Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોણ છે દુબઇમાં ભારતીયોની મદદ કરનારા ધીરજ જૈન?:બુર્જ ખલીફાના 141મા માળે ઓફિસ, 80 હજાર સ્ક્વેર ફૂટનું ફાર્મ હાઉસ; લોકો છૂટા પડ્યાં ત્યારે આંખમાં આંસુ હતા

    15 hours ago

    દુબઇમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના 141મા માળે આખા ફ્લોરમાં બનેલી ઓફિસ.... 50 કિલોમીટર દૂર 80 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું વિશાળ ફાર્મ હાઉસ.... ફાર્મ હાઉસમાં 11 બેડરૂમ, 4 હોલ.... 11 લક્ઝુરિયસ કાર.... આ જાહોજલાલી એક એવા ભારતીય પરિવારની છે જે 11 વર્ષ પહેલાં દુબઇ સ્થાયી થયો છે. મૂળ રાજસ્થાનના મારવાડી જૈન પરિવારમાં જન્મેલા અને છેલ્લી 7 પેઢીથી મહારાષ્ટ્રના માલેગાંવ અને પુનામાં રહેતાં ધીરજ જૈન દુબઇમાં સ્ટાર્ટ અપમાં રોકાણ કરે છે અને રિયલ એસ્ટેટ ડેવલપરનો ધંધો પણ કરે છે. તેઓ જુમેરા-1 નામની બિલ્ડિંગમાં રહે છે. ઇરાને દુબઇ પર હુમલો કરતાં ત્યાં ગુજરાતીઓ સહિત ઘણા ભારતીયો અને વિદેશી નાગરિકો ફસાઇ ગયા હતા. ધીરજ જૈને ફસાયેલા લોકો માટે પોતાનું ફાર્મ હાઉસ ખુલ્લું મૂકી દીધું હતું. તેમણે લોકો માટે ફક્ત રહેવા-જમવાની વ્યવસ્થા જ નહીં પણ હોટલથી લાવવા માટે વાહનની સુવિધા અને બીમાર લોકોને દવા પણ પૂરી પાડી હતી. યુદ્ધના કારણે લોકોની માનસિક સ્થિતિને ધ્યાને રાખીને કાઉન્સેલિંગની સેવા પણ આપી હતી. આમ દુબઇમાં પણ એક પ્રકારનું મિની ઇન્ડિયા ઊભું કર્યું હોવાની સ્થિતિ સર્જી દીધી હતી. લોકોએ અહીંથી છૂટા પડતી વખતે આંખમાં આંસુ સાથે વિદાય લીધી હતી. દિવ્ય ભાસ્કરે ધીરજ જૈન અને તેમના ફાર્મ હાઉસમાં રોકાયેલા એક ભારતીય નાગરિક સાથે વાતચીત કરી હતી. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો તેમની સંવેદનશીલતાની વાત. હુમલો થયો અને ફાર્મ હાઉસ ખૂલ્લું મૂકવાનો વિચાર આવ્યો ઇરાને જ્યારે પહેલીવાર દુબઇ પર હુમલો કર્યો ત્યારે મોબાઇલ પર એલર્ટ આવ્યું હતું કે દુબઇમાં ડ્રોન અને મિસાઇલ હુમલા થઇ રહ્યાં છે. આ સમયે ધીરજ જૈન બુર્જ ખલીફામાં આવેલી પોતાની ઓફિસમાં હતા. તેમણે ઓફિસમાં બેસીને જ હુમલા અંગેની વિગતો મેળવી હતી. આના પછી તેઓ સાંજે 6:30 વાગ્યે ઘરે પહોંચ્યા હતા. હુમલાના લીધે સર્જાયેલી પરિસ્થિતિનો તેમને ખ્યાલ આવી ગયો હતો. ધીરજ જૈને દુબઇમાં ફસાયેલા લોકો માટે કંઇક કરવાનું વિચારી લીધું હતું. તેમને આઇડિયા આવ્યો કે અંદાજે 2 એકરમાં ફેલાયેલું મારૂં ફાર્મ હાઉસ હું લોકોની સેવા માટે ખૂલ્લું મૂકી દઉં તો કેવું રહે? 11 દિવસ સુધી ફાર્મ હાઉસમાં રહ્યાં તેમણે પોતાના વિચારનો તરત જ અમલ કર્યો અને રાત્રે 9:30 વાગ્યા આસપાસ એક મેસેજ બનાવ્યો અને ફોરવર્ડ કરવા લાગ્યા. મેસેજમાં હતું કે જેને કોઇ તકલીફ હોય તે મારા ફાર્મ હાઉસ પર આવી શકે છે. ધીરજ જૈન અને તેનો પરિવાર સતત 11 દિવસ સુધી ફાર્મ હાઉસમાં રહ્યાં હતા અને લોકોને મદદ પૂરી પાડી હતી. કોમ્યુનિટી ગ્રુપ્સમાં મેસેજ ફોરવર્ડ કર્યાં ધીરજ જૈને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, દુબઇમાં ત્યારે ભયનું વાતાવરણ ફેલાયેલું હતું. મેં મહારાષ્ટ્રીયન, રાજસ્થાની, જૈન અને ભારતીય વગેરે જેવા અલગ અલગ કોમ્યુનિટી ગ્રુપ્સમાં મેસેજ મોકલ્યાં હતા. મારો મેસેજ ઇન્ડિયન કોન્સ્યૂલેટ સુધી પણ પહોંચ્યો હતો. જ્યારે લોકો ઇન્ડિયન કોન્સ્યૂલેટને ફોન કરતાં કે અમે દુબઇમાં અટવાયેલા છીએ અને મદદની જરૂર છે ત્યારે કોન્સ્યૂલેટ તરફથી પણ અમારો નંબર અપાતો હતો. તેમના ફાર્મ હાઉસ પર 700થી 1 હજાર લોકોની વ્યવસ્થા થઇ શકે તેમ હતી. તેમનું ફાર્મ હજુપણ લોકો માટે ખૂલ્લું જ છે અને હજુપણ લોકો આવી રહ્યાં છે. 10 હજાર લોકો જમી શકે તેટલું અનાજ લાવ્યા તેઓ કહે છે કે, મારી પાસે ફાર્મ હાઉસ પર 100 મેટ્રેસીસ હતા અને મને અંદાજ હતો કે વધારે જરૂર પડશે એટલે અમે તૈયાર જ હતા. અમે 500 મેટ્રેસીસ લઇ આવ્યા અને 700 બ્લેન્કેટ લઇ આવ્યા. 10 હજાર લોકો ભોજન કરી શકે તેટલાં અનાજનો અમે ઓર્ડર આપીને અહીંયા લઇ આવ્યા હતા.મેં અત્યારે પણ બધાંને કહ્યું છે કે ફરીવાર પેનિક થાય તો મારું સરનામું અને મારો નંબર બધાંને ખબર જ છે. 25 લોકોનો સ્ટાફ સેવામાં લાગી ગયો કુલ 300થી 350 લોકો તેમના ફાર્મ હાઉસ પર રોકાયા હતા. જેમાંથી કેટલાક લોકો એક દિવસ તો કેટલાક 3 દિવસ સુધી રોકાયા હતા કારણ કે તેમની ટિકિટ બૂક નહોતી થતી. ઘણાં લોકો 6-7 દિવસ સુધી રોકાયા હતા. ધીરજ જૈન પાસે કુક વગેરે મળીને કુલ 25 લોકોનો સ્ટાફ હતો. તેમણે પોતાની ઓફિસના કર્મચારી અને મિત્રોને મેસેજ કરીને ફાર્મ હાઉસ પર લોકોની સેવા માટે બોલાવી લીધા હતા. કોઇ પાસેથી એકપણ રૂપિયો નથી લીધો વ્યવસ્થાની વાત કરતાં તેમણે કહ્યું કે, રહેવા માટે જગ્યા અને ખાવાનું ફ્રી હતું. અમે હોટલથી લાવવા તેમજ એરપોર્ટ પર ડ્રોપ પણ કરી આવતાં હતા. તેના માટે મારી 11 કાર પણ લોકોની સેવામાં મૂકી દીધી હતી. તે પણ 100% ફ્રી હતું. અહીંયા કોઇની પાસે એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી. અમે કોઇ સામાજિક સંસ્થા, સરકાર કે કોઇની પાસેથી એક રૂપિયો લીધો નથી. બધો ખર્ચો અમે અમારા ખિસ્સાંમાંથી જ કર્યો છે. અમારે માત્ર સેવા કરવી હતી. સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી લોકોની સેવામાં ધીરજ જૈન અને તેનો પરિવાર ટેન્ટમાં રહેતાં લોકો સાથે ટેન્ટમાં જ સૂઇ જતો. તેઓ કહે છે કે, અમારે એ લોકોને એવો અહેસાસ કરાવવો નહોતો કે તમે ઇન્ડિયાની બહાર ક્યાંય અટવાયા છો. લોકોની સેવા માટે અમે સવારે 6 વાગ્યે ઊઠી જતાં હતા અને રાત્રે 12 વાગ્યે સૂતા હતા. અમારા બાળકોએ પણ લોકોની સેવા કરી હતી. કોઇ ગેસ્ટે તો એવું કહ્યું હતું કે અમે ટુરિસ્ટ બનીને આવ્યા હતા પણ ફેમિલી બનીને જઇ રહ્યાં છીએ. ફાર્મ હાઉસમાં રોકાયેલા લોકોને સવારે બ્રેક ફાસ્ટ, બપોરે લંચ, સાંજે ટી અને રાત્રે ડિનર આપવામાં આવતું હતું. આ ઉપરાંત સવારે મેડિટેશન અને યોગ કરાવતાં હતા. બપોરે ફૂટબોલ, બેડમિન્ટન અને ક્રિકેટ જેવી ગેમ્સ રમાડતાં હતા. સાંજે બધાં સાથે મળીને મૂવી જોતા હતા. દુબઇમાં આવું થશે તેની કલ્પના પણ નહોતીઃ ધીરજ જૈન તેમણે કહ્યું કે, અમે ઇન્ડિયા-પાકિસ્તાન, ઇન્ડિયા- ઇંગ્લેન્ડ, ઇન્ડિયા-ન્યૂઝિલેન્ડ મેચ પણ લોકો સાથે મળીને જોઇ હતી. આ બધું કરવાનું કારણ એ હતું કે લોકો અહીંયા પેનિક સિચ્યુએશનમાં આવ્યા હતા. ઉપર આકાશમાં ડ્રોન અને મિસાઇલ ફૂટતાં હતા. દુબઇમાં આવું કંઇ થાય તેવી ક્યારેય કલ્પના પણ કરી નહોતી. આમાંથી ઘણાં બધાં તો પહેલી વખત ઇન્ડિયા છોડીને ઇન્ટરનેશનલ ટૂર પર નીકળ્યાં હતા. અહીં આવેલા લોકો માટે 3 અલગ અલગ હોસ્પિટલના કેમ્પ પણ કરાવ્યા હતા. રાઇટ હેલ્થ, બી.એન.સિંહા અને NMC એમ 3 હોસ્પિટલોએ તેમના ખર્ચે અહીંયા કેમ્પ કર્યાં હતા. લોકોનું મેડિકલ ચેકઅપ કરીને જરૂરી દવાઓ પણ તેમને આપી હતી. કેટલાંક પેસેન્જર 7 કે 8 દિવસની બી.પી. અને ડાયાબિટીસની દવા લઇને આવ્યા હતા. તેમની દવા પૂરી થઇ ગઇ હતી. જેથી એ જ દવા પણ તેમને લાવીને આપી હતી. લોકોનું કાઉન્સેલિંગ કર્યું તેઓ આગળ કહે છે કે, અમે બે પ્રકારના પ્રશ્નોનો સામનો કર્યો હતો. જેમાં એક પેનિક સિચ્યુએશન હતી, લોકો રડી રહ્યાં હતા. ઇન્ડિયાથી લોકોના ફોન આવતાં હતા. અમારે કાઉન્સેલિંગની જરૂરિયાત હતી. અમે તો કાઉન્સેલિંગ કરી જ રહ્યાં હતા પરંતુ અમે બહારથી પણ કેટલાક કાઉન્સેલર બોલાવ્યા. સ્વૈચ્છિક રીતે કેટલાંક લોકો અહીંયા આવ્યા અને તેમની સાથે વાત કરી અને તેમને ગેમ્સમાં ઇનવોલ્વ કર્યા તો લોકો આ પેનિકમાંથી બહાર નીકળવા લાગ્યાં હતા. કરોડપતિ લોકો મિત્રો સાથે ટેન્ટમાં રહેવા આવ્યા વધુમાં તેમણે જણાવ્યું કે, મારી પાસે 2 કેટેગરીના લોકો હતા. એક એવા પ્રકારના લોકો હતા જેમની પાસે પૈસા નહોતા, લિમીટેડ બજેટ લઇને આવ્યા હતા. તે હોટલમાં વધુ રોકાઇ શકે તેમ નહોતા, તેમની ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી શકતાં નહોતા. બીજી એવી કેટેગરી હતી. જેમાં 30 જણાંનું તેમજ 50 જણાંનું ગ્રુપ હતું. 2-4 જણાં મલ્ટિ મીલિયોનર હતા પરંતુ તેમના મિત્રો એફોર્ડ કરી શકતા નહોતા. તે લોકો અહીંયા ટેન્ટમાં રહેવા આવ્યા હતા. 'મલ્ટિ મીલિયોનર લોકોએ ઇન્ડિયા રિટર્ન જવાની ફ્લાઇટનું બૂકિંગ ના કરાવ્યું કે ન તો તેઓ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા. તેમની પાસે પૈસા હતા. તેમના ઘરના લોકોનું દબાણ પણ હતું કે તમે આવી જાવ, અમે તમારા માટે ચાર્ટર્ડ ફલાઇટ કરાવીએ છીએ પણ તેમણે તેમના મિત્રો સાથે જ રહેવાનું પસંદ કર્યું.' ધીરજ જૈને કહ્યું કે,મેં પર્સનલી એક જણાંને રોકડમાં મદદ કરી છે. કેટલાક લોકોએ પણ પોતાની રીતે બીજા લોકોને મદદ કરી હતી. ભારતનો અમીર પરિવાર મિત્રો સાથે અહીં ફરવા આવ્યો હતો. જેમાંથી 4-5 લોકોની ટિકિટ બાકી હતી તો આ પરિવારે તેમની ટિકિટ કરાવી દીધી હતી. લોકોએ રડતાં-રડતાં વિદાય લીધી અહીં 4 લોકો એવા આવ્યા હતા જે 11-12 દિવસ તો પોતાની રીતે હોટલમાં રોકાયા પણ પૈસા પૂરા થઇ જતાં તેમને ઇન્ડિયન એમ્બેસીએ ધીરજ જૈનનો નંબર આપ્યો હતો. અહીંથી જતી વખતે લોકોએ ભીની આંખે વિદાય લીધી હતી. તેઓ જણાવે છે કે, ઘણા લોકો જતાં રહ્યાં છે. જતી વખતે ઘણાં લોકો રડતાં રડતાં ગયા છે. હું મારા શબ્દોમાં તેને વર્ણવી ન શકું. તે લોકોએ અમને ભગવાન જેવા ગણાવ્યા, દેવદૂત કહ્યાં પણ અમે બહુ નાના છીએ. આ રીતની ઉપમા અમારે જોઇતી નથી. અહીંયા જે પરિવાર રહ્યાં હતા. તે ઇન્ડિયામાં અમારા બાળકોના લગ્નમાં તો આવશે જ. બધાંએ અમને એવું પણ કહ્યું છે ભારત આવો તો એક મિનિટ માટે પણ અમારા ઘરે આવવાનું છે. ફાર્મ હાઉસથી 17 કિલોમીટર દૂર બ્લાસ્ટ થયો હતો આ ફાર્મ હાઉસથી 17 કિલોમીટર દૂર ફૂઝેરામાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. જેની તીવ્રતા એટલી હતી કે ફાર્મ હાઉસની જમીન હલી હોય તેવો અનુભવ થયો હતો. જોરદાર અવાજ પણ સંભળાયો હતો. ધીરજ જૈન કહે છે કે, અહીંયા કોઇ હુમલો થયો નથી કે ફાર્મ હાઉસને પણ કોઇ નુકસાન થયું નથી. અમે વ્યક્તિગત કશું જોયું નથી પણ અહીંયા જે લોકો આવ્યા તેમાંથી ઘણાં લોકોએ મિસાઇલ અને ડ્રોનનો હુમલો જોયો હતો. અમે જુમેરામાં ઘરે હતા ત્યારે ગેલેરીમાંથી ડ્રોન હવામાં પસાર થતાં જોયાં હતા. ફટાકડાં ફૂટતાં હોય તેવા અવાજો અમે ઘણાં સાંભળ્યાં હતા. મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા ગોવિંદસિંહ રાજપૂત આ ફાર્મ હાઉસમાં રોકાયા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાનો અનુભવ જણાવ્યો હતો. AIએ ધીરજ જૈનનો નંબર આપ્યો ગોવિંદસિંહ કહે છે કે, હું અહીંયા ફરવા અને મિત્રોને મળવા આવ્યો હતો. હુમલા બાદ મારી ટિકિટ કેન્સલ થઇ ગઇ હતી. જેથી હું પરેશાન થઇ ગયો હતો. મેં ગૂગલમાં ધીરજ જૈનનો નંબર સર્ચ કર્યો તો AIએ મને સીધો જ તેમનો નંબર આપી દીધો. મેં તેમને ફોન કર્યો તો તેમણે લોકેશન આપીને અહીં આવી જવા માટે કહ્યું હતું. મેં ટેક્સી બૂક કરાવી હતી. મારી પાસે વધારે પૈસા નહોતા પણ ટેક્સીવાળો 45 દિરહામ લઇને મને અહીં ફાર્મ હાઉસ પર ઉતારી ગયો હતો. ગોવિંદસિંહ જ્યારે ફાર્મ હાઉસ પર પહોંચ્યા ત્યારે ધીરજ જૈને તેમને રૂમ આપ્યો હતો, ખાવા-પીવાનું અને વાઇફાઇ પણ આપ્યું હતું. તેઓ કહે છે કે, અહીં મને બધી સુવિધા પૂરી મળી હતી. માનસિક, શારીરિક અને આર્થિક એમ બધી રીતે અમે બહુ હેરાન થઇ ગયા હતા. અહીંયા આવીને રાહત મળી છે. ગોવિંદસિંહે અટવાયેલા લોકોને ધીરજ જૈનનો સંપર્ક કરવાની પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, અહીંયા ફક્ત ભારતીયોને જ નહીં પરંતુ અન્ય દેશના લોકોને પણ આશ્રય અને સુવિધા મળી રહ્યાં છે. ધીરજ જૈન બહુ સારું કામ કરી રહ્યાં છે. આ તો મારું સૌભાગ્ય છે કે એક દિવસ પહેલાં જ મે તેમનો વીડિયો જોયો હતો. તેમના વિશે જાણવા મળ્યું હતું. નહીં તો હું અહીંયા સુધી પહોંચી શક્યો નહોત. મેં ફેસબૂક પર વીડિયો બનાવીને નાંખ્યો છે કે જે લોકો અહીં અટવાયેલાં છે તે લોકો સંપર્ક કરે. અહીંયા ખાવા, પીવાનું તો ઠીક પણ કોઇ કહે કે ફરવા માટે ગાડી જોઇએ છે તો તે પણ આપે છે. હું તેમનો દિલથી આભાર માનું છું.
    Click here to Read More
    Previous Article
    આ સપ્તાહ કેવું રહેશે?:મિથુન-કુંભ રાશિના જાતકોને મહેનતનું મીઠું ફળ મળશે, મેષ-સિંહ રાશિ માટે વિદેશ પ્રવાસના યોગ
    Next Article
    ધમકી:સોનાની લકી પરત માગતા મારવાડી કોલેજના વિદ્યાર્થીને મિત્રની ખૂનની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment