Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પૂરથી એક દિવસમાં 13ના મોત, મનપાએ મોતનો કૂવો બનાવ્યો:11ના ડૂબવાથી, એકનું પડવાથી અને એકનું કરંટથી મોત; ત્રણ દિવસમાં 22ના જીવ ગયા, શરમથી કોણ ડૂબી મરશે?

    11 hours ago

    સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદે તબાહી મચાવી દીધી છે. મઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આજે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કૂલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આકાશી આફતમાં 11 લોકોના પૂરના પાણીમાં ડૂબી જવાથી જ્યારે એકનું પડી જવાથી અને 20 વર્ષીય યુવકનું કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું છે. કમાઉ દીકરાઓ અને માસૂમ બાળકોના અકાળે મોતથી શહેરમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કૂલ 22 લોકોના મોત નિપજ્યા છે. ડિંડોલી: હોસ્પિટલના સફાઈ કામદારનો પૂરમાં ગરકાવ ડિંડોલીના મહાદેવ નગરમાં રહેતા 58 વર્ષીય પ્રસાદ વીરચંદ કાપડે સગરામપુરા સ્થિતિ મહાવીર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. મંગળવારે સાંજે તેઓ નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં ભરાયેલા વરસાદી પૂરના ધસમસતા પાણીમાં તેઓ ડૂબી ગયા હતા. બુધવારે સવારે ડિંડોલી સાઈ પોઈન્ટ નજીક આવેલી કવિતા મેડિકલ પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવાર પર વજ્રપાત થયો છે. પુણાગામ: પાણી ભરાયેલા રસ્તાઓ કાળ બન્યા, બે પ્રૌઢના ડૂબી જવાથી મોત પુણાગામ જમના નગરમાં રહેતા 45 વર્ષીય મહેશભાઈ દુલાભાઈ ઝાલોદરા મંગળવારે વરસાદી પૂરના પાણીની ઝપેટમાં આવી ગયા હતા. બુધવારે સવારે જમનાબા સ્કૂલની સામે પીર ફળિયા પાસે પાણીમાંથી તેમનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે પુણાગામના જ ભયાનગર, વિષ્ણુ નગર ખાતે રહેતા 44 વર્ષીય પરેશસિંહ માનસિંહ ખેંગાર મંગળવારે રાત્રે પોતાના ઘર નજીક જ કોઈક રીતે વરસાદી પાણીના પૂરમાં ડૂબી ગયા હતા. બુધવારે સવારે તેમનો પણ મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સચિન: મિલ હેલ્પર પૂરના પાણીમાં તણાયો, પાલી પાસેથી લાશ મળી સચિન નર્મદા હાઉસિંગમાં રહેતા 41 વર્ષીય સંજીત ત્રિવેણી મહંતો સ્થાનિક મિલમાં હેલ્પર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંગળવારે સાંજે તેઓ કંપનીમાંથી છૂટીને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. બુધવારે સવારે પાલી ગામની આગમ નવકાર સોસાયટી પાસેથી તેમનો મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવ્યો હતો. પાંડેસરા: 16 વર્ષના શ્રમિક કિશોર અને 9 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યા પાંડેસરા રામજી મંદિર પાસે સંદીપ નગરમાં રહેતો 16 વર્ષીય સત્યન રામબરન શ્રીવાસ્તવ ચાની લારી પર મજૂરી કરતો હતો. મંગળવારે સાંજે કામ પરથી પરત ફરતી વખતે તે પૂરના પાણીમાં ડૂબી ગયો હતો. સ્થાનિકોએ તેને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પાંડેસરાના જ નાગસેન નગર, જનકપુરી સોસાયટીમાં રહેતો 9 વર્ષીય અનુભવ ધર્મેન્દ્રકુમાર કોળી મંગળવારે સાંજે ઘર નજીક રમતા-રમતા વરસાદી પૂરના પાણીમાં ડૂબી ગયો હતો. બુધવારે સવારે તેનો માસૂમ મૃતદેહ મળી આવતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે. ઉન પાટિયા: કંપનીમાંથી ઘરે પરત ફરતા સગા બે ભાઈઓના મોત ઉન સંજય નગર ખાતે રહેતા બે સગા ભાઈઓ, 21 વર્ષીય હારુન અખ્તર અંસારી અને 18 વર્ષીય ફારુક અખ્તર અંસારી હજીરાની કંપનીમાં નોકરી કરતા હતા. મંગળવારે રાત્રે બંને ભાઈઓ નોકરી પૂરી કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ઘરની એકદમ નજીક પહોંચ્યા હોવા છતાં રસ્તા પર ફરી વળેલા પૂરના ભારે પ્રવાહમાં બંને ભાઈઓ બાઈક સાથે તણાઈ ગયા હતા. સવારે સર્ચ ઓપરેશન દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જુવાનજોધ બે દીકરાઓના મોતે માતા-પિતાને ભાંગી નાખ્યા છે. બહેનના ઘરે દૂધ આપવા ગયો ને 20 વર્ષના દેવને કરંટ લાગ્યો ભીમરાડ પટેલ ફળિયામાં રહેતો 20 વર્ષીય દેવ મનસુખભાઈ પટેલ ડિજિટલ પ્રિન્ટિંગમાં નોકરી કરતો હતો. બુધવારે સવારે તે ડુંગળી ફળિયામાં રહેતી પોતાની બહેનના ઘરે દૂધ આપવા ગયો હતો. ત્યાં તેના ફોઈના ઘરે ફ્રિજ બંધ હોવાથી, દેવ ફ્રિજ ચાલુ કરવા ગયો હતો. ચોમાસાના ભેજવાળા વાતાવરણ વચ્ચે ફ્રિજમાંથી જોરદાર ઇલેક્ટ્રિક કરંટ લાગતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ડિંડોલી: માર્ક પોઇન્ટ પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી ડિંડોલી માર્ક પોઇન્ટ પાસે ભરાયેલા વરસાદી પૂરના પાણીમાંથી બુધવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મંગળવારે પૂરના પાણીમાં ડૂબી જવાથી જ આ યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ હજુ સુધી આ યુવકની ઓળખ કરી શકી નથી અને તેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વેડરોડ: ATMમાં રૂપિયા ઉપાડવા નીકળેલા યુવકનું મોત મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં વેડ રોડ વિસ્તારની વિજયનગર સોસાયટી વિભાગ 1માં રહેતા નરેન્દ્ર ગજાનંદ વાનખેડે (31 વર્ષ) નોકરી કરતા હતા. ગઈકાલે રાત્રે નાઈટ શિફ્ટ કરીને ઘરે આવ્યા હતા. બાદમાં બપોરે પાણી ભરાઈ જતા નરેન્દ્ર ઘર પાસે ATMમાં રૂપિયા ઉપાડવા માટે નીકળ્યા હતા. મોડે સુધી તે ઘરે પરત નહી આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. દરમિયાન આજે સવારે ઘર પાસેના જે.પી નગરના ખુલ્લા મેદાનમાંથી પાણીમાં ડૂબી ગયેલા હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદ ગામ: ત્રીજા માળેથી પડી જતા પ્રજ્ઞાચક્ષુનું મોત પાંડેસરા વડોદ ગામ ખાતે મારુતિ આવાસમાં તેજબહાદુર પરિવાર સાથે રહે છે અને ડાંઈગ મિલમાં નોકરી કરે છે. તેમના સંતાન પૈકી 18 વર્ષીય ભોલાભાઈ પ્રજ્ઞાચક્ષુ હતા. ગઈકાલે રાતે તેઓ અગાસી પર સુતા હતા. દરમિયાન આજે વહેલી સવારે વરસાદ આવતા તે નીચે ઘરે આવવા જતા ત્રીજા માળેથી નીચે પટકાય ગયા હતા. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ભેસ્તાન: સંબંધીના ઘરે જતા વૃદ્ધનું પાણીમાં પડી જતા મોત મૂળ મહારાષ્ટ્રના વતની રામભાવ આનંદા કાહલે (73 વર્ષ) હાલમાં પાંડેસરા પ્રેમનગરમાં પરિવાર સાથે રહેતા હતા અને નિવૃત જીવન જીવતા હતા. ગઈકાલે તેમના ઘર પાસે પાણી ભરાઈ ગયા હતા. જેથી તેઓ તેમના પુત્ર સાથે ભેસ્તાન ખાતે મહેક સોસાયટીમાં રહેતા સંબંધીના ઘરે રોકાવા જઈ રહ્યા હતા. ત્યારે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે તેઓ પાણીમાં પડી ગયા હતા. જેથી તેમનો પુત્ર તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રામભાવને મૃત જાહેર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    2027માં NEET પરીક્ષા 6 દિવસ ચાલશે, કમ્પ્યુટર આધારિત હશે:1000થી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે, પેપર લીક વિવાદ બાદ ફેરફારની તૈયારી
    Next Article
    વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કિમી પીછો કરી પકડ્યો:પેરોલ જમ્પ કરનાર હત્યાના કેસમાં દોષિત કેદી કાલોલના ખેતરોમાંથી ઝડપાયો, પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપી મોતને ઘાટ ઉતારી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment