Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં હીટવેવ સામે સ્માર્ટ પ્લાન:મનપાનાં આરોગ્ય વિભાગે 1.5 લાખ લોકોને મેસેજ કરી ગરમીથી બચવાનાં ઉપાયો જણાવ્યા, LED ડિસ્પ્લે દ્વારા જાગૃતિ અભિયાન, ટૂંક સમયમાં ORS વાન કાર્યરત થશે

    18 hours ago

    સમગ્ર ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે રાજકોટ મનપાનું તંત્ર ટેકનોલોજી અને જનજાગૃતિના સમન્વય સાથે મેદાને ઉતર્યું છે. રાજકોટના આરોગ્ય વિભાગે હીટવેવ સામેની આ લડાઈમાં 'સ્માર્ટ એપ્રોચ' અપનાવતા શહેરની જનતાને સુરક્ષિત રાખવા ડિજિટલ માધ્યમો અને મોબાઈલ વાનનો સહારો લીધો છે. તંત્ર દ્વારા અત્યાર સુધી લાખો લોકોને પર્સનલાઈઝ્ડ મેસેજ મોકલી સાવચેત કરવામાં આવ્યા છે અને શહેરમાં જુદા જુદા સ્થળોએ લાગેલી LED સ્ક્રીન દ્વારા લોકોને હિટવેવ સામે બચાવ કઈ રીતે કરવો તેની માહિતી અપાઈ રહી છે. તો ટૂંક સમયમાં ORS વાન મારફતે લોકોના ઘર સુધી પહોંચવાની તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આયોજન વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું હતું કે, અમે લોકો સુધી ઝડપથી માહિતી પહોંચાડવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે શહેરના અંદાજે 1.5 લાખ જેટલા નાગરિકોને તેમના મોબાઈલ પર હીટવેવથી બચવા માટેના સાવચેતીના મેસેજ મોકલી દીધા છે. આ ખાસ મેસેજ દ્વારા લોકોને ગરમીમાં શું કરવું અને શું ન કરવું તેની સીધી માહિતી મળી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, શહેરના મુખ્ય ચોકો અને જાહેર માર્ગો પર આવેલી રાજકોટ સ્માર્ટ સિટીની મોટી LED સ્ક્રીન પર પણ સતત હીટવેવની એડવાઈઝરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેથી રસ્તા પર પસાર થતા લોકો પણ ગરમીના જોખમ વિશે જાગૃત રહે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે. જેમાં ખાસ તરસ લાગે કે ન લાગે, દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહેવું. મુસાફરીમાં હંમેશા પીવાનું પાણી સાથે રાખવું. તો ઠંડા પીણામાં ઘરે બનાવેલી તાજી છાશ અને લીંબુ પાણી, નાળિયેર પાણી કે લસ્સીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે શરીરને વધુ હાઈડ્રેટ કરે છે. ગ્રાઉન્ડ ઝીરો પર 'ORS વાન'નું આયોજન માત્ર ડિજિટલ માધ્યમો જ નહીં, પરંતુ પ્રત્યક્ષ રીતે લોકો સુધી પહોંચવા માટે રાજકોટ મહાનગરપાલિકા એક ખાસ ORS વાન' શરૂ કરવા જઈ રહી છે. આ અંગે માહિતી આપતા ડો. વાંકાણીએ જણાવ્યું કે, આ વાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરશે. તેમાં આરોગ્ય વિભાગનો સ્ટાફ તૈનાત રહેશે જે લોકોને હીટ સ્ટ્રોકના લક્ષણો વિશે સમજાવશે અને પેમ્ફલેટ વિતરણ કરશે. ખાસ કરીને જે શ્રમિકો અને લોકો ભરબપોરે બહાર કામ કરે છે, તેમને ડિહાઈડ્રેશનથી બચવા માટે ઓઆરએસનાં પેકેટ અને પાણીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિને લુ લાગે તો તેને ત્વરિત સારવાર મળી રહે તે માટે પદ્મકુંવરબા હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ (PDU) ખાતે ખાસ હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કુલ 20 બેડ (દરેક હોસ્પિટલમાં 10-10) ખાસ કરીને ગરમીના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ સાથે તમામ આરોગ્ય કેન્દ્રોને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે. દરેક આરોગ્ય કેન્દ્રો પર આઈસ પેક્સ, પૂરતો દવાઓનો જથ્થો અને ઓઆરએસ ઉપલબ્ધ છે. ગત વર્ષની જેમ જ બીઆરટીએસ બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો પર પણ પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવનાર છે. હીટવેવથી આ રીતે બચવા મનપાની માર્ગદર્શિકા હાઇડ્રેશન સૌથી મહત્વનું: તરસ લાગે કે ન લાગે, દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહેવું. મુસાફરીમાં હંમેશા પીવાનું પાણી સાથે રાખવું. પીણાંની પસંદગી: ઘરે બનાવેલી તાજી છાશ, લીંબુ પાણી, નાળિયેર પાણી કે લસ્સીનો ઉપયોગ કરવો. આલ્કોહોલ, વધુ પડતી ખાંડવાળા સોફ્ટ ડ્રિંક્સ અને કેફીનયુક્ત પીણાં (ચા-કોફી) ટાળવા જોઈએ કારણ કે તે શરીરને વધુ ડિહાઈડ્રેટ કરે છે. ખોરાકમાં સાવધાની: ગરમીના દિવસોમાં હળવો ખોરાક લેવો. વધુ પ્રોટીનવાળો અને વાસી ખોરાક ન લેવો કારણ કે તે પાચનમાં સમસ્યા ઉભી કરી શકે છે. રસોઈ અને વેન્ટિલેશન: દિવસના સૌથી ગરમ કલાકોમાં રસોઈ કરવાનું ટાળવું. રસોડામાં પૂરતી હવાની અવરજવર માટે બારીઓ ખુલ્લી રાખવી. બહાર નીકળતી વખતે સાવચેતી: ખુલ્લા પગે બહાર ન જવું. બપોરે 12 થી 4 ના સમયગાળામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. જો બહાર નીકળવું પડે તો માથા પર ટોપી કે રૂમાલ રાખવો. વાહનોમાં સાવધાની: પાર્ક કરેલી કારમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને ક્યારેય એકલા ન છોડવા. બંધ વાહનનું તાપમાન ખૂબ જ ઝડપથી જોખમી સ્તર સુધી વધી શકે છે. ક્યારે તબીબી મદદ લેવી? ડો. વાંકાણીએ લુ લાગવાના લક્ષણો જણાવતા કહ્યું કે, જો કોઈને વધુ પડતો પરસેવો થાય, અશક્તિ લાગે, સ્નાયુઓમાં ખેંચાણ થાય, ચક્કર આવે કે ઉબકા-ઉલ્ટી થાય, તો તેને સામાન્ય બાબત ગણીને અવગણવી નહીં. આ લક્ષણો હીટ સ્ટ્રોકના હોઈ શકે છે. આવા કિસ્સામાં દર્દીને ઠંડી જગ્યાએ લાવી તરત જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર લઈ જવો અથવા ઈમરજન્સીમાં 108 નો સંપર્ક કરવો.રાજકોટ મહાપાલિકા આકરા ઉનાળામાં નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે અને જનતાને પણ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ તેમણે કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ઝોમેટો ડિલિવરી બોય આપઘાત કેસ:પોલીસ કમિશનરે કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી, ક્રાઇમ બ્રાંચે મૃતકના પરિવારજનોના નિવેદનો લીધા, પરિવારની ન્યાયની માંગ
    Next Article
    UG-NEETમાં ગેરરીતિ અટકાવવા વિદ્યાર્થીઓને રજા ન આપવા NTAનો નિર્ણય:મેડિકલ વિંગના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું, વિદ્યાર્થીઓને કોલેજમાં બંધ કરવાના બદલે સિસ્ટમમાં સુધાર કરવાની જરૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment