Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલમાં 12 કલાકમાં બાજી પલટી:નેતન્યાહૂ 7મી વાર વડાપ્રધાન બની શકે, આ પરિણામથી ભારતને ફાયદો, ઇરાનમાં વિનાશ વેરે તો દુનિયામાં ફરી સંકટ સર્જાઇ શકે

    12 hours ago

    શું ભ્રષ્ટાચારના ગંભીર આરોપો અને દેશના ઈતિહાસની સૌથી મોટી સુરક્ષા નિષ્ફળતા છતાં કોઈ નેતા ચૂંટણી જીતી શકે? ઈઝરાયલમાં બરાબર આવું જ બન્યું છે. માત્ર 12 કલાકમાં આખી રાજકીય બાજી પલટાઈ ગઈ છે અને બેન્જામિન નેતન્યાહુ ફરી એકવાર સત્તાના સિંહાસન પર બેસવા જઈ રહ્યા છે. પણ આ જીત ખાલી ઈઝરાયલ પૂરતી સીમિત નથી; આ પરિણામ નક્કી કરશે કે આગામી દિવસોમાં ઈરાન પર સીધો પરમાણુ હુમલો થશે કે નહીં અને ભારત સહિત આખા વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યાં પહોંચશે. ચાલો વિગતે વાત કરીએ ઈઝરાયલની ચૂંટણી પરિણામોની. નમસ્કાર... ગઈકાલે રાત્રે જ્યારે ઈઝરાયલની ટોપ ત્રણ ટીવી ચેનલ્સ એટલે કે ચેનલ 11, 12 અને 13 પર એક્ઝિટ પોલના આંકડા આવ્યા, ત્યારે વિપક્ષમાં જશ્નનો માહોલ હતો. એક્ઝિટ પોલમાં ક્લિયર દેખાતું હતું કે પૂર્વ સૈન્ય વડા ગાદી આઈઝનકોટ નેતન્યાહુના શાસનનો અંત લાવી રહ્યા છે. પણ આજે મતોની ગણતરી પૂરી થતાં જ ચિત્ર આખું બદલાઈ ગયું છે. 26મી કનેસેટની આ ચૂંટણીમાં નેતન્યાહુએ ફરી એકવાર રાજકીય ચમત્કાર કરી બતાવ્યો છે. નેતન્યાહુએ પોતાનો સાતમો કાર્યકાળ નક્કી કર્યો આ ચૂંટણી કોઈ સામાન્ય હાર-જીતનો જંગ નહોતો. આ એક સીધો જનમત હતો કે ઓક્ટોબર 7ના હમાસના હુમલા પછી ઈઝરાયલની પ્રજા કોના હાથમાં પોતાને સુરક્ષિત માને છે. એક તરફ ગાઝા અને લેબનોનમાં ચાલતું યુદ્ધ, બીજી તરફ ઈરાન સાથેનો સીધો સંઘર્ષ અને દેશની અંદર સુપ્રીમ કોર્ટને લઈને ચાલતો ભારે વિવાદ, આ બધાની વચ્ચે નેતન્યાહુએ પોતાનો 7મો કાર્યકાળ નક્કી કરી લીધો છે. બેન્જામિન નેતન્યાહુ કંઈ દૂધે ધોયેલા નથી નેતન્યાહુ સામે અત્યારે દેશની જ અદાલતમાં લાંચ અને છેતરપિંડીના 3 ખતરનાક કેસ ચાલી રહ્યા છે. તેમના જ કાર્યકાળમાં દેશ પર સૌથી મોટો આતંકી હુમલો થયો. છતાં, જ્યારે મતદાન કરવાનો સમય આવ્યો, ત્યારે ઈઝરાયલના નાગરિકોએ તમામ આરોપોને બાજુ પર મૂકીને ફરીથી પોતાના જૂના સ્ટ્રોંગમેન પર જ ભરોસો મૂક્યો. તેમની સામે મેદાનમાં ઉતરેલા ગાદી આઈઝનકોટ કોઈ સામાન્ય રાજકારણી નહોતા. તેઓ ઈઝરાયલના પૂર્વ લશ્કરી વડા હતા અને ડિસેમ્બર 2023માં ગાઝા યુદ્ધ સમયે તેમણે પોતાનો 25 વર્ષનો જુવાનજોધ દીકરો ગલ ગુમાવ્યો હતો. પુત્રના મોતના શોકમાંથી ઊભા થઈને તરત જ દેશ માટે વોર કેબિનેટમાં જોડાનાર આ પિતાની નૈતિકતા અને ત્યાગની વાત પણ નેતન્યાહુના આક્રમક રાષ્ટ્રવાદ સામે ટકી શકી નહીં. જો હું નહીં હોઉં, તો ઈઝરાયલ નહીં બચેઃ નેતન્યાહુ નેતન્યાહુની સ્ટ્રેટેજી એકદમ ક્લિયર અને ધારદાર હતી. તેમણે ઓક્ટોબર 7ની નિષ્ફળતાની જવાબદારી લેવાને બદલે જનતામાં એક જ ડર બેસાડ્યો કે, "જો હું નહીં હોઉં, તો ઈઝરાયલ નહીં બચે." તેમણે મતદારોને ગળે ઉતારી દીધું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની પર્સનલ ફ્રેન્ડશીપ અને ઈરાન સામે લડવાની તેમની કેપેસિટીનો કોઈ ઓપ્શન જ નથી. નૈતિકતાની જગ્યાએ લોકોને સિક્યોરિટી ગમી બીજી બાજુ, આઈઝનકોટે ઓક્ટોબર 7ની નિષ્ફળતાની તપાસ કરવા અને દેશના કટ્ટરપંથી ધાર્મિક યુવાનોને પણ સૈન્યમાં ફરજિયાત ભરતી કરવાનું વચન આપ્યું હતું. પણ યુદ્ધના ભય વચ્ચે જીવતી પ્રજાને નૈતિકતા કરતાં મિસ્ટર સિક્યુરિટી એટલે કે નેતન્યાહુની ઈમેજ વધુ ગમી. કટોકટીના સમયે માણસની સાયકોલોજી કેવી રીતે કામ કરે છે, તે નેતન્યાહુથી વધુ સારી રીતે કદાચ કોઈ જાણતું નથી. હવે સીધા પ્રિ-એમ્પ્ટિવ હુમલા કરવા પડશે આ જીતો સીધો મતલબ એ છે કે પશ્ચિમ એશિયામાં હવે શાંતિની વાત ભૂતકાળ બની જશે. નેતન્યાહુ પહેલા જ કહી ચૂક્યા છે કે, "હવે દુશ્મનોને માત્ર રોકવાનો સમય પૂરો થયો છે, હવે સીધા પ્રિ-એમ્પ્ટિવ હુમલા કરવા પડશે." તેમની આ જીતથી ઈરાનના પરમાણુ મથકો પર સીધા હવાઈ હુમલા થવાની શક્યતા અનેકગણી વધી ગઈ છે. ઈઝરાયલનો વિપક્ષ ક્યાં થાપ ખાઈ ગયો? પરંતુ સવાલ એ થાય છે કે જે દેશમાં કોઈ એક પાર્ટીને ક્યારેય બહુમતી મળતી જ નથી, ત્યાં નેતન્યાહુએ આ અશક્ય લાગતું ગણિત કેવી રીતે પાર પાડ્યું? અને 77.7 ટકા જેટલું ઐતિહાસિક મતદાન થવા છતાં વિપક્ષ ક્યાં થાપ ખાઈ ગયો? તો ચાલો હવે એ પણ જાણી લઈએ. ઈઝરાયલની ચૂંટણી ભારત-અમેરિકાથી કેટલી અલગ? સૌથી પહેલા ઈલેક્શન પ્રોસેસ જાણીએ. ઈઝરાયલની ચૂંટણી ભારત કે અમેરિકા જેવી નથી. અહીં નાગરિકો કોઈ ઉમેદવારને નહીં, પણ સીધી પોલિટિકલ પાર્ટીને વોટ આપે છે. આખા દેશને એક જ મતવિસ્તાર ગણવામાં આવે છે અને સંસદની કુલ 120 બેઠકોમાંથી સરકાર બનાવવા માટે 61ના જાદુઈ આંકડાની જરૂર પડે છે. ઈઝરાયલમાં કોઈ પૂરી બહુમતિ નથી મેળવી શક્યું સૌથી ઈન્ટ્રેસ્ટિંગ નિયમ એ છે કે કોઈપણ પાર્ટીને સંસદમાં એન્ટ્રી લેવા માટે કુલ મતના ઓછામાં ઓછા 3.25 ટકા મત લાવવા જ પડે છે. આ વિચિત્ર પ્રણાલીને કારણે ઈઝરાયલના ઈતિહાસમાં આજ સુધી કોઈ એક પાર્ટીને ક્યારેય 61 બેઠકો મળી જ નથી. અહીં હંમેશા ગઠબંધનની જ સરકાર બને છે અને નાના કટ્ટરપંથી પક્ષો ઓછા મતો હોવા છતાં કિંગમેકર બની જાય છે. 1999 બાદ ઈઝરાયલમાં સૌથી વધુ મતદાન આ વખતે ઈઝરાયલમાં 77.7 ટકા જેટલું વિક્રમી મતદાન થયું, જે 1999 પછીનું સૌથી વધુ મતદાન છે. 2022ની સરખામણીમાં સીધો 7.07 ટકાનો ઉછાળો! જ્યારે આટલું ભારે મતદાન થયું, ત્યારે એક્સપર્ટ્સ માનતા હતા કે લોકો નેતન્યાહુને હટાવવા માટે બહાર નીકળ્યા છે. પણ મતપેટીઓ ખૂલી ત્યારે આંકડાઓએ અલગ જ કહાની કહી. નેતન્યાહુ ફરી સૌથી મોટા નેતા તરીકે ઉભર્યાં તાજા આંકડા મુજબ, નેતન્યાહુની લિકુડ પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે. જ્યારે તેમની સામે લડી રહેલા પૂર્વ સૈન્ય વડા ગાદી આઈઝનકોટની યશારની પાર્ટી બીજા ક્રમે રહી ગઈ છે. નફ્તાલી બેનેટની પાર્ટીને અને ડાબેરી ડેમોક્રેટ્સને પણ ઠીકઠાક બેઠકો મળી છે. તો પછી નેતન્યાહુ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? અહીં જ નેતન્યાહુનું અસલી બ્લોક પોલિટિક્સ કામ કરી ગયું. તેમની પાસે અતિ-રૂઢિચુસ્ત અને કટ્ટર જમણેરી પક્ષોનું એક એવું લોખંડી ગઠબંધન છે, જેના મતદારો આંખ મીંચીને મત આપે છે. કટ્ટર રાષ્ટ્રવાદીઓનો નેતન્યાહુને ટેકો આ ચૂંટણીમાં ધાર્મિક પક્ષ યુનાઈટેડ ટોરાહ જુદાઈઝમ, શાશ અને કટ્ટર રાષ્ટ્રવાદી નેતા ઈતામાર બેન-ગ્વીરની ઓત્ઝમા યેહુદિતએ નેતન્યાહુને ખુલ્લો ટેકો આપ્યો છે. આ નાના પક્ષોની બેઠકો અને સરપ્લસ વોટ એગ્રીમેન્ટના ગણિતથી નેતન્યાહુનું ગઠબંધન રાજકારણ પર જાદુ કરી ગયું. નેતન્યાહુ નેહરુની બરાબરી નજીક પહોંચ્યા આ જીત સાથે 77 વર્ષના નેતન્યાહુએ લોકશાહી વિશ્વમાં એક નવો જ ઈતિહાસ રચી દીધો છે. તેમણે ઈઝરાયલના પહેલા વડાપ્રધાન ડેવિડ બેન-ગુરીયનના 4,875 દિવસના શાસનનો રેકોર્ડ તો ક્યારનોય તોડી નાખ્યો હતો, પણ હવે તેઓ 6,000થી વધુ દિવસો સુધી સત્તામાં રહીને જર્મનીના એન્જેલા મર્કેલને પણ પાછળ છોડી ચૂક્યા છે અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબર નજીક પહોંચી ગયા છે. આંકડાઓમાં સૌથી મોટો ટ્વિસ્ટ આરબ મતદારો લાવ્યા. ઈઝરાયલની વસ્તીમાં 20 ટકા હિસ્સો ધરાવતા આરબ નાગરિકોએ નેતન્યાહુના વિરોધમાં જંગી મતદાન કર્યું. આરબ પક્ષો જોઈન્ટ લિસ્ટ અને રઆમને પણ ઠીકઠાક બેઠકો મળી. આરબ પક્ષો સાથે સમાધાન કરી લેશે નેતન્યાહુના વિરોધી? એકવાત એવી હતી કે જો કોઈને પૂરતી બહુમતિ નહીં મળે તો નેતન્યાહુના વિરોધી આઈઝન કોટ અરબ પાર્ટી સાથે મળીને સરકાર બનાવી લેશે. જો આવું થયું હોત તો તેઓ આજે ઈઝરાયલના વડાપ્રધાન બની ગયા હોત! 2021માં નફ્તાલી બેનેટે આવું જ કર્યું હતું. પણ આઈઝનકોટે સામે ચાલીને આરબ પાર્ટીને લાત મારી અને સત્તા જતી કરી. ગાઝા યુદ્ધ તાત્કાલીક બંધ કરોઃ ઈઝરાયલનો આરબ પક્ષ હવે સૌથી મોટો સવાલ: સત્તા હાથમાં આવતી હોવા છતાં પૂર્વ આર્મી ચીફ ગાદી આઈઝનકોટે આરબ સાંસદોનો કે પક્ષનો ટેકો કેમ ન લીધો? અહીં જ ઈઝરાયલની રાજનીતિની અસલી રમત છુપાયેલી છે. આરબ પક્ષોની શરત હતી કે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ બંધ કરવામાં આવે અને પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવામાં આવે. નેતન્યાહુ-આઈઝનકોટ કેમ આરબ પક્ષોથી ડરે છે? યુદ્ધના સમયે જો કોઈ પૂર્વ લશ્કરી વડા આવી શરતો માનીને સરકાર બનાવે, તો ઈઝરાયલના બહુમતી યહૂદી નાગરિકો તેને દેશદ્રોહ ગણી લેત. નેતન્યાહુ આ જ તકની રાહ જોઈને બેઠા હતા. તેમણે ચૂંટણી પ્રચારમાં પહેલેથી જ ડર ફેલાવી દીધો હતો કે જો આઈઝનકોટ જીતશે, તો દેશની વોર કેબિનેટનો કંટ્રોલ આરબ પક્ષોના હાથમાં જતો રહેશે. આ એક જ માસ્ટરસ્ટ્રોકે વિપક્ષના હાથ બાંધી દીધા. હરેદી સમુદાયને આર્મીમાં સેવા નહીં આપવાનો વિવાદ બીજો એક ઈન્ટ્રેસ્ટિંગ પાર્ટ પણ જુઓ દર વર્ષે ઈઝરાયલમાં અંદાજે 13,000 કટ્ટરપંથી ધાર્મિક યુવાનો સૈન્યમાં જોડાવાની ઉંમરે પહોંચે છે, પરંતુ તેમાંથી 10 ટકાથી પણ ઓછા લોકો આર્મીમાં જાય છે. સામાન્ય નાગરિકોના સંતાનો સરહદ પર લોહી રેડે અને આ ધાર્મિક યુવાનોને સૈન્યમાંથી મુક્તિ મળે, આ મુદ્દે દેશમાં ભારે રોષ હતો. છતાં, નેતન્યાહુએ પોતાની ખુરશી બચાવવા આ ધાર્મિક પક્ષોને સૈન્ય ભરતીમાંથી મુક્તિ આપવાનું વચન આપ્યું અને તેમના એકેએક મત પોતાની તરફ ખેંચી લીધા. નેતન્યાહુને પુતિન-જિનપિંગથી કેમ અલગ? ઘણા એક્સપર્ટ નેતન્યાહુના આ લાંબા શાસનને જોઈને તેમની સરખામણી રશિયાના વ્લાદિમીર પુતિન કે ચીનના શી જિનપિંગ જેવા સરમુખત્યારો સાથે કરવા લાગ્યા, તો કેટલાક તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા શક્તિશાળી નેતા ગણાવવા લાગ્યા. પણ અહીં એક બહુ મોટો તફાવત છે જે સામાન્ય રીતે લોકોના ધ્યાનમાં આવતો નથી. ઈઝરાયલમાં 2019-2022 વચ્ચે પાંચવાર ચૂંટણી થઈ ભારતમાં નરેન્દ્ર મોદી પાસે મજબૂત બહુમતી અને સ્થિર સરકાર છે, જ્યારે નેતન્યાહુની સત્તા હંમેશા નાના પક્ષોની પાતળી દોરી લટકેલી છે. આના જ કારણે ઈઝરાયલમાં 2019થી 2022 વચ્ચે પાંચ-પાંચ વાર ચૂંટણીઓ થઈ હતી. વળી, પુતિન કે જિનપિંગની જેમ નેતન્યાહુ કોઈ સરમુખત્યાર પણ નથી; તેમણે સતત સુપ્રીમ કોર્ટ, રસ્તા પર ઉતરેલા લાખો પ્રદર્શનકારીઓ અને કેસ 1000, 2000 અને 4000 જેવા ભ્રષ્ટાચારના ખતરનાક કેસોનો સામનો કરવો પડ્યો છે. નેતન્યાહુ પરનો લાંચ કેસ ખોટો ઠર્યો નેતન્યાહુ સામેના સૌથી ગંભીર કેસ 4000 જેને બેઝેક-વાલા લાંચ કેસ પણ કહેવામાં આવે છે તેમાં તાજેતરમાં જ આખી બાજી પલટાઈ ગઈ છે! દોઢ વર્ષમાં થયેલી 98થી વધુ સુનાવણીઓ દરમિયાન બચાવ પક્ષે સાબિત કરી દીધું કે તપાસકર્તાઓએ પુરાવા છુપાવ્યા હતા. સરકારી સાક્ષી શ્લોમો ફિલ્બર અને નેતન્યાહુ વચ્ચે જે સિક્રેટ બેઠક થયાનો દાવો હતો, તે સમયે સેલફોન લોકેશન ડેટા મુજબ બંને એકસાથે હતા જ નહીં! આ ખુલાસા પછી નેતન્યાહુએ જનતાને સફળતાપૂર્વક ગળે ઉતારી દીધું કે ડાબેરી ન્યાયતંત્ર તેમની પાછળ પડ્યું છે. હવે સત્તામાં આવ્યા પછી તેઓ ફરીથી જ્યુડિશિયલ ઓવરહોલ લાવીને સુપ્રીમ કોર્ટની પાંખો કાપી નાખશે અથવા રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગ પાસેથી સીધી માફી મેળવી લેશે. મોદી-નેતન્યાહુની દોસ્તીથી ભારતને શું ફાયદો? હવે વાત કરીએ ઈઝરાયલમાં ગમે તે થાય, ભારત પર તેની કેવી અસર પડી શકે તેની. સ્ટ્રેટેજિક રીતે નેતન્યાહુની જીત ભારત માટે લોટરી જેવી છે. પીએમ મોદી અને નેતન્યાહુની મિત્રતાને કારણે હેરોન ડ્રોન, બરાક મિસાઈલ અને સાયબર સિક્યોરિટીના સોદાઓ કોઈ માનવાધિકાર સંગઠનના દબાણ વિના ચાલુ રહેશે. આટલું જ નહીં, ગુજરાતના બંદરોને સીધો ફાયદો કરાવતો ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અને I2U2 પ્રોજેક્ટ ફરી રફ્તાર પકડી શકે. ટ્રમ્પ-નેતન્યાહુ સાથે મળીને ઈરાન ભડકે બાળશે? પણ સિક્કાની બીજી બાજુ ખૂબ જોખમી છે. નેતન્યાહુએ સૈન્ય વડા એયાલ ઝમીર પર ઈરાન સામે તાત્કાલિક યુદ્ધ છેડવા દબાણ કર્યું હોવાના અહેવાલો છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પના ખુલ્લા સમર્થન સાથે નેતન્યાહુ ગમે તે ઘડીએ ઈરાનના નતાન્ઝ, ફોર્ડો અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર બોમ્બમારો કરી શકે છે. જો આવું થયું, તો ઈરાન વળતા પ્રહારમાં હોર્મુઝની સ્ટ્રેટ ફરી બંધ કરી શકે છે. ઈઝરાયલની ચૂંટણીથી ભારતને શું લેવાદેવા? દુનિયાનું સૌથી વધુ ક્રૂડ ઓઈલ આ જ રસ્તેથી પસાર થાય છે. આ દરિયાઈ રસ્તો બંધ થવાનો સીધો મતલબ એ છે કે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલી શકે, ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે અને ભારતમાં પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘવારી સામાન્ય માણસનું બજેટ ખોરવી શકે છે. ડરની સાયકોલોજી સમજાય જાય તો કોઈ ન હરાવી શકે ટૂંકમાં કહીએ તો, આજનો આ દિવસ સાબિત કરે છે કે લોકશાહીમાં સરમુખત્યાર બન્યા વિના પણ જો તમને કાયદાની છટકબારીઓ, ગઠબંધનનું ગણિત અને ભયનું મનોવિજ્ઞાન વાપરતા આવડતું હોય, તો તમને કોઈ હરાવી શકતું નથી. નેતન્યાહુ જીતી ગયા છે, પણ પશ્ચિમ એશિયામાં હવે ખરા અર્થમાં અગ્નિપરીક્ષા શરૂ થઈ રહી છે. અને છેલ્લે… ઈઝરાયલની ચૂંટણીમાં અમેરિકાના નાર્સિસિસ્ટ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાને શ્રેય લેવાનો મોકો છોડ્યો નહીં. તેમણે કોઈના નામની સોશ્યલ મીડિયા પોસ્ટ કોપી પેસ્ટ કરીને કહ્યું કે સારું થયું કે મારો સાથ હતો બાકી બીબી નેતન્યાહુ તો હારી જવાના હતા. બંને સાથે મળીને ઈરાનમાં હવે શું નવા-જૂની કરે છે એ જોવાનું રહ્યું. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    WPL ઑક્શન- અત્યાર સુધીમાં 17 ખેલાડીઓ સિલેક્ટ થઈ:ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન મોલિન્યૂને UPWએ 1.1 કરોડમાં સામેલ કરી; કિરણ નવગિરે દિલ્હી માટે રમશે
    Next Article
    વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાત:ત્રણ માળના બંગલામાં માતાએ દીકરા-દીકરી સાથે ફાંસો ખાધો, પતિનું વર્ષ પહેલા હાર્ટ એટેકથી અવસાન થયું હતું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment