Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનવરે આળસ મરડી ને વાયરથી ગળું ટૂંપાઈ ગયું:મરી ગયાની ખાતરી કરવા છરો હુલાવી લોહીના ફુવારા ઉડાડ્યા, નામ બદલીને રહેતો ખૂની 12 વર્ષે શી રીતે પકડાયો?

    7 hours ago

    ‘ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ’ના ગઇકાલના એપિસોડમાં આપણે જોયું કે અનવરખાન નામનો વફાદાર ડ્રાઇવર હજીરાથી રિલાયન્સ કંપનીના પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક સહિત 27 લાખનો મુદ્દામાલ ભરીને દમણ જવા નીકળ્યો હતો. ચાર દિવસ સુધી ન તે દમણ પહોંચ્યો કે ન ટ્રક. PRC લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર પુરણસિંહે તેનું GPS લોકેશન ટ્રેસ કરાવ્યું, તો તે હજીરાથી અંદાજે 76 કિલોમીટર દૂર ગણદેવીના બિલીમોરા-નવસારી રોડ પરનું આવ્યું. ત્યાં જઇને તપાસ કરી પરંતુ ટ્રક કે અનવરખાનનાં કોઈ સગડ મળ્યાં નહીં. આખરે હજીરા પોલીસ સ્ટેશનમાં અનવરખાન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તપાસ કરી તો ટ્રક મળી આવ્યો, પરંતુ ખાલી! એ પણ બિનવારસી હાલતમાં. થોડા સમયમાં જ સચિન-મગદલ્લા રોડ પર ગટરમાંથી અનવરખાનની કોહવાયેલી અને દુર્ગંધ મારતી લાશ મળી આવી. હવે વાંચો અનવરની હત્યા અને પ્લાસ્ટિકના દાણાની લૂંટ પાછળની અસલી કહાની.... ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે પોતાના સકંજામાં રહેલા અસલમ સહિતના છ આરોપીઓની આકરી પૂછપરછ શરૂ કરી. આખું કાવતરૂં રામ નરેશ ઉર્ફ નરેશકાકા વિશ્વકર્માના ભેજાની ઊપજ હતું. રામ નરેશ પહેલાં PRC લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જ નોકરી કરતો હતો, પણ તેના આડાઅવળા ધંધાના કારણે કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. રામ નરેશ કંપની પાસેથી આ વાતનો બદલો લેવા માગતો હતો એટલે તેણે બાકીના આરોપીઓ સાથે મળીને આખો પ્લાન બનાવ્યો હતો. બાકીના આરોપીઓ પણ ભૂતકાળમાં આ જ કંપનીમાં નોકરી કરતા હતા, તેમાંથી કેટલાકે પોતાની રીતે નોકરી છોડી દીધી હતી અથવા તો કેટલાકને કાઢી મુકાયા હતા. કંપનીમાં જૂના કોન્ટેક્ટ હોવાથી બધા આરોપીઓને ખબર હતી કે અનવરખાન પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક લઇને દમણ જવાનો છે. જો કે અનવરખાન એ વાતથી બિલકુલ અજાણ હતો કે કંપનીમાં અગાઉ નોકરી કરી ચૂકેલા કેટલાક ડ્રાઇવર્સના મનમાં બદલાની આગ સળગી રહી છે. વીરેશ યાદવ, સર્વેશ યાદવ, લલ્લા ઉર્ફે સૂરજ અને વિજયકુમાર ઉર્ફે મોન્ટુ, આ એવાં નામો હતાં જે કંપનીના રૂટ, ડ્રાઇવર્સની ટેવો અને માલની કિંમતથી સારી રીતે વાકેફ હતા. અંતે 20મી ઓક્ટોબર આવી ગઇ. આ દિવસે આરોપીઓ પોતાના પ્લાનને અંજામ આપવાના હતા. રિલાયન્સના ગેટથી થોડે દૂર અંધારામાં અને અવાવરું રસ્તા પર સર્વેશ, વીરેશ અને લલ્લો ગોઠવાઇ ગયા. જેવો અનવરખાન પોતાનો ટ્રક લઇને આ રસ્તેથી નીકળ્યો કે ત્રણેય બરાબર ટ્રકની સામે આવીને ઊભા રહી ગયા. ત્રણેય ઓળખીતા હોવાના કારણે અનવરે ટ્રક રોક્યો. અનવર: બોલો શું થયું? સર્વેશઃ તું દમણ તરફ જાય છે ને? અનવરઃ હા સર્વેશઃ અમારે પણ એ તરફ કામ છે તો અમને લેતો જઇશ? અનવરઃ અરે કોઇ વાંધો નહીં, આવી જાઓ. આટલું કહેતાં જ ત્રણેય જણ જાણે કે તકની રાહ જોતાં હોય તેમ ડ્રાઇવરની કેબિનની ડાબી તરફના પગથિયાં ચડીને અંદર ગોઠવાઇ ગયા. વીરેશ ડ્રાઇવરની પાછળની સીટ પર બેઠો. જ્યારે લલ્લો અને સર્વેશ ડ્રાઇવરની બાજુમાં બેસી ગયા. *** ગળા પર ઊંડો ઘા માર્યો ને લોહીના ફુવારા ઉડ્યા બધા લોકો રસ્તામાં અલક મલકની વાતો કરતા હતા. તેવામાં પ્લાન પ્રમાણે સર્વેશે અનવરને કહ્યું કે હું તને એક રસ્તો બતાવું છું. તું ટ્રક ત્યાંથી લઇ લે એટલે તારે ટોલ ટેક્સ નહીં ભરવો પડે અને તારી બચત પણ થશે. ચીખલીથી નવસારીની વચ્ચે ટ્રક દોડી રહ્યો હતો ત્યારે બધાએ ચા પીવાની વાત કરી. અનવરખાન પણ બધા સાથે સહમત થઇ ગયો. હાઇવે પર આવેલી કોઇ હોટેલ પર ટ્રક ઊભો રાખતાં પહેલાં અનવરને લઘુશંકા લાગી એટલે તેણે હોટેલ આવવાની રાહ જોતાં પહેલાં એક અવાવરૂ જગ્યાએ ટ્રકને ઊભો રાખી દીધો. ટ્રક બંધ કરીને થાક ઉતારતો હોય તેમ તેણે બંને હાથ ઉપર કર્યા અને આળસ મરડી. બસ, આ જ ક્ષણ તેના માટે કાળ બનીને ત્રાટકવાની હતી. પાછળની સીટ પર બેઠેલા વીરેશે અનવરખાનના ગળામાં વાયર વિંટાળી દીધો અને જોરથી આંટી મારી દીધી. બાકીના બંને આરોપીઓએ છૂટવા માટે તરફડિયા મારી રહેલા અનવરખાનના હાથ-પગ પકડી લીધા. વીરેશે જેટલું જોર હોય તેટલું લગાવ્યું અને થોડી જ વારમાં અનવરનું શરીર હલતું બંધ થઇ ગયું. શ્વાસ રૂંધાઇ જવાથી તેનું મોત નીપજ્યું. જો કે આરોપીઓનાં મનમાં હજી પણ એવો ડર હતો કે અનવર ક્યાંક જીવી જશે તો અમે પકડાઇ જઇશું એટલે તેમણે ડ્રાઇવર કેબિનની અંદર જ તીક્ષ્ણ હથિયારથી અનવરખાનના ગળા પર ઊંડો ઘા માર્યો. આ સાથે જ લોહીના ફુવારાથી કેબિન, સીટ અને આરોપીઓનાં કપડાં ખરડાઇ ગયાં. અનવરની લાશને ઉઠાવીને ડ્રાઇવરની સીટની પાછળ મૂકીને ઢાંકી દીધી. અનવરની હત્યા બાદ સૌથી પહેલું કામ પુરાવાનો નાશ કરવાનું હતું એટલે ત્રણેય લાશ સાથેના ટ્રકને ગણદેવી રોડ પર દોડાવ્યો. વચ્ચે એક નદી આવતાં લોહીવાળાં કપડાં તેમાં ફેંકી દીધાં અને બીજાં સ્વચ્છ કપડાં પહેરી લીધાં. ત્યાંથી બિલીમોરાનો રોડ પકડ્યો. અહીં તેમને અવાવરૂ ઝાડીઓ દેખાતાં ટ્રકમાંથી GPS કાઢીને ફેંકી દીધું. 21મી તારીખે GPSનું લોકેશન બંધ થઇ ગયું હતું. આ જ લાસ્ટ લોકેશન પર પુરણસિંહ અને તેના માણસો તપાસ કરવા માટે પહોંચ્યા હતા પણ તેમને કંઇ મળ્યું નહોતું. GPS ફેકીં દીધા બાદ ત્રણેય આરોપીઓ ટ્રક લઇને સચિન-મગદલ્લા રોડ પર ઓવરબ્રિજની નીચે આવ્યા. જ્યાંથી વીરેશે રામ નરેશને ફોન કર્યો. વીરેશઃ કાકા, અબ ક્યા કરના હૈ? રામનરેશઃ ઉસકી લાશ કો પુલ કે નીચે ગટર મેં ફેંક દો. રામનરેશનો આદેશ મળતાં જ ત્રણેયે લાશને ઊંચકીને ગટરમાં ફેંકી દીધી. એ પણ લાશનું માથું નીચે અને પગ ઉપર રહે એ રીતે ફેંકી હતી કે જેથી કરીને લાશની ઓળખ કરવામાં મુશ્કેલી આવે. લાશનો નિકાલ કર્યા બાદ તેમની પાસે 16 ટન માલ ભરેલો ટ્રક હતો. તેમને લાગ્યું કે તેમણે કદી પકડાય નહીં તેવો પર્ફેક્ટ ક્રાઇમ કરી લીધો છે. હત્યા અને લૂંટ સફળ રહ્યા બાદ હવે આરોપીઓએ માલને રોકડે વટાવવાનો ખેલ શરૂ કર્યો. 21 ઓક્ટોબરની રાત્રે આશરે 9:30 વાગ્યે લૂંટનો માલ સગેવગે કરવા બધા એક્શનમાં આવ્યા. કલીમુદ્દીન ઉર્ફે કલીમખાન, મહેબૂબ અને અસ્લમ ઉર્ફે નનકાએ પ્લાસ્ટિકના દાણા ખરીદનારા ગ્રાહક શોધવાનું શરૂ કર્યું. આ માટે તેમણે સચિન GIDCમાં પ્લાસ્ટિકનું ગોડાઉન ધરાવતા રવીન્દ્ર શાહનો સંપર્ક કર્યો. થોડી ઘણી વાતચીત અને રકઝકના અંતે 20 લાખનો માલ ફક્ત 8 લાખ રૂપિયામાં વેચવાનો સોદો નક્કી થયો. રવીન્દ્ર સારી રીતે જાણતો હતો કે આટલો મોટો જથ્થો અડધાથી પણ ઓછા ભાવે મળે છે એટલે તે ચોરીનો કે લૂંટનો જ હોવો જોઇએ તેમ છતાં તેણે લાલચમાં આવીને માલ ખરીદવાની હા પાડી દીધી. માલ સચિન GIDCના રોડ નંબર-8 પર આવેલા પ્રિન્સ પ્લાસ્ટિક નામના ગોડાઉનમાં ખાલી કરી દેવાયો. રવીન્દ્રના ભાઇ ધર્મેન્દ્રએ પુરાવાનો નાશ કરવા રિલાયન્સ કંપનીના સીલવાળી બોરીઓમાંથી પ્લાસ્ટિકના દાણા ખાલી કરીને અન્ય સામાન્ય થેલીઓમાં ભરી દીધા અને રિલાયન્સની બ્રાન્ડવાળી થેલીઓને ગોડાઉનની પાછળ જ સળગાવીને રાખ કરી દીધી. જે પછીથી પોલીસ અને FSLના હાથે લાગી હતી. મોટાભાગના આરોપીઓ પોલીસના સકંજામાં તો હતા પણ વીરેશ અને લલ્લો હજુ પકડાયા નહોતા. આ ગુનાને 9 વર્ષ જેટલો સમય વીતી ગયો. સુરત PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ)એ પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને પકડવાનું અભિયાન શરૂ કર્યું હતું. ફેબ્રુઆરી, 2023માં PI સુવેરાના ધ્યાને આવ્યું કે આ કેસના 2 આરોપીઓ હજુ નથી પકડાયા એટલે તેમણે પોતાની ટીમને ટાસ્ક સોંપ્યું. બંનેને પકડવા પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા અને ટેકનિકલ સર્વે શરૂ કર્યો. 3 વર્ષ પછી એટલે કે 2026માં વીરેશનો પત્તો લાગ્યો. તે ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના એક ગામમાં રહેતો હોવાનું ખૂલ્યું, પણ આટલા વર્ષો થઇ ગયાં હતાં એટલે તેની ઓળખ કન્ફર્મ કરવી જરૂરી હતી. અનવરની હત્યા પછી વીરેશ ભાગીને પોતાના ગામ નહોતો ગયો. પોલીસે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે એ ગામમાં વીરેશ યાદવ નામની કોઇ વ્યક્તિ જ નહોતી જેથી એટલું તો નક્કી થઇ ગયું કે વીરેશે પોતાનું ખોટું નામ જાહેર કર્યું હતું. પોલીસે જ્યારે તેની વધુ વિગતો ભેગી કરી ત્યારે ખૂલ્યું કે તેનું નામ વીરેશ યાદવ નહીં પણ વીરેશ રમેશચંદ્ર શર્મા છે. હવે તે પોતાનો ટ્રક ચલાવતો હતો. તે પોતાના ગામ જતો જ નહીં. જ્યારે પરિવારને મળવાનું મન થાય ત્યારે તે પરિવારને પોતાની પાસે બોલાવી લેતો હતો. આટલી માહિતી પછી પોલીસે તેના પર વોચ રાખવાનું શરૂ કરી દીધું. એક બાતમીદારે પોલીસને જણાવ્યું કે વીરેશ ઇટાવાથી માલ લઇને નીકળ્યો છે અને ઉજ્જૈનમાં ખાલી કર્યો છે. હવે તે મહારાષ્ટ્રના નંદુરબારથી મરચી ભરીને કાનપુર જવાનો છે. પોલીસને ખબર પડી ત્યારે વીરેશ ઉજ્જૈનથી નંદુરબાર જવા નીકળ્યો હતો. જોકે મોડી રાત થઇ જતાં તેણે ક્લીનર સાથે મહારાષ્ટ્રના શહાદામાં આવેલા મોહિદે હવેલી ગામ નજીક ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર નાઇટ હોલ્ટ કર્યો હતો. હજીરા પોલીસ કોઇપણ ભોગે વીરેશને પકડવા માગતી હતી. રાત્રે જ ત્રણ લોકોની ટીમ જેમાં ASI હસમુખભાઇ, ASI સહદેવભાઇ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ હતા તે વીરેશના લોકેશન પર જવા નીકળી ગયા. હજીરાથી મોહિદે હવેલી ગામનું અંતર કાપતાં આમ તો સાડા પાંચ કલાક થાય પણ પોલીસે ગાડી ઝડપથી ભગાવીને રસ્તો સાડા ત્રણ કલાકમાં જ પૂરો કરી લીધો. વહેલી સવારે જ્યારે પોલીસ પેટ્રોલ પંપ પર પહોંચી ત્યારે બધા ઊંઘતા હતા. પોલીસે ટ્રકની ઓળખ કરી, અંદર વીરેશ સૂતો હતો. જેની પાછળ ક્લીનર સૂતો હતો. ટ્રકની ડ્રાઇવર કેબિનો દરવાજો ખોલીને પોલીસે કહ્યું-ચલ ભાઇ, જાગ. વહેલી સવારે કોણ હશે? એ પણ અહીં? એમ માનીને વીરેશ ઊઠ્યો. એના ચહેરા પર સવાલો હતા. વીરેશઃ આપ કૌન? સામેથી જવાબ આવ્યો- હજીરા પોલીસ. આટલું સાંભળીને વીરેશના હોંશ ઊડી ગયા. પોલીસે તેને બોચીમાંથી ઝાલ્યો અને નીચે ઉતાર્યો, પોતાના વાહનમાં બેસાડ્યો અને હજીરા આવવા નીકળી ગઇ. ઘટનાનાં 12 વર્ષ પછી બાકી રહેલા 2 આરોપીઓમાંથી 1 ઝડપાઇ ગયો છે. જ્યારે લલ્લાને હજુ પણ પોલીસ શોધી રહી છે. આ કેસમાં અગાઉ પકડાયેલા બધા આરોપીઓ છૂટી ગયા છે. આ પણ વાંચો અનવરે આળસ મરડી ને વાયરથી ગળું ટૂંપાઈ ગયું, રિલાયન્સનો 27 લાખના માલ સાથેનો ટ્રક ચોરાઈ ગયો, પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    GPSCમાં 13,744 ઈન્ટરવ્યૂ પેન્ડિંગ, સાતમાંથી છ સભ્યોની ઘટથી ભરતી અટવાઈ:મેડિકલ ઓફિસરથી આસિસ્ટન્ટ એન્જિ.ના હજારો ઉમેદવારોના ઈન્ટરવ્યૂ પેન્ડિંગ હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ
    Next Article
    ચોર સાથે ‘લાલો’ ફિલ્મ જેવો સીન થયો:બંધ ઘરમાં ઘુસ્યો ને ઝાળીમાં ભરાયો; ‘ગેનીબેનને પાડી દેવાનો પ્લાન હતો’ ગુલાબસિંહે કોંગ્રેસીઓની કુંડળી ખોલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment