Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનસ્ટેમ્પ્ડ મટનનું વેચાણ કરવું ભારે પડ્યું:રાજકોટની કૃષ્ણપરા મટન માર્કેટનાં 10 વેપારીઓ સામે અધિક કલેક્ટરની લાલ આંખ, 10-10 હજાર મળી કુલ રૂ. 1 લાખનો દંડ વસુલાયો

    10 hours ago

    રાજકોટ પરાબજારમાં આવેલી કૃષ્ણપરા મટન માર્કેટમાં અસ્વચ્છતા અને અનસ્ટેમ્પ્ડ મટનનું વેચાણ કરતાં 10 વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી હાથ ધરવામાં આવેલા વિશેષ તપાસ અભિયાન દરમિયાન આ ગંભીર બેદરકારી સામે આવી હતી. તપાસ દરમિયાન માર્કેટની દુકાનોમાં ભારે અસ્વચ્છતા જોવા મળી હતી. અધિકારીઓએ લીધેલા નમૂનાઓની લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવતા તે અનસ્ટેમ્પ્ડ હોવાનું ખુલ્યું હતું. ત્યારે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કડક કાનૂની પગલાં ભરીને અધિક કલેક્ટર ડો. બારોટ દ્વારા તમામ 10 વેપારીઓને રૂ. 10-10 હજારનો મળીને એકંદર રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડિત વેપારીઓમાં એસ. મીરા મટન શોપના પરવેઝ મહેબુબભાઈ ચૌહાણ, સંજરી મટન શોપના હુસેન જુમાનભાઈ ચૌહાણ, જાવેદ ઉમરભાઈ ચૌહાણ, જાકીર ઈસ્માઈલ મટન શોપના જાકીર ઈસ્માઈલભાઈ ચૌહાણ, કાસમભાઈ મટન શોપના હાસમ કાસમભાઈ કટારીયા, કટારીયા મટન શોપના હનીફભાઈ કટારીયા, સલીમ મટન શોપના અહેજાઝ શમા સલીમભાઈ, બીસ્મીલ્લાહ મટન શોપના મહેબુબભાઈ શમા, અબ્દુલ મુશાભાઈ લાખા અને શમા મટન શોપના રફીકભાઈ શમાનો સમાવેશ થાય છે. તંત્રની આકરી કાર્યવાહીથી ભેળસેળિયા અને નિયમો નેવે મુકનાર વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. અટલ સરોવર ખાતે કાલે મનપાનો ધ્વજવંદન કાર્યક્રમ, મેયર સલામી આપશે, સફાઈ કર્મીઓનું થશે સન્માન રાજકોટ મહાપાલિકા દ્વારા આવતીકાલે 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નવો 150 ફૂટ રિંગ રોડ સ્થિત ‘અટલ સરોવર’ ખાતે સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં મેયર ડો. નેહલ શુક્લ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી અર્પણ કરશે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બાદ મેયર પ્રાસંગિક ઉદબોધન કરશે. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઇ કામદારો, આશા વર્કરો અને આંગણવાડી વર્કરોનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના જવાનો દ્વારા અટલ સરોવરમાં ડૂબતી વ્યક્તિને બચાવવા તેમજ હાઈરાઇઝડ ઇમારતમાં આગના બનાવમાં કરાતી રેસ્ક્યૂ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કરશે. આ કાર્યક્રમની આખરી તૈયારી અંતર્ગત મેયર ડો. નેહલ શુક્લ, સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ શહેરના તમામ 18 વોર્ડ ઓફિસેથી તિરંગા વિતરણની કામગીરી પણ ચાલુ છે. શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા મનપા કમિશ્નરનો આદેશ શ્રાવણ માસ શરૂ થઇ ચૂકયો છે ત્યારે આ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાનાઓ બંધ રાખવા મનપાએ ફરી જાહેરનામું બહાર પાડયું છે. જોકે દર વખતની જેમ આ જાહેરનામું માત્ર સરકારી રેકર્ડ મુજબનું રહેશે કે ખરેખર તેનો અમલ થશે તે સવાલ રહેલો છે. આગામી તા.17, 24, 31 ઓગષ્ટ અને 07 સપ્ટેમ્બરનાં રોજ શ્રાવણ માસના સોમવાર નિમિત્તે તથા તા. 4 સપ્ટેમ્બરનાં રોજ જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવા અને જાહેરનામાનો ભંગ કરનારની સામે GPMC એકટ-1949ની કલમ 329 અને 336 તથા મનપાનાં બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની ચેતવણી મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા જણાવાયું છે. કલેકટર કચેરીએ તા. 25 ઓગષ્ટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ, ગટર, રોડ-રસ્તા સહિત 100થી વધુ પ્રશ્નો કલેકટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં આગામી 25 ઓગષ્ટનાં રોજ ’જિલ્લા સ્વાગત બેઠક’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે રાજકોટ શહેર અને જિલ્લાના 100થી વધુ પ્રશ્નો અને ફરિયાદો કાર્યક્રમમાં મુકવામાં આવી છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લોકો દ્વારા પ્રશ્નોનો મારો ચલાવવામાં આવ્યો છે. રાજકોટ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કલેકટર તંત્રને 100થી પણ વધુ અરજીઓ મળી ચૂકી છે. લોકો પોતાની સમસ્યાઓના ઝડપી નિકાલ માટે મોટી સંખ્યામાં સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી છે. કલેકટર તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે સ્વાગત કાર્યક્રમમાં સૌથી વધુ ફરિયાદો ચોમાસાને લગતી સમસ્યાઓ વિશે આવી છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે રાજકોટ શહેર-જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાઓની બિસ્માર હાલત અને ગટર ઉભરાવાની સમસ્યાઓ વકરી છે. જેને પગલે તૂટેલા રોડ-રસ્તા, ગટર અને ચોમાસામાં પડતી અન્ય હાલાકીઓને લગતા પ્રશ્નો અંગે કાર્યક્રમમાં ચર્ચા થશે. સરધાર નજીક ગ્રીનફીલ્ડ બાયપાસના એલાઇનમેન્ટ સામે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું રાજકોટના સરધાર અને આસપાસના વિસ્તારમાંથી પસાર થનાર પ્રસ્તાવિત સિક્સ લેન ગ્રીનફીલ્ડ બાયપાસના વર્તમાન એલાઇનમેન્ટના કારણે વર્ષો જૂની ફળદ્રુપ અને પિયત ખેતીની જમીન સંપાદન સામે ખેડૂતોમાં ભારે રોષ છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીન સંપાદનથી ખેતરો બે ભાગમાં વહેંચાઈ જશે. તથા બોરવેલ, કૂવા અને ડ્રિપ ઇરીગેશન જેવા માળખાં નાશ પામતાં તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ જશે. ખેડૂતોએ માંગ કરી છે કે પ્રોજેક્ટના એલાઇનમેન્ટની તાત્કાલિક પુનઃસમીક્ષા કરવામાં આવે અને સરકારી પડતર કે ઓછી ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરવામાં આવે. જો સંપાદન અનિવાર્ય હોય, તો કાયદાકીય જોગવાઈ મુજબ યોગ્ય વળતર અને પુનર્વસનની ખાતરી આપવામાં આવે. તંત્ર દ્વારા માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ આપી છે. સ્વતંત્રતા પર્વે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં 12 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ અપાશે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત અલ્ફ્રેડ હાઇસ્કૂલ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે 15 ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વ નિમિત્તે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ અંગે મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, કમિશનર તુષાર સુમેરા સહિતનાએ સંયુક્ત જાહેરાત કરી છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવન અને વિચારોને ઓડિયો, વિઝ્યુઅલ અને LED સ્ક્રીન દ્વારા રજૂ કરાયા છે. સાથે જ રોજ રાત્રે 7 કલાકે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે. અત્યાર સુધી 2,328 વિદેશીઓ સહિત 3,88,836 લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે, જેમાં 1,10,998 બાળકો સામેલ છે. દર વર્ષે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 30 જાન્યુઆરી અને 2 ઓક્ટોબરે બાળકો માટે પ્રવેશ ફ્રી રાખવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા વાલીઓને બાળકો સાથે મુલાકાત લેવા અપીલ કરાઈ છે. રાજકોટની દિવ્યાંગ ધ્વનિ શાહે નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો રાજકોટની પ્રતિભાશાળી દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ધ્વનિ શાહે પોતાની મહેનત અને સમર્પણના બળે ઇન્દોર ખાતે 12 અને 13 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી યુટીટી પહેલી પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ગોલ્ડ મેડલની સાથે ધ્વનિ દેશની નંબર 1 ખેલાડી બની ગઈ છે. દેશભરમાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે વુમન સિંગલ્સ ક્લાસ-7 કેટેગરીમાં ભાગ લઈને ધ્વનિએ ઓરિસ્સા, દિલ્હી અને તમિલનાડુની ખેલાડીઓને પરાજિત કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રોમાંચક ફાઇનલ મુકાબલામાં તેણે ભાવનગરની સોનલ ડાબીને 14-12, 11-6 અને 13-11ના સ્કોર સાથે 3-1થી હરાવીને વિજય હાંસલ કર્યો હતો. દિવ્યાંગતા ક્યારેય સફળતાના માર્ગમાં બાધક નથી બનતી તે સાબિત કરનાર ધ્વનિની આ સિદ્ધિ રાજકોટ અને સમગ્ર ગુજરાતના રમતપ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે. અગાઉ પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનાર ધ્વનિની સફળતા અન્ય દિવ્યાંગ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    146 ATM અને POS મશીન સહિત ₹9.5 લાખનો મુદ્દામાલ જપ્ત:ATM સેન્ટરમાં મદદના બહાને કાર્ડ બદલી ઠગાઈ કરતી હરિયાણાની ‘મેવાતી ગેંગ’ના 3 સાગરીતો ઝડપાયા
    Next Article
    કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો:ખાવડા નજીક પાકિસ્તાન સરહદ પાસે ધ્રૂજી ધરતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment