Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિમોલિશનના 12'દિ પહેલાં બિલ્ડરે JCBથી ખેલ પાડ્યો, CCTVમાં ઘટસ્ફોટ:પાલિયા પ્રોજેક્ટના લાખાણીએ નાસીરનગરમાં આંગળી ચીંધીને ઘર પડાવ્યા હતા, ભાજપ કાર્યકર ઝાકિર શાહ સાથે હતો

    4 days ago

    સુરતના નાસીરનગરમાં 30 મેના રોજ થયેલા ભૂતિયા ડિમોલિશન રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હવે દિવ્ય ભાસ્કરે આ બુલડોઝર કાર્યવાહીના 12 દિવસ પહેલા એટલે 18 મેના રોજ ષડ્યંત્રના પ્રારંભ સમયના વીડિયો મેળવ્યા છે. આ વીડિયોમાં બિલ્ડર સંજય લાખાણીના ભાઈ ઘનશ્યામ લાખાણીની ભૂંડી ભૂમિકા સામે આવી છે. ઘનશ્યામ લાખાણી સાઇટ પર ડિમોલિશન માટે આંગળીઓ ચીંધીને મકાનો બતાવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં આ 18 મેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ભાજપ કાર્યકર ઝાકીર શાહ પણ હાજર જોવા મળે છે. આ એ જ ઝાકીર શાહ છે જેણે 2023ના ડિમોલિશન સમયે પીડિતોમાં પૈસાની વહેંચણી કરી આખો ખેલ પાડ્યો હતો. આ જગ્યા પર પાલિયા ડેવલપરના નામે પ્રોજેક્ટ મુકાઈ ગયો છે, જે માટે મ્યુનિ.માં પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ (PVC)ની અરજી થઈ તેમાં પાલિયા ડેવલપર તરીકે શૈલેષ કાછડિયા અને સંજય લાખાણી છે. આ અંગે ધવલ નામના વકીલે જણાવ્યા અનુસાર, સફેદ રંગની કેપ (ટોપી) અને પર્પલ શર્ટ પહેરેલી વ્યક્તિ ઘનશ્યામ લાખાણી છે, જે જેસીબી મશીન લઈને નાસીર નગર પહોંચ્યો હતો અને લોકોને મકાન ખાલી કરવા દબાણ કર્યું હતું. બીજી તરફ, સ્થાનિક લોકોએ મકાન ખાલી કરવા માટે તેની પાસે છ મહિનાનો સમય માંગ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ જ પેટર્ન હેઠળ વર્ષ 2023માં પણ અહીં એક ભયાનક 'ભૂતિયા ડિમોલિશન' આચરવામાં આવ્યું હતું. 'પાલિયા લાઈફસ્ટાઈલ પ્રોજેક્ટ' અને બિલ્ડરોના મસમોટા પ્રોજેક્ટ્સને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપવા માટે સ્થાનિક તંત્રએ માનવતા નેવે અને કાયદાને કોરાણે મૂકી દીધા હતા.વર્ષ 2023ના ડિમોલિશન સમયના ગ્રાઉન્ડ ઝીરો પરથી પીડિતોની આપવીતીના વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના ગરીબોની છત પર બુલડોઝર ફેરવી દેવાયા હતા અને બાદમાં તેમને નાની રકમ આપીને મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હતો. બિલ્ડરોના પ્રોજેક્ટ માટે 338 પરિવારોને રાતોરાત બેઘર કરી દેવાયા વર્ષ 2023માં નાસીર નગરમાં વિકાસ અને સરકારી જમીનના બહાના હેઠળ પાલિયા પ્રોજેક્ટના બિલ્ડરોના ખાનગી પ્રોજેક્ટ્સને માર્ગ આપવા માટે હસતા-રમતા 338 ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. જે પરિવારો અહીં છેલ્લા 40-40 વર્ષોથી પોતાના મમ્મી-પપ્પા અને સંતાનો સાથે રહેતા હતા, તેમને તંત્રની મહેરબાનીથી બિલ્ડરોએ એક જ ઝાટકે રસ્તા પર લાવી દીધા. કાયદાકીય પ્રક્રિયા મુજબ કોઈ પણ કબ્જો હટાવતા પહેલા લેખિત નોટિસ આપવી અનિવાર્ય છે, પરંતુ આ કેસમાં કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હતો અને વહીવટી તંત્ર બિલ્ડરોના હિત રક્ષક તરીકે મેદાનમાં ઉતરી પડ્યું હતું. પોલીસનો સહારો લઈ પાછળથી ફેરવ્યા બુલડોઝર પીડિતોના જણાવ્યા અનુસાર, જ્યારે સ્થાનિક લોકોએ પોતાના ઘર બચાવવા માટે વિરોધ કર્યો, ત્યારે તંત્રએ પોલીસનો સહારો લીધો હતો. ઘરમાં રહેતા વડીલો અને યુવાનોને પોલીસ બળપૂર્વક ગાડીઓમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. એક તરફ પરિવારજનો પોલીસ સ્ટેશનમાં બંધ હતા અને બીજી જ તરફ પાછળથી તેમના ઘર પર બુલડોઝર ચલાવીને બધું જ ખાખ કરી દેવાયું. જ્યારે લોકો પાછા આવ્યા ત્યારે તેમનું સર્વસ્વ લૂંટાઈ ચૂક્યું હતું. આમ ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઈ હતી. 'આજે પણ ભાડાના મકાનમાં ભટકવા મજબૂર છીએ' નાસીર નગરના પાલિયા લાઈફસ્ટાઈલ પ્રોજેક્ટની સામે ઉભેલા પીડિત મહમ્મદ નદીમ શેખ અસલમે દિવ્ય ભાસ્કર સામે પોતાનું દર્દ ઠાલવતા જણાવ્યું કે, "વર્ષ 2023માં પણ અત્યાર જેવું જ ભૂતિયા ડિમોલિશન કરાયું હતું. અમને કોઈ નોટિસ નહોતી અપાઈ, બસ એટલું જ કહેવાયું કે તોડવું જ પડશે. મેં અને મારા પરિવારે ભારે વિરોધ કર્યો પણ તે સમયે કોઈ મીડિયા કે કોઈ સપોર્ટમાં નહોતું. પોલીસ મારા મમ્મી-પપ્પાને પકડીને લઈ ગઈ અને અમે પાછળ પોલીસ સ્ટેશન ગયા એટલી વારમાં અમારું ઝૂંપડું તોડી નાખ્યું. જે ઘર અમારું પોતાનું હતું તે છીનવાઈ જતાં આજે પણ અમે ભાડાના મકાનમાં દિવસો કાપી રહ્યા છીએ. નોટિસ વિના બુલડોઝર ફેરવ્યું, ગરીબોની કોઈ સાંભળનાર નથી અન્ય એક પીડિત વાજીદભાઈએ જીલાની બોટ અને પાલિયા સ્ટેલ પ્રોજેક્ટ તરફ ઈશારો કરતા જણાવ્યું કે, 2023માં અમને ન તો કોઈ નોટિસ મળી હતી કે ન તો કોઈ અન્ય જાણ કરાઈ હતી. બસ સીધા આવીને ઝૂંપડા ખાલી કરાવી દીધા. વિરોધ કર્યો તો અમારા પપ્પાને અને અમને પોલીસવાળા પકડી ગયા અને એ જ દરમિયાન બુલડોઝર ફેરવી દીધું. અમે તે સમયે બહુ બધા લોકો પાસે મદદ માંગી પણ કોઈ મદદ ન મળી. ઝૂંપડાવાળાને 80 હજાર અને પાકા ઓરડા વાળાને 2 લાખ રૂપિયા આપી દેવાયા. અમારી લાચારીનો ફાયદો ઉઠાવીને જબરદસ્તી આ બધું કરાવવામાં આવ્યું હતું, અમે પરેશાન હતા તો બીજું શું કરી શકતા હતા? ગરીબ લોકો લડી ન શકે તે માટે વળતરના નામે મોં બંધ રાખવાનો ખેલ આ સમગ્ર ભૂતિયા ડિમોલિશનની સૌથી મોટી અને ચોંકાવનારી પેટર્ન એ રહી છે કે પહેલા ઘરોને ગેરકાયદે રીતે તોડી પાડવામાં આવે છે, જેથી લોકો માનસિક રીતે ભાંગી પડે. ત્યારબાદ, ગરીબ અને મજબૂર લોકો કોર્ટ-કચેરીના પગથિયાં ન ચડી શકે અથવા કાયદાકીય લડત ન આપી શકે તે માટે તેમને 80,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની નાની રકમ પધરાવી દેવામાં આવે છે. બિલ્ડરોના વચેટીયાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા ધમકીભર્યા સૂરમાં કહી દેવાય છે કે, "જે મળે છે તે લઈને શાંતિથી જતા રહો, કેસ કરશો તો પણ કંઈ થવાનું નથી." આ વળતર ગરીબોના પુનઃવસન માટે નહીં, પરંતુ તેમના અવાજને કાયમ માટે દબાવી દેવા માટેની કિંમત માત્ર હતી. ભાજપ કાર્યકર્તા દ્વારા પૈસા આપતા વીડિયો 2023 ડિમોલિશન કાંડમાં સ્થાનિક કાર્યકર્તા અને બિલ્ડરોના વચેટીયા બનેલા ઝાકીરભાઈની ભૂમિકા સૌથી વધુ શંકાના દાયરામાં આવી ગઈ છે. વર્ષ 2023માં જ્યારે ગરીબોના આશિયાના કાયદા વિરુદ્ધ જઈને તોડી પાડવામાં આવ્યા, ત્યારે આ જ ઝાકીરભાઈએ લોકોને લડત આપતા રોકવા અને મોં બંધ રાખવા માટે 80 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીની વહેંચણી કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તેમાં ગરીબ અને પરેશાન લોકોને પૈસા આપતા ઝાકીરભાઈ સ્પષ્ટપણે કેમેરામાં કેદ થયા છે. સ્થાનિક સ્તરે થઈ રહેલી ચર્ચા મુજબ, આ માત્ર એક સામાન્ય મોહલ્લાના કાર્યકર્તા છે. એક તરફ ઝાકીરભાઈએ ગરીબોને ડરાવી-ધમકાવીને કે સમજાવીને કાયદાકીય કેસ કરવાથી રોક્યા અને બિલ્ડરોના હિતમાં કામ કર્યું, જ્યારે બીજી તરફ નાસીર નગરમાં જ તેમના પોતાના 3 મકાનો આવેલા છે. સામાન્ય જનતાના ઘરો પર બુલડોઝર ફરી વળ્યા અને તેઓ ભાડાના મકાનમાં ભટકવા મજબૂર બન્યા, ત્યારે મધ્યસ્થી બનેલા આ કાર્યકર્તા ઝાકીરભાઈને કયા ફાયદા મળ્યા અને બિલ્ડર સાથે તેમની શું મિલીભગત હતી, તે તપાસનો મોટો વિષય બન્યો છે. વર્ષ 2023 અને 2026ની સમાન પેટર્નથી તંત્ર શંકાના ઘેરામાં વર્ષ 2023માં આચરાયેલું આ ભૂતિયા ડિમોલેશન અને વર્તમાન સમયમાં વર્ષ 2026માં પણ નાસીર નગરમાં જોવા મળી રહેલી આ જ સમાન પેટર્ન સાબિત કરે છે કે બિલ્ડર લોબી કેટલી શક્તિશાળી છે. સરકારી જમીનો પરથી દબાણ હટાવવાના નામે માત્ર ગરીબોને જ કેમ નિશાન બનાવવામાં આવે છે? શા માટે અબજો રૂપિયાના આલિશાન ખાનગી પ્રોજેક્ટ્સ 'પાલિયા લાઈફસ્ટાઈલ' જેવા પ્રોજેક્ટો ચણવા માટે ગરીબોના આશિયાના જમીનદોસ્ત કરવામાં આવે છે? વાયરલ થયેલા વીડિયો અને પીડિતોની આ લાઈવ આપવીતી બાદ હવે સ્થાનિક વહીવટી તંત્ર અને કાયદા અમલીકરણ સંસ્થાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે કે શું વિકાસ માત્ર બિલ્ડરોના ખિસ્સા ભરવા માટે જ છે, અને ગરીબોના અધિકારોની રક્ષા કોણ કરશે?
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં હત્યાના પ્રયાસના બે ફરાર આરોપી ઝડપાયા:LCBએ પકડીને સિટી પોલીસને સોંપ્યા, કાયદેસરની કાર્યવાહી શરૂ
    Next Article
    સિદ્ધપુર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા:કારોબારી અને ન્યાય સમિતિની રચના, વિકાસ મુદ્દાઓ પર ચર્ચા; ડેલિગેટોનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment