Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘નોકરી કરતાં ધંધો સારો, લાયકાત હશે તો પૈસા દોડીને આવશે’:12000 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના માલિક ગોવિંદ કાકા બોલ્યા- બિઝનેસમાં સંઘર્ષ પણ પ્રગતિ ટોપ ગિયરમાં થશે

    1 day ago

    બાળપણમાં ક્યારેક 1 પૈસો, 2 પૈસા કે 10 પૈસા રહેતા. સુરત આવ્યા ત્યારે દર રવિવારે વાપરવા માટે 25 પૈસા મળતા અને મારો પહેલો પગાર ₹103 હતો. ‘ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે અને મન વધે તો માન વધે’ના સિદ્ધાંત સાથે આજે પરિવારમાં આશરે 100 જેટલી લક્ઝુરિયસ ગાડીઓ છે. આ શબ્દો છે વર્ષે 12 હજાર કરોડનું ટર્નઓવર કરતી શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક ગોવિંદ ધોળકિયાના. ધનતેરસ અને દિવાળીના પાવન પર્વે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ છે, ત્યારે દિવ્ય ભાસ્કર સંઘર્ષ વેઠીને સફળતાના શિખર સુધી પહોંચેલા 5 ઉદ્યોગપતિની 'સંપત્તિનું સિક્રેટ' નામથી એક સિરિઝ શરૂ કરી છે. પહેલા એપિસોડમાં વાંચો ગોવિંદ કાકાએ આપેલા ‘સંપત્તિના સિક્રેટ’. ગોવિંદભાઈનું માનવું છે કે સંપત્તિ અને સંતતિ માત્ર પ્રારબ્ધથી મળે છે, તેના માટે ક્યારેય ખોટો માર્ગ અપનાવવો જોઈએ નહીં. તેઓ કહે છે કે મારો સંયુક્ત પરિવાર જ મારી સફળતાનું રહસ્ય છે. મારા પત્ની ચંપાબેન, પુત્ર શ્રેયાંસ અને સમગ્ર પરિવાર તેમના મૂલ્યોને આગળ ધપાવી રહ્યો છે. આખા ફેમિલીને સારી રીતે સેટ થયેલી જોવી એ જ મારી જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. ‘ખરેખર મૂલ્યવાન વ્યક્તિઓ પાસે પુષ્કળ પૈસા હોતા નથી’ રૂપિયાની કિંમત અને મૂલ્ય વચ્ચેનો તફાવત સમજાવતા કહે છે કે, રૂપિયા માટે સમગ્ર દુનિયા તનતોડ મહેનત કરે છે, પરંતુ કિંમત અને મૂલ્ય બંને તદ્દન અલગ બાબતો છે. દુનિયામાં જેટલા ધનવાન છે એ બધા મૂલ્યવાન નથી હોતા, અને જે ખરેખર મૂલ્યવાન વ્યક્તિઓ છે તેમની પાસે પુષ્કળ પૈસા હોતા નથી. જીવનની પ્રાથમિક જરૂરિયાતો અને પરિવારના સન્માનપૂર્વક ભરણપોષણ માટે પૈસા ખૂબ જરૂરી છે, પરંતુ માત્ર પૈસા જ સુખ આપી શકે તે માન્યતા ભૂલભરેલી છે. સુખ અને દુઃખ એ મનની સ્થિતિ છે. જો પૈસાથી સુખ ખરીદી શકાતું હોત તો અમીરો જ બધું સુખ ખરીદી લેત; વાસ્તવમાં સાચું સુખ સંપત્તિમાં નહીં પણ માણસના સ્વભાવ અને સંતોષમાં રહેલું છે. પડકારો અંગે સુંદર ઉદાહરણ આપતાં જણાવ્યું કે, જેમ કાર્ડિયોગ્રામમાં ચઢાવ-ઉતાર આવે તો જ માણસ જીવતો ગણાય, સીધી લીટી તો મૃત્યુ પછી જ આવે! જીવન છે તો પડકારો આવવાના જ છે. અમારી કંપનીનો મૂળ મંત્ર છે: ‘Problem is Progress’-સમસ્યાઓ જ પ્રગતિનો સાચો માર્ગ ખોલે છે, શરત માત્ર એટલી કે તેને શાંત મગજ અને ધીરજથી હેન્ડલ કરવી પડે. સંપત્તિના ઘમંડથી બચવા સત્સંગ જરૂરી જ્યારે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ, કીર્તિ અને સફળતા આવે છે, ત્યારે અહંકારી કે બેફામ બની જવાનું જોખમ વધી જાય છે. પૈસાના નશાથી બચવા અને વિચારોને સાચા માર્ગે રાખવા માટે ‘સંગબળ’ અનિવાર્ય છે. સજ્જનોની વચ્ચે બેસીને સાચી વાતો સાંભળવાથી મન શુદ્ધ રહે છે. ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ સાચા મિત્રો અને સારા માણસોનો સંગ જ માણસને જમીન સાથે જોડી રાખે છે. ‘માણસમાં લાયકાત હોય તો પૈસા આપોઆપ દોડીને આવે છે’ પૂજ્ય ડોંગરેજી મહારાજના વિચારોને ટાંકીને સ્પષ્ટ કર્યું કે, માણસમાં લાયકાત હોય તો પૈસા આપોઆપ દોડીને આવે છે. સંપત્તિ (ધન) અને સંતતિ (સંતાન) પ્રારબ્ધ અનુસાર જ મળે છે. તેના માટે પુરુષાર્થ જરૂરી છે, પરંતુ અનીતિ આચરવાની કે પાપનો માર્ગ પકડવાની લેશમાત્ર જરૂર નથી. જે નસીબમાં લખેલું છે તે યોગ્ય સમયે મળી જ રહેશે. માત્ર પૈસા કમાવવા માટે ખોટાં કામો કરવા કે ભેળસેળ કરવી એ આવનારી પેઢીઓ માટે વિનાશક સાબિત થાય છે. વેપારના સિદ્ધાંતો સમજાવતાં તેમણે કહ્યું કે, બિઝનેસનો નિયમ સ્પષ્ટ છે. રૂ.100માં માલ ખરીદીને 110માં વેચવો, પરંતુ વ્યવહાર સો ટકા ચોખ્ખો અને પ્રામાણિક હોવો જોઈએ. જો યુવાનોને તક મળે તો નોકરી કરતાં બિઝનેસ તરફ વળવું વધુ યોગ્ય છે. નોકરીમાં આવકની એક મર્યાદા બંધાયેલી હોય છે, જ્યારે વેપારમાં શરૂઆતમાં સંઘર્ષ ભલે હોય પણ આગળ જતાં અમર્યાદિત પ્રગતિની તકો રહેલી છે. સમય સાથે તાલ મિલાવો, દરરોજ નવું શીખવું એ જ સાચું જીવન પોતાની આ સફરમાંથી શું શીખ્યા તે અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ઉગતો દરેક નવો દિવસ કંઈક નવું શીખવા માટે જ આવે છે. આપણે સમય સાથે ચાલવું પડે છે, સમય આપણી રાહ નથી જોતો. 50-60 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી તે આજે નથી રહી. તેથી સતત બદલાતા સમય સાથે તાલ મિલાવીને દરરોજ નવા વિચારો, નવો ભાવ અને નવી સ્કિલ્સ કેળવતા રહેવી જોઈએ. કાર્ડિયોગ્રામની જેમ જીવનમાં ઉતાર-ચઢાવ આવે તે જ સાચી જિંદગી જીવનના પડકારો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘મારા જીવનમાં ક્યારેય એવો સમય નથી આવ્યો કે લક્ષ્મીજી રૂઠ્યા હોય કે કંગાળ થઈ ગયા હોઈએ; આ બધું પ્રભુ કૃપાથી શક્ય બન્યું છે. ‘ઘરની સ્ત્રીઓ જ સાક્ષાત ‘લકી લક્ષ્મી’’ ઘરના લકી લક્ષ્મી કોણ છે તેવા પ્રશ્ન પર તેમણે ગર્વપૂર્વક જણાવ્યું કે, તેમના ઘરમાં રહેલી તમામ સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મી સમાન છે. 4 દેરાણી-જેઠાણી, 8 ભાઈઓની પત્નીઓ (8 વહુઓ), 10 દીકરીઓ અને ત્રીજી પેઢીની 15 દીકરીઓ-આમ આખો સંયુક્ત પરિવાર લક્ષ્મીજીના આશીર્વાદથી ધબકે છે. પરિવારની એકતા અને મહિલાઓનું સન્માન જ તેમની ખરી સમૃદ્ધિ છે. ‘યુવા પેઢીની ગતિ સાથે વડીલોના અનુભવની બ્રેક જરૂરી’ આજના યુવાનો (Gen Z) વિશે વાત કરતાં તેમણે રસપ્રદ દૃષ્ટાંત આપ્યું કે, આજની નવી પેઢી પાસે અસીમ પાવર અને ઊર્જા છે, જે ગાડીના એક્સિલરેટર જેવી છે જે ઝડપ આપે છે. પરંતુ બ્રેક વગરની કાર ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. વડીલોનો અનુભવ અને માર્ગદર્શન એ જીવનરૂપી ગાડીની 'બ્રેક' છે. જો યુવા પેઢીની ગતિ સાથે વડીલોના અનુભવની બ્રેકનો યોગ્ય તાલમેલ જળવાશે, તો જીવનની સફર હંમેશાં સુરક્ષિત અને સફળ રહેશે. હવે જાણો ગોવિંદભાઈની કારીગરમાંથી કોહીનૂર બનવાની કહાની ગોવિંદભાઈનો જન્મ 7 નવેમ્બર, 1947 ના રોજ અમરેલી જિલ્લાના દૂધાળા ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. આઠ ભાઈ-બહેનોના મોટા પરિવારમાં આર્થિક સંકડામણ વચ્ચે તેમનું બાળપણ વીત્યું હતું. માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો પરંતુ સાતમા ધોરણની પરીક્ષા આપી નહોતી. 13 વર્ષની નાની ઉંમરે તેઓ નસીબ અજમાવવા માટે સુરત આવ્યા હતા. 1964માં તેમણે હીરા ઘસવાના કારીગર તરીકે કામ શરૂ કર્યું. તે સમયે તેમનો માસિક પગાર માત્ર 103 રૂપિયા હતો. ગોવિંદ ધોળકિયા હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા હતા. જો કે, તેમણે બે મિત્રો- વીરજીભાઈ અને ભગવાનભાઈ સાથે સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું. તેથી તેઓએ 10 બાય 15 ફૂટનો એક રૂમ દર મહિને 45 રૂપિયામાં ભાડે લીધો અને ત્યાંથી કામ કરવાનું શરૂ કર્યું. માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે.આજે આ કંપની વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદક કંપનીઓમાંની એક છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદકાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે. 'સમસ્યા નથી, માત્ર સમાધાન છે' 'કોઈપણ વ્યક્તિ નાની કે મોટી નથી હોતી, કામ જ મહત્વનું છે' અને 'સમસ્યા નથી, માત્ર સમાધાન છે' જેવા જીવનમૂલ્યો સાથે જીવતા ગોવિંદકાકાના પરિવારમાં આજે પણ સંયુક્ત કુટુંબની મજબૂત ભાવના અને સંસ્કારો જોવા મળે છે, જ્યાં તેમનો દીકરો શ્રેયસ ધોળકિયા અને નવી પેઢી પણ વ્યવસાયને આધુનિક ટેક્નોલોજી અને ગ્રીન બિલ્ડિંગ ઇનિશિયેટિવ સાથે આગળ વધારી રહી છે. સામાજિક ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણ માટે 'એસઆરકે નોલેજ ફાઉન્ડેશન' દ્વારા અવિરત સેવા આપતા ગોવિંદભાઈ રાજ્યસભાના સાંસદ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, અને તેમની આ અસાધારણ સફર માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણારૂપ છે.
    Click here to Read More
    Previous Article
    Wall Street Highlights: S&P 500, Nasdaq Falls As Chip Rout Offsets US-Iran Hopes
    Next Article
    માલગાડી પાટા પરથી ઉતરતાં ટ્રેનો અટકી:ગોધરામાં દિવાળીએ હજારો મુસાફરો ફસાયા; કેટરિંગ ટીમે નાસ્તો અને પાણી આપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment