Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારની 'હર ઘર જલ' યોજનાની પોલ ખુલી:વાસંદામાં મહિલાઓ 1 કિમી પથરાળ રસ્તે ચાલી પાણી લાવવા મજબૂર, 300 ફૂટ ઊંડા બોર પણ નિષ્ફળ

    2 days ago

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા ખાટાઆંબા ગામના ગારમાથા ફળિયામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ એક ભયંકર અને ગંભીર જળસંકટ સર્જાયું છે. સરકારની 'હર ઘર નળ સે જળ' યોજનાના મોટા-મોટા દાવાઓ વચ્ચે પણ અહીંની સ્થાનિક આદિવાસી મહિલાઓને પીવાના પાણીના ટીપે-ટીપાં માટે રોજિંદો કપરો સંઘર્ષ કરવો પડી રહ્યો છે, જે વહીવટી તંત્રની ઉદાસીનતા છતી કરે છે. પાણી માટે કિલોમીટર દૂરની જોખમી રઝળપાટ ગારમાથા ફળિયાની લાચાર મહિલાઓ અને માસૂમ બાળકોને પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે રોજ આશરે 1 કિલોમીટર દૂર આવેલી 'વેરી' (કુદરતી પાણીનો સ્ત્રોત) સુધી લાંબા થવું પડે છે. આ પાણી તરફ જતો રસ્તો અત્યંત પથરાળ, ઉબડ-ખાબડ અને ઊંડી ઉતરાણવાળો છે, જેના કારણે માથે પાણીના ભારે બેડાં ઉપાડીને આ જોખમી અને ઊભી ચઢાણવાળા પહાડી રસ્તે પરત ફરવું તેમના માટે શારીરિક રીતે અત્યંત મુશ્કેલ અને કષ્ટદાયક બની રહે છે. ભૂગર્ભ જળ સ્તર ઘટતાં બોર નિષ્ફળ સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તંત્ર દ્વારા ગામમાં પાણીની સમસ્યા નિવારવા માટે 300 ફૂટ ઊંડા બોર કરવામાં આવ્યા છે. જોકે, ઉનાળો શરૂ થતાં જ ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ નીચે ચાલ્યા ગયા છે, જેના કારણે આ સરકારી બોરમાંથી દિવસમાં માંડ 10 મિનિટ જેટલું જ પાણી મળે છે. આટલા અલ્પ સમયમાં મળતું પાણી આખા ફળિયાના અસંખ્ય પરિવારોની પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે પણ પૂરતું નથી. વચનો નહીં કાયમી ઉકેલની લોકમાગ ગ્રામજનો દ્વારા વારંવાર અનેક લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં પણ જવાબદાર વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે, ગ્રામજનો હવે પાણી માટેના આ કારમા સંઘર્ષને જ તેમના રોજિંદા જીવનનો એક અનિવાર્ય ભાગ માની ચૂક્યા છે. તેઓ હવે નેતાઓના માત્ર વચનો નહીં, પરંતુ પાયાના સ્તરે તાત્કાલિક પાણીની સગવડ કરવાની ઉગ્ર માગ કરી રહ્યા છે. જૂથ યોજનાને વેગ આપવા લોકઆક્રોશ સ્થાનિક આગેવાનો અને પીડિત ગ્રામજનોની મુખ્ય માગ છે કે દમણગંગા બલ્ક પાઈપલાઈન થકી વાંગણ-બારતાડ જૂથ યોજનાને વહેલી તકે વેગ આપીને તેને ત્વરિત કાર્યરત કરવામાં આવે. જો આ સરકારી યોજના સમયસર પૂર્ણ થઈ જાય, તો આ અંતરિયાળ વિસ્તારના અનેક આદિવાસી ગામોને વર્ષો જૂના કાયમી જળસંકટની આ ભયાનક સમસ્યામાંથી કાયમ માટે મુક્તિ મળી શકે તેમ છે. લોકોની વેદનાને વાચા આપતા ધારાસભ્ય આ ગંભીર પરિસ્થિતિ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ‘’નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ડુંગરાળ વિસ્તાર, જંગલ વિસ્તાર અને બોર્ડર વિલેજમાં પીવાના પાણીની ઘણી જ તકલીફ છે. આ તકલીફનું વાસ્તવિક નિરીક્ષણ કરવા માટે હું જિલ્લા પંચાયતના સદસ્ય નિકુંજભાઈની સાથે ખાટાઆંબાના ગારથાળ ફળિયામાં રૂબરૂ ગયો હતો અને ત્યાંના લોકોની અસહ્ય વેદના જોઈ છે. ત્યાંના લોકો લગભગ ડુંગર પરથી નીચે ઊતરી વેરી પરથી પાણી લાવીને પીએ છે અને પોતાના પશુઓ માટે લઈ જાય છે. ખરેખર તો એ પાણી પીવા લાયક જ નથી, છતાં પણ તેઓ પશુઓને પાવા અને પોતે પીવા માટે મજબૂર બન્યા છે.'' નલ સે જલ યોજના માત્ર કાગળ પર ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘’આ વિસ્તારમાં 'નલ સે જલ' ની યોજના કોઈ જગ્યાએ વ્યવહારિક રીતે લાગુ જ નથી. કોઈના ઘરે નળ પણ નથી અને જો ક્યાંક નળ હોય તો તેમાં પાણી જ નથી આવતું! એવી જગ્યાએ જ અમે અમારો 'જળ યાત્રા'નો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ શરૂ કર્યો છે. અમારો આ પહેલો જ કાર્યક્રમ છે અને આવતીકાલે અમે બીજા અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ જઈશું. જ્યાં સુધી અમારા વિસ્તારના લોકોને અને મૂગા પશુઓને પીવાનું પાણી નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. પાણી એ કોઈ વૈભવ નથી, પણ જીવનનો મુખ્ય આધાર છે. ત્યારે જોવાનું એ રહે છે કે વાંસદાના આ અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજની વહારે આવીને જવાબદાર વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ માનવતા દાખવશે કે પછી દર વખતની જેમ ડિજિટલ ઈન્ડિયાના આ આધુનિક યુગમાં પણ આ લાચાર મહિલાઓ માથે બેડાં ઉપાડી પથરાળ રસ્તાઓ જ ખૂંદતી રહેશે?'' પાણીની શોધમાં આખો દિવસ વેડફાય છે સ્થાનિક મહિલા સુનીતા રાઠોડે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ‘’અમારે ત્યાં પીવાના પાણીની એટલી બધી તકલીફ છે કે અમને વાપરવા અને પીવા માટે પૂરતું પાણી પણ મળતું નથી. અમારો આખો દિવસ આકરી મજૂરી કરવામાં જ પૂરો થઈ જાય છે; અમારે જીવના જોખમે ડુંગરા ખૂંદીને લાકડાં કાપીને વેચવા માટે લાવવા પડે છે. સાંજે જ્યારે અમે થાક્યા-પાક્યા મજૂરીથી પાછા આવીએ, ત્યારે રસ્તામાં ક્યારેક જતો-આવતો ટેમ્પો મળી જાય તો ઠીક, નહિતર લાંબા અંતર સુધી ચાલતા જ ઘરે આવવું પડે છે.’’ મૂગા પશુઓ પણ પાણી વિના તરસ્યા તેમણે રડતી આંખે વધુમાં જણાવ્યું કે, ‘’ગામમાં કે ઘરે આવ્યા પછી પણ અમારો અસલી સંઘર્ષ પૂરો નથી થતો. ઘરે પીવાનું એક ટીપું પાણી હોતું નથી, જેના કારણે અમારા પરિવારને તો ઠીક, પણ અમારા અબોલા પશુઓ (ઢોર)ને પણ પીવાનું પાણી નસીબ થતું નથી. આખો દિવસ માત્ર પાણીની શોધમાં અને મજૂરીના ચક્કરમાં જ અહીંયા રાત પડી જાય છે અને ત્યારબાદ થાકેલા પગે ડુંગરાના આકરા ટેકરા ચઢીને અમારે મોડી રાત્રે ઘરે પહોંચવું પડે છે. અમારી આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. પાણીની આ ભયંકર તકલીફમાંથી અમને કાયમી મુક્તિ અપાવવા માટે સરકારશ્રી વહેલી તકે કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કે કાયમી સગવડ કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે.'' દીપડાના આતંક વચ્ચે પાણી લાવવાની મજબૂરી ગામના જ એક સ્થાનિક યુવાને પહાડી વિસ્તારની ભૌગોલિક મુશ્કેલીઓ વર્ણવતા જણાવ્યું કે, ‘’અમારો સમગ્ર વિસ્તાર પહાડી હોવાને કારણે અહીં પાણીની ભારે અને કાયમી સમસ્યા રહે છે. સામાન્ય રીતે શિયાળા બાદ માર્ચ મહિના સુધી પાણી માંડ-માંડ મળી રહે છે, પરંતુ માર્ચના અંત સુધીમાં તો પાણીના તમામ સ્ત્રોત સાવ સૂકાઈ જાય છે. હાલમાં જે 2 સ્ત્રોત ઉપલબ્ધ છે, ત્યાંથી પણ ગામને પૂરતું પાણી મળતું નથી. દિવસમાં માત્ર 5 થી 10 મિનિટ જ પાણી આવે છે, જે ઘરની એક સિંગલ વ્યક્તિ માટે પણ પૂરતું નથી.’’ નવો પ્રોજેક્ટ પૂરો થતાં વર્ષો લાગશે યુવાને સુરક્ષાના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરતાં અંતમાં જણાવ્યું કે, ‘’અહીં નીચેના ખીણવાળા ભાગમાં પાણીનો મૂળ સ્ત્રોત છે, જ્યાંથી અમારા બાપ-દાદાના વખતથી, એટલે કે વર્ષોથી પાણી લેવામાં આવે છે. પરંતુ ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે ત્યાં સુધી પહોંચવાનો આખો રસ્તો અત્યંત ખરાબ છે. આથી, મહિલાઓએ ભારે વજન ઊંચકીને સીધું ચઢાણ ચઢવું પડે છે, જે શારીરિક રીતે ખૂબ જ તકલીફદાયક છે. આ ઉપરાંત, આ ઘનઘોર વિસ્તારમાં અવારનવાર દીપડાનો પણ ભારે ભય રહે છે. દીપડાના આ ડરને કારણે કોઈ પણ મહિલા એકલી પાણી ભરવા જઈ શકતી નથી; કાં તો અમારે પુરુષોએ ફરજિયાત સાથે જવું પડે છે અથવા તો 4 થી 5 મહિલાઓએ જૂથમાં સાથે જવું પડે છે. અહીં હાલમાં પાણીનો એક ઘણો મોટો પ્રોજેક્ટ મંજૂર થયેલો છે અને તેનું કામ પણ ચાલુ છે, પરંતુ તેને પૂર્ણ થતાં હજુ 2 થી 3 વર્ષ જેટલો લાંબો સમય નીકળી જશે. આથી, અમારી સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે આ લાંબા સમયગાળા દરમિયાન ગમે તે હિસાબે અમારા ગામ માટે વહેલી તકે પાણીની ટેન્કર કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવે.’’
    Click here to Read More
    Previous Article
    ગિરિબાલા-સમર્થ કોર્ટમાં હાજર, CBIએ 5 દિવસના રિમાન્ડની માંગ કરી:સામ-સામે બેસાડીને ટીમ પૂછપરછ કરશે; ટ્વિશાના છેલ્લા કલાકોનું વર્ચ્યુઅલ રિક્રિએશન કરવામાં આવશે
    Next Article
    ભરૂચ પાંચબત્તીમાં કચરાના ઢગલામાં આગ:ફાયર વિભાગે સમયસર પહોંચી કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment