Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાત કાટમાળ, મૌન, યાદો અને સમયની સાક્ષી એવી એ તસવીરોની:પ્લેન ક્રેશ સાઈટના ભાસ્કર રિપોર્ટરે 12 મહિના સુધી બદલાતા દૃશ્યો કેદ કર્યા; એક સમયે મોતનું તાંડવ હતું, હવે જિંદગી પાટે ચડી

    1 day ago

    12 જૂન, 2025 આ તારીખને કોઇ કેવી રીતે ભૂલી શકે? આ જ દિવસે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 260 જિંદગીઓ હોમાઇ ગઇ હતી. આ દુર્ઘટનાને આવતીકાલે 1 વર્ષ પૂરૂં થઇ રહ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કર તમારા માટે લાવ્યું છે એક અનોખી અને લાગણીભરેલી સફર. ભાસ્કર રિપોર્ટર સારથી એમ. સાગરે ક્રેશના દિવસથી લઇને દર મહિને ઘટનાસ્થળે જઇ ટાઇમ લેપ્સ ફોટો અને વીડિયો દ્વારા બદલાતી તસવીરો-દૃશ્યોને કેદ કર્યા છે. આજે વાત કાટમાળ, મૌન, યાદો અને સમયની સાક્ષી એવી એ તસવીરોની અને ભાસ્કર રિપોર્ટરના અનુભવની. 12 જૂન, 2025નો દિવસ દરરોજની જેમ સામાન્ય જ હતો. મારે રૂટિન મુજબ ઓફિસ આવીને એક સ્ટોરી પર કામ કરવાનું હતું. જેથી એક કેબિનમાં જઇને બેસી ગયો. ત્યાં જ ફોનમાં મેસેજ આવ્યો. મેસેજ જોઉં એ પહેલાં એક પોલીસવાળા મિત્રનો ફોન આવ્યો. બોલ્યો-ભાઇ, એરપોર્ટ બાજુ કોઇ મોટી આગ લાગી છે? મેં તેને કહ્યું- ખબર નથી. આગનો મેસેજ હમણાં જ કોઇ ગ્રુપમાં આવ્યો એ જ જોવા જતો હતો ને તમારો ફોન આવ્યો. ઊભા રહો હું મેસેજ જોઇને પાછો ફોન કરૂં છું. મિત્રએ કહ્યું- જુઓ ધૂમાડા બહુ જ ભયંકર દેખાઇ રહ્યાં છે. હું આ બાજુથી કામથી નીકળી રહ્યો હતો એટલે થયું કે તમને કદાચ ખબર હોય. આના પછી કોલ કટ થયો અને મેં વોટ્સએપ ચેક કર્યું. એક ગ્રુપમાં આવેલા મેસેજમાં લખ્યું હતું- અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે. મેસેજ વાંચીને થોડીવાર તો વિશ્વાસ જ ન આવ્યો. ફરીથી ચેક કર્યું. ઘટના સાચી હોવાનું કન્ફર્મ થયું એટલે એ મિત્રને કોલબેક કરીને ઘટના સાચી હોવાનું કહ્યું. તરત જ કેબિનમાંથી બહાર આવ્યો અને રિપોર્ટિંગ માટે જવા નીકળી ગયો. થોડીવારમાં અમે મેઘાણીનગરમાં હતા. પહેલા સિવિલ ગયા. ત્યાં લોકોની ભીડ અને એમ્બ્યુલન્સના હોર્ન સિવાય બીજું કઇ નહોતું. કેટલાક કલીગ મળ્યાં. એ ત્યાંથી રિપોર્ટિંગ કરતાં હતા એટલે મેં ઘટનાસ્થળે જવાનું નક્કી કર્યું. ધૂમાડા બહુ દૂરથી જોઇ શકાતા હતા. આશરે 500 મીટર દૂર બાઇક મૂકીને ચાલતો ગયો અને ઘટનાસ્થળની નજીક પહોંચ્યો. ત્યાં ઘણા ફાયર ફાઇટર્સ અને પોલીસની વાન, 108 એમ્બ્યુલન્સ હાજર હતા. કેટલાય અધિકારીઓ હજુ તો આવી રહ્યાં હતા. પોલીસ સાથે સામાન્ય નાગરિકો પણ શક્ય એટલી મદદ કરવામાં જોડાયા હતા. હું ઊભો હતો ત્યાંથી સામેની તરફ ગયો. પાછો જૂની જગ્યાએ આવીને ઊભો રહી ગયો ત્યારે ખબર પડી કે સામે જઇને હું પ્લેનના પાંખિયા પર ઊભો હતો. એટલામાં જ ચાર લોકો સ્ટ્રેચરમાં એક મૃતદેહ લઇને 108માં ચઢ્યા. મૃતદેહ ઢાંકેલો હોવા છતાં એના હાથ બહાર હતા. ચામડી નીકળી ગયેલી હતી. ભયાનક આગ ચાલુ જ હતી. પોલીસ બધાને રોકી રહી હતી. હું ધીમે ધીમે આગળ ગયો. ગજરાજ (ફાયર ફાયટર્સ) પર કેટલાક પત્રકાર મિત્રો ચડેલા હતા, ત્યાંથી રિપોર્ટિંગ ચાલુ હતું. લોકોની ભયંકર ભીડ હતી ત્યાંથી પાછળના રસ્તે થઇને અંદર ગયો. છેક આગળની તરફ જ્યાં પ્લેન પડ્યું હતું ત્યાં આવ્યો. ચારેતરફ આગ, કાટમાળના ઢગલાં હતા. સવા લાખ લીટર ફ્યૂઅલ સળગવાના લીધે સફેદ રંગની 4 બિલ્ડિંગ કાળી થઇ ગઇ હતી. આંખોમાં બળતરા થઇ રહી હતી. આગ જોઇ, લાશો જોઇ, કામ કરતાં કર્મચારીઓ જોયા અને મદદ માટે તત્પર રહેલા સંવેદનશીલ લોકોને પણ જોયા. ત્યારે કદાચ શહેરમાં સૌથી વધુ તાપમાન એ જગ્યાનું હતું. કોઇને ફોન લગાવો તો લાગે નહીં અને લાગે તો વાત ન થાય. બેટરી ઘણી ઝડપથી ડ્રેન થઇ રહી હતી. ન્યૂઝ કવરેજ માટે બાજુમાં જ આવેલી એક માત્ર રહેણાંક બિલ્ડિંગમાં ગયો. ત્યાં બધાનું ઇન્ટરવ્યૂ કરીને ધાબા પર ગયો. અહીંથી પ્લેન ક્રેશ સાઇટ અતુલ્યમ બિલ્ડિંગ, સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ બધું જ દેખાતું હતું. ત્યાં એક કપલ બેઠું હતું. મેં એમને પૂછ્યું તમે શું જોયું? આ ઘટના બની ત્યારે તમે કયા હતા? કપલે કહ્યું- અમે તો અહીં નથી રહેતા. તો? અમે તો સાણંદ રહીએ છીએ. આ બિલ્ડિંગમાં કોઇ સગા રહે છે? ના. અમે તો સમાચારમાં જોયું એટલે જોવા આવ્યા છીએ. દુર્ઘટનાની ગંભીરતા વચ્ચે માનવીય જિજ્ઞાસાનું આ એક અલગ જ ચિત્ર હતું. આખો દિવસ સાઇટ પરથી રિપોર્ટિંગ કર્યું. રાત્રે 2 વાગ્યે ઘરે આવ્યો. બીજા દિવસે ફરીથી ઘટનાસ્થળે ગયો. ત્યારે પોલીસે આખા સ્થળનો કબજો લઇને બેરિકેડ કરેલું હતું. વિદેશી મીડિયા પણ આવેલું હતું. હું ત્રીજા દિવસે પણ રિપોર્ટિંગ કરવા ગયો. 260 લોકોનાં મોત થયા અને 67 જેટલા લોકોને ઇજાઓ પહોંચી. અમદાવાદના ઇતિહાસની સૌથી ખરાબ ઘટનાઓમાંથી એક. જેનું રિપોર્ટિંગ સતત કોઇને કોઇ પ્લેટફોર્મ પર આખું વર્ષ ચાલવાનું હતું. એ પછી આખા વર્ષનો ટાઇમ લેપ્સ વીડિયો બનાવવાનું નક્કી કર્યું, જવાબદારી મને સોંપવામાં આવી. દર મહિનાની 12 તારીખે જઇને બિલ્ડિંગના વીડિયો-ફોટો લઇ આવવાના. જુલાઇથી સપ્ટેમ્બર જૂનમાં આ ઘટના બની એ પછી મારૂં ત્યાં જવાનું ચાલુ ચાલુ જ હતું. ક્યારેક રાત્રે પણ એ તરફ જતો હતો. જુલાઇમાં ગયો ત્યારે વરસાદ પડી ચૂક્યો હતો. જેના પગલે અતુલ્યમની કાળી થયેલી ચાર બિલ્ડિંગની દીવાલો ઘણા અંશે ધોવાઇ ગઇ હતી. દુઃખદ ઘટના ઝાંખી થઇ હતી, લોકોના મનમાંથી નહોતી ગઇ. ક્રેશ સાઇટ પર કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો. બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું. એક પોઇન્ટથી આગળ પોલીસ અને સંલગ્ન અધિકારીઓ સિવાય કોઇને જવાની મંજૂરી નહોતી. ઘણા સમય સુધી ઘોડા કેમ્પ અને બીજી તરફ એફએસએલ ચાર રસ્તા સુધી બેરીકેડિંગ રાખેલું હતું. એક દિવસ આવ્યો ને બેરીકેડિંગ હટી ગયા. પોલીસ ફક્ત બિલ્ડિંગ પૂરતી જ સીમિત રહી ગઈ. મોટા અધિકારીઓ પણ આવતા ઓછા થયા. જ્યારે ક્યારેક ક્યારેક એફએસએલ અને અન્ય એજન્સીઓના માણસો આવતા જતાં દેખાતા. મારે ત્યાંનાં ફોટો-વીડિયો લેવાના હતા. અધિકારી સાથે વાત કરીને બાદમાં બહારથી ફોટો વીડિયો લીધા. 12 તારીખ પછી પહેલીવાર આટલું નજીક જઇને સ્થળ જોયું. એ પછી ધીમે ધીમે પોલીસનો બંદોબસ્ત પણ ઘટ્યો. છતાં લોકો ત્યાં એ ઘટના જોવા આવતા. ત્યાંથી વાહન લઈને પસાર થતાં લોકોને જ્યારે જાણ થતી કે પ્લેન અહીં પડ્યું હતું તો એ લોકો પણ ઊભા રહી જતાં હતા. એને કારણે FSL ચાર રસ્તા પર ટ્રાફિક થઈ જતો. જુલાઈમાં પહેલી માસિક તિથી આવી ત્યારે ડોક્ટર્સ અને વિકટીમ ફેમિલીના કેટલાક લોકોને પોલીસે એક જગ્યા કરી આપી હતી. જ્યાં તેમણે ફૂલ મૂકીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એક દિવસ આવ્યો ત્યારે આખો રસ્તો લોકો માટે ફરીથી ખોલી નાખવામાં આવ્યો. ત્યાંથી પસાર થતાં લોકો ઊભા રહી જતાં. એકવાર રાત્રે 12 વાગ્યે ત્યાં ગયો હતો. મને એમ કે કદાચ હું જ એકલો હોઇશ પણ મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં રિક્ષા, કાર ને અન્ય વાહનો લઇને લોકો રાત્રે પણ ઊભા હતા અને અતુલ્યમ જોતાં હતા. જાણે કે કોઇ પિકનિક સ્પોટ હોય. ઓક્ટોબરથી ડિસેમ્બર ચોમાસું થોડા સમય પહેલાં જ પૂરું થયું હતું એટલે ક્રેશ સાઇટની આસપાસના વૃક્ષો લીલાછમ દેખાતા હતા. હોસ્ટેલની બિલ્ડિંગ્સ પરની કાળાશ સાવ ઓછી થઇ ગઇ હતી. જ્યાંથી વિશ્વાસકુમાર બહાર આવ્યા હતા તે જગ્યાએ નાસ્તા અને ચાની લારીઓ લાગી ગઇ હતી. અતુલ્યમની પાછળની તરફથી પણ જવાય છે એવું કોઇએ કહ્યું હતું એટલે ત્યાં ગયો. જે રેતીના ઢગલા પર પડીને વિશ્વાસકુમાર એક માત્ર જીવતા બચ્યાં હોવાનું કહેવાય છે તે રેતીના ઢગલાં પહેલીવાર જોયા. દુઃખ સાથે કુતૂહલ પણ હતું. આટલા બધા લોકોમાંથી એકમાત્ર બચી જવું એ કદાચ ચમત્કાર જ હોઇ શકે. પાછો બિલ્ડિંગની આગળ તરફ આવ્યો. મેં મનોમન વિચાર્યું કે ફ્રિક્શન ઓફ સેકન્ડમાં આખી ઘટના ઘટી ગઇ હશે. જીવતા ભૂંજાવા કરતાં ખરાબ મૃત્યુ કયું હોય શકે? ડિસેમ્બર મહિનો આવ્યો. ગોઝારી ઘટનાને 6 મહિના થયા હતા. ત્યાં સુધીમાં પ્લેનનો તમામ કાટમાળ હટાવીને બીજે ખસેડવામાં આવ્યો હતો. આ વખતે પ્લાન અનુસાર અતુલ્યમમાં ગયો. પહેલીવાર હોસ્ટેલની અંદર આવ્યો હતો. કેમ્પસમાં ગયા અને 6 મહિના પહેલાંની ઘટના તાજી થઇ ગઇ. જ્યાં ઊભા રહીને મેં લોકોની લાશો જોઇ હતી. એક સમયે જ્યાં પગ મૂકવાની જગ્યા નહોતી ત્યાં હવે ખાલી મેદાન હતું. સળગીને કોલસો થઇ ગયા છતાં અડીખમ ઊભેલા ઝાડ હતા. AC, ફ્રિજ, ખુરસીઓ ઓગળી ગઈ, પ્લાસ્ટિકનો રેલો નીતર્યો, પ્લેન ક્રેશ સાઇટની અંદરનાં દૃશ્યો જોવા અહીં ક્લીક કરો બહારથી જ વીડિયોગ્રાફીની શરૂઆત કરી. એક પછી એક બિલ્ડિંગમાં ગયા. ત્યાં બધું જ બળીને ખાખ થઇ ગયું હતું. મોટાભાગે બધી જગ્યાએ દરવાજા, બારીઓ, પંખા, સ્વીચ બોર્ડ, ફ્રીઝ અને ઘરવખરીનો સામાન ઓગળી ગયો હતો. કેટલાક રૂમોમાં ઘણી વસ્તુઓ એમને એમ પડી હતી. મેસમાં ગયા જ્યાં સૌથી પહેલાં પ્લેનની ટેલ અથડાઇ હતી. અહીં આવીને ઘટનાની ભયાનકતા અનુભવી. જાન્યુઆરીથી માર્ચ દર મહિનાની બાર તારીખે જવાનું થતું. એ દરમિયાન ત્યાં બનેલા કેટલાક કોન્ટેક્ટ સાથે વાત કરતો ત્યારે કોઇ અપડેટ અંગે જાણ થતી. માર્ચ મહિનામાં ક્રેશ સાઇટની બહારની સાઇડ ટોરેન્ટ પાવરનું ખોદકામ ચાલુ હતું. વર્ક ઇન પ્રોગ્રેસ લખેલા બેરિકેટ લગાવી દેવાયા હતા. એપ્રિલથી જૂન ક્રેશ સાઇટની દીવાલની લગોલગ ઊભેલા વૃક્ષો ધોમધખતા તાપ વચ્ચે રસ્તા પર છાંયો પાથરી રહ્યાં હતા. હજુપણ અહીંથી નીકળતા લોકો અતુલ્યમની બિલ્ડિંગ્સ પર એક નજર નાખી લેતા. આસપાસ નાસ્તા-ચાની લારીવાળા બપોરે વૃક્ષોના છાંયડે ખાટલો પાથરીને આરામ કરતા નજરે પડ્યા. વાહનો અને લોકોની અવર જવરથી આ રસ્તો હવે પહેલાંની જેમ જ ધમધમવા લાગ્યો છે. એક વર્ષ પહેલાં જ્યાં આગની જ્વાળાઓ, સાયરનના અવાજ હતા ત્યાં આજે જીવન ફરીથી પાટા પર ચડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક શરૂ:કર્ણાટકના CM શિવકુમાર, તમિલનાડુના CM વિજય પ્રથમ વખત સામેલ થયા
    Next Article
    મોરબીના જસાપર બાયપાસનો વિરોધ:100 વીઘા જમીન પ્રભાવિત થવાની ચિંતા વચ્ચે ખેડૂતોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment