Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીનો 13 વર્ષ જૂનો 14 વર્ષીય સગીરાના અપહરણનો કેસ:પોલીસે 1800થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોળ્યા, વસ્તી ગણતરીના બહાને ભોગ બનેલી યુવતીને શોધી; આરોપીની ધરપકડ

    3 दिन पहले

    અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં સગીર બાળકીના અપહરણ અને POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. ફરિયાદ સમયે બાળકીની ઉંમર આશરે 14 વર્ષની હતી અને આરોપી અજાણ્યો હોવાથી વર્ષોથી આ કેસ પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો. કેસની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં અનેક પોલીસ અધિકારીઓ અને ટીમોએ તપાસ કરી હતી, પરંતુ કોઈ નક્કર કડી મળી નહોતી. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન અને સૂચનાથી અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ-AHTU દ્વારા આ જૂના કેસની ફરીથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. PI વી.પી. ગોલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયાની મદદથી તપાસ આગળ ધપાવી હતી. 1800 જેટલી ફેસબુક-ઇન્સ્ટાગ્રામ ID તપાસી તપાસ દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓને સોશિયલ મીડિયા પર સક્રિય વિવિધ લોકોની પ્રોફાઇલ તપાસવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ભોગ બનનારની જન્મતારીખ, નામ, સમાજ અને સંભવિત વિસ્તારને આધારે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામની આશરે 1200થી 1800 જેટલી ID તપાસવામાં આવી હતી.દરેક પ્રોફાઇલમાં ભોગ બનનારના ફોટા, વીડિયો અથવા જન્મદિવસ સંબંધિત પોસ્ટ જેવી વિગતો શોધવામાં આવતી હતી. આ દરમિયાન એક સોશિયલ મીડિયા IDમાં ભોગ બનનારની જન્મતારીખ સાથે મેળ ખાતી પોસ્ટ પોલીસના ધ્યાનમાં આવી હતી. ત્યારબાદ આ IDની વધુ તપાસ કરતાં ભોગ બનનારને મળતા આવતા ફોટા અને અન્ય માહિતી મળી આવી હતી. રિક્ષાના નંબરથી આરોપીના મોબાઈલ સુધી પહોંચી પોલીસ સોશિયલ મીડિયા પરથી મળેલી કડીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રોફાઇલમાં જોવા મળેલા ફોટામાં પાછળ એક વાહન પણ દેખાતું હતું. પોલીસે વાહનની નંબર પ્લેટની તપાસ કરતાં તે રિક્ષા હોવાનું અને તેનો ઉપયોગ મોરબી વિસ્તારમાં થતો હોવાનું સામે આવ્યું હતું. આરટીઓની વિગતોના આધારે પોલીસે રિક્ષાના માલિક સુધી પહોંચીને તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. મોબાઈલ નંબરના આધારે આગળની તપાસ કરતાં બેંક એકાઉન્ટની વિગતો મળી હતી. આ બેંક એકાઉન્ટમાં વર્ષો જૂનો ભોગ બનનારનો ફોટો પણ પોલીસને મળ્યો હતો. આ ફોટો કેસની તપાસમાં સૌથી મહત્વની કડી સાબિત થયો હતો. બેંક એકાઉન્ટમાં રહેલો 13 વર્ષ જૂનો ફોટો બન્યો પુરાવો પોલીસને મળેલા બેંક એકાઉન્ટના રેકોર્ડમાં ભોગ બનનારનો તે સમયનો ફોટો હતો, જે તેના ગુમ થવાના સમયગાળાની આસપાસનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ ફોટાના આધારે પોલીસને ખાતરી થઈ કે સોશિયલ મીડિયા પરથી મળેલી કડી ખોટી દિશામાં નહોતી. આ પછી પોલીસ ટીમ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે પહોંચી હતી. જોકે ગામમાં આરોપીનું ચોક્કસ ઘર કયું છે તે શરૂઆતમાં નક્કી થઈ શક્યું નહોતું. જેથી પોલીસ ટીમે સ્થાનિક સ્તરે માહિતી મેળવવા માટે વસ્તી ગણતરીના કર્મચારીઓ તરીકે ઓળખ આપી શેરીઓમાં જઈ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે વસ્તી ગણતરીના બહાને પાંચ-સાત ઘરોમાં પૂછપરછ કરી પોલીસે ગામમાં વસ્તી ગણતરીની કામગીરીના બહાને અનેક ઘરોમાં પૂછપરછ કરી હતી. પાંચથી સાત જેટલા ઘરોની તપાસ બાદ પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી હતી. ત્યાં રહેલી મહિલાની ઓળખ અંગે શંકા જતા પોલીસે તેના પિયર પક્ષ અને પિતાનું નામ પૂછ્યું હતું. મહિલાએ પોતાના પિતાનું નામ જણાવતાં તે નામ વર્ષ 2013માં નોંધાયેલી ફરિયાદમાં આપેલા નામ સાથે મેળ ખાતું હોવાનું પોલીસને જણાયું હતું. આથી પોલીસને ખાતરી થઈ કે વર્ષોથી ગુમ થયેલી સગીર બાળકી હવે પુખ્ત વયની મહિલા તરીકે ત્યાં રહે છે. આરોપી સંજય દેત્રોજાની ધરપકડ પોલીસ તપાસમાં ભોગ બનનાર મહિલાની ઓળખની પુષ્ટિ થયા બાદ પોલીસે આરોપી સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી રિક્ષા ચલાવવા માટે બહાર ગયો હતો, જેથી તેને ફોન કરીને ગામમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે સંજય રાજુભાઈ દેત્રોજા, ઉંમર 33 વર્ષ, રહે. ભલગામડા, તાલુકો હળવદ, જિલ્લો મોરબીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીને આરોપીથી ચાર સંતાનો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2014માં પરિવાર સાથે મનદુઃખ થતાં સગીર બાળકી ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી. તે રાજકોટ બસ સ્ટેન્ડ પહોંચી હતી અને ત્યાં બે-ત્રણ દિવસ એકલી રહી હતી. ત્યારબાદ એક સજ્જન વ્યક્તિએ તેને આશરો આપ્યો હતો અને તેની સંભાળ લીધી હતી. સમય જતાં યુવતી આરોપીના સંપર્કમાં આવી હતી. બાદમાં તેનું જીવન આગળ વધ્યું અને તે પોતાના પરિવાર સાથે રહેવા લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ હાલ તે પોતાના પતિ સાથે રહે છે અને તેને ચાર બાળકો છે. 10થી 12 દિવસમાં 1800 જેટલી ID ચેક કરી: વી.પી. ગોલ તપાસ અંગે PI વી.પી. ગોલે જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓને સોશિયલ મીડિયા પર ભોગ બનનારને શોધવાની ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. ભોગ બનનાર જે સમાજની હોવાનું માનવામાં આવતું હતું તે સમાજ, સંભવિત વિસ્તાર અને ઉંમરને આધારે સોશિયલ મીડિયા પ્રોફાઇલની તપાસ કરવામાં આવી હતી. લગભગ 10થી 12 દિવસ સુધી સતત તપાસ કરતાં મહિલા કર્મચારીઓએ આશરે 1200થી 1800 જેટલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ID ચેક કરી હતી. આ દરમિયાન ભોગ બનનારની જન્મતારીખના દિવસે મુકાયેલી જન્મદિવસની શુભેચ્છાની પોસ્ટ પોલીસના ધ્યાનમાં આવી હતી. ત્યારબાદ તે પ્રોફાઇલ સાથે જોડાયેલા ફોટા અને વીડિયો તપાસતા પોલીસને મહત્વની કડી મળી હતી. જૂના કેસોની તપાસમાં પણ પોલીસ હાર માનતી નથી : SP સંજય ખરાત અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવા જિલ્લા પોલીસ સતત કામગીરી કરી રહી છે. આ કેસમાં પણ જૂના કેસના દસ્તાવેજો ફરી તપાસવામાં આવ્યા હતા અને તેમાં ઉપલબ્ધ જન્મતારીખ તથા જૂના ફોટા જેવી વિગતોને આધારે સોશિયલ મીડિયા પર સતત સર્ચ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ પ્રોફાઇલ, સમાજ, ઉંમર અને ભૌગોલિક વિસ્તારના આધારે તપાસ કરવામાં આવતી હતી. આખરે એક પ્રોફાઇલમાં મળેલી જન્મદિવસની પોસ્ટથી પોલીસને શંકાસ્પદ કડી મળી હતી. ત્યારબાદ વાહનની નંબર પ્લેટ, આરટીઓની માહિતી અને બેંક એકાઉન્ટ સુધી તપાસ પહોંચાડી ભોગ બનનાર સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી 13 વર્ષ જૂના કેસનો અંત વર્ષો સુધી વણઉકેલાયેલા રહેલા આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ, સોશિયલ મીડિયા સર્ચ, આરટીઓ રેકોર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો જેવી અલગ-અલગ કડીઓને જોડીને પોલીસે આખરે ભેદ ઉકેલ્યો છે. ખાસ કરીને જૂના ફોટાના આધારે ભોગ બનનારની ઓળખ સુધી પહોંચવું અને વસ્તી ગણતરીના બહાને સ્થાનિક તપાસ કરી આરોપી સુધી પહોંચવું પોલીસની ઝીણવટભરી તપાસનું મહત્વપૂર્ણ ઉદાહરણ બન્યું છે. 2025-26માં 111 બાળકો અને 342 પુખ્ત વ્યક્તિઓને પરિવાર સાથે મિલાવ્યા SP સંજય ખરાતે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસના અભિગમ મુજબ ઘરેથી ગુમ થતા બાળકો તેમજ અન્ય વ્યક્તિઓને તેમના પરિવાર સાથે ફરીથી મિલાવવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2025 અને 2026 દરમિયાન વિવિધ કારણોસર ઘરેથી ગુમ થયેલા અથવા અપહરણ થયેલા કુલ 111 બાળકોને પરત લાવવામાં સફળતા મળી છે. આ ઉપરાંત 18 વર્ષથી વધુ ઉંમરના કુલ 342 લોકોને પણ તેમના પરિવાર સુધી પરત પહોંચાડવામાં આવ્યા છે. અમરેલી પોલીસે ભૂતકાળમાં પણ અનેક જૂના અને પડકારજનક કેસોની તપાસમાં સફળતા મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    પુણેમાં 4 વર્ષની બાળકી પર કૂતરાઓનો હુમલો, CCTV:7 કૂતરાઓએ 43 સેકન્ડ સુધી બચકાં ભર્યા, માથામાં 80 ટાંકા; માસૂમની બૂમો સાંભળી લોકો દોડી આવ્યા
    Next Article
    Kaun Banega Crorepati 18: Amitabh Bachchan Reveals Preity Zinta Didn't Reply To His Birthday Message. Actor's Epic Comeback

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment