Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ:ગુજરાતીઓ ગણિત-વિજ્ઞાનમાં કાચા, 2 લાખથી વધુ વિદ્યાર્થી ફેલ, સાયન્સમાં મેરિટ નીચું જશે; દીકરીઓએ ફરી બાજી મારી

    19 hours ago

    આજે(6 મે) ગુજરાતમાં ધોરણ-10 એસ.એસ.સી. પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 88.28% રહી વિદ્યાર્થીઓ કરતાં 8.16% આગળ રહ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રે 100% પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં 1,697 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન-2026માં ‘Best of Two’ પદ્ધતિ સાથે પૂરક પરીક્ષા યોજાશે. ગત વર્ષે 100% પરિણામ ધરાવતી 1574 શાળાઓ હતી જેમાં વધારો થતા આ વર્ષે 1697 શાળાઓમાં 100% પરિણામ આવ્યું છે. તો ગત વર્ષે 45 શાળાઓનું 0% પરિણામ આવ્યું હતું જે ઘટીને આ વર્ષે માત્ર 39 શાળાઓનું જ 0% પરિણામ આવ્યું હતું. બેઝિક મેથ્સમાં 1 લાખ 6 હજાર 504 અને વિજ્ઞાનમાં 94,645 વિદ્યાર્થીઓ નાપાસ થતાં સાયન્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે. જેથી મેરિટ લિસ્ટ પણ નીચું રહેવાની શક્યતા છે. આમ જો કોઈને સાયન્સમાં પ્રવેશ લેવો હોય તો એડમિશન સરળતાથી મળી જશે. ધો-10નું રિઝલ્ટ 1,83,674 નાપાસ વિદ્યાર્થી માટે જૂનમાં પૂરક પરીક્ષા ધોરણ 10 એસએસસી પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં કુલ 1,83,674 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જેમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર વિદ્યાર્થીઓ અને 16,763 GSOS (ખાનગી) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જૂન માસમાં પૂરક પરીક્ષાનું પુનઃ આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ‘Best of Two’ યોજના હેઠળ ફરી પરીક્ષા આપવાની તક પણ મળશે, જેથી તેઓ પોતાના પરિણામમાં સુધારો કરી શકે. બેઝિક ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા તે ચિંતાનો વિષય: મુક્તક કાપડિયા ધોરણ 10ના પરિણામમાં બેઝિક ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. બેઝિક ગણિતમાં કેમ સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને આવનાર સમયમાં તેની શું અસર આવશે તેને લઈને શિક્ષણવિદ મુક્તક કાપડિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ઓવરઓલ પરિણામ ઉંચુ ગયું છે તે ખૂબ સારી બાબત છે, પરંતુ બેઝિક ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. ગ્રાસરૂટ લેવલ પરથી વિદ્યાર્થીઓને તૈયાર કરવાની ખૂબ જ જરૂર છે. પ્રાઇમરીથી ગણિતનો પાયો મજબૂત કરાવવામાં આવે તો ધોરણ 10માં ગણિતમાં કોઈ વિદ્યાર્થી નાપાસ ના થઈ શકે. ઘણી વખત સંખ્યા મેન્ટેન કરવા માટે વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં લઈ જવામાં આવે છે. ‘સાયન્સમાં સીટ વધારે અને વિદ્યાર્થીઓ ઓછા છે’ વધુમાં મુક્તક કાપડિયાએ જણાવ્યું હતું કે, શિક્ષાના કેન્દ્રમાં વિદ્યાર્થીઓ હોવા જોઈએ જ્યાં સુધી તે નહીં આવે ત્યાં સુધી આ પ્રકારનું પરિણામ જોવા મળી શકે છે. કોમનવેલ્થ અને ઓલમ્પિકની મેજબાની કરવા પણ ગુજરાત તૈયાર થઈ ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓનો બેઝિક પાયો મજબૂત કરવો ખૂબ જ જરૂરી છે. એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ગણિતમાં કમજોર હોય તો સાયન્સ લેતા વિદ્યાર્થીઓને થોડો ડર લાગે. તેમજ બીએસસી, બીએડ સાથેના સારા શિક્ષકો મેળવવા માટે પણ ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. સાયન્સમાં સીટ વધારે છે અને વિદ્યાર્થીઓ ઓછા છે તો એન્જિનિયરિંગમાં પણ સીટ વધારે છે અને વિદ્યાર્થીઓની ડિમાન્ડ ઓછી છે જેથી ત્યાં પણ ઘણી સીટો ખાલી રહી શકે છે. આ વર્ષે પરિણામ વધુ આવવાના કારણે સ્કૂલોમાં સાયન્સમાં પ્રવેશ મેળવવા માટેનું મેરિટ પણ ઊંચું જશે. સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4 ટકા સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4 ટકા નોંધાયું છે, જેમાં કુલ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. આજે પરિણામ જાહેર થતા જ અનેક પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં સંતાનોની સિદ્ધિ જોઈને અનેક વાલીઓ હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. ખાસ કરીને સુરતના રત્નકલાકારોના બાળકોએ પ્રતિકૂળ સંજોગોમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરીને મેદાન માર્યું છે, જે શહેર માટે ગૌરવની બાબત છે. વડોદરામાં 78.38 ટકા પરિણામ વડોદરાનું ગત વર્ષનું ધોરણ 10નું 76.65 ટકા પરિણામ હતું તે આ વર્ષે 78.38 ટકા આવ્યું છે. આ પરિણામ ગત વર્ષ કરતા વધારે છે. વડોદરામાં 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામમાં A 1 ગ્રેડમાં 1582 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. રાજકોટમાં 88.11% પરિણામ રાજકોટના પરિણામમાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં 85.23%, વર્ષ 2025માં 87.19% અને આ વર્ષે 88.11% પરિણામ જાહેર થયું છે. પાટણ જિલ્લાનું ધો-10નું 83.27% પરિણામ પાટણ જિલ્લાનું સરેરાશ પરિણામ 83.27 ટકા નોંધાયું છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 15,107 વિદ્યાર્થીઓમાંથી 366 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અન્ય ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો, 1395 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 2109 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 3108 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 3527 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 1912 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ અને 162 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. જ્યારે E1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નોંધાયો નથી. ગીર સોમનાથમાં ધો-10નું 82.34% પરિણામ ગીર સોમનાથ જિલ્લાએ આ વર્ષે 82.34% પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 1.13%નો વધારો નોંધાયો છે. જિલ્લામાં માત્ર પરિણામની ટકાવારી જ નહીં પરંતુ ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો છે. કુલ 780 તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને મેદાન માર્યું છે, જ્યારે 1,743 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે. જિલ્લાના 30 પરીક્ષા કેન્દ્રો પૈકી ઘુસિયા ગીર કેન્દ્ર 98.64% પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. બીજી તરફ, દેલવાડા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 51.04% નોંધાયું છે. ચિંતાજનક બાબત એ છે કે દેલવાડા કેન્દ્રમાં ગત વર્ષની સરખામણીએ 11.25%નો ઘટાડો જોવા મળ્યો છે. ઉના તાલુકાના સીમર કેન્દ્રમાં 12.98%ના સુધારા સાથે 63.28% પરિણામ આવ્યું છે, જે સ્થાનિક શિક્ષણ પ્રણાલી માટે પ્રોત્સાહક છે. જોકે, ઘાટવડ કેન્દ્રમાં 21.23% જેવુ મોટું ગાબડું પડતા ત્યાં 84.50% પરિણામ નોંધાયું છે. પંચમહાલ જિલ્લામાં સૌથી નીચું 76.42% પરિણામ પંચમહાલ જિલ્લાનું આ વર્ષનું પરિણામ 76.42% જાહેર થયું છે. જો આંકડાકીય તુલના કરવામાં આવે તો, ગત વર્ષે જિલ્લાનું પરિણામ 73.60% હતું. એટલે કે આ વર્ષે પરિણામમાં 2.82%નો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પરંતુ, રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ પંચમહાલ જિલ્લો આ વખતે પણ નબળો સાબિત થયો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લા તરીકે પંચમહાલનું નામ મોખરે આવ્યું છે. વોટ્સએપથી પોતાની માર્કશીટ મેળવી શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશે. ઉપરાંત, આધુનિક સુવિધા હેઠળ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાની માર્કશીટ મેળવી શકશે. તે માટે 6357300971 નંબર પર પોતાના બેઠક ક્રમાંક મોકલવાથી પરિણામની નકલ પ્રાપ્ત થશે. ડિપ્લોમા પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે, 8મીથી રજિસ્ટ્રેશન શરૂ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ધોરણ 10 પછી ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આગામી 8 તારીખથી 19 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 21થી 26 જુલાઈ સુધી ફરીથી ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. https;//acpdc.gujarat.gov.in/ના માધ્યમથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 29 જૂનના પ્રિવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે. જે બાદ 29 જૂનથી 2 જુલાઈ સુધી મોકરાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવામાં આવશે. ધો-10ના રિઝલ્ટની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 37 થશે:કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી, સંસદના આગામી સત્રમાં બિલ રજૂ થશે
    Next Article
    ઘરેલુ સિલિન્ડરમાંથી નાના બોટલમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું:નાસ્તાની લારીની આડમાં કોમર્શિયલ ગેસની અછતનો ફાયદો ઉઠાવી કાળીબજાર કરતો, સચિનમાં ગેરકાયદે રિફિલિંગ ચાલતું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment