Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના કામરેજમાં 16 અને પલસાણામાં 14 ઈંચ વરસાદ:શહેરના રસ્તાઓ પર વાહનોના બદલે બોટ ચલાવવી પડી, આવતીકાલે શહેર-જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

    1 day ago

    ગુજરાતમાં સુરત સહિત પાંચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી ડૂબ્યા હતા. આજે પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા ચારેકોર જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતા લોકોનું ટ્રેકટર અને બોટથી રેસ્ક્યૂ કરવાની ફરજ પડી રહી છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદની વચ્ચે એક બાળકીનું કરંટ લાગતા અને એક મહિલાનું વીજળી પડતા મોત નિપજ્યું છે. જ્યારે વરાછા વિસ્તારમાં મહાકાય વૃક્ષ પડતા બાઈક પર સવાર બે લોકોના મોત નિપજ્યા છે. ત્રણ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે. સુરત શહેર-જિલ્લામાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી હોય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 8 જુલાઈએ તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયેલા સુરત શહેરમાંથી ઉપડતી તમામ એસટી બસો રોકી દેવામાં આવી છે. પાણી ઉતર્યા બાદ સ્થિતિની નિરીક્ષણ કર્યા બાદ બસ વ્યવહાર પૂર્વવત કરાશે. રાજ્યમાં સવારે 6 થી બપોરે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 16 ઈંચ, સુરત શહેરમાં 12 ઈંચ અને સુરતના પલસાણામાં 14 ઈંચ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પડી છે. 4 નેશનલ અને 4 સ્ટેટ હાઈવે સહિત 347 રસ્તાઓ હજી પણ બંધ છે. ડેમની વાત કરીયએ તો 11 ડેમ હાઈએલર્ટ પર છે. સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે હાલ અલગ અલગ જિલ્લામાં NDRFની 12 અને SDRFની 27 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. માછીમારોને 11 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. સુરતમાં PSIએ મહિલાને પીઠ પર ઊંચકી પાણીમાંથી બહાર કાઢ્યા સુરતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકતા આઝાદનગર વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો ફસાયા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનના PSI સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને લોકોને ઊંચકીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તાપી નદીના કોઝવેની સપાટી ભયજનક સ્તર વટાવી 7.16 મીટરે પહોંચી સુરતમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા કોઝવેની સપાટીએ ભયજનક સ્તર વટાવી દીધું છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઝવેની સાચી ભયજનક સપાટી 6 મીટર નક્કી કરવામાં આવેલી છે, પરંતુ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવકને કારણે વર્તમાન સપાટી વધીને 7.16 મીટર પર પહોંચી ગઈ છે. હાલમાં કોઝવે પરથી 67,126 ક્યુસેક જેટલું પાણી ધોધમાર વહી રહ્યું છે અને તે ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને પગલે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે. ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે (7 જુલાઈ) પણ 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, જ્યારે અન્ય 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત બપોરે 4 થી સાંજે 7 વાગ્યા દરમિયાન સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહીનું રેડએલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં ખાડીની જળસપાટીમાં વધારો, 2100 લોકોનું સ્થળાંતર અને NDRF-SDRFની ટીમો તૈનાત સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પલસાણા અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક ખાડીઓમાં મોટા પ્રમાણમાં નવા પાણીની આવક નોંધાઈ છે, જેના પરિણામે ખાડીઓની જળસપાટીમાં વધારો થયો છે. આ પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને સુરતના નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં આશરે 2100 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા અને સ્થાનિક રાહત કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની વિશેષ ટીમો આજે જ સુરત આવી પહોંચશે, જેથી પૂરના સંકટ સમયે બચાવ કાર્ય ઝડપથી કરી શકાય. બીજી તરફ, સહારા દરવાજા ગરનાળામાં એસટી બસ ફસાઈ હતી. જોકે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે લોકો જીવના જોખમે કોંક્રિટ પિલર (થાંભલા) પર ચડીને રેલવે ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ રેલવે ફાટક ગરનાળાની ઉપર આવેલું છે. ચોમાસું 2026: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 જિલ્લાના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 8 ઇંચથી વધુ, તેમજ પારડી, ઉમરગામ, સુરતના કામરેજ અને ભાવનગરના ઘોઘા તાલુકામાં 6-6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 07 જુલાઈ, 2026 સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા થઈ ગયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 1.92 ટકા વરસાદ થયો છે. જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT (આશરે 65 ટકા) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ચરસની હેરાફેરીના કેસમાં એક આરોપીને 20 વર્ષની સજા:પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે રૂ. 2 લાખનો દંડ પણ ફટકાર્યો; અન્ય એક આરોપી હાલ ફરાર
    Next Article
    મુંબઈમાં ભારે વરસાદથી રાજકોટ ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત:5 ટ્રેનો રદ અને 1 ટ્રેન આંશિક રીતે રદ કરાઈ, સ્ટેન્ડિંગ ચેરમેને મવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment