમયે તેમની ઉંમર માત્ર ચાર વર્ષની હતી. છ વર્ષની ઉંમરે તેમણે પિતાની ફિલ્મ 'શહેનશાહ'માં ચાઇલ્ડ એક્ટરની ભૂમિકા ભજવી હતી. પિતાની સાથે પ્રોડક્શન તથા ડિરેક્શનમાં કામ કરતા. શરૂઆતમાં તેમણે સાત વર્ષ સુધી આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. રમેશ સિપ્પીએ ડિરેક્ટ કરેલી પહેલી ફિલ્મ 'અંદાજ' 1971માં આવી અને તે સુપરડુપર હિટ હતી. ત્યારબાદ 'સીતા ઔર ગીતા' ડિરેક્ટ કરી. 'શોલે' આઇકોનિક રહી 15 ઓગસ્ટ, 1975ના રોજ રિલીઝ થયેલી 'શોલે'ને બનવામાં છ વર્ષ લાગ્યા અને બજેટ એક કરોડથી વધીને 3 કરોડ થયું. કોઈને આશા નહોતી કે આ ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ જશે. ફિલ્મનું શૂટિંગ લેટ શરૂ થતાં બજેટ વધ્યું અને ડિરેક્ટર રમેશ સિપ્પી પાસે પૈસા નહોતા. આ સમયે પિતા જી. પી. સિપ્પીને વાર્તા ઘણી જ ગમી એટલે તેમણે ફિલ્મ પ્રોડ્યુસ કરવાની વાત કરી અને અંતે ફિલ્મ બનીને તૈયાર થઈ. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે શરૂઆતના દિવસોમાં ખાસ ચાલી નહોતી. જોકે, પછી માઉથ પબ્લિસિટીને કારણે ફિલ્મે સારી કમાણી કરી હતી. ફિલ્મે તે સમયે 35 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની કમાણીનો રેકોર્ડ 20 વર્ષ સુધી તૂટી શક્યો નહોતો. આ ફિલ્મની ગણના બોલિવૂડની આઇકોનિક મૂવીમાં થાય છે. પ્રકાશ મેહરાએ ના પાડતા 'શોલે' રમેશ સિપ્પીને મળી ફિલ્મના રાઇટર સલીમ-જાવેદ સૌ પહેલા ડિરેક્ટર પ્રકાશ મેહરાનો સંપર્ક કર્યો હતો. જોકે, પ્રકાશ મહેરાએ બિઝી હોવાની વાત કહીને ફિલ્મ ડિરેક્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. ત્યારબાદ સલીમ-જાવેદ 'શોલે'ની વાર્તા લઈને ડિરેક્ટર રમેશ સિપ્પી પાસે ગયા. રમેશ સિપ્પીને ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી જ ગમી ગઈ અને તેઓ ફિલ્મ બનાવવા તૈયાર થયા. એક સીન માટે 21 દિવસ સુધી રાહ જોઈ ફિલ્મના એક સીનમાં ઠાકુરના પરિવારના સભ્યોની હત્યા થાય છે અને એક સાથે ડેડબૉડી મૂકવામાં આવી હતી. આ સીન સાંજના સમયે શૂટ કરવાનો હતો અને વાદળો ઘેરાયેલા હતા. આ રીતની સ્કાયલાઇન માટે રમેશ સિપ્પીએ 21 દિવસની રાહ જોઈ હતી અને પછી તે સીન શૂટ કર્યો હતો. ફિલ્મના ક્લાયમેક્સમાં રમેશ સિપ્પીએ અસલી ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. ધર્મેન્દ્રની ગોળીથી અમિતાભ બચ્ચન માંડ માંડ મરતા બચ્યા હતા. રામનગરમાં શૂટિંગ થયું ફિલ્મનું શૂટિંગ બેંગલુરુથી 50 કિમી દૂર આવેલા રામનગરમાં થયું. પર્વતોની વચ્ચે આવેલા શહેરને કારણે આ લોકેશન પસંદ કરવામાં આવ્યું. હિલ્સ આજે 'શોલે હિલ્સ'થી લોકપ્રિય છે. ફિલ્મના શૂટિંગ માટે રામનગરની અંદર જ રામગઢ ગામ વસાવવામાં આવ્યું હતું. રમેશ સિપ્પી ફિલ્મના સેટ માટે કાચા રસ્તાને પાક્કા કર્યા, ઘરો બાંધ્યા, મંદિર પણ બનાવ્યું. ફિલ્મનો સેટ આર્ટ ડિરેક્ટર રામ યાદેકરે બનાવ્યો હતો. રામનગરના જે વિસ્તારમાં 'શોલે'નું શૂટિંગ થયું તે હવે 'સિપ્પી નગર'થી લોકપ્રિય છે. 'શોલે'ની કમાણી 'શાન'માં સમાઈ 1980માં સાડા ચાર કરોડના બજેટમાં રમેશ સિપ્પીએ 'શાન' ફિલ્મ બનાવી. મલ્ટી સ્ટાટર આ ફિલ્મને બનાવવામાં પૈસા પાણીની જેમ વહાવવામાં આવ્યા. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શશિ કપૂર, શત્રુધ્ન સિંહા, પરવીન બાબી જેવા કલાકારો હતા. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સારો રિસ્પોન્સ મળ્યો, પરંતુ નેગેટિવ રિવ્યૂને કારણે ફિલ્મ ફ્લોપ ગઈ. ફિલ્મે માત્ર 6.5 કરોડની કમાણી કરી હતી. અલબત્ત, જ્યારે ફિલ્મ ટીવી પર રિલીઝ થઈ ત્યારે ચાહકોને ઘણી જ ગમી અને ત્યારથી તે કલ્ટ ક્લાસિક ફિલ્મની ગણતરીમાં આવે છે. ફિલ્મમાં કુલભૂષણ ખરબંદાએ શાકાલનો રોલ પ્લે કર્યો હતો. શાકાલના રોલથી કુલભૂષણ ખાસ્સો લોકપ્રિય થયો હતો, ફિલ્મ ફ્લોપ જતાં લોકોમાં ચર્ચા થવા લાગી કે રમેશ સિપ્પીએ 'શોલે'માંથી જેટલી કમાણી કરી હતી તે 'શાન'માં ડૂબાડી દીધી. પરવીન બાબીને એન્ઝાયટી એટેક આવ્યો ફિલ્મ 'શાન'ના શૂટિંગ દરમિયાન પરવીન બાબીને પહેલી જ વાર એન્ઝાયટી અટેક આવ્યો. ફિલ્મના ગીત 'પ્યાર કરને વાલે...'નું જ્યારે શૂટિંગ પૂરું થયું અને પછી તરત જ એક સીન હતો કે પરવીન કારની અંદર હોય છે અને અમિતાભ બચ્ચન આવે છે. આ દરમિયાન પરવીનને એન્ઝાયટી એટેક આવ્યો અને તે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું. પરવીન થોડો સમય અમેરિકામાં સારવાર લેવા ગઈ. આટલું જ નહીં. આ દરમિયાન પરવીને અમિતાભ પર જાનથી મારી નાખવાના આક્ષેપો પણ કર્યા હતા. રમેશ સિપ્પીએ 'શોલે'ની જેમ જ ક્લાસિક ટીવી સિરિયલ આપી જ્યારે પણ બોલિવૂડની વાત આવે ત્યારે 'શોલે'નો ઉલ્લેખ થયા વગર રહે જ નહીં. ક્લાસિક કલ્ટ સાબિત થયેલી ફિલ્મ 'શોલે'ની જેમ જ રમેશ સિપ્પીએ ટીવી ઇન્ડસ્ટ્રીને સિરિયલ 'બુનિયાદ' આપી છે. આ સિરિયલ મે, 1986થી મે, 1987 દરમિયાન દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ હતી. સિરિયલમાં ભારત-પાકિસ્તાનના ભાગલાની વાત કરવામાં આવી હતી અને સ્ટોરી 1915-1985 સુધીના સમયગાળાની બતાવવામાં આવી હતી. ક્રિટિક્સે આ સિરિયલ અંગે વાત કરતા કહ્યું હતું કે મંગળવાર અને શનિવારે જ્યારે આ સિરિયલ દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતી ત્યારે લાહોરમાં પણ આ સિરિયલ દેખાતી. આ બંને દિવસે લાહોરમાં રાત્રે કરફ્યૂ જેવો માહોલ થઈ જતો. ગલીઓ ને રોડ સૂના ભેંકાર લાગતા અને લોકો સિરિયલ શરૂ થાય તે પહેલાં ઝડપથી ઘરે પહોંચી જતા. આ સિરિયલે લોકપ્રિયતામાં 'નુક્કડ' સિરિયલને પાછળ મૂકી દીધી હતી. ડૉક્ટર્સે પત્ર લખ્યો સિરિયલમાં આલોકનાથ, સોની રાઝદાન, અનીતા કંવર, દલીપ તાહિલ, મઝહર ખાન, વિજયેન્દ્ર ઘાટગે, કંવલજીત સિંહ જેવા સ્ટાર્સ હતા. સિરિયલમાં જય ભૂષણનો રોલ એક્ટર અભિનવ ચતુર્વેદીએ પ્લે કર્યો હતો. સિરિયલમાં જય ભૂષણને લ્યૂકેમિયા હતો અને તે મોતને ભેટ્યો હતો. આ સમયે ટાટા મેમોરિયલ કેન્સર હૉસ્પિટલના અનેક ડૉક્ટર્સે ચિઠ્ઠી લખી હતી કે જય ભૂષણને મરતો બતાવવામાં ના આવે, કારણ કે તેનાથી કેન્સર પેશન્ટ્સનું મોરલ તૂટશે અને તેઓ જીવવાનો ઉત્સાહ ગુમાવી દેશે. આ સિરિયલના શૂટિંગ દરમિયાન સોની રાઝદાન પ્રેગ્નન્ટ થઈ હતી. એક દિવસ શૂટિંગ સમયે સોનીને ઇડલી ખાવાની તીવ્ર ઈચ્છા થઈ હતી. સોની કોઈ કામમાં ફોકસ કરી શકતી નહોતી. અંતે, એક્ટર મઝહર ખાને પોતાના ડ્રાઇવરને મોકલીને ઇડલી-સાંભર લાવીને આપ્યા હતા. બધાના આશ્ચર્યની વચ્ચે સોની 8 ઇડલી ઝાપટી ગઈ હતી. સોનીને પછીથી ખ્યાલ આવ્યો કે તે સમયે પ્રેગ્નન્ટ હતી અને દીકરી શાહિનને જન્મ આપ્યો હતો. અંગત જીવનમાં હીરો કરતાં પણ રંગીન રમેશ સિપ્પી રમેશ સિપ્પીએ પહેલા લગ્ન ગીતા સાથે કર્યા હતા. આ લગ્નથી તેમને ત્રણ સંતાનો, રોહન, દીકરી શીના તથા બીજી દીકરી સોન્યા. પરિણીત હોવા છતાં રમેશ સિપ્પીનું નામ કોઈને કોઈ એક્ટ્રેસ સાથે જોડાતું હતું. પહેલી જ મુલાકાતમાં રમેશ સિપ્પી પ્રેમમાં પડ્યા એક્ટ્રેસ કિરણ જુનેજા એકવાર રમેશ સિપ્પીના પ્રોજેક્ટ માટે ઓડિશન આપવા આવી હતી. રમેશ સિપ્પીને પહેલી નજરમાં જ કિરણ જુનેજા ગમી ગઈ અને તે પ્રેમમાં પડ્યા. આ સમયે રમેશ સિપ્પી પરિણીત ને ત્રણ સંતાનોના પિતા હતા. આટલું જ નહીં, કિરણ તેમના કરતાં 17 વર્ષ નાની હતી. રમેશ સિપ્પીનો મોટો દીકરો રોહન પણ 17-18 વર્ષનો હતો. ચાર વર્ષ ડેટિંગ કર્યું કિરણે પછી રમેશ સિપ્પીએ ડિરેક્ટ કરેલી સિરિયલ 'બુનિયાદ'માં કામ કર્યું. બંનેએ એકબીજાને ચાર વર્ષ સુધી ડેટ કર્યા. એ વાત અલગ છે કે આ સમયે રમેશ સિપ્પી પરિણીત હતા. પત્નીથી અલગ થયા નહોતા છતાં કિરણ સાથે સંબંધો રમેશ સિપ્પી પત્નીથી અલગ થયા નહોતા, કારણ કે દીકરો રોહન ટીનેજ હતો અને તેની ફાઇનલ બોર્ડની એક્ઝામ હતી. દીકરો ભણવામાં પૂરતું ધ્યાન આપે એ જ કારણે રમેશ સિપ્પીએ પત્નીથી અલગ થવાનું કે ડિવોર્સ લેવાનું વિચાર્યું નહીં. રમેશ સિપ્પીના સુખી સંસારમાં આગ ચાંપનાર કિરણ જુનેજાને બી ટાઉનમાં અંદરખાને હોમ બ્રેકર કહેવામાં આવે છે. જોકે, કિરણ જુનેજાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે કોઈનું ઘર ભાંગ્યું નથી. રમેશ સિપ્પી પહેલી પત્ની સાથે ખુશ નહોતા અને પછી તેઓ પ્રેમમાં પડ્યા. એ રીતે તેણે કોઈના પરિવારને વેરવિખેર કર્યો નથી. તે રમેશ સિપ્પીને મળી તે પહેલા જ તેમના લગ્નજીવનમાં ખટાશ આવી ચૂકી હતી. 1991માં રમેશ-કિરણનાં લગ્ન ચાર વર્ષના ડેટિંગ બાદ રમેશ સિપ્પીએ પત્ની ગીતાને ડિવોર્સ આપ્યા અને 1991માં કિરણ જુનેજા સાથે લગ્ન કર્યા. રમેશ તથા કિરણને કોઈ સંતાન નથી. રમેશના ત્રણેય બાળકો કિરણને માન-સન્માન આપે છે, પરંતુ તેને માતા કહેવાને બદલે કિરણ નામથી જ બોલાવે છે. તો પતિથી અલગ થયા બાદ ગીતાએ બેસ્ટ ફ્રેન્ડ અરુણ સ્વરૂપ સાથે 1989માં લગ્ન કર્યા. કિરણ જુનેજાની વાત કરીએ તો, ફેબ્રુઆરી, 1964માં નવી દિલ્હીમાં જન્મેલી કિરણના પિતા ડૉક્ટર હતા. કિરણે 1984માં ઇન્ડો-ઇટાલિયન ફિલ્મ 'શાહીન'માં લીડ રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ રાજશ્રી પ્રોડક્શનની સિરિયલ 'પેઇંગ ગેસ્ટ'માં કામ કર્યું હતું. આ ઉપરાંત 'યે જો હૈ ઝિંદગી', 'કિસ્મત', 'જુનૂન', 'સિદ્ધિ', 'બરસાત', 'બંજારા' 'ગેસ્ટ હાઉસ', 'સ્વાભિમાન' જેવી સિરિયલમાં કામ કર્યું. કિરણે સિરિયલ ઉપરાંત વિવિધ ફિલ્મ 'બંટી ઔર બબલી', 'ખોસલા કા ઘોસલા', 'જબ વી મેટ', 'ક્રિશ', 'ફેશન', 'બદમાશ કંપની'માં પણ કામ કર્યું છે. કિરણ જુનેજાને ખરી ઓળખ ટીવી સિરિયલ 'બુનિયાદ' તથા 'મહાભારત'માં ગંગાના રોલથી મળી. કિરણ જુનેજા છેલ્લે 2022માં ફિલ્મ 'મિસ્ટર મમ્મી'માં જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    1500થી વધુ કોન્ટ્રાક્ટ કર્મીઓને એક સાથે 1 ફેબ્રુઆરીએ છૂટા કરાશે:ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટમાં 10 વર્ષથી સેવા આપતા કર્મીઓને વ્હોટ્સએપથી જાણ કરાઈ
    Next Article
    'છોકરી પસંદ કરો, ફસાવવાનું કામ અમારું':કોન્ટ્રેક્ટ લઈને હનીટ્રેપ અને સેક્સટોર્શન કરનારનો પર્દાફાશ, સગીરો સાથે વીડિયો બનાવતા

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment