Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત જિલ્લાનું ધો.10માં 86.4% પરિણામ:રત્નકલાકારોના સંતાનો ચમક્યાં, મોટિવેશનલ સ્પીકરનું પાવરફુલ રિઝલ્ટ, અસ્મયે 95% લાવી પિતાની યાદોને અંજલિ આપી

    14 hours ago

    સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4 ટકા નોંધાયું છે, જેમાં કુલ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. આજે પરિણામ જાહેર થતા જ અનેક પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં સંતાનોની સિદ્ધિ જોઈને અનેક વાલીઓ હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. ખાસ કરીને સુરતના રત્નકલાકારોના બાળકોએ પ્રતિકૂળ સંજોગોમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરીને મેદાન માર્યું છે, જે શહેર માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા સુરતમાં ધોરણ-10નું શાનદાર પરિણામ જાહેર થતાની સાથે જ શાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને આશાદીપ જેવી સંસ્થાઓમાં જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઝળહળતી સફળતા મેળવી તમામ વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ આખું વર્ષ કરેલી સખત મહેનતનું મીઠું ફળ મળતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવુક થઈ ગયા હતા. પરિણામ જોતા જ તેમની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા, જે તેમના વર્ષભરના પરિશ્રમ અને સંઘર્ષની સાક્ષી પૂરતા હતા. પાર્થ માંગુકિયા 98.50% સાથે સુરત ટોપર; પિતાના બિઝનેસને આગળ વધારવાનું લક્ષ્ય સુરતની આશાદીપ શાળાના તેજસ્વી વિદ્યાર્થી માંગુકિયા પાર્થ રમેશભાઈએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 600માંથી 591 ગુણ અને 98.50 ટકા સાથે ઝળહળતી સફળતા મેળવી છે. પાર્થે તેની સફળતાનું રહસ્ય જણાવતા કહ્યું કે, સવારથી સાંજ સુધીનું તેનું ટાઈમટેબલ ફિક્સ હતું, જેમાં શાળા, બપોરે સ્વ-અધ્યયન અને સાંજે ટ્યુશનનો સમાવેશ થતો હતો. ભવિષ્યના આયોજન અંગે સ્પષ્ટતા કરતા તેણે જણાવ્યું કે, તે હવે કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરી BBA અને ત્યારબાદ MBA પૂર્ણ કરવા માંગે છે. પોતાના પિતા પણ બિઝનેસમેન હોવાથી પાર્થ ઉચ્ચ શિક્ષણ મેળવીને ભવિષ્યમાં પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવાનું સપનું સેવી રહ્યો છે. મોટિવેશનલ સ્પીકર ચાર્મીએ 99.77 PR મેળવ્યાં, હવે CA બનવાનું લક્ષ્ય સુરતની ૧૫ વર્ષની યંગ થિંકર અને જાણીતી મોટિવેશનલ સ્પીકર ચાર્મી કેતનભાઈ ગુણાએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. વકતૃત્વ કલામાં સ્ટેટ લેવલે પ્રથમ ક્રમે આવતી ચાર્મીએ અભ્યાસ અને સેમિનાર્સ વચ્ચે સંતુલન જાળવીને 96.50% અને 99.77 PR સાથે ભવ્ય સફળતા મેળવી છે. પોતાની આ સિદ્ધિનો શ્રેય માતા-પિતાના સપના અને શિક્ષકોની મહેનતને આપતા ચાર્મીએ જણાવ્યું હતું કે, તે ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનીને કારકિર્દી બનાવવા માંગે છે. બીજાને પ્રોત્સાહિત કરતી આ દીકરીએ આજે સ્વયં મહેનત દ્વારા લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનીને બાજી મારી છે. માતાએ પાપડ વેચી પુત્રને ભણાવ્યો, 95% સાથે પિતાનું સપનું જીવંત રાખ્યું સુરતની આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી અસ્મય જીજ્ઞેશભાઈ ગુજરાતીએ ધોરણ-10માં 600માંથી 575 ગુણ (95%) મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે, જેની પાછળ સંઘર્ષની હૃદયસ્પર્શી કહાની છુપાયેલી છે. પાંચ વર્ષ પહેલાં આઈસીયુમાં ફરજ દરમિયાન હાર્ટ-એટેકથી ડોક્ટર પિતાનું અવસાન થયા બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ હિંમત હાર્યા વગર માતાએ પાપડ બનાવીને ઘરની જવાબદારી ઉપાડી પુત્રના અભ્યાસમાં કોઈ કમી આવવા દીધી નહોતી. પરિણામ બાદ માતા-પુત્રની આંખમાં ખુશીના આંસુ છલકાયા હતા. અસ્મયે પોતાની સફળતાનો શ્રેય ભગવાન, પરિવાર અને સ્કૂલના સપોર્ટને આપતા મક્કમ નિર્ધાર કર્યો છે કે તે પોતે પણ ડોક્ટર બની પિતાનું અધૂરું સપનું પૂરું કરશે અને તેના બે નાના ભાઈઓની જવાબદારી સંભાળશે. ધાર્યા કરતા 3 ટકા ઓછા આવતા વાલીઓ ભાવુક થયા સુરતની યાક્ષી અકલેશ્વરીયાએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 94 ટકા ગુણ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જોકે આ પરિણામને લઈને મિશ્ર લાગણીઓ જોવા મળી હતી. પોતાની મહેનત પર વિશ્વાસ હોવાથી યાક્ષીએ 97 ટકાની અપેક્ષા રાખી હતી, પરંતુ ધાર્યા કરતા 3 ટકા ઓછા આવતા તે થોડી નિરાશ થઈ હતી અને સંતાનનું પરિણામ જોઈ માતા-પિતા પણ ભાવુક થઈ રડી પડ્યા હતા. નોંધનીય છે કે, યાક્ષીએ અગાઉના પરિણામોના ગ્રેડિંગમાં A2માંથી A1 ગ્રેડ સુધીની સફર કાપીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. ભવિષ્યના લક્ષ્ય વિશે વાત કરતા તેણે જણાવ્યું કે, તે આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવા માંગે છે. યાક્ષીની આ સફળતા અને દેશદાઝની ભાવનાએ અન્ય વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક જ સંસ્થાના 562 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી રેકોર્ડ સર્જ્યો સુરતમાં જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સુરત શહેરમાં કુલ 6,475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાંથી નોંધપાત્ર રીતે 562 વિદ્યાર્થીઓ માત્ર આશાદીપ શાળાના છે. શાળાના સંચાલક મહેશ રામાણીએ જણાવ્યું હતું કે, સંસ્થાની સિસ્ટમ અને સતત હાર્ડ વર્કને કારણે આ સફળતા મળી છે; જેમાં રવિવાર કે વેકેશન જેવી રજાઓમાં પણ શિક્ષકો વિદ્યાર્થીઓને વધારાનું માર્ગદર્શન આપી 2 થી 3 વખત રિવિઝન કરાવતા હોય છે. ભવિષ્યમાં કલેકટર બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે સુરતની દિવ્યા બાબુ મકવાણાએ પોતાની ઝળહળતી સફળતાથી શહેરનું નામ રોશન કર્યું છે. એક સામાન્ય રત્નકલાકાર પિતાની પુત્રીએ પોતાની મહેનત અને લગન દ્વારા બોર્ડની પરીક્ષામાં 600 માંથી 592 ગુણ મેળવીને 98.66 ટકા સાથે મેદાન માર્યું છે. આર્થિક પરિસ્થિતિ આડે ન આવે તે સાબિત કરતા દિવ્યાએ હવે ભવિષ્યમાં કલેકટર બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, જેથી તે સમાજની સેવા કરી શકે. જિયા લાઠીયાએ મેળવ્યા 97% ગુણ, માતા-પિતા અને શિક્ષકોને આપ્યો શ્રેય ધોરણ-10ના જાહેર થયેલા પરિણામોમાં જિયા લાઠીયાએ 97% જેટલા ઊંચા ગુણ મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરી છે. પોતાની આ સિદ્ધિ વિશે વાત કરતા જિયાએ જણાવ્યું હતું કે, તેની સફળતા પાછળ તેના માતા-પિતા અને શાળાના શિક્ષકોનો અતૂટ સપોર્ટ અને માર્ગદર્શન રહેલું છે. તેણે પોતાની ખાસ અભ્યાસ પદ્ધતિ વિશે ખુલાસો કર્યો હતો કે તે દિવસે વાંચવાને બદલે સવારે વહેલા ઉઠીને એકાગ્રતા પૂર્વક અભ્યાસ કરવાનું વધુ પસંદ કરતી હતી. પરિવારમાં આ ખુશીના સમાચારથી આનંદનો માહોલ છવાઈ ગયો છે અને જિયાની મહેનત અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. 95.82% મેળવી ધ્યાના સોજીત્રા- 'બિઝનેસવુમન' બનવાનું સપનું સુરતની આશાદીપ-2 શાળાની વિદ્યાર્થિની ધ્યાના હિરેનભાઈ સોજીત્રાએ ધોરણ-10ની પરીક્ષામાં 600માંથી 575 ગુણ (95.82%) મેળવીને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. પોતાની આ ઝળહળતી સફળતાનો શ્રેય શાળાના શિક્ષકોની સખત મહેનત અને માતા-પિતાના સતત પ્રોત્સાહનને આપતા ધ્યાનાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ હવે તે પરંપરાગત ક્ષેત્રોને બદલે કોર્પોરેટ જગતમાં કંઈક નવું કરવા ઈચ્છે છે અને ભવિષ્યમાં એક પ્રભાવશાળી બિઝનેસવુમન બનીને દેશના વિકાસમાં યોગદાન આપવાનું લક્ષ્ય સેવ્યું છે. રત્નકલાકારના પુત્રએ બોર્ડની પરીક્ષામાં મેળવી ઝળહળતી સફળતા, 99.2 PR સાથે પરિવારનું નામ રોશન કર્યું સુરતમાં એક રત્નકલાકારના પુત્ર લક્ષ રાદડિયાએ પોતાની મહેનત અને લગનથી બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. લક્ષે 94.66 ટકા અને 99.2 PR મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરી છે. પોતાની આ સિદ્ધિ વિશે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, અભ્યાસમાં સતત એકાગ્રતા અને પિતાના સંપૂર્ણ સહયોગને કારણે જ તે આ મુકામ સુધી પહોંચી શક્યો છે. આર્થિક પડકારો વચ્ચે પણ પિતાએ આપેલા પ્રોત્સાહન અને લક્ષની રાત-દિવસની મહેનતે આજે તેને સફળતાના શિખરે પહોંચાડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો; હોસ્પિટલ સીલ
    Next Article
    પંચમહાલ ધોરણ 10 પરિણામ જાહેર:76.42% પરિણામ સાથે જિલ્લો રાજ્યમાં સૌથી નબળું પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment