Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 કલાકથી પૂરમાં ફસાયેલા યુવકને બચાવવા PI વીજળીના થાંભલે ચઢ્યા:પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જીવ સટોસટનો જંગ જામ્યો, વાપીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    1 day ago

    ચારેય બાજુ પાણીનો ધસમસતો પ્રવાહ અને તેમાં પોતાનો જીવ બચાવવા માટે એક વ્યક્તિએ વીજળીના થાંભલાને વળગીને જેમ તેમ કરીને સહારો મેળવ્યો. એ વ્યક્તિને બચાવવા માટે એક પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના જીવની ચિંતા કર્યા વગર હાઇવોલ્ટેજ વીજ થાંભલા પર ચઢી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકોની સાથે મંત્રીઓ અને નેતાઓએ પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે. હકીકતમાં આ વાયરલ વીડિયો વાપીનો છે. પાણીમાં ફસાયેલી વ્યક્તિને બચાવવા માટે થાંભલા પર ચઢનારા PI બી.એન.ગોહિલ છે. જે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ ઘટના બની કેવી રીતે? તેની પોલીસને કેવી રીતે જાણ થઇ? બચાવવા માટે કેવા પ્રયત્નો થયા અને એ પછી કેવી રીતે સફળતા મળી? આ વ્યક્તિને બચાવવા માટે જ્યારે PI લાઇટના થાંભલા પર હતા ત્યારે તેમના મનમાં સતત શું ચાલી રહ્યું હતું? આવા અનેક સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે વલસાડના DySP તરીકે ફરજ બજાવતા બી.એન દવે અને PI બી.એન. ગોહિલ તેમજ જેનું રેસ્ક્યૂ કરાયું હતું તે મકસુદનભાઇ સાથે વાતચીત કરી હતી. ધોધમાર વરસાદથી કોલક નદી તોફાની બની 22મી જુલાઇની રાત વાપીના રહેવાસીઓ માટે આફત સમાન હતી. કેમ કે અહીં જાણે આભ ફાટ્યું હોય તેમ અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો અને કોલક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ચારે બાજુ પૂરની સ્થિતિ સર્જાઇ હતી. બીજીતરફ મોરાઇ ગામની સીમમાં સિક્યોરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા મકસુદનભાઇ જોતજોતામાં પાણીમાં ફસાઇ જાય છે. બચવા માટે તેની પાસે કોઇ વિકલ્પ ન રહેતાં છેવટે તે લાઇટના થાંભલાને પકડી લે છે. તેને નજર સામે મોત દેખાતું હતું. આ ઘટનામાં જે વ્યક્તિ ધસમસતાં પાણીમાં વીજળીના પોલને પકડીને કલાકો સુધી ઊભા રહ્યાં હતા તે મકસુદન યાદવ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી.તેની વાત તેના જ શબ્દોમાં.... 'હું છેલ્લા 6 વર્ષથી ગુજરાતમાં રહું છું. આલોક કંપનીમાં સંપ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે કામગીરી કરું છું અને આ જ કંપનીમાં રહું છું. આટલા વર્ષોથી અહીં છું પણ આવું ક્યારેય નહોતું થયું. મારી ડ્યુટી સવારે હોય છે. એ દિવસે ડ્યુટી પતાવી એ પછી રાત્રે જમીને સૂવા માટે ગયો. ડ્યુટી પર એક છોકરો હતો. હું તેને કહીને સૂઇ ગયો હતો કે પાણી વધે તો મને ઉઠાડજે. એ પછી હું પાસેની ખુલ્લી જગ્યામાં સૂઇ ગયો હતો.' રાતે 3 વાગ્યે આંખ ખૂલી તો ચોરતફ પાણી હતું ‘અંદાજે રાતના 3 વાગ્યા હશે. મારો હાથ મારી પથારીની બહાર ગયો તો તેના પર પાણીના છાંટા પડ્યાં એટલે હું એકદમ ઝબકીને ઊઠી ગયો ને વિચાર્યું કે એટલો બધો વરસાદ પડ્યો કે બાજુમાં પડેલી ડોલ પણ ભરાઇ ગઇ? થોડે આગળ જઇને બહાર જોયું તો બહુ પાણી આવી ગયું હતું.’ જોતજોતામાં તો ચહેરા સુધી પાણી આવી ગયું 'આ ઘટના જોઇને મેં મારો મોબાઇલ લીધો અને ટી-શર્ટમાં તેને બાંધી દીધો. જોતજોતામાં પાણી વધવા લાગ્યુંને ઢીંચણસમું પાણી થઇ ગયું. એ પછી ત્યાંથી આગળ વધતો ગયો તો છેક ગળા સુધી પાણી થઇ ગયું. આ દરમિયાન મારા હાથમાં એક દોરી જેવું કંઇક આવ્યું. તેને પકડી તો એ તૂટી ગઇ. તેની બાજુમાં એક ઝાડ હતું, તેને પકડી લીધું પણ લાગ્યું કે અહીં લાંબો સમય સુધી ટકી શકાશે નહીં એટલે તેને છોડીને લાઇટના થાંભલાને પકડી લીધો. જેવો મેં એ થાંભલાને પકડ્યો કે મારી દાઢી સુધી પાણી આવી ગયું. થાંભલાની બાજુમાં ખેડૂતના ખેતરનું ફાઉન્ડેશન દેખાયું જે બાદ હિંમત કરીને તેના પર ચઢી ગયો ને ત્યાં બેસવાની કોશિશ કરી પણ પાણીનો પ્રવાહ અને સ્તર એટલું વધારે હતું કે જેના કારણે ઊભું થઇ જવું પડ્યું.' 'હું મનમાં રાધે રાધે બોલતો હતો' 'રાતના 3 વાગ્યાથી લઇને સવાર સુધી તો મારી હાલત ખરાબ થઇ ગઇ હતી પણ મનમાં એક વાત હતી કે ભગવાન મને ગમે તે રીતે બચાવી લેશે. આ દરમિયાન હું મનમાં રાધે રાધે બોલતો હતો. મેં ફોનને ટી-શર્ટમાં બાંધ્યો હતો એટલે સુરક્ષિત હતો. તેમાં રીંગ વાગે પણ બે હાથે પોલ પકડેલો હતો આવામાં હું કોલ રિસીવ ન કરી શક્યો. લોકોના સતત આવતા ફોનના કારણે બેટરી ઉતરી ગઇ અને ફોન બંધ થઇ ગયો.' 'પોલીસ જવાનો વીજળીના પોલ પર ચઢ્યાં. તેમાં એક વાર તો તેઓ ચઢતાં ચઢતાં પણ પડી ગયા હતા છતાં જીવના જોખમે ચઢ્યાં અને મને બચાવવાના પ્રયત્નો કર્યાં. છેવટે એક હેલિકોપ્ટર આવ્યું અને મને બચાવી લીધો. હું ગુજરાત પોલીસ અને એ અધિકારીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.' પાણીમાં ફસાયેલા મકસુદન યાદવને બચાવવા માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર લાઇટના થાંભલા પર ચઢનારા PI ગોહિલે દિવ્ય ભાસ્કરને પોતાનો અનુભવ જણાવ્યો. તેમણે કહ્યું, એ વ્યક્તિને બચાવવા માટે અમારી પાસે ખૂબ ઓછો સમય હતો. અમે તમામ પ્રયત્નો કર્યા છતાં કોઇ રસ્તો દેખાતો નહોતો. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યાં ત્યારે પહેલાં બધું જોયું કે ક્યાં શું છે. એ પછી તેમના સુધી પહોંચવાના અનેક પ્રયત્નો કર્યાં પણ કામ ન લાગતાં અમે એક સ્ટ્રેટેજી બનાવી. જેમાં નક્કી કર્યું કે હવે લાઇટના થાંભલા પર ચઢીને ત્યાં સુધી પહોંચવું પડશે. આ માટે મંકી ક્લાઇમ્બિંગ કરીને જ પહોંચી શકાશે.' એકબાજુ ડર હતો, બીજીબાજુ વિશ્વાસ હતો વીજ થાંભલા પર ચઢતી વખતે મનમાં કેવી ગડમથલ ચાલતી હતી તેની વાત કરતા તેઓ કહે છે કે, મનમાં એમ ચાલતું હતું કે મારે તો સેફ્ટી રાખવાની જ છે પણ તેની સાથે સાથે ગમે તે રીતે રસ્સી લઇને એ વ્યક્તિ સુધી પહોંચવું છે. આ દરમિયાન કોઇ ખ્યાલ મગજમાં નહોતો પણ એક વાત નો ડર હતો કે આ ઈલેક્ટ્રિકનો થાંભલો છે. ત્યાં ઉપર જઇશ અને કોઇ લાઇન ચાલુ તો નહીં કરી દે ને? જો કે હિંમત રાખીને એ વીજળીના થાંભલા પર ચઢ્યો. અમે એ વ્યક્તિને દૂરથી હિંમત આપી રહ્યાં હતા. આ ઓપરેશન વિશે DySP બી.એન દવેએ વિગતવાર માહિતી આપી હતી. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, એ રાતે વાપીમાં અચાનક જ ખૂબ વરસાદ પડ્યો હતો. જેના કારણે વાપી અને તેની આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબ્યાં હતા. 23મી તારીખની સવારે અમે અમારી ફરજના ભાગરૂપે પેટ્રોલિંગ કરવા માટે નીકળ્યાં હતા. જે દરમિયાન અમને સમાચાર મળ્યાં કે અમદાવાદ-મુંબઇ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48ની બાજુમાં આવેલા મોરઇ ગામની સીમમાં કોલક નદીના પટમાં એક વ્યક્તિ ફસાઇ છે. તેણે પોતાનો જીવ બચાવવા માટે વીજળીના થાંભલાને પકડી રાખ્યો છે અને પાણી વચ્ચે ઊભો છે. પાણીના પ્રચંડ પ્રવાહ સામે તરવૈયાઓ પણ લાચાર હતા પોલીસની ટીમ જ્યારે ત્યાં પહોંચી તો જોવા મળ્યું કે એ વ્યક્તિ પાસે પહોંચી શકાય તેવી પરિસ્થિતિ નહોતી કેમ કે પાણીનો પ્રવાહ ખૂબ વધારે હતો. જેના પછી પોલીસે સ્થાનિક તરવૈયાઓનો સંપર્ક કરીને તેમને બોલાવ્યા. તરવૈયાને રસ્સી બાંધીને પાણીમાં મોકલ્યા પણ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તરવૈયાઓ પણ ત્યાં સુધી પહોંચી શક્યાં નહીં. અંતે તેમને જે રસ્સી બાંધી હતા તેનાથી પાછા ખેંચી લેવાયા. બીજી રીતે ઘણાં પ્રયત્નો કરવાના ચાલુ રાખ્યાં પણ સફળતા ન મળી એટલે ડિઝાસ્ટર કન્ટ્રોલમાં જાણ કરી. SPને જાણ કરી સાથે જ કલેક્ટરને પણ માહિતી આપીને SDRFની ટીમ માગવામાં આવી હતી. DySP દવે કહે છે કે, SDRFની ટીમ વલસાડથી વાપી સુધી આવે તો તેને વચ્ચે પહાડીથી પસાર થવું પડે. ત્યાં પણ નદીના પાણી હાઇવે પર આવી ગયા હતા.પાણીનો પ્રવાહ એટલો હતો કે એ ટીમ જલ્દીથી પહોંચી શકે તેમ નહોતી. તેમને ટુકવાડા પાસે એક અન્ય રેસ્ક્યૂમાં જવાનું થયું. જેથી ત્યાં જ રોકાઇ ગઇ. પોલીસના જવાનોને પણ સફળતા ન મળી આવી પરિસ્થિતિમાં ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમ, GIDC PI સિદ્ધાર્થસિંહની ટીમ અને ટ્રાફિકના જવાનોની મદદથી ફરી બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો.જવાનોએ લાઇફ જેકેટ પહેરીને કમરમાં દોરડા બાંધી એ વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. થાંભલા પર ચઢવાનો વિચાર આ રીતે આવ્યો તેઓ જણાવે છે કે, બધી રીતે નિષ્ફળતા મળતી હતી. હવે શું કરવું એ અમે સતત વિચારી રહ્યાં હતા. આ સમયે વિચાર આવ્યો કે નીચે તો નદીનો ધસમસતો પ્રવાહ છે. જેના કારણે આપણે ત્યાં જઇ શકતાં નથી પણ જો ઉપર લાઇટના થાંભલાના વાયર જાય છે તો એ વાયરથી પહોંચીને બીજા થાંભલે પહોંચીએ તો કદાચ એ વ્યક્તિ સુધી પહોંચી શકાય અને તેનો બચાવ થઇ શકે. તરવૈયો થાકી ગયો પણ PI થાંભલા પર ચઢી ગયા 'આ દરમિયાન અમે સૌથી પહેલાં GEBનો સંપર્ક કરીને વીજ પ્રવાહ બંધ કરાવ્યો. સ્થાનિક તરવૈયાની મદદ લીધી. તે એક થાંભલા પર ચઢીને બીજા થાંભલા પર દોરડું લઇને પહોંચ્યો. એ પછી અમારા PI બી.એન ગોહિલ ત્યાં સુધી પહોંચ્યાં પણ ત્યાં પહોંચતાં જ એ તરવૈયો થાકી ગયો હતો. જેના કારણે એ થાંભલા પર ચઢી ન શક્યો. હવે શું કરવું તેની ચિંતા હતી પણ PI ગોહિલને પોતાનામાં ખૂબ જ આત્મવિશ્વાસ હતો. તેણે મને કહ્યું કે સર હું આ કરી શકીશ. જે બાદ તેમણે બીજા થાંભલા પર ચઢીને ત્રીજા થાંભલા પર જવા માટેની તૈયારીઓ શરૂ કરી હતી. છેવટે હેલિકોપ્ટરની મદદ માંગવી પડી આ બધાની વચ્ચે કોસ્ટ ગાર્ડની ટીમ પણ ત્યાં હાજર હતી. તે બોટ દ્વારા ફસાયેલી વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરતી હતી પણ સફળતા નહોતી મળતી. છેવટે પોલીસે કલેક્ટર અને SP પાસે હેલિકોપ્ટરની મદદ માંગી હતી. આ તરફ PI ગોહિલ લાઇટના થાંભલા પર હતા ને બીજી તરફ દૂરથી હેલિકોપ્ટર આવતું દેખાઇ રહ્યું હતું એટલે ત્યાં હાજર બધાને વિશ્વાસ આવી ગયો હતો કે એ વ્યક્તિનો જીવ બચી જશે. PI થાંભલા પરથી નીચે આવ્યા અને બધા ભેટી પડ્યા DySP દવેએ કહ્યું, જે વ્યક્તિ ફસાઇ હતી તે દિવ્યાંગ હતી. એટલે તેનું મનોબળ મજબૂત રાખવા માટે પણ પ્રયત્ન કર્યા હતા પણ પવન અને વરસાદ એટલો હતો કે તેના સુધી અવાજ પહોંચતો નહોતો. કિનારા પર જે ટોળું વળેલું હતું એ જોઇને તેને વિશ્વાસ આવી ગયો હતો કે હવે તેને કોઇપણ રીતે બચાવી લેવાશે. અમને સૌથી વધારે ખુશી એ વાતની હતી કે આખી રાત જે માણસ લાઇટના થાંભલાના સહારે ટકી રહ્યો હતો તેનું રેસ્ક્યૂ કરાયું. PI ગોહિલ થાંભલા પરથી નીચે આવ્યાં ત્યારે અમે બધા તેમને ભેટી પડ્યાં હતા. કેમ કે અમે સવારે સાડા દસ વાગ્યાથી આ રેસ્ક્યુમાં લાગ્યાં હતા. જે સાંજે 7 વાગ્યે પૂરૂં થયું હતું. PI ગોહિલ અને સમગ્ર વાપી પોલીસની ટીમે એ સાબિત કરી દીધું છે કે ખાખી વર્દી પાછળ પણ એક સંવેદનશીલ અને બહાદુર દિલ ધબકતું હોય છે.
    Click here to Read More
    Previous Article
    રાજીનામા બાદ પ્રધાન સંસદ પહોંચ્યા, NDA સાંસદોએ સ્વાગત કર્યું:વિપક્ષનું ગૃહની બહાર અને અંદર વિરોધ પ્રદર્શન, લોકસભા-રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત
    Next Article
    Cops Who Used Pellet Guns On Protesters Identified, CRPF Leads Probes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment