Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    100મી ફર્સ્ટ ક્લાસ મેચ નિમિત્તે BCA દ્વારા ભાર્ગવ ભટ્ટનું સન્માન:પોતાની ક્રિકેટયાત્રાને યાદ કરતાં ભાર્ગવ ભટ્ટ ભાવુક થયા, પરિવાર, સાથી ખેલાડીઓ અને બરોડા ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો

    8 hours ago

    બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અનુભવી ક્રિકેટર ભાર્ગવ ભટ્ટની કારકિર્દીની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ નિમિત્તે આજે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે બરોડા અને બિહાર વચ્ચેની મેચ શરૂ થતાં પહેલાં યોજાયેલો આ સમારોહ ગૌરવ અને લાગણીસભર ક્ષણોનો સાક્ષી બન્યો હતો. ભારતના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર અને જાણીતા વિકેટકીપર કિરણ મોરેએ આ યાદગાર પ્રસંગે ભાર્ગવ ભટ્ટને વિશેષ કેપ પહેરાવી અને બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. સાથે જ સિનિયર ટીમના અન્ય 14 ખેલાડીઓ, હેડ કોચ અને સપોર્ટ સ્ટાફના હસ્તાક્ષરવાળું ટી-શર્ટ પણ તેમને ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોતાની ક્રિકેટયાત્રાને યાદ કરતાં ભાર્ગવ ભટ્ટ ભાવુક બન્યા હતા ક્રિકેટર ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું કે, આ સન્માન તેમના માટે ખૂબ જ વિશેષ અને યાદગાર છે. પોતાની કારકિર્દી દરમિયાન મળેલા સહયોગ બદલ તેમણે પરિવારજનો, સાથી ખેલાડીઓ અને તેમની ક્રિકેટયાત્રા સાથે જોડાયેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. બરોડા ક્રિકેટ એસોસિએશન પ્રત્યે વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે એસોસિએશનના સ્ટાફ અને હોદ્દેદારોએ દરેક તબક્કે તેમને ખૂબ જ સહયોગ આપ્યો છે. એસોસિએશન માત્ર તેમના માટે જ નહીં, પરંતુ તેમના જેવા અનેક ક્રિકેટરો માટે હંમેશાં સાથે ઊભું રહ્યું છે. ખેલાડીઓને સતત સમર્થન અને પ્રોત્સાહન આપવા બદલ તેમણે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રણવ અમીને વ્યક્તિગત સંદેશ દ્વારા ભાર્ગવ ભટ્ટને આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન અને આગામી ક્રિકેટયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાર્ગવની કારકિર્દીનો આ પડાવ વ્યક્તિગત રીતે તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર બરોડા ક્રિકેટ એસોસિએશન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમની આ સિદ્ધિ બરોડાના ઉભરતા ક્રિકેટરોને પ્રોત્સાહન આપનારી અને રમત પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા પૂરી પાડનારી છે. કિરણ મોરેએ ભાર્ગવ ભટ્ટને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 100 મેચ રમવી એ ખેલાડીની મહેનત, નિષ્ઠા અને સાતત્યપૂર્ણ પ્રદર્શનનું પ્રતિબિંબ છે. ભાર્ગવ જેવા પ્રતિભાશાળી ખેલાડીનું આ સિદ્ધિ સુધી પહોંચવું તેમના માટે તેમજ બરોડા ક્રિકેટ એસોસિએશન માટે ગૌરવની વાત છે. વર્ષોથી બરોડાની ટીમ માટે તેમણે આપેલું મહત્વપૂર્ણ યોગદાન અને તેમની ક્રિકેટયાત્રા યુવા ખેલાડીઓ તેમજ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા નવોદિતો માટે પ્રેરણારૂપ છે. આ પ્રસંગે અક્ષત પટેલ, કિરણ મોરે, બીસીએના સીઈઓ સ્નેહલ પરીખ, સિનિયર પસંદગીકારો, એસોસિએશનના હોદ્દેદારો, ભાર્ગવ ભટ્ટના પરિવારજનો, મિત્રો, ચાહકો, ક્રિકેટપ્રેમીઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમની આ વિશેષ સિદ્ધિને બિરદાવી આગામી મેચો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. 100મી ફર્સ્ટ ક્લાસ મેચ રમવી એ ભાર્ગવ ભટ્ટની વ્યક્તિગત સિદ્ધિની સાથે સમગ્ર બરોડાના ક્રિકેટજગત માટે પણ ગૌરવની ક્ષણ છે.
    Click here to Read More
    Previous Article
    'જ્ઞાનેશ કુમાર બચી નહીં શકે...’:રાહુલે કહ્યું- કિંમત ચૂકવવી પડશે, હું મત ચોરીની વાત કરું છું પણ કેસ થતો નથી, મારા પર કેસ કરશે તો મામલો લીગલ બની જશે
    Next Article
    'દારૂ બંધ ન થાય, કંટ્રોલ કરી શકાય, કોઈપણ સરકાર આવે':ઢસાના PSI જી.ડી. આહીરનું નિવેદન, DYSPએ કહ્યું-તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી લીવ રિઝર્વમાં મૂક્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment