Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીએ રડતાં રડતાં કહ્યું-પૂરના લીધે રોડ પર આવી ગયા:રૂ.1000ની વસ્તુઓ 200માં વેચવા કાઢતા મહિલાઓની પડાપડી, પૂરના પાણી ઓસર્યા પછી સુરતમાં હૃદયદ્રાવક સ્થિતિ

    2 days ago

    મેઘરાજાએ વિરામ લીધો છે અને સુરતના ખાડી પૂરના પાણી પણ ઓસર્યા છે, પરંતુ પૂરના પાણી ઓસર્યા પછીની જે તસવીરો સામે આવી રહી છે તે હૃદયદ્રાવક છે. સીમાડા ખાતે આવેલા શ્યામધામ ચોક અને તેની આસપાસની સેંકડો દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પૂરના પાણી ઉતરતાની સાથે જ વેપારીઓની આંખમાં પણ આંસુનું પૂર ઉમટ્યું છે. એક વેપારી તો વ્યથા વ્યક્ત કરતા કરતા રડી પડ્યા હતા. હાલ કાપડ, કટલરી, નોવેલ્ટીથી લઈને અનાજના ગોડાઉનોમાં ગંદા પાણી ફરી વળતા વેપારીઓ રોડ પર આવી ગયા છે. વર્ષોની મહેનતથી ઉભું કરેલું સામ્રાજ્ય માત્ર થોડા કલાકોમાં જ બરબાદ થઈ જતાં વેપારીઓમાં ભારે આક્રોશ અને આક્રંદ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ તે પલળી ગયેલો માલ સામાન છે તે હવે મફતના ભાવે વેચવાનું શરૂ કર્યું છે. 500 રૂપિયાની વસ્તુ 50માં અને 100 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં વેચવા કાઢતા મહિલાઓએ ખરીદી કરવા માટે પણ આ પડી કરી મૂકી છે. મારુતિ ટ્રેડિંગ કંપનીના નામે દુકાન ચલાવતા વેપારી ભાવેશભાઈએ જણાવ્યું કે, સવારના 7 થી 11 વાગ્યાના અરસામાં અચાનક જ પૂરના પાણી આવવાની શરૂઆત થઈ હતી. પાણી એટલી ઝડપે અને તાત્કાલિક આવ્યા કે કોઈને પણ પોતાનો સામાન બચાવવાનો કે સુરક્ષિત સ્થળે ખસેડવાનો મોકો મળ્યો ન હતો. આ અણધારી આફતને કારણે આખા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. અંદાજે 20 લાખ રૂપિયા કે તેથી વધુનું પાકું નુકસાન થયું છે: વેપારી ભાવેશભાઈએ તેમના વ્યવસાયને થયેલા નુકસાન અંગે વાત કરતા જણાવ્યું કે, આ પૂરના કારણે તેમને અંદાજે 20 લાખ રૂપિયા કે તેથી વધુનું પાકું નુકસાન થયું છે. તેમણે રડતા રડતા ઉમેર્યું કે, આ મારી 20થી 25 વર્ષની સતત એકધારી મહેનત હતી, જે મેં રાત-દિવસ એક કરીને ભેગી કરી હતી. આ પૂરના લીધે અમે સીધા રોડ પર આવી ગયા છીએ અને અમારું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. વેપારીના જણાવ્યા અનુસાર, આ માત્ર કુદરતી આપત્તિ નથી પરંતુ તંત્રની બેદરકારી અને પ્લાનિંગનો અભાવ પણ હોય શકે છે. તેમણે આક્ષેપ કર્યો કે અન્ય વિસ્તારોમાં આટલું પાણી ન હતું, પરંતુ તેમના જ વિસ્તારમાં પૂરના પૂરેપૂરા પાણી ભરાઈ ગયા હતા. પાણી ઉતરતા ઉતરતા પણ સાંજ શિફ્ટના 5 થી 6 વાગ્યાનો સમય થઈ ગયો હતો, જેને કારણે નુકસાનનો વ્યાપ વધી ગયો. ‘એક ફટકાથી 5 વર્ષ પાછળ ધકેલાયા’ ભાવેશભાઈએ ખૂબ જ લાચારી સાથે જણાવ્યું કે, આ નુકસાન એટલું મોટું છે કે સામાન્ય માણસ કે વેપારી કઈ પરિસ્થિતિમાં જીવે છે તે હવે દરેક જાણી શકે છે. આ એક ફટકાએ તેમને આર્થિક અને માનસિક રીતે 5 વર્ષ પાછળ ધકેલી દીધા છે. હવે ફરીથી બેઠા થવા માટે તેમણે શૂન્યમાંથી શરૂઆત કરવી પડશે. સ્થાનિકો હવે સરકાર અને વહીવટી તંત્ર પાસે યોગ્ય વળતર અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય આયોજનની માંગ કરી રહ્યા છે. દુકાનની અંદર બધું જ ફેલ થઈ ગયું છે અને કંઈ પણ બચ્યું નથી: વેપારી પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે પાણી એટલું બધું હતું કે તેની કોઈ સીમા નહોતી. દુકાનમાં ઊંચાઈ સુધી પાણી આવી ગયું હતું, જેના કારણે બધું જ સરસામાન સંપૂર્ણપણે પલળીને બગડી ગયો છે. નવો માલ કેવી રીતે ભરવો તેની મોટી ચિંતા અને ભીતિ છે. દુકાનની અંદર બધું જ ફેલ થઈ ગયું છે અને કંઈ પણ બચ્યું નથી. ગઈકાલે સાંજ સુધી ઘણો માલ બહાર કાઢ્યો હતો અને ખૂબ જ મહેનત કરવી પડી હતી. ગઈ રાતથી સતત પાણી બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છીએ: મહિલા વેપારી જીજ્ઞા બેને જણાવ્યું હતું કે, હું અહીં 'રામનાથ શોપ' ચલાવું છું. 10 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલી છું અને વેપાર કરી રહી છું. અત્યારે આ પરિસ્થિતિમાં અમારો ધંધો સાવ ઠપ થઈ ગયો છે અને કોઈ જ બરકત રહી નથી. ગઈકાલ રાતથી જ અહીં બધે પાણી બહુ જ ઊંચું આવી ગયું છે. અમે ગઈ રાતથી સતત પાણી બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, તેમ છતાં હજી સુધી અમે પૂરેપૂરું પાણી કાઢી શક્યા નથી. અમને અત્યારે બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ‘જે પ્રોડક્ટની કિંમત 500-600 હતી, તે માત્ર 50માં વેચવા માટે મૂકી છે’ હાલ અમારી સ્થિતિ એવી છે કે અમારા હાથમાં કશું જ આવે તેમ નથી. જે પ્રોડક્ટની કિંમત ₹500 થી ₹600 હતી, તેને અત્યારે અમે માત્ર ₹50માં વેચવા માટે મૂકી દીધી છે, જેથી થોડી ઘણી પણ રકમ હાથમાં આવે. હવે તમે જ વિચારો કે આમાં અમને શું વળતર મળે? અમારી પાસે કંઈ જ બચ્યું નથી. લોકો અત્યારે આ બધો સામાન સાવ મફતના ભાવે ખરીદી રહ્યા છે, તેમ છતાં તેઓ એમ જ કહે છે કે હજી પણ આનાથી વધુ સસ્તું કરી આપો. હવે અમે ક્યાંથી આટલું સસ્તું આપીએ? જો સરકાર અમને કંઈક સસ્તું કરી આપે અથવા કોઈ રાહત આપે, તો જ અમે લોકોને સસ્તું આપી શકીએ ને! સરકાર અમને કંઈક સહાય કરે અને અમારી મદદ કરે તેવી અમારી વિનંતી છે, કારણ કે હવે અમારી પાસે કશું રહ્યું નથી, અમે સાવ ભાંગી પડ્યા છીએ. સરકારમાં એવું કોઈ જવાબદાર વ્યક્તિ હોય જે આગળ આવે, અમારી સ્થિતિને સમજે અને અમને આ મુશ્કેલ સમયમાં થોડી હેલ્પ કરે તેવી અમારી માંગ છે. આખું ભોંયતળિયું અને શોરૂમ પાણીથી ભરાઈ ગયા હતા: ભૌતિક ગોંડલિયા ભૌતિક ગોંડલિયાએ જણાવ્યું હતું કે, શાયોના હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ નામે મારો શોરૂમ છે. ગઈકાલે અચાનક આવેલા વરસાદને કારણે અમે સામાન ઉપર લેવાની શરૂઆત કરી જ હતી, ત્યાં માત્ર 15 થી 20 મિનિટના ટૂંકા સમયમાં જ આખું ભોંયતળિયું અને શોરૂમ પાણીથી ભરાઈ ગયા હતા. આ અચાનક આવેલી આફતને કારણે અમને સંભાળવાની બિલકુલ તક મળી નહોતી.આ પૂરના પાણીને કારણે અમારા શોરૂમમાં રહેલ 90% થી વધારે માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. માત્ર 10% જેટલો જ સામાન માંડ હાથમાં આવે તેવી સ્થિતિ છે. જો આર્થિક રીતે આંકડો ગણીએ તો અમને અંદાજે 35 થી 40 લાખ રૂપિયાનું મોટું નુકસાન સામે જ દેખાઈ રહ્યું છે. આ પલળી ગયેલા સામાનનું હવે આગળ શું કરવું તે અંગે હજુ કોઈ પણ નિર્ણય લઈ શકાયો નથી. અમે છેલ્લા 25 વર્ષથી આ માર્કેટમાં વેપાર કરીએ છીએ. આજે સવારથી જ અમારા ગ્રાહકો અમને પૂરો સપોર્ટ આપી રહ્યા છે. જે સામાન અમે અગાઉ 1000 રૂપિયામાં વેચતા હતા, તે પલળી ગયેલો સામાન અત્યારે અમે ગ્રાહકોને માત્ર 200 રૂપિયામાં આપી રહ્યા છીએ. 'વેપારીઓ જાતે જ દુકાનોમાંથી માલ-સામાન બહાર કાઢી રહ્યા છે' પ્રકાશભાઈ લાઠિયાએ જણાવ્યું હતું કે, અહીં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઊભી થાય છે. થોડો પણ વરસાદ પડે એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી તમામ દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. આ કોઈ એક વર્ષની વાત નથી, પણ દર વર્ષની આ જ તકલીફ છે. આ પાણી ભરાવાને કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. આજે સતત ત્રીજો દિવસ છે. ગઈકાલે પાણી તો ઉતરી ગયા હતા, પરંતુ આજે તંત્રના માણસો માત્ર કચરો લેવા માટે આવ્યા છે. અહીંના તમામ વેપારીઓ પોતાની જાતે જ દુકાનોમાંથી માલ-સામાન બહાર કાઢી રહ્યા છે અને જાતે જ સાફ-સફાઈ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ માટે સૌથી મોટી જવાબદારી વહીવટી તંત્ર અને અમે જેમને જીતાડીને સત્તા પર બેસાડ્યા છે તેવા લોકપ્રતિનિધિઓની છે. હજી સુધી કોઈ પણ નેતા કે અધિકારી અહીં ડોકાયા પણ નથી. તેઓ માત્ર મીડિયામાં મોટી-મોટી વાતો કરે છે કે 'અમે આ કર્યું ને અમે તે કર્યું', પરંતુ વાસ્તવિકતામાં જનતાની પડખે ઊભું રહેવા કોઈ આવતું નથી. વરસાદી પાણીમાં પલળી જવાને કારણે અમારો આખો માલ ખરાબ થઈ ગયો છે. હવે આ નુકસાનીવાળો માલ એ જ કિંમતે વેચવો અશક્ય છે. જે કંઈ પણ નુકસાન થયું છે તે અમારી નજર સામે જ છે. હવે વેપારીઓ આ માલને જે પણ ભાવ આવે તે ભાવે, અથવા તો મફતના ભાવે પણ લોકોને આપી દેવા મજબૂર બન્યા છે. ‘રૂ.50માં સેલ કરી રહ્યા છીએ’ દુકાનદાર રાકેશ રાખોલિયાએ જણાવ્યું હતું કે, દુકાનમાં પાણી ઘૂસી જવાને કારણે તમામ માલસામાન પલળી ગયો છે. આથી, રાકેશભાઈ પોતાના માલસામાનનો નિકાલ કરવા માટે માત્ર ₹50માં સેલ લગાવીને વસ્તુઓ વેચી રહ્યા છે. પૂરના પાણી દુકાનમાં પ્રવેશતા આખી દુકાન ભરાઈ ગઈ હતી, જેના લીધે દુકાનમાં રહેલો તમામ સામાન પલળી ગયો છે. આ પૂરના કારણે તેમને અંદાજે ₹2 થી 3 લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે. દુકાનમાં પાણી આવી જતાં આખો માલ પલળી ગયો છે. ₹2 થી 3 લાખનું નુકસાન થયું હોવાથી હવે આખો સામાન માત્ર ₹50-₹50 માં સેલમાં વેચવા મજબૂર થવું પડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સલીમે પ્રેમજાળમાં ફસાવીને સગીરાનું અપહરણ કર્યું:3 રાજ્યમાં છુપાયો, મુક્ત કરવા 1 લાખની ખંડણી માંગી, પોલીસે રાજસ્થાન જઈ છોડાવી; પીડિતાના નિવેદનને આધારે દુષ્કર્મનો ગુનો નોંધાશે
    Next Article
    Narmada minority communities News | નર્મદામાં લઘુમતી સમાજ સુધી પહોંચવાનો ભાજપનો પ્રયાસ | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment