Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં દુષ્કાળથી માલધારીઓ વતન છોડવા મજબૂર બન્યાં:100થી વધુ પરિવારો 800થી વધુ પશુઓ સાથે સુરેન્દ્રનગરના માલવણ પહોંચ્યા, બાળકોનું ભણતર છૂટ્યું

    3 days ago

    ગુજરાતમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર હવે પશુપાલન પર નિર્ભર પરિવારો પર જોવા મળી રહી છે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ઘાસચારાની ભારે અછત સર્જાતાં 100થી વધુ માલધારી પરિવારો પોતાના 800થી વધુ પશુઓ સાથે વતન છોડીને હિજરત કરવા મજબૂર બન્યા છે. આ પરિવારો પગપાળા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ ગામે પહોંચ્યા છે અને હાઇવે નજીક ખુલ્લી જગ્યામાં તંબુ બાંધીને વસવાટ કરી રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો પરિવાર સાથે ખુશીઓ મનાવી રહ્યા છે, ત્યારે પશુધનનો નિભાવ કરવા કચ્છના માલધારીઓને ઘરબાર છોડવાની નોબત આવી છે. દિવ્ય ભાસ્કરની ટીમે માલવણ ગામે પહોંચીને આ પરિવારોની પરિસ્થિતિ જાણી હતી. જેમાં માલધારીઓએ બાળકોના શિક્ષણથી લઈને મહિલાઓની મુશ્કેલીઓ અને પશુઓના નિભાવ સુધીની અનેક વેદનાઓ વ્યક્ત કરી હતી. મહિલાઓ દિવસે તડકામાં અને રાત્રે અંધારામાં રસોઈ બનાવવા મજબૂર માલવણ ગામે ખુલ્લામાં તંબુ બાંધીને રહેતા કચ્છના માલધારી પરિવારોની મુશ્કેલીઓ વધી છે. હિજરતના કારણે બાળકોનું શિક્ષણ છૂટી ગયું છે, જ્યારે તંબુમાં વીજળી અને પંખાની સુવિધા ન હોવાથી મહિલાઓને રાત્રે અંધારામાં તથા બપોરના આકરા તડકામાં રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. કચ્છમાં મચ્છરોનો ઉપદ્રવ ઓછો હોવાથી ત્યાંના વાતાવરણમાં ટેવાયેલા બાળકોને માલવણમાં માળિયા બ્રાન્ચ કેનાલના કારણે વધેલા મચ્છરોનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. મચ્છરોના કારણે બાળકો રાત્રે ઊંઘી શકતાં નથી અને પરિવારના કેટલાક સભ્યો બીમાર પણ પડ્યા હોવાની મહિલાઓએ ફરિયાદ કરી છે. બીજી તરફ, સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે તંબુઓની આસપાસ પાણી ભરાતાં પરિવારોએ નજીકની હોટલના પાર્કિંગમાં આશરો લેવો પડ્યો હતો. કેનાલમાંથી પાણી મળી રહેતું હોવા છતાં પાણી ભરવા જતી વખતે લપસી પડવાનો ભય પણ મહિલાઓને સતાવી રહ્યો છે. લખપત અને અબડાસામાં ઘાસચારાની અછત, ઓગસ્ટથી જ હિજરત શરૂ કચ્છના લખપત તાલુકામાં આ વર્ષે ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ ન પડતાં ઘાસચારા અને પાણીની ગંભીર અછત સર્જાઈ છે. ખાસ કરીને બેખડા, મિંઢિયારી સહિતનાં ગામોમાં પશુધનનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. માલધારીઓના જણાવ્યા મુજબ, શરૂઆતના વરસાદના અભાવે ત્રણ મહિના સુધી ઘેટાં-બકરાંને આડાઅવળાં ચરાવીને જેમતેમ નિભાવ કર્યો હતો. પરંતુ હવે આસપાસના વિસ્તારોમાં પણ પૂરતો ચારો મળતો ન હોવાથી હિજરત કરવી પડી છે. કેટલાક માલધારીઓએ ઓગસ્ટ મહિનાથી જ પશુધન સાથે વતન છોડવાનું શરૂ કર્યું હતું. દરરોજ સાતથી આઠ જેટલી ગાડીઓમાં પશુઓ ભરીને માલધારીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આશરો શોધવા નીકળી રહ્યા છે. રાહતના ભાવે ઘાસચારો મળે તો હિજરત અટકી શકે: માલધારીઓ માલધારીઓનું કહેવું છે કે પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અમુક અંશે છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન ઘાસચારાનો છે. માલધારી હાજીખાને પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પશુઓને પાણી તો મળી રહે છે, પરંતુ ખાવા માટે પૂરતો ચારો નથી. હવે પરિવાર, બાળકો અને પશુઓ સાથે દૂર જવાની ફરજ પડી છે. હિજરતના કારણે બાળકોને શાળામાં ભણવામાં પણ મુશ્કેલી પડે છે. જો સરકાર દ્વારા રાહતના ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે તો વતન છોડવાની ફરજ ન પડે. માલધારીઓએ તાલુકામાં તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરવા, પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવા તેમજ આર્થિક રીતે નબળા પશુપાલકોને યોગ્ય ધિરાણ આપવા માંગ કરી છે. રણકાંઠાના માલવણના લોકોએ કચ્છી માલધારીઓને આપ્યો આશરો સુકાભઠ્ઠ વિસ્તાર તરીકે ઓળખાતા રણકાંઠાના માલવણ ગામમાં કચ્છથી આવેલા માલધારી પરિવારોને સ્થાનિક લોકોએ મીઠો આવકાર આપ્યો છે. હાઇવે નજીકની ખાલી જગ્યામાં તેમને રહેવા માટે આશરો મળ્યો છે. જોકે, ખુલ્લી જગ્યામાં તંબુ બાંધીને રહેવાને કારણે વીજળી, પંખા અને આરોગ્ય સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. પોતાના વતનથી દૂર અજાણ્યા વિસ્તારમાં પરિવાર અને પશુધન સાથે જીવન ગુજારવું માલધારીઓ માટે પડકારરૂપ બન્યું છે. આગામી ચોમાસાની આશા સાથે વતન પરત ફરવાની પ્રાર્થના કચ્છી માલધારીઓની પરંપરા મુજબ ચોમાસામાં સારો વરસાદ થાય ત્યારે તેઓ પશુધન સાથે પોતાના વતન પરત ફરે છે અને આશરે ચાર મહિના ત્યાં રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆતમાં પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવા ગુજરાતના અન્ય વિસ્તારોમાં હિજરત કરે છે. જોકે, આ વર્ષે ઓછા વરસાદને કારણે ઘાસચારાની અછત સર્જાતાં તેમણે દિવાળી પહેલાં જ વતન છોડવું પડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પરિવાર અને પશુધન સાથે હિજરત કરી રહેલા માલધારીઓ હવે આગામી ચોમાસું સારું જાય અને ફરી પોતાના ઘર-વતનમાં હેમખેમ પરત ફરી શકે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હાલ તેમની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરી ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરે, જેથી તેમને પોતાના વતનથી દૂર ભટકવાની ફરજ ન પડે. સરકારે કચ્છ સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા રાજ્યમાં અપૂરતા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ભારત સરકારની 'દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016' મુજબની પ્રક્રિયા હાથ ધરી હતી. ઉચ્ચસ્તરીય બેઠકો બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. ચાલુ વર્ષે રાજ્યમાં સરેરાશ 89 ટકા જેટલો વરસાદ નોંધાયો હોવા છતાં આ ચાર જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક રહી હતી. વરસાદની અછતને કારણે ખેતીની સાથે પશુપાલન વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે.
    Click here to Read More
    Previous Article
    પાટીદારોના છોકરા દારૂડીયા, છોકરીઓ ગોલ્ડમેડલિસ્ટ: ગણપત યુનિ.ના ચેરમેન:રૂપાલાએ કહ્યું-આપણા સમાજમાં આ વિદેશી કલ્ચરની અસર, રાજકોટની દારૂ પાર્ટીને લઈ પાટીદારોમાં ચર્ચાનો વંટોળ ફુંકાયો
    Next Article
    દાદાગીરી કરનાર સિટી બસનો કંડક્ટર સસ્પેન્ડ:રોકડ વસૂલી મશીન ખરાબ હોવાના બહાને ટિકિટ ન આપી; વટથી કહ્યું-તું તારે મારો વીડિયો ઉતારી લે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment