Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો 'ઝેર' બનાવતા:2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત; સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ

    2 days ago

    ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે સચિન GIDC વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડો પાડ્યો છે, જે જાણીને કોઈપણ સામાન્ય નાગરિકના હોશ ઉડી જાય. 'સબકા ફૂડ્સ'ના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી, માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી 'વિદુર ઘી' તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી લાખોની કિંમતનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત 35.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કેમિકલના એસેન્સ-તેલના મિશ્રણથી 'ઝેર' બનતું તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે. આરોપીઓ અત્યંત શાતિર રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા. તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા હતા. આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણાદાર ટેક્સચર આપી દેતું હતું. આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું. આ રીતે માત્ર 1 કિલોમાંથી 15 કિલો 'ઝેર' તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું. 'વિદુર' બ્રાન્ડના નામે સપ્લાય આરોપીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું નકલી ઘી 'વિદુર (Vidur) ગાયનું ઘી અને દેશી ઘીના બ્રાન્ડ નેમ હેઠળ વેચવામાં આવતું હતું. આ માલ માત્ર સુરત પૂરતો મર્યાદિત નહોતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ઘી ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ હોલસેલ ભાવે મોકલવામાં આવતું હતું. 100 MLના પાઉચથી લઈને 15 કિલોના મોટા ડબ્બા સુધીનું પેકેજિંગ ઉપલબ્ધ હતું. ગ્રાહકોને છેતરવા માટે ડબ્બા પર આકર્ષક સ્ટીકરો અને માર્કેટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભરત પોલરા, અમીન વઢવાણીયા મુખ્ય સૂત્રધાર આ મસમોટા કૌભાંડ પાછળ બે મુખ્ય શખસના નામ સામે આવ્યા છે. પ્રથમ આરોપી ભરત પોલરા (રહે. કામરેજ, મૂળ અમરેલી) અને બીજો આરોપી અમીન વાઢવણિયા (રહે. ઘોડદોડ રોડ, સુરત)છે. ભરત પોલરા છેલ્લા એક વર્ષથી આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો. આ બંને શખસે મજૂરો રાખીને સુવ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું. 'સબકા ફૂડ્સ' નામનું FSSAIનું લાયસન્સ પણ લીધું હતું, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ આ લાયસન્સની આડમાં તેઓ શુદ્ધ ઘીના નામે કેમિકલયુક્ત ભેળસેળવાળું ઘી વેચતા હતા. લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા દરોડા દરમિયાન ઘી નકલી હોવાની પુષ્ટિ કરવા માટે શહેર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર્સ તુષાર નાગર અને ચેતનકુમાર પરમારને સ્થળ પર બોલાવાયા હતા. અધિકારીઓએ ફેક્ટરીમાં પડેલા ડબ્બાઓ અને ગરમ થઈ રહેલા 'લુઝ' ઘીના નમૂના લીધા હતા. આ સેમ્પલ્સને સીલ કરીને સરકારી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ફૂડ ઓફિસર્સના મતે, આ પ્રકારનું ભેળસેળયુક્ત ઘી લાંબા ગાળે કેન્સર અને લીવરની ગંભીર બીમારીઓ નોંતરી શકે છે. ભાડાની ફેક્ટરીમાં ચાલતો હતો કાળો કારોબાર આ કૌભાંડ માટે આરોપીઓએ સચિન GIDCમાં પ્લોટ ભાડે રાખ્યો હતો, જેનું માસિક ભાડું રૂ. 30,000 રુપિયા હતું. આ મિલકત અનિતાબેન ખાટીવાલા નામની મહિલાની હોવાનું બહાર આવ્યું છે. તેવી જ રીતે તલંગપોરનું ગોડાઉન 4,000 રુપિયાના ભાડે લેવાયું હતું. નવાઈની વાત એ છે કે આટલો મોટો વેપાર ચાલતો હોવા છતાં કોઈ કાયદેસરનો ભાડાકરાર કરવામાં આવ્યો નહોતો. આરોપીઓએ ગેરકાયદે રીતે આ આખી પ્રોપર્ટીનો ઉપયોગ ભેળસેળયુક્ત ઘી બનાવવા માટે કર્યો હતો. તલંગપોરના ગોડાઉનમાં પણ SOGના દરોડા મુખ્ય ફેક્ટરી પર દરોડા બાદ પૂછપરછમાં આરોપી ભરત પોલરાએ અન્ય એક ગોડાઉન હોવાની કબૂલાત કરી હતી. પોલીસ ટીમ તેને સાથે રાખીને તલંગપોરના ગીતા નગર સ્થિત પ્લોટ નં.79 પર પહોંચી હતી. અહીં તપાસ કરતા પામોલીન તેલના ડબ્બા અને વનસ્પતિ ઘીના મસમોટા પાઉચ મળી આવ્યા હતા. આરોપીઓ અહીં કાચો માલ છુપાવી રાખતા હતા અને જરૂરિયાત મુજબ તેને સચિન GIDCની ફેક્ટરી પર લઈ જઈને અસલી ઘીમાં ભેળવી દેતા હતા. આ ગોડાઉનમાંથી પણ લાખોનો માલ સીલ કરવામાં આવ્યો હતો. દરોડા સમયે મજૂરોમાં નાસભાગ મચી SOGની ટીમે જ્યારે સચિન GIDCના પ્લોટ નં. આઈ/33માં ત્રાટકી ત્યારે ત્યાં કામ કરતા મજૂરો અને સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ફેક્ટરીને ચારે બાજુથી કોર્ડન કરી લીધી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ફેક્ટરીમાં મોટા તપેલાઓમાં ઘી ગરમ થઈ રહ્યું હતું અને પેકિંગની પ્રક્રિયા ચાલુ હતી. SOGએ જપ્ત કરેલા મુદ્દામાલની વિગતો મશીનરી: ફિલિંગ મશીન (2 લાખ), પાઉચ મશીન (3.5 લાખ), કમ્પ્રેસર (30 હજાર), સ્લેવ મશીન (40 હજાર). પેકેજિંગ: 24,000થી વધુ પ્લાસ્ટિકના ખાલી ડબ્બા અને 42,000 જેટલા બ્રાન્ડેડ સ્ટિકર્સ તૈયાર માલ: વિદુર ઘીના 15 કિલોના 78 ડબ્બા (કિંમત રૂ. 8.19 લાખ) અને હજારો નાના પેકેટ્સ કાચો માલ: પામોલીન તેલ અને વનસ્પતિ ઘીનો આશરે 5.50 લાખનો જથ્થો રોકડ: રૂ. 2,00,000 અને મોબાઈલ ફોન દરોડાનું ડિજિટલ રેકોર્ડિંગ કરાયું આધુનિક સમયની તપાસ પદ્ધતિ મુજબ, પોલીસે સમગ્ર દરોડાની કાર્યવાહીનું ડિજિટલ રેકોર્ડિંગ કર્યું હતું. SOGના અધિકારીઓએ 'ઈ-સાંખ્ય' એપ્લિકેશન દ્વારા ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી હતી. આ એપ દ્વારા જનરેટ થયેલા ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 63(4)Cના પ્રમાણપત્રોને પણ તપાસના કામે જોડવામાં આવ્યા છે. આનાથી આરોપીઓ સામે કોર્ટમાં મજબૂત ટેકનિકલ પુરાવા રજૂ કરી શકાશે અને તેઓ કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં. BNS હેઠળ ગુનો દાખલ પોલીસે આરોપીઓ ભરત પોલરા અને અમીન વઢવાણીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 274, 275, 318(4), 61(2) અને 3(5) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કલમો હેઠળ ભેળસેળ કરવી, નકલી વસ્તુઓ અસલી તરીકે વેચવી અને છેતરપિંડી કરવા બદલ કડક સજાની જોગવાઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સુરતના કયા કયા વેપારીઓ આ નકલી ઘીના નેટવર્કમાં સામેલ હતા અને આ માલ કયા કયા શહેરોમાં સપ્લાય થયો છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં નકલી સાધુઓ ઝડપાયા, લાખોની ઠગાઈનો પર્દાફાશ:SOGએ સાધુના વેશમાં બે ઠગોને 9.90 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા
    Next Article
    LSG's Rs 1 Crore Star Tries To Touch Kohli's Feet. RCB Star's Reaction Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment