Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્માએ કહ્યું ને 11 જણાનો પરિવાર ફાંસીએ લટકી ગયો!:પિતા સૌને મર્યા પછી ફરી જીવતા કરવાના હતા! ઘરમાંથી આત્મા કાઢવા માટે પાઇપો ગોઠવ્યા હતા

    8 hours ago

    1 જુલાઈ, 2018 રાત્રે લગભગ એક વાગ્યાનો સમય હતો. દિલ્હીના બુરાડી વિસ્તારમાં આવેલી સંત નગરની ગલીમાં શાંતિ હતી. પરંતુ ઘર નંબર 44, બ્લોક 3માંથી હળવા અવાજો આવી રહ્યા હતાઃ ધાતુની બંગડીઓનો ખખડાટ, કોઈ ખુસફુસ અવાજે બોલતું હોય તેવી ગુસપુસ અને એક વૃદ્ધ મહિલાના ધીમા શ્વાસ. પરિવારના સભ્યો આંખે પટ્ટી-હાથ પાછળ શા માટે બાંધી રહ્યા હતા? ઘરના ઉપરના માળે ડ્રોઇંગ રૂમ અને આંગણા વચ્ચેની લોખંડની જાળી નીચે એક જ પરિવારના દસ સભ્યો એકબીજાને પીઠ પાછળ હાથ બાંધવામાં મદદ કરી રહ્યા હતા. કેટલાકની આંખો પર પટ્ટી બાંધેલી હતી, કેટલાકના મોં પર કપડું હતું. એક પછી એક સ્ટૂલ પાછા સ્થાને મૂકવામાં આવ્યાં હતાં. કોઈ રડ્યું નહીં, કોઈએ ચીસો પાડી નહીં. બધાને વિશ્વાસ હતો કે થોડા કલાકોમાં તેઓ ફરીથી જીવિત થઈ જશે, અને તેમનું જીવન કાયમ માટે બદલાઈ જશે. નીચેના રૂમમાં 77 વર્ષીય નારાયણી દેવી એકલાં નિશ્ચેતન હાલતમાં પડ્યાં હતાં. થોડીવારમાં જ આ ઘરમાં એક સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ. *** ‘સાહેબ, બુરાડીના મકાનમાં કંઇક ભયાનક થયું છે’ બીજા દિવસે સવારે સાડાસાત વાગ્યાની આસપાસ દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમની ઘંટડી રણકી. પોલીસ અધિકારીએ ફોન ઉપાડ્યો તો સામે છેડેથી એક ગભરાયેલો અવાજ સંભળાયો, ‘સાહેબ બુરાડીથી વાત કરું છું. અહીં ઘર નંબર 44માં કંઇક ભયાનક થયું છે. જલદી આવી જાઓ, પ્લીઝ.’ પોલીસને તે અવાજમાં રહેલો ડર અને ગભરામણ સ્પષ્ટપણે કળાઈ ગયાં. થોડીવારમાં જ સંતનગરની સાંકડી ગલીઓમાં પોલીસની ગાડીઓ ખડકાઈ ગઈ. પાડોશીઓ તો 44 નંબરના ઘરની બહાર પહેલેથી જ ટોળેવળીને એકઠા થઈ ગયા હતા. પરંતુ દરવાજો ખોલીને અંદર જવાની કોઇનામાં હિંમત નહોતી. પોલીસ દરવાજો ખોલીને અંદર પ્રવેશી અને… જ્યારે પોલીસ અધિકારીઓ દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા, ત્યારે પહેલી નજરે બધું સામાન્ય લાગતું હતું. ડ્રોઈંગ રૂમ સરસ રીતે ગોઠવાયેલો હતો, ફર્નિચર તેની જગ્યાએ હતું, કોઈ તોડફોડ નહોતી. ઘરમાં હિંસા, મારામારી, તોડફોડ કે સંઘર્ષનું નામોનિશાન નહોતું. પરંતુ જેવા અધિકારીઓ આગળ વધ્યા કે ડ્રોઇંગ રૂમને આંગણાથી અલગ પાડતી અને છત પર જડેલી લોખંડની મજબૂત જાળી પર પોલીસની નજર પડી કે તેમના પગ ત્યાં જ થંભી ગયા. ઘરમાં એક જ પરિવારના 11 લોકોની લાશ લટકતી હતી! સામે કોઈ હોરર ફિલ્મના ડિરેક્ટરે પણ ન વિચાર્યું હોય તેવું ખોફનાક દૃશ્ય હતું. એક જ પરિવારનાં અલગ અલગ ઉંમરનાં દસ સ્ત્રી-પુરુષો એ જાળી સાથે બાંધેલા દોરડાથી લટકતા હતા. બધાની આંખો પર પટ્ટી બાંધેલી હતી, તેમના હાથ પીઠ પાછળ બાંધેલા હતા. કેટલાકના મોં પર કાપડ હતું. ઉપરના માળે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય એવાં 77 વર્ષીય નારાયણી દેવી તેમના પલંગ પાસે જમીન પર પડ્યાં હતાં. થોડીવારમાં જ મેડિકલ ટીમ આવી અને તેમણે પુષ્ટિ કરીઃ આ ઘરમાં અગિયાર લાશો પડી છે! ઉપરના માળે એક રૂમમાં, પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય, 77 વર્ષીય નારાયણી દેવી, તેમના પલંગ પાસે ફ્લોર પર મળી આવ્યા - બાકીના બધાની હાલત અલગ હતી. ટૂંક સમયમાં, તબીબી ટીમે પુષ્ટિ આપી: પરિવારના બધા 11 સભ્યો મૃત્યુ પામ્યા હતા. *** આખા દેશને આંચકો આપનારો બુરાડી સામુહિક આત્મહત્યાકાંડ આજના ‘ખાખી કવર’માં વાત કરીએ દિલ્હીના ‘બુરાડી કાંડ’ની, જેમાં એક જ છત નીચે, એક જ પરિવારના 11 સભ્યો મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા, જેમાંથી દસ સભ્યો તો એક જ રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા! સ્વાભાવિક રીતે જ આ સમાચારે માત્ર આખા ભારતમાં જ નહીં, બલકે વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી હતી. આવું શા માટે થયું તેની પાછળનાં કારણો બહાર આવ્યાં ત્યારે આખા દેશમાં એક શૉક-વેવ પસાર થઈ ગયું, કારણ કે આ પરિવાર પૈસેટકે સંપન્ન હતો અને તેમાં પારિવારિક ઝઘડાનું પણ કોઈ કારણ નહોતું. *** એક રૂપિયાની પણ ચોરી નહીં, કોઈ હત્યા નહીં એક જ ઘરમાંથી તમામ અગિયાર સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા પછી પોલીસે ઘરને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યું. તે હવે ફક્ત એક ઘર ન હતું, પરંતુ એક ક્રાઇમ સીન હતો. ફોરેન્સિક અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોને બોલાવવામાં આવી. દરેક રૂમના ફોટોગ્રાફ્સ અને વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યાં. દોરડા, કપડાં, સ્ટૂલ, પાઇપ, દરવાજા, બારીઓ, દીવાલો પરનાં નિશાન પણ રેકોર્ડ કરવામાં આવ્યા. પરંતુ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં ઘરમાં ફોર્સ્ડ એન્ટ્રીનો એટલે કે કોઈ બળજબરીથી પ્રવેશ્યું હોય તેવો કોઈ પુરાવો મળ્યો નહીં. ઘરનો મુખ્ય દરવાજો સુરક્ષિત હતો, છાજલીઓ વ્યવસ્થિત હતી, અને ઘરમાંથી કંઈ ચોરાયું પણ નહોતું. ત્રણ પેઢી, 11 સભ્યોનું ‘હેપ્પી’ ઈન્ડિયન જોઇન્ટ ફેમિલી ભોગ બનેલો આ પરિવાર ‘ચુંડાવત પરિવાર’ હતો, જેને પડોશીઓ ‘ભાટિયા પરિવાર’ તરીકે ઓળખે છે. તેઓ મૂળ રાજસ્થાનના, પણ લગભગ 20 વર્ષ પહેલાં હરિયાણાના ટોહાનાથી દિલ્હી સ્થાયી થયા હતા. તેમની પાસે બે દુકાનો હતી. એક કરિયાણાની દુકાન અને બીજી પ્લાયવુડની દુકાન. બંને સારી ચાલી રહી હતી. ઘરમાં ત્રણ પેઢીઓ એકસાથે રહેતી હતી: સૌથી મોટાં નારાયણી દેવી, તેના સ્વર્ગસ્થ પતિ ભોપાલ સિંહના બે પુત્રો ભુવનેશ (50) અને લલિત (45) અને એક વિધવા પુત્રી પ્રતિભા (57). ભુવનેશની પત્ની સવિતા (48) અને તેમનાં ત્રણ બાળકો પ્રિયંકા (33, અમુક સ્રોતમાં પ્રિયંકાને પ્રતિભાની દીકરી તરીકે પણ દર્શાવવામાં આવી છે), નીતુ (25), મીનુ (23) અને 15 વર્ષનો ધ્રુવ. લલિતની પત્ની ટીના (42) અને તેમનો 15 વર્ષનો પુત્ર શિવમ પણ આ જ ઘરમાં રહેતાં હતાં. કુલ 11 લોકો, ત્રણ પેઢીઓ, બધા એક છત નીચે, એક ટિપિકલ ઇન્ડિયન જોઇન્ટ ફેમિલીનું પર્ફેક્ટ એક્ઝામ્પલ. પરિવાર ખુશ હતો તો પછી…? પોલીસે પડોશીઓની પૂછપરછ કરી તો લગભગ સરખા જ જવાબો મળ્યાઃ ‘આ પરિવાર તો ખૂબ જ સરસ હતો, સૌની સાથે મૈત્રીપૂર્ણ વર્તન, કોઈની સાથે ઝઘડો નહોતો, દુકાન સારી ચાલી રહી હતી, અને થોડા દિવસોમાં સૌથી નાની પુત્રીની સગાઈ અને લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી હતી.’ પોલીસે આસપાસના લોકો સાથે જેટલી વધુ વાત કરી તેટલો જ કેસ વધુ જટિલ બનતો ગયો. બહારથી આ પરિવાર સંપૂર્ણપણે સામાન્ય અને ખુશ દેખાતો હતો. સંતાનો સ્ટૂલ, દોરી, વાયર લઇને કેમ ઘરમાં ગયાં? પોલીસે ઘરની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજની તપાસ શરૂ કરી. ટૂંક સમયમાં જ એક મહત્ત્વપૂર્ણ સંકેત મળ્યો: 30 જૂનના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ સવિતા અને તેની પુત્રી નીતુ સ્ટૂલ લઈને ઘરમાં પ્રવેશતાં જોવા મળ્યાં. થોડીવાર પછી 15 વર્ષનો ધ્રુવ અને શિવમ પરિવારની પ્લાયવુડની દુકાનમાંથી કેબલ અને વાયર સાથે પાછા ફર્યા. આ જ વસ્તુઓ પાછળથી ઘટનાસ્થળેથી મળી આવી. રાત્રે ઘરમાં કોઈ બહારની વ્યક્તિ ઘરમાં પ્રવેશી હોય તેવા કોઈ પુરાવા મળ્યા નહીં. મોબાઇલ ફોન અને કોલ ડિટેલ રેકોર્ડની તપાસમાં પણ કોઈ શંકાસ્પદ વાતચીત કે ધમકીઓ મળી નહીં. હત્યાના કેસોમાં જોવા મળતા સામાન્ય મોટિવઃ પૈસા, મિલકતના વિવાદો અથવા જૂની દુશ્મનાવટમાંથી એકેય આ કેસમાં લાગુ પડતા નહોતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી રહસ્ય ઓર ઘેરાયું: મૃતદેહો પર સંઘર્ષના કે બાહ્ય ઇજાનાં કોઈ મોટાં ચિહ્નો નહોતાં. આખી સ્ટોરી બદલી નાખનારું ‘મોતનું રજિસ્ટર’ બીજી તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી ઘણાં દળદાર હાથે લખેલાં રજિસ્ટર મળ્યાં. પહેલી નજરે તે કોઈ સિમ્પલ ડાયરી જેવાં જ દેખાતાં હતાં. પરંતુ જેમ જેમ એક અધિકારી પાનાં ઊથલાવતાં ગયા, તેમ તેમ કેસ ફક્ત એક ક્રાઇમ સીનમાંથી એક જટિલ મનોવૈજ્ઞાનિક તપાસમાં પરિવર્તિત થયો. પોલીસને આવાં કુલ 11 રજિસ્ટર અને સેંકડો છૂટાં પાનાં મળ્યાં, જેમાં 2007 થી જૂન 2018 સુધી સતત અગિયાર વર્ષ સુધી ચાલતી સેંકડો એન્ટ્રીઓ હતી. ‘જો આ સૂચનાઓનું પાલન કરશો તો સુખી રહેશો’ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ્સને જાણવા મળ્યું કે મોટાભાગની એન્ટ્રીઓ પરિવારના નાના પુત્ર લલિતના હસ્તાક્ષરમાં હતી, જ્યારે કેટલીક તેમની ભત્રીજી પ્રિયંકા દ્વારા લખવામાં આવી હતી, જેણે માહિતીને ડિક્ટેશન તરીકે રેકોર્ડ કરી હતી. આ પાનાંઓમાં પરિવારના દરેક સભ્ય માટે દૈનિક સૂચનાઓ હતીઃ ક્યારે જાગવું, દુકાન ક્યારે ખોલવી, શું ખાવું અને વારંવાર દાવો કરવામાં આવતો હતો કે જો પરિવાર આ સૂચનાઓનું વિશ્વાસુપણે પાલન કરશે, તો બધી મુશ્કેલીઓ ટાળી શકાશે, વ્યવસાય ખીલશે અને ઘરમાં સમૃદ્ધિ બરકરાર રહેશે. મૃત પિતાનો આત્મા પરિવારને ગાઇડન્સ આપતો હતો! તપાસમાં જાણવા મળ્યું કે 2007માં પરિવારના વડા ભોપાલ સિંહના અવસાન પછી લલિત થોડા સમય માટે લગભગ મૂંગો થઈ ગયો હતો. જ્યારે તેણે પોતાનો અવાજ પાછો મેળવ્યો, ત્યારે તેણે દાવો કર્યો કે તેના સ્વર્ગસ્થ પિતાનો આત્મા તેના દ્વારા પરિવાર સાથે વાત કરતો હતો અને તેમને માર્ગદર્શન આપતો હતો. પોતાના પિતાના મૃત્યુથી પીડાતો પરિવાર ધીમે ધીમે આ માન્યતા પર વિશ્વાસ કરવા લાગ્યો. ‘ગળે દોરી બાંધીને લટકી જાઓ, થોડીવારમાં પાછા જીવિત થઈ જશો!’ જૂન 2018માં અંતિમ એન્ટ્રીઓ સુધીમાં ભાષા બદલાઈ ગઈ હતી. સૂચનાઓ વધુ વિગતવાર હતી, જેમાં ચોક્કસ ‘સામૂહિક અનુષ્ઠાન’ અને વડના ઝાડનો ઉલ્લેખ હતો. પોલીસના જણાવ્યા મુજબ રજિસ્ટરમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પરિવાર માનતો હતો કે ‘રાત્રિ જાગરણ’ જેવી વિધિ કરવાની હતી, જેના થોડા સમયમાં જ તેઓ ‘પુનઃજીવિત’ થશે. તેમાં મૃત્યુનો કોઈ ઉલ્લેખ નહોતો. પોલીસને એ પણ જાણવા મળ્યું કે પરિવાર થોડા સમયમાં જ ટીનાની બહેન મમતા પર પણ આ જ વિધિ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો, જોકે મમતાને આનો કોઈ અણસાર નહોતો. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ એક બીજું મહત્ત્વપૂર્ણ પાસું બહાર આવ્યું, જેને પોલીસે ‘થેંક્સગિવિંગ રિચ્યુઅલ’ નામ આપ્યું. આ થેન્ક્સગિવિંગ રિચ્યુઅલ એટલે એ જ ‘વિધિ’ જેને લીધે આખો પરિવાર એકસાથે મૃત્યુ પામ્યો! રજિસ્ટરની એન્ટ્રીઓને સીસીટીવી ફૂટેજ અને ઘટનાસ્થળના પુરાવા સાથે જોડીને જાણવા મળ્યું કે આ રિવાજ પરિવાર માટે મૃત્યુ રિવાજ નહોતો, પરંતુ ‘ઉપકાર ચૂકવવાનો’ એક માર્ગ હતો. પિતાના આત્માનો આભાર માનવાનો સમય આવી ગયો છે’ પરિવાર માનતો હતો કે વર્ષોથી તેમના વ્યવસાયમાં પ્રગતિ, તેમનાં બાળકોનું શિક્ષણ સુખરૂપ પૂર્ણ થવું અને તેમના ઘરમાં સમૃદ્ધિ એ બધું સ્વર્ગસ્થ ભોપાલ સિંહના આત્માએ આપેલા માર્ગદર્શનનું પરિણામ હતું, અને હવે તે માર્ગદર્શનનો ‘આભાર’ માનવાનો સમય આવી ગયો છે. રજિસ્ટરમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે એકવાર આ રિવાજ પૂર્ણ થઈ ગયા પછી, પરિવારની બાકી રહેલી બધી મુશ્કેલીઓ કાયમ માટે સમાપ્ત થઈ જશે અને તેઓ એક નવું, સારું જીવન શરૂ કરી શકશે. આ જ કારણ છે કે પરિવારે આ સમગ્ર પ્રક્રિયાને દુઃખ કે ભય સાથે નહીં, પરંતુ આશા અને આત્મવિશ્વાસ સાથે હાથ ધરી હતી અને આ જ બાબત તપાસ અધિકારીઓ અને મનોવૈજ્ઞાનિકોને સૌથી વધુ પરેશાન કરતી હતી, કારણ કે પરિવારના મનમાં મૃત્યુ વિશે કોઈ આશંકા નહોતી. પાલતુ કૂતરાએ બધું જોયું, પણ તે ગવાહી આપી શકે તેમ નહોતો દરમિયાન, તપાસમાં બીજી એક મહત્વપૂર્ણ કડી બહાર આવી. પરિવારનો પાલતુ કૂતરો ટોમી જે લગભગ સાત વર્ષનો ભારતીય પીટબુલ મિક્સ બ્રીડ હતો, તે લોખંડની ગ્રિલની સાથે બાંધેલો મળી આવ્યો હતો, જ્યાં પરિવારના 10 સભ્યો લટકતા મળી આવ્યા હતા. પોલીસ માટે આ એક મહત્ત્વપૂર્ણ સંકેત હતો, કારણ કે તર્ક એ હતો કે જો તે રાત્રે કોઈ બહારનો માણસ ઘરમાં પ્રવેશ્યો હોત, તો ટોમી ભસ્યો હોત અથવા પડોશીઓને જગાડ્યા હોત, પરંતુ કોઈ પડોશીએ રાત્રે કૂતરાના ભસવાનો અવાજ સાંભળ્યો ન હતો કે કોઈ અવાજ કર્યો ન હતો. આનાથી એ થિયરી પણ મજબૂત બની કે તે રાત્રે ઘરની અંદર જે કંઈ બન્યું તે સંપૂર્ણપણે કૌટુંબિક બાબત હતી, કોઈપણ જાતની બહારની દખલગીરી વિના. તપાસનાં પરિણામો: કોઈ કાવતરું નથી, શેર્ડ સાયકોસિસ કેસની ગંભીરતા અને પબ્લિક પ્રેશરને કારણે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે આ કેસના ઇન્વેસ્ટિગેશન માટે અલગ અલગ ટીમો બનાવી, એક ફોરેન્સિક પુરાવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી, બીજી પરિવારની નાણાકીય પરિસ્થિતિ પર અને ત્રીજી સંબંધીઓ અને પરિચિતોની પૂછપરછ કરતી હતી. AIIMSના મેન્ટલ હેલ્થ નિષ્ણાતોએ રજિસ્ટર અને પરિવારના બેકગ્રાઉન્ડનો અભ્યાસ કર્યો. તેઓએ તારણ કાઢ્યું કે આ કોઈ સંગઠિત કાવતરું, બાહ્ય હુમલો અથવા ગુપ્ત વિધિનું પરિણામ નથી, પરંતુ ‘શેર્ડ સાયકોલોટિક ડિસઓર્ડર’ છે. આ એક એવી સ્થિતિ છે જેમાં એક વ્યક્તિના ભ્રમને ધીમે ધીમે આખો પરિવાર તેમાં માનતો થઈ જાય છે. આખો પરિવાર લટકી જાય એ કેવી ધાર્મિક વિધિ? ઓક્ટોબર 2021 માં દિલ્હી પોલીસે તેનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે તેમને કોઈ ત્રીજા પક્ષની સંડોવણી અથવા ગુનાહિત કાવતરાના કોઈ પુરાવા મળ્યા નથી. આ એક સામૂહિક, સ્વૈચ્છિક કૃત્ય હતું, જે પરિવાર દ્વારા ‘ધાર્મિક વિધિ’ તરીકે કરવામાં આવ્યું હતું, જેમાં તેમને વિશ્વાસ હતો કે તેઓ સહીસલામત બહાર આવી જશે. સ્વાભાવિક રીતે જ આવું બનવાનું નહોતું. પાલતુ કૂતરો આઘાતથી મૃત્યુ પામ્યો! આ ભયાવહ ઘટના પછી ઘરના ડોગ ટોમીને નોઈડામાં એક એનિમલ શેલ્ટરમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેનું લગભગ ત્રણ અઠવાડિયાં પછી અચાનક આઘાત અને ત્યારબાદ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. આ સમગ્ર દુર્ઘટનામાં વધુ એક ઇમોશનલ કડીનો ઉમેરો હતો. શું આ કાળા જાદુ અને ગુપ્ત તાંત્રિક વિધિનું પરિણામ હતું? આ કિસ્સાએ આખા દેશને આઘાત પહોંચાડ્યો હતો. ટીવી ચેનલો અને અખબારોએ અઠવાડિયાંઓ સુધી બુરાડીની આ એક જ શેરીમાંથી અઢળક રિપોર્ટ્સ આપ્યા. કેટલાકે તેને કાળો જાદુ, કોઇકે તાંત્રિક વિધિ અને અન્યોએ સામૂહિક હત્યાનું કાવતરું ગણાવ્યું. જેમ જેમ આ ભાષા મીડિયા પર પ્રભુત્વ મેળવવા લાગી, પરિવારના નજીકના સંબંધીઓમાં ઊંડો રોષ ફેલાયો. નારાયણી દેવીના પૌત્ર કેતન નાગપાલે મીડિયા અને પોલીસ બંનેની ખુલ્લેઆમ ટીકા કરતાં કહ્યું કે દરેક હિન્દુ પરિવાર તેમનાં ઘરોમાં હવન, પાઠ અને કીર્તન કરે છે. મંદિરો અને ઘરોમાં આ એક સામાન્ય પ્રથા છે, અને તેને કોઈ અસામાન્યતા અથવા માનસિક વિકારની નિશાની નથી ગણતું. નાગપાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પોલીસ હજુ સુધી કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચી નથી, અને આ નિષ્ફળતાની ભરપાઈ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં પરિવારને માનસિક રીતે બીમાર કે અંધશ્રદ્ધાળુ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. નાગપાલના કહેવા અનુસાર પરિવાર માટે મૃત્યુ પામેલો તેમનો પરિવાર એવું માની જ નહોતો શકતો કે પરિવાર પ્રત્યે હંમેશાં જવાબદાર, સ્વભાવે પ્રેમાળ અને સૌની સંભાળ રાખનારો લલિત ભાટિયા તેના આખા પરિવારને જાણીજોઇને મોતના મુખમાં ધકેલી શકે છે. કે પછી આખો પરિવાર માનસિક રીતે બીમાર હતો? આ ગુસ્સા અને અવિશ્વાસને કારણે સંબંધીઓએ ક્રાઈમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો અને સત્ય બહાર લાવવા અને પરિવાર સામેના ‘માનસિક રીતે બીમાર’ અથવા ‘તાંત્રિક વિધિ’ના આરોપોને દૂર કરવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ CBI તપાસની માગ કરી. જો કે, દિલ્હી પોલીસ પોતાના રિપોર્ટમાં અડગ રહી. તેમને કોઈ બાહ્ય કાવતરું કે ગુનાહિત હસ્તક્ષેપના કોઈ નક્કર પુરાવા મળ્યા નહીં, અને આ આધારે CBI તપાસની માગણી નકારી કાઢવામાં આવી. નારાયણી દેવીનાં પાંચ સંતાનમાંથી બે પરિવારના સભ્યો લલિતના મોટા ભાઈ દિનેશ સિંહ ચુંડાવત અને બહેન સુજાતા નાગપાલ અલગ રહેતાં હોવાને કારણે બચી ગયાં હતાં. બંનેએ મીડિયા રિપોર્ટિંગનો સખત વિરોધ કર્યો અને પરિવારને ‘પાગલ’ કે ‘તાંત્રિક’ તરીકે લેબલ આપવાનો ઉગ્ર વિરોધ કર્યો. અને પોલીસે 11 મોતનો કેસ બંધ કરી દીધો! આજે આ ઘટનાને સાત વર્ષથી વધુ સમય વીતી ગયો છે. કેસ સત્તાવાર રીતે બંધ થઈ ગયો છે. કાયદાની નજરમાં તે હત્યા નહીં, પરંતુ સામૂહિક આત્મહત્યા હતી, તેથી કોઈ ટ્રાયલ ચાલી ન હતી. સંત નગરમાં આવેલું ઘર આજે પણ તેની અંદર જે થયું તેના મૌન સાક્ષી તરીકે ઊભું છે, પરંતુ ભાટિયા પરિવાર હવે ત્યાં રહેતો નથી. પાણીના ભાવે ઘર ભાડે આપી દેવાયું જાન્યુઆરી 2020 થી આ ઘર ભાડે આપી દેવાયું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર હવે ‘ધ્રુવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી’ છે, જે ડૉ. મોહન સિંહ કશ્યપ દ્વારા સંચાલિત છે, જ્યારે ઉપરના માળે ભાડૂઆત પરિવાર રહે છે. પરિવારના જંગી મકાનમાં એક લેબોરેટરી અને એક પરિવાર રહેતા હોવા છતાં બધું મળીને માત્ર 10 હજાર રૂપિયા જ માસિક ભાડું મળે છે, જે દિલ્હીના માર્કેટ કરતાં ક્યાંય ઓછું છે. નેચરલી આ મકાનના ભયાવહ ભૂતકાળને લીધે કોઈ ત્યાં રહેવા તૈયાર થતું નથી. ભાટિયા પરિવારની જૂની દુકાન પરિવારની માલિકીની છે અને દિનેશની દેખરેખ હેઠળ ચાલી રહી છે. સ્થાનિક દુકાનદારો કહે છે કે આજે પણ, લોકો દૂર-દૂરથી ફક્ત ઘર જોવા, ફોટા પાડવા અને પૂછવા માટે આવે છે, ‘શું આ તે ઘર છે જ્યાં 11 લોકોએ સામુહિક આત્મહત્યા કરી હતી?’ પરિવારના બચી ગયેલા સભ્યો આજે ક્યાં છે? દિનેશ સિંહ ચુંડાવત આજે પણ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમણે અગાઉ સમજાવ્યું હતું કે પરિવારનું મૂળ ઘર રાજસ્થાનના સવા ગામ પાસે હતું, અને તેઓ ક્યારેય ત્યાંના સંબંધો તોડવા માગતા ન હતા. તેથી જ જ્યારે તેમનાં નાનાં ભાઈ-બહેન ભુવનેશ અને પ્રતિભા દિલ્હી ગયાં ત્યારે પણ તેઓ રાજસ્થાનમાં જ રહ્યાં. દરમિયાન, સુજાતા નાગપાલ હરિયાણાના પાણીપતમાં સ્થાયી થયાં. ઘટના પછી તરત જ ભાઈ-બહેનોએ વારંવાર મીડિયાને વિનંતી કરી કે તેઓ અને તેમના પરિવારોને શોક વ્યક્ત કરવાનો સમય આપે. આજે, સાત વર્ષ પછી, બંને મીડિયાની લાઇમલાઇટથી દૂર પોતાની પ્રાઇવેટ લાઇફ જીવી રહ્યાં છે અને ભાગ્યે જ આ ઘટના વિશે જાહેરમાં વાત કરે છે. નેટફ્લિક્સે ચર્ચાસ્પદ ડોક્યુમેન્ટરી બનાવી આ કેસે ભારતમાં માનસિક સ્વાસ્થ્ય, કૌટુંબિક દબાણ અને અંધશ્રદ્ધા વિશે પણ એક મહત્ત્વપૂર્ણ ચર્ચા જગાવી હતી. 2021 માં ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થયેલી ત્રણ એપિસોડની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘હાઉસ ઓફ સિક્રેટ્સ: ધ બુરારી ડેથ્સ’થી આ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો હતો, જેમાં મનોવૈજ્ઞાનિકો, પત્રકારો અને પરિવારના સભ્યો સાથેના ઇન્ટરવ્યુ હતા. આ પરિવારને જીવતો રાખવાનો એક જ રસ્તો હતો આ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં સામેલ સાઇકાયટ્રિસ્ટ ડૉ. રચના જોહરીનું માનવું છે કે બુરાડી સામુહિક આત્મહત્યા માત્ર એક વિચિત્ર કે ભયાવહ ઘટના નથી, પરંતુ એક મહત્ત્વપૂર્ણ કેસ છે જે ભારતીય સમાજમાં માનસિક સ્વાસ્થ્યની આસપાસના ઊંડા મૌન અને કલંક પર પ્રકાશ પાડે છે. જોહરીના મતે, ભારતીય સમાજમાં માનસિક સ્વાસ્થ્યને હજુ પણ ગંભીરતાથી લેવામાં આવતું નથી. તેમના મતે બુરાડી પરિવાર જેવા કેસોનું મૂળ કારણ ઘણીવાર પરિવારમાં વાતચીતનો અભાવ, દુઃખ વ્યક્ત કરવા માટે સલામત જગ્યાનો અભાવ અને સામાજિક અલગતા છે, જે સમયસર ઓળખવાં ખૂબ મુશ્કેલ છે કારણ કે પરિવાર બહારથી સંપૂર્ણપણે સામાન્ય અને ખુશ દેખાય છે. જો પરિવારના દીકરા લલિતને સમયસર માનસિક સારવાર મળી ગઈ હોત તો આજે આ પરિવારના તમામ સભ્યો જીવિત હોત.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરાઈ:ટાટ પરીક્ષા માટે કચ્છમાં કેન્દ્ર ન ફાળવાતા NSUIનો વિરોધ
    Next Article
    Claire's Message Raises Emotion Behind George Kittle's Return

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment