Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ડિમોલિશનમાં 12 લાખનું તો મિનરલ વોટર પીધું, નવો ઘટસ્ફોટ:27 લાખના ભોજન વિવાદ બાદ પાણી ખર્ચ છૂપાવ્યો, પાછલા બારણે પાસ કરવાનો કારસો

    16 hours ago

    23 અને 24 ફેબ્રુઆરીના સતત બે દિવસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં વોર્ડ નં.16ના જંગલેશ્વર વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક અને સાહસિક મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે, આ ડિમોલિશન કર્યા બાદ મનપાના અધિકારીઓએ વાહવાહી તો મેળવી લીધી, પરંતુ હવે 27 લાખના ભોજનનું બિલ પાસ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવતા જ ભારે વિવાદ સાથે હોબાળો મચી ગયો હતો. વિપક્ષે આ આંધળા ખર્ચ સામે સવાલો ઉઠાવ્યા છે, જેને પગલે હાલ પૂરતી આ દરખાસ્ત અટકાવી દેવામાં આવી છે. જોકે, 27 લાખના બિલમાં ડિમોલિશનના સ્ટાફ માટે સમોસા, કાજુકતરી, ખજૂર રોલ, જલેબી, ગાંઠિયા, ભોજનની થાળી, લીંબુ શરબત અને છાશ વગેરેનો સમાવેશ કરાયો છે. નવાઈની વાત એ છે કે આટ-આટલી વાનગીઓ આરોગ્યા પછી અધિકારીઓ પાણી પીવાનું ભૂલી ગયા હોય તેમ દરખાસ્તમાં 12 લાખના મિનરલ વોટરનું કોઈ બિલ જ સામેલ ના કર્યું. આ ભોજન બિલનો વિવાદ શરૂ થતા જ રાજકોટ મનપાએ પાણીના 12 લાખ રૂપિયાનો ખર્ચ છૂપાવ્યો અને પાછલા બારણે બિલ પાસ કરવાનો કારસો ઘડ્યો હોવાનું 'ભાસ્કર ઇન્વેસ્ટિગેશન'માં સામે આવ્યું છે, 'ભાસ્કર' પાસે પાણીના આ તોતિંગ બિલના તમામ પુરાવા છે. પાણી સપ્લાયનો કોન્ટ્રાક્ટ 'ઉમિયા મંડપ સર્વિસ'ને આપ્યો ડિમોલિશન દરમિયાન પાણી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ 'ઉમિયા મંડપ સર્વિસ'ને આપવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્ટાફ અધધ ₹12,40,028 નું તો માત્ર મિનરલ વોટર પી ગયો છે! આ સિવાય ડિમોલિશન સાઇટ પર મંડપ બાંધવાનો ખર્ચ ₹6,70,678 થયો છે. આ બંને બિલ હજુ સુધી પ્રજા કે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યા નથી. બે અલગ-અલગ વિભાગો વચ્ચે બિલની વહેંચણી આ આખી ગોઠવણમાં વહીવટી ચતુરાઈ વાપરવામાં આવી છે. ચા-પાણી, નાસ્તો અને જમવાની વ્યવસ્થા આરોગ્ય શાખા હસ્તક હતી, જેથી તેનું 27 લાખનું બિલ વહેલું દરખાસ્તમાં આવી ગયું. જ્યારે મિનરલ વોટર અને મંડપ સર્વિસની જવાબદારી સાંસ્કૃતિક વિભાગની હતી. સાંસ્કૃતિક વિભાગે હજુ સુધી આ દરખાસ્ત કમિટી સમક્ષ મૂકી નથી. હવે જોવાનું એ રહેશે કે ઉમિયા મંડપ સર્વિસ મનપાની નિયત એજન્સી હોવાથી આ બિલ બારોબાર પાસ કરી દેવાય છે કે પછી તેને પણ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે. કુલ ખર્ચ રૂ. 46 લાખને પાર પહોંચશે અત્યાર સુધી પ્રજા સામે માત્ર ₹27,20,946 લાખનો ખર્ચ જ આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમાં હજુ પાણીનું ₹12,40,028નું બિલ અને મંડપ સર્વિસના ₹6,70,678 બિલનો ઉમેરાવાના બાકી છે. આ તમામ વિગતો ઉમેરતા જંગલેશ્વર ડિમોલિશનનો કુલ ખર્ચ ₹46,31,652ની આસપાસ પહોંચે છે, જે પ્રજાના ટેક્સના પૈસાનો સીધો ધુમાડો છે. કાજુકતરી બિલ વિવાદમાં અધિકારીની સ્પષ્ટતા રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચા જગાવનારા કાજુકરતીના બિલના વિવાદ મામલે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ દિવ્ય ભાસ્કર સમક્ષ એકદમ વિગતવાર અને મુદ્દાસર સ્પષ્ટતા કરી હતી. ડો. વાંકાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી એક મોટી ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન વિવિધ વિભાગોના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સતત ગ્રાઉન્ડ ઝીરો પર ફરજ બજાવી રહ્યા હતા. લાંબી કામગીરી હોવાથી બિસ્કીટ, ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી આ લાંબી કામગીરીને ધ્યાનમાં રાખીને મનપાના વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગને ખાસ સૂચના આપવામાં આવી હતી. આ આદેશના અનુસંધાને મનપાની ફૂડ શાખા દ્વારા સ્થળ પર જઈને કર્મચારીઓ માટે માત્ર પેકેજ્ડ ફૂડ, બિસ્કિટ અને પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. કામગીરીના સ્થળે કોઈ વૈભવી નાસ્તો મોકલવામાં આવ્યો ન હતો. પ્રેસ કોન્ફરન્સ માટે મીઠાઈ રાખવામાં આવી:ડો.જયેશ વાંકાણી કાજુકતરીના ઉપયોગ અને તેના બિલના થયેલા વિવાદ પર વિશેષ ભાર મૂક્તા ડો. જયેશ વાંકાણીએ ખુલાસો કર્યો કે, ડિમોલિશનની આખી પ્રક્રિયા તા. 23 અને 24 બે દિવસમાં સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ, 25 તારીખે મનપા કમિશનરના અધ્યક્ષસ્થાને સેન્ટ્રલ ઓફિસ ખાતે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ડિમોલિશનની વિગતો આપવા માટે શહેરના 150 કરતા પણ વધુ પત્રકાર ઉપસ્થિત રહ્યાં હતાં. 'ફૂડ સપ્લાય માટે ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા થઈ' સરકારી પ્રોટોકોલ અને ભૂતકાળની પરંપરા મુજબ પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ પત્રકારો માટે નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. આ નાસ્તાના મેનૂમાં કાજુકતરી, સમોસા, વેફર્સ, ખમણ, ખજૂર રોલ અને ચા, કોફી અને પાણી સામેલ હતા. હાલ જે બિલ ચર્ચાનો વિષય બન્યું છે તે આ પ્રેસ કોન્ફરન્સના નાસ્તાનું છે ના કે ડિમોલિશન સાઈટનું. અંદાજે રૂપિયા 35,000 જેટલી રકમના આ બિલ અને મોંઘા ભાવો અંગે થઈ રહેલી ચર્ચાઓનો જવાબ આપતા તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં મનપાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ સપ્લાય માટે ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રીજા ટેન્ડરમાં એજન્સીઓ તરફથી ખૂબ જ ઊંચા ભાવો આવ્યા હતા. તેની સરખામણીમાં આરાધના એજન્સી દ્વારા આપવામાં આવેલો વ્યક્તિ દીઠ ભાવ ઘણો વ્યાજબી હતો. 'કોન્ટ્રાકટ આરાધના એજન્સીને અપાયો હતો' આ કોન્ટ્રેક્ટમાં 150થી વધુ પત્રકારો માટે અનલિમિટેડ બે પ્રકારની સ્વીટ, અનલિમિટેડ સમોસા, ખમણ, વેફર્સ અને ચા-કોફી સર્વ કરવાનું નક્કી કરાયું હતું. આ બિલ માત્ર ખાદ્ય સામગ્રીનું જ નથી, પરંતુ પ્રોટોકોલ મુજબ એકદમ હાઈજેનિક (સ્વચ્છ) કન્ડિશનમાં સામગ્રી લાવીને તેને યોગ્ય ડિશ, પ્લેટ અને કપમાં પ્રોફેશનલી સર્વ કરવા સુધીની કેટરિંગ સર્વિસ સાથેનો સંયુક્ત ભાવ છે. આમાં કોઈ પણ પ્રકારનું નાણાકીય નુકસાન કે ગેરરીતિ થઈ નથી. આરાધના એજન્સી માત્ર ચા-નાસ્તાનું વેચાણ કરતી હોવા છતાં તેની પાસેથી મીઠાઈ કેમ લીધી તે મુદ્દે તેમણે જણાવ્યું કે આ કોન્ટ્રાકટ આરાધના એજન્સીને અપાયો હતો. જે અંતર્ગત તેમણે બહારથી લાવીને આ મીઠાઈ પુરી પાડી હતી. જનરલ બોર્ડની બેઠક પૂર્વે કોંગ્રેસનું ભારે વિરોધ પ્રદર્શન જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખાણીપીણીના ખર્ચને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે જનરલ બોર્ડની બેઠક પૂર્વે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરોએ હાથમાં કાજુકતરી રાખીને શાસક પક્ષ અને અધિકારીઓ સામે અનોખી રીતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. 'જનતાના આંસુઓ વચ્ચે પદાધિકારીઓ મોંઘી ડીશો ઝાપટી' આ મામલે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે જંગલેશ્વરમાં ગરીબ અને સામાન્ય માણસોના આશરા તોડવામાં આવી રહ્યાં હતાં અને લોકો લોહીના આંસુએ રડી રહ્યાં હતાં. આવા કપરા સમયે જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ માનવતાને શરમાવે તે રીતે કાજુકતરી, ખજૂર રોલ અને મોંઘી વાનગીઓની ડીશો જમી રહ્યાં હતાં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તત્કાલીન કમિશનરને શું આ બાબતની જાણ નહોતી? 'ડિમોલિશનના નામે અધિકારીઓ પિકનિક મનાવવા ગયા હતા' કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ આક્ષેપ કર્યો હતો કે, ગરીબોના મકાન તોડતી વખતે રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓ ત્યાં પિકનિક મનાવવા ગયા હોય તેવું લાગી રહ્યું હતું. ગરીબો રડતા હતા અને આ લોકો રૂ. 200ની થાળીઓ, એસી હોલ અને રાઉન્ડ ટેબલ પર બેસીને જમતા હતા. 'જાફર ટી સ્ટોલ' પર ચા-નાસ્તો જ મળે છે, ત્યાં કોઈ કાજુકતરી જેવી મીઠાઈ મળતી નથી, છતાં તેના નામે ખોટા બિલ બનાવવામાં આવ્યા છે. આ માત્ર અધિકારીઓના ખિસ્સા ભરવા અને પોતાની જેબ ભરવાનો એક ભ્રષ્ટાચાર છે. આ દરખાસ્ત કમિશનરના ટેબલ પરથી જ રદ થવી જોઈએ અને સ્ટેન્ડિંગ કમિટીમાં જવી જ ન જોઈએ તેવી કોંગ્રેસની ઉગ્ર માંગ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં પકડાયેલી 4 બાંગ્લાદેશી યુવતીઓના શોકિંગ કિસ્સા:જુમ્મી અય્યુબ ઋતુ પટેલ બની ગઇ, કિન્નર ભેગી રહી, ડાન્સ બાર અને ઇમિટેશનના કારખાનામાં કર્યું કામ
    Next Article
    ઉત્તર પ્રદેશના MLA સામે સુરતીલાલાના સીનસપાટા:IPS બનીને રોફ જમાવતા જોનને પોલીસે વાંકો વાળી દીધો; ‘જંગલેશ્વરની કાજુકતરી’ RMCને પચી નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment