Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    100, 200, 500… માગો એટલી નકલી નોટની એજન્ટે આપી ગેરંટી:ફોન પર ડીલ, 1 લાખ અસલી સામે 10 લાખની રેલવે સ્ટેશને ડિલિવરી, કહ્યું- ગુજરાતથી ઘણા લેવા આવે છે

    17 hours ago

    “1 લાખ રૂપિયાની અસલી ચલણી નોટ આપો અને 10 લાખ રૂપિયાની નકલી નોટ લઈ જાવ. ATM, કેશ કાઉન્ટિંગ મશીન અને બેંકમાં પણ ચાલી જશે.” દેશમાં નોટબંધીને 10 વર્ષ થવા આવ્યા છતાં નકલી નોટો પર રોક લાગી હોય એમ લાગતું નથી. સોશિયલ મીડિયા પરના કેટલાક એવા એકાઉન્ટ ધ્યાને આવ્યા, જેના મારફતે નકલી કરંસીનો કારોબાર બેફામ રીતે ચાલી રહ્યો છે. “ફર્ઝી” વેબસિરિઝની માફક બિન્દાસ્ત રીતે ચાલતા આ ધંધાદારીઓને એક્સપોઝ કરવા માટે દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું. આ દરમિયાન જે હકીકત સામે આવી એ મહેનતથી કમાનારા લોકોને તેમજ દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડે એવી હતી. ઇન્વેસ્ટિગેશનના પહેલાં તબક્કામાં અમે જે ઇન્ટાગ્રામ એકાઉન્ટ પરથી નકલી નોટો વેચવાની જાહેરાત થતી હોય તેને આઇડેન્ટીફાય કર્યા. અમને મળેલા ઘણા બધા એકાઉન્ટમાં વીડિયો બનાવનાર લોકો અલગ-અલગ હતા છતાં કેટલીક વાતો એકદમ સરખી હતી. 1- લોકોને લોભ જાગે એ માટે નોટોનો થપ્પા બતાવવામાં આવ્યા હતા. 2- વીડિયોની શરૂઆતમાં જ કાગળ પર તારીખ લખેલી બતાવવામાં આવતી, જેથી વીડિયો ક્યારનો છે એ જોનારાને તરત જ ખ્યાલ આવે. 3- તમામ વીડિયોમાં સેકન્ડ સિરીઝ, જેન્યુઅન ડિલ, હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી જેવા શબ્દો વાપરવામાં આવ્યા હતા. 4- તમામ એકાઉન્ટ માત્ર નકલી નોટ વેચવા માટે જ બનાવ્યા હોય એમ ત્યાં બીજી કોઈ એક્ટિવિટી નહતી. ઇન્સ્ટાગ્રામ પર બનેલું veer_7**** (એકાઉન્ટની પૂરી ઓળખ નથી આપી રહ્યા) નામનું એક એકાઉન્ટ અમારા ધ્યાને આવ્યું. જેના પર ચલણી નોટ વેચવાના ઘણા બધા વીડિયો અપલોડ થયા છે. કેટલાક વીડિયો ઘરની અંદર બેસીને બનાવવામાં આવ્યા છે, જેમાં પતરાની પેટીમાં 50, 100, 200 અને 500 રૂપિયાની નોટ દેખાય છે. સાથે જ કાઉન્ટિગ મશીન પણ છે. અમુક વીડિયો ઘરની બહારના પણ છે, જેમાં કડક નોટ બતાવીને બેફામ પ્રચાર થઈ રહ્યો છે. એક વીડિયો સાથે હિન્દી ભાષામાં લખ્યું છે, “જે કોઈ ભાઈને માલ જોઈએ તે આ નંબર પર કોલ કરે.” સાથે જ નંબર આપ્યો હતો 80871*****. અમે એક વીડિયો પ્લે કર્યો. જેમાં યુવક બોલે છે… “સેકન્ડ સિરિઝ, સેકન્ડ કરંસી. વન પ્લસ ટેન, એ-વન ક્વોલિટીનો માલ મળશે. 1 લાખના 10 લાખ છે. ATM, બેંકના મશીન ક્યાંય પણ ચાલી જશે. આ સિરિયલ નંબર અલગ-અલગ છે. ચેક કરી શકો છો.” અમે 80871***** નંબર પર નોર્મલ કોલ કર્યો. પણ કોલ જ ન લાગ્યો. એટલે પછી અમે વ્હોટ્સએપ કોલ કર્યો. પાંચ રિંગ વાગ્યા પછી એક પુરુષે ફોન ઉપાડ્યો. તે હિન્દી ભાષામાં વાતચીત કરી રહ્યો હતો. કરંસી વેચનાર અને રિપોર્ટર વચ્ચે શું વાતચીત થઈ એના મુખ્ય અંશો વાંચો. રિપોર્ટર: કરંસી માટે ફોન કર્યો છે એજન્ટ: મળી જશે રિપોર્ટર: ક્યાંથી બોલો છો તમે? એજન્ટ: ગુજરાતથી બોલું છું રિપોર્ટર: કરંસી માટે કોલ કર્યો છે, તો શું સીન છે? એજન્ટ: તમને મળી જશે. 1ના બદલે 10 રિપોર્ટર: ઓછામાં ઓછા કેટલા આપવા પડશે? એજન્ટ: 1 લાખનો માલ લેવો પડશે રિપોર્ટર: તો સામે કેટલા મળશે? એજન્ટ: 10 રિપોર્ટર: 1 લાખથી જ શરૂ થાય છે? એજન્ટ: હા રિપોર્ટર: કોઈ લફરું તો નહીં થાય ને? એજન્ટ: કોઈ વાંધો નહીં, એક હાથથી આપવાના, બીજા હાથથી લેવાના રિપોર્ટર: તમે ડિલિવરી કેવી રીતે કરશો? એજન્ટ: તમારે લેવા માટે આવવું પડશે મોટાભાઈ. તમે આવો, ચેક કરો અને લઈ જાવ. રિપોર્ટર: કોઈ મોકલાવી ન શકે? એજન્ટ: તો એવું કરી શકો છો કે તમે તમારું એડ્રેસ અને નંબર મોકલો. હું કુરિયર કરી દઉં છું. અડધા રૂપિયા અત્યારે મોકલી આપો, બાકીના કુરિયર મળ્યા પછી આપજો. રિપોર્ટર: જો મારે લેવા આવવું હોય, માલ જોવો હોય તો ક્યાં આવવું પડશે? એજન્ટ: તમે અત્યારે ક્યાંથી નીકળશો? રિપોર્ટર: હું સુરતની આસપાસ છું એજન્ટ: તો અમદાવાદથી આવતી ટ્રેન પકડો, ભુસાવલથી આગળ મલકાપુર આવશે ત્યાં આવી જાવ. રિપોર્ટર: શું આ નોટ બેંકમાં નીકળી જશે? એજન્ટ: ATM મશીનમાં અને કાઉન્ટર મશીનમાં નીકળી જશે, તમે મને Hi લખીને મેસેજ કરો, હું તમને વીડિયો મોકલું છું. ખાસ નોંધવા જેવી વાત એ પણ છે કે સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવા પ્રમાણે 1 લાખની અસલ નોટ સામે આપવામાં આવતી 10 લાખની નોટ લાંબા સમય સુધી એવીને એવી રહેતી જ નથી. તેનો રંગ ઉડવા લાગે છે. એટલે આ મુદ્દે પણ અમે એજન્ટને સવાલ કર્યા. તેણે 1 વર્ષ સુધી નોટને કાંઈ ન થાય એ વાતની ગેરંટી આપી દીધી. રિપોર્ટર: કેટલા વર્ષ સુધી આ નોટ ચાલશે? એજન્ટ: 1 વર્ષ સુધી ચાલશે. રિપોર્ટર: કઈ નોટ મળશે? એજન્ટ: તમે માગશો એ મળી જશે, 100..200…500 રિપોર્ટર: તમારું નામ શું છે? એજન્ટ: તમને નામથી મતલબ છે કે કામથી મતલબ છે? તમે ફક્ત નીકળો એટલે મને ફોન કરી દેજો અને ટિકિટનો ફોટો મોકલી દેજો. તમને રેલવે સ્ટેશને જ માલ મળી જશે. રિપોર્ટર: તમે જ રેલવે સ્ટેશને આવશો ને? તમારા સિવાય કોઈની સાથે ડિલ નહીં કરીએ. એજન્ટ: અરે ભાઈ… હું કરું છું, મારો ભાઈ આ કામ કરે છે. ઓકે, તો હું જ આવી જઈશ. આટલી વાતચીત થયા પછી ફોન મૂકી દીધો. હવે અમે અન્ય એક એકાઉન્ટ પર જોવા મળેલી માહિતી પર ફોકસ કર્યું. ઇન્સ્ટાગ્રામ પર રામેશ્વરમ નામના એક એકાઉન્ટ પર નકલી કરંસીના વેપારની એક અલગ મોડસઓપરેન્ડ જોવા મળી. આ એકાઉન્ટ પર અપલોડ થતાં દરેક વીડિયોમાં જાણે ખરીદદારોને કદાચ વિશ્વાસ આવે કે પછી વીડિયો કેટલો નવો-જૂનો છે એ તરત જાણી શકાય એ માટે કાગળ પર તારીખ લખીને બતાવવામાં આવતી હતી. આવા જ એક વીડિયોમાં એક મહિલા કાગળ પર તારીખ લખેલી બતાવે છે 19 ઓક્ટોબર, 2025. પછી તે વીડિયોમાં બોલે છે, “સેકન્ડ સિરિઝ કરંસીનો સ્ટોક મારી પાસે અવેલેબલ છે. 1 લાખના 10 લાખ છે. કાઉન્ટિંગ મશીન, AMT, CDM બધામાં પાસ થઈ જશે. એ-વન ક્વોલિટીનો માલ છે. મળી જશે.” સ્ક્રીન પર મોબાઇલ નંબર આવ્યો… 95792*****. આ નંબર પર વ્હોટ્સએપ પ્રોફાઇલમાં એક ડોગીનો ફોટો હતો. વ્હોટ્સએપ કોલ ફોન કર્યો તો એક મહિલાએ જ ઉપાડ્યો. થોડી વાતચીત થયા પછી તેણે પોતાની ઓળખ ‘રાની’ તરીકે આપી. આ વખતે અમે ન માત્ર લાખો રૂપિયાની ડીલ કરવાની તૈયારી બતાવી. પરંતુ મોટો ઓર્ડર આપવાની લાલચ આપીને આ રેકેટ ચલાવનાર સાથે મિટિંગ કરાવી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો. એટલું જ નહીં, નોટ ક્યાંથી આવે છે? કોણ છાપે છે? એ જાણવાનો પણ પ્રયાસ કર્યો. રિપોર્ટર અને કરંસી વેચવાનો દાવો કરનાર રાણી વચ્ચેની વાતચીતના કેટલાક અંશો વાંચો. રિપોર્ટર: કરંસી માટે કોલ કર્યો છે રાની: હા બોલો રિપોર્ટર: કેવી રીતે મળશે રાની: તમારે મહારાષ્ટ્રના મલકાપુરમાં આવવું પડશે. રિપોર્ટર: 1 લાખના કેટલા મળશે? રાની: 10 લાખ રિપોર્ટર: 1થી નીચે છે? રાની: હા સર, 50 હજારની નોટ પણ લઈ શકો છો. એના માત્ર 5 લાખ રૂપિયા આવશે. મલકાપુર આવીને કોલ કરજો. રિપોર્ટર: તમે મલકાપુર શહેરથી જ છો? રાની: હા… એ જ શહેરથી છીએ. રિપોર્ટર: કેટલાની કરંસી મળશે? 500વાળી કે 200 વાળી? રાની: 100…200…500 તમારે જે જોઈએ એ મળી જશે. રિપોર્ટર: સિરિયલ નંબર અલગ આવશે? રાની: બધી નોટના સિરિયલ નંબર અલગ હશે. કોઈ ચિંતા ન કરતા. રિપોર્ટર: આ નોટ કેટલા સમય સુધી ચાલી શકશે? રાની: 1 વર્ષ રિપોર્ટર: કોઈ લફરું તો નહીં થાય ને? રાની: ના… કાંઈ નહીં થાય. તમે ચેક કરીને લઈ જજો. રિપોર્ટર: 10, 20ની નોટ મળશે રાની: ના… એ નહીં મળે. રિપોર્ટર: શું આ નેપાળથી આવે છે? રાની: ના… આ નેપાળનો માલ નથી. અમારો માલ અલગ હોય છે. રિપોર્ટર: તમે પોતે જ કરો (છાપો) છો? રાની: ના… અમારા સર કરે છે. રિપોર્ટર: તમારા સર કોણ છે? રાની: તમારે એનાથી શું? તમારે રૂપિયાથી જ મતલબ ને. રિપોર્ટર: એક પાર્ટી છે તેને મોટું જોઈએ છે, એટલે કહું છું. રાની: કોઈ પ્રોબ્લેમ નહીં, તમને મળી જશે. રિપોર્ટર: સર સાથે મિટિંગ કરાવી શકો છો? રાની: સર કોઈની સાથે વાત નથી કરતા, બહાર નથી જતા. રિપોર્ટર: નોટના સેમ્પલ મળી જશે? રાની: હા… મળી જશે. રિપોર્ટર: કેવી રીતે મળશે? રાની: એના માટે પણ તમારે આવવું પડશે. રિપોર્ટર: લોકેશન મળી શકે છે? રાની: હા… મોકલું છું. જો કે અમને કોઈ લોકેશન મોકલવામાં આવ્યું નહીં. પરંતુ આ વાતચીત પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે મહારાષ્ટ્રના ભૂસાવલની આસપાસના શહેરોમાંથી નકલી ચલણી નોટનું રેકેટ ઓપરેટ થઈ રહ્યું છે. હવે, આ રેકેટમાં સામેલ લોકો પાસેથી અમારે એ જાણવું હતું કે શું ગુજરાત સુધી આવી નોટો પહોંચી રહી છે કે કેમ? આ જ શોધખોળમાં અમને વધુ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઇલ નંબર મળી આવ્યો. મહાદેવી ભોંસલે નામના એક એકાઉન્ટ પર તો 500ની નોટના બેગ ભરી-ભરીને બંડલ જોવા મળ્યા. કાઉન્ટિંગ મશીનમાં ગણીને એક ખોખામાં મૂકવામાં આવી રહ્યા હતા. જો કે આ વીડિયોમાં કોઈ કાંઈ જ બોલતું નથી. પણ તારીખ, મોબાઇલ નંબર અને ખોખામાં ભરેલી ચલણી નોટો ઘણું સૂચવી જાય છે. આ વીડિયોની સાથે આપેલા મોબાઇલ નંબર 83293***** પર અમે અગાઉની માફક કોલ કર્યો. વ્હોટ્સએપ પ્રોફાઇલ પિક્ચર પર આલ્ફાબેટ D લખેલું આવ્યું. ત્રણથી ચાર રિંગ વાગી એટલામાં એક મહિલાએ ફોન ઉપાડ્યો. આ વખતે અમારી પાસે ગુજરાતને લગતા અને મોટી ડીલ કરવા અંગે ઘણા સવાલો હતા. રિપોર્ટર: કરન્સી માટે કોલ કર્યો છે. એજન્ટ: હા… બોલો રિપોર્ટર: ક્યાંથી છો મેડમ? એજન્ટ: મહારાષ્ટ્રના શેગાંવથી રિપોર્ટર: કેટલાથી શરૂ થાય છે? એજન્ટ: 1 લાખથી. 1 લાખના 10 લાખ મળશે. રિપોર્ટર: માલ લેવા માટે મારે ક્યાં આવવું પડશે? એજન્ટ: તમારે શેગાંવ સ્ટેશન બહાર આવવું પડશે. રિપોર્ટર: નજીકમાં કયું શહેર છે? મારે કાર લઈને આવવું હોય તો? એજન્ટ: તમે ક્યાંથી છો? રિપોર્ટર: હું સુરતથી છું. એજન્ટ: સારું તો હું સાંજે ભાઈ સાથે વાત કરાવી દઈશ. રિપોર્ટર: તમારા ભાઈ આ બધું સંભાળે છે? એજન્ટ: હા રિપોર્ટર: બેંકમાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? એજન્ટ: ના રિપોર્ટર: કેટલો સમય ચાલે છે આ નોટ? એજન્ટ: 1 વર્ષની ગેરંટી આપીએ છીએ. પછી (નોટનો) રંગ ફિકો પડી જશે. રિપોર્ટર: તમે જ છાપો છો કે બહારથી લાવો છો? એજન્ટ: એ અમારો માલ નથી. હું ભાઈ સાથે વાત કરાવીશ, એમને પૂછી લેજો. રિપોર્ટર: 1 લાખથી ઓછાની નોટ જોઈએ તો મળે? એજન્ટ: ના… ભાઈ એક લાખથી ઓછામાં તો નહીં રિપોર્ટર: ગુજરાતના કસ્ટમર લેવા માટે આવે છે? એજન્ટ: હા… આવે છે… ઘણીવાર આવ્યા છે રિપોર્ટર: મારી પાસે બે મોટી પાર્ટી છે. તમારે દરરોજનો કેટલો માલ નીકળી જાય છે? 5-7 લાખનો માલ નીકળે? એજન્ટ: અરે ભાઈ… બહુ વેચાય છે. તમે ભાઈ સાથે વાત કરી લેજો. સોશિયલ મીડિયા મારફતે નકલી નોટનો ધંધો કરવા માટે બનાવવામાં આવેલા એકાઉન્ટ બાબતે અમે વધુ એક વાત નોંધી. અમે જેટલા પણ એકાઉન્ટ સુધી પહોંચ્યા એ થોડાક સમય પહેલાં જ બનાવવામાં આવ્યા હતા. લગભગ 3 મહિના કરતા પણ વધુ સમય સુધી આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવાની એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે અમુક ચોક્કસ સમય સુધી આવા એકાઉન્ટ એક્ટિવ રહે છે અને દરરોજ તેના પર નકલી નોટના વીડિયો અપલોડ કરવામાં આવે છે, જેની સાથે મોબાઇલ નંબર પણ હોય છે. જો કે અમુક સમયગાળા પછી આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ જાય છે અને મોબાઇલ નંબર પર ડિએક્ટિવેટ કરી દેવામાં આવે છે. પછી નવા મોબાઇલ નંબર અને નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી એજન્ટો ફરીથી એક્ટિવ થાય છે. જેના કારણે કોઈ એક એજન્ટને ટ્રેક કરવો મુશ્કેલ બની જાય છે. દેશમાં નકલી ચલણી નોટના સરક્યુલેશનને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેવી રીતે કામ કરે છે, વિવિધ બેંકો શું સાવધાની રાખે છે તેમજ સામાન્ય વ્યક્તિ પાસે નકલી નોટ આવી જાય તો શું કરવું જોઈએ, એ સમજવા માટે અમે સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન બેંક ફેડરેશનના CEO પુરષોત્તમ પીપળિયાને કેટલાક સવાલ કર્યા. તેમણે અમને એક સર્ટિફાઇડ મશીનમાં નકલી નોટ કેવી રીતે ઓળખી શકાય તેને ડેમો પણ બતાવ્યો. સવાલ: ગુજરાત સહિત દેશભરમાં નકલી નોટ ઘુસાડવા પર રોક કેમ લાગી નથી શકતી? જવાબ: નકલી નોટ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમયાંતરે ગાઇડલાઇન જાહેર કરે છે. જેમાં નકલી નોટ કેવી રીતે ઓળખી શકાય એ પણ જણાવવામાં આવે છે. બેંકો આ જાણકારીથી ગ્રાહકોને પણ વાકેફ કરે છે. ડુપ્લિકેટ કે રદ્દી નોટ અલગ તરવાઈ જાય એવા મશીન દેશભરની બેંકમાં રાખવાનો નિયમ છે. સવાલ: રિઝર્વ બેંક તેમજ ગૃહ વિભાગે નજીકના ભૂતકાળમાં ક્યારે અને કેવા પ્રકારની ચેતવણી આપી હતી? જવાબ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમયાંતરે વિવિધ ફ્રોડની જાણ બેંકને કરે છે. પછી નોટ કાઉન્ટિંગ મશીનમાં પણ ફિચર અપડેટ કરવામાં આવે છે. એટલે બેંકો નકલી નોટોના વહનનું સાધન ન બની શકે. સવાલ: નિયમોમાં કેવા ફેરફારોની જરૂર છે? જવાબ: અત્યારના નિયમો કડક જ છે. છતાં ગુનેગારો એક સ્ટેપ આગળ જ ચાલતા હોય છે. એટલે જેમ-જેમ રિઝર્વ બેંકને આવી જાણ થાય તે દેશભરની બેંકોને સજાગ કરતી હોય છે. સવાલ: નકલી નોટ મળે તો સામાન્ય લોકોએ શું કરવું જોઈએ? જવાબ: જો કોઈ વ્યક્તિને પોતાની પાસે રહેલી નોટ નકલી હોવાની શંકા હોય તો બેંકમાં જઈને ચેક કરાવી શકે છે. આ નોટ ક્યાંથી આવી એ બાબતની જાણ પોલીસને કરવી જોઈએ. જો 4 કરતા ઓછી નોટ હોય અને કોણ આપી ગયું છે એ ખબર ન હોય તો પોલીસમાં રિપોર્ટ કરવો જોઈએ. દિવ્ય ભાસ્કરે આ તમામ ઘટનાક્રમ અંગે એક જાગૃત નાગરિક અને મીડિયા હાઉસ તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પુરાવા સાથે ઇમેલ કર્યો છે. આ સાથે જ રિઝર્વ બેંકનો આ વિષય પર જવાબ પણ માગ્યો છે. RBIનો જવાબ આપતા જ તેને આ આર્ટિકલમાં અપડેટ કરી દઈશું. અમે જેટલા પણ એજન્ટો સાથે વાત કરી એ દરમિયાન તેમની પાસેથી ડીલ કરવાના નામે માત્ર જાણકારી મેળવી છે. કારણ કે ભારતમાં નકલી ચલણી નોટો બનાવવી, રાખવી કે તેનો ઉપયોગ કરવો એ ગંભીર ફોજદારી ગુનો છે. ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS 2023 હેઠળ અલગ-અલગ કલમો લાગૂ પડી શકે છે. રિઝર્વ બેંકના વર્ષિક રિપોર્ટ મુજબ, વર્ષ 2023-24માં પકડાયેલી નકલી ચલણી નોટના ડેટાની તુલના 2024-25 સાથે કરીએ તો કેટલીક ચિંતાજનક હકીકતનો ખ્યાલ આવે છે. 500ની નવી નોટોમાં 37.35% નો વધારો થયો છે. આ આંકડો સૂચવે છે કે બજારમાં 500ની નકલી નોટોનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આવી જ રીતે 200 રૂપિયાની નોટમાં 13.91 ટકાનો વધારો થયો છે. જો કે 100ની ચલણી નોટ પણ 50 લાખ રૂપિયાની પકડાઈ છે. પણ પાછલા વર્ષની સરખામણીએ એમાં 23 ટકાનો ઘટાડો થયો છે. રિઝર્વ બેંકે 1 એપ્રિલ, 2025 ના રોજ "Master Direction on Counterfeit Notes, 2025" જારી કર્યો હતો. જેમાં તમામ બેંકોને આ બાબતે અવગત કરી હતી. ગૃહ મંત્રાલયે પણ ગયા વર્ષે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને હાઈએલર્ટ જારી કર્યું છે. સરકારે ચેતવણી આપી છે કે આ નકલી 500 રૂપિયાની નોટો વાસ્તવિક નોટો જેવી જ દેખાય છે અને સામાન્ય રીતે તેમની વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે. જોકે, સરકારે કેટલાક ઓળખ ચિહ્નો સૂચવ્યા છે જેનાથી નકલી નોટો ઓળખવાનું શક્ય બનશે. ગૃહ મંત્રાલયે આ ચેતવણી DRI, FIU, CBI, NIA, SEBI જેવી મુખ્ય નાણાકીય અને નિયમનકારી સંસ્થાઓ સાથે શેર કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કાજોલના હીરોની ટ્રેજિક લાઈફ:કમલને બર્થ-ડે પર મળી મોતની સરપ્રાઈઝ; પિતાએ પત્ની-દીકરીને વીંધી નાખી, બચાવમાં આવેલા એક્ટરને પણ પતાવવાનો પ્રયાસ કર્યો
    Next Article
    PAKમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, સરકાર પરેશાન:સ્થાનિક પત્રકારે ભાસ્કરને જણાવી વાસ્તવિક પરિસ્થિતિ, કહ્યું- ભાવ વધારો હજુ અઠવાડિયું ટાળી શકાયો હોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment