Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂટપાથ પર સાડી વેચનારો બોલિવૂડમાં 'નંબર 1' પ્રોડ્યુસર:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વેવાઈ થાય, દીકરાનું અંગત જીવન રંગીન, ફ્લોપ કરિયર છતાં કરોડોની કમાણી

    14 hours ago

    બોલિવૂડ પ્રોડ્યુસર વાશુ ભગનાની હાલ લંડનમાં છે અને તેમની તબિયત અચાનક જ બગડતા તેમને લંડનની હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તબિયત લથડ્યાના એક દિવસ પહેલા જ ભારતમાં વાશુ ભગનાનીની અલગ અલગ 12 ઑફિસમાં ઇનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ઇનકમ ટેક્સ વિભાગને આશંકા હતી કે ફિલ્મ પ્રોજેક્ટ્સ, ફોરેન ડિસ્ટ્રીબ્યૂશન, શૂટિંગના નામે કરોડો રૂપિયા વિદેશ મોકલવામાં આવી રહ્યા છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું ભગનાની પરિવારની....વાશુ ભગનાની કોલકાતાથી દિલ્હી ને પછી મુંબઈ કેવી રીતે આવ્યા? વાશુ ભગનાની કેમ માત્ર છ ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા? વાશુ ભગનાનીના પિતા શેનો વેપાર કરતા હતા? વાશુ ભગનાનીના બંને સંતાનો હાલમાં શું છે? વાશુ ભગનાનીએ કર્મચારીઓના પગાર ચૂકવવા બિલ્ડિંગ્સ વેચી નાખી? વાશુ ભગનાની ને વિલાસરાવ દેશમુખ વચ્ચે શું સંબંધ છે? મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ પશ્ચિમ બંગાળના કલકત્તા (આજનું કોલકાતા)માં વાશુ ભગનાનીનો જન્મ સિંધી પરિવારમાં થયો. પિતા લીલારામ સાડીનો વેપાર કરતા, પરંતુ તેમને કોઈ દુકાન કે કંઈ નહીં. તેઓ ગલીએ ગલી ફરીને સાડીઓ વેચતા. પરિવારમાં વાશુ ભગનાની ઉપરાંત ત્રણ દીકરાઓ. પરિવારની આર્થિક સ્થિતિ ખાસ સારી નહોતી. વાશુ ભગનાની માત્ર 13 વર્ષના હતા અને તેમણે પિતા સાથે મળીને સાડીઓ વેચવાનું શરૂ કર્યું. સિંધી હોવાને કારણે વેપાર તો તેમના લોહીમાં જ હતો. તેમણે પિતાની જેમ ફેરી કરવાને બદલે ફૂટપાથ પર જ સાડીઓ વેચવાનું શરૂ કર્યું. પરિવારની સ્થિતિ સારી ના હોવાથી વાશુ ભગનાનીએ છ ધોરણ બાદ આગળ અભ્યાસ પણ કર્યો નથી. એક દીકરાને દિલ્હી મોકલવાનું નક્કી થયું તે સમયે પરિવારની સ્થિતિને જોતાં પિતા લીલારામે ચાર દીકરામાંથી એક દીકરાને દિલ્હી મોકલવાનું નક્કી કર્યું. એક દીકરો દિલ્હી જાય તો પરિવારની આર્થિક સ્થિતિ સુધરે તેવી આશા લીલારામને હતી. દિલ્હી જવાની વાત થઈ તો વાશુ ભગનાનીએ તરત જ પોતે દિલ્હી જશે તેવી વાત કરી. વાશુ ભગનાની દિલ્હી આવ્યા. તેમણે થોડા સમયમાં જ દિલ્હીના પ્રીત વિહારમાં એક નાનકડો પ્લોટ ખરીદ્યો. પછી ધીમે ધીમે આનંદ વિહાર સહિત અલગ અલગ જગ્યાએ પ્લોટ્સ ખરીદ્યા. પ્લોટ્સ ખરીદ્યા બાદ વાશુ ભગનાનીએ તે જમીન પર વિલા બંધાવ્યા ને પછી વેચી નાખ્યા. થોડા સમય પછી વાશુએ દિલ્હીમાં શકરપુરમાં VIP બિલ્ડિંગ માત્ર ચાર મહિનામાં તૈયાર કરી નાખી. આ બિલ્ડિંગ બન્યા બાદ વાશુ ભગનાનીએ રિયલ એસ્ટેટમાં કામ કરવાની શરૂઆત કરી. વાશુ ભગનાનીનો પરિવાર ક્યારેય રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો નહોતો. તેમના માટે આ નવું જ હતું. હોળી પર મુંબઈ આવ્યા આ દરમિયાન વાશુ ભગનાની હોળીના તહેવાર પર દિલ્હીથી મુંબઈ આવ્યા. પછી તેઓ ક્યારેય દિલ્હી પરત ગયા નહીં. તેમણે ક્યારેય મુંબઈ શિફ્ટ થવા અંગે વિચાર્યું નહોતું. તેઓ મુંબઈ આવ્યા ત્યારે ઓરિએન્ટલ પેલેસ નામની હોટલમાં રોકાયા હતા. ખરી રીતે તેઓ મુંબઈ પ્લોટ ખરીદવા આવ્યા અને પછી કન્સ્ટ્રક્શન કામ શરૂ કરવા માગતા હતા. તેમણે મુંબઈમાં શરૂઆતના ત્રણ ચાર વર્ષ દરમિયાન 12થી 15 બિલ્ડિંગ્સ બનાવી. વાશુ ભગનાનીએ કન્સ્ટ્રક્શનનું કામ બંધ નહોતું કર્યું, પરંતુ તેમણે અલગ- અલગ ફિલ્ડના કામ કરવાના શરૂ કર્યા હતા. તેમણે માત્ર ઓડિયો કેસેટ્સ મેન્યુફેક્ચરિંગનું કામ માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કર્યું ને થોડા જ મહિનામાં તેઓ રોજની 3 લાખ કેસેટ્સ બનાવતા. ફિલ્મમાં કેવી રીતે આવ્યા? વાશુ ભગનાની પરિવાર સાથે ફિલ્મ 'આંખે' જોવા મુંબઈના મેટ્રો સિનેમામાં ગયા હતા. 'આંખે' જોયા બાદ ઘરે આવ્યા અને તેમણે તરત જ ફિલ્મ ડિરેક્ટર ડેવિડ ધવન ને એક્ટર ગોવિંદાને સાઇન કરીને નવી ફિલ્મ બનાવશે તેવી વાત પરિવાર સમક્ષ કરતાં પરિવારને પણ ઘણી જ નવાઈ લાગી હતી. જોકે, વાશુ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. ઓડિયો કેસેટનું મેન્યુફેક્ચરિંગ કરવાને કારણે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને ઓળખતા હતા. બીજા જ દિવસે તેઓ પૈસા લઈને પહેલા ડેવિડ ને પછી ગોવિંદાના ઘરે ગયા અને ફિલ્મ માટે સાઇન કર્યા. બી ટાઉનમાં એવી પણ ચર્ચા હતી કે ડેવિડ ને ગોવિંદાએ એવું વિચાર્યું કે આ તો સિંધી છે એટલે ફિલ્મની વાત ભૂલી જ જશે એટલે પહેલાં પૈસા તો લઈ લઈએ. જોકે, વાશુ ભગનાનીએ ફિલ્મ બનાવવાનું નક્કી જ કર્યું હતું એટલે તેઓ સતત ડેવિડ ધવન આગળ ફિલ્મનું ફોલો અપ લેતા હતા. ત્યારબાદ ડેવિડ ધવને ગોવિંદા સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સૌ પહેલા ડેવિડ ધવન - ગોવિંદા સાથે ફિલ્મ 'કૂલી નંબર 1' પ્રોડ્યુસ કરી. બોક્સઑફિસ પર આ ફિલ્મ સુપરડુપર હિટ રહી. 90ના દાયકામાં 'નંબર 1' ટૅગ ખાસ્સું પ્રચલિત બન્યું હતું. એક પછી એક હિટ ફિલ્મ આપ્યા બાદ વાશુ ભગનાનીની ફિલ્મ ફ્લોપ જવા લાગી. અનુપમ ખેરે ફિલ્મ 'ઓમ જય જગદીશ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું ને ફિલ્મમાં અનિલ કપૂર, અભિષેક બચ્ચન ને ફરીદન ખાન જેવા કલાકારો હતા. છતાં આ ફિલ્મ બોક્સઑફિસ પર ફ્લોપ રહી. પ્રોડ્યુસર વાશુ ભગનાનીને ખાસ્સું નુકસાન ગયું. ત્યારબાદ વાશુ ભગનાનીએ ઇન્ટરનેશનલ ફિલ્મ માર્કેટ પર ધ્યાન આપ્યું. આ ઉપરાંત તેમણે ફિલ્મમાંથી બ્રેક લઈને રિયલ એસ્ટેટના બિઝનેસ પર ધ્યાન આપ્યું હતું. છેલ્લા ઘણાં સમયથી એક પણ હિટ ફિલ્મ આપી નથી છેલ્લા ઘણા સમયથી વાશુ ભગનાનીએ એક પણ હિટ ફિલ્મ આપી નથી. એક પછી એક ફિલ્મ ફ્લોપ જતાં વાશુ ભગનાનીને ઘણું જ નુકસાન પણ ગયું છે. બી ટાઉનમાં એક ચર્ચા પ્રમાણે વાશુ ભગનાનીને 250 કરોડનું નુકસાન ગયું હોવાનો અંદાજ છે. 'વાશુ ભગનાની ઇન્ડસ્ટ્રી'એ વર્ષ 2026માં સતત નુકસાન કર્યું છે અને કમાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2018માં લંડનમાં સ્ટૂડિયો બનાવ્યો વાશુ ભગનાની માત્ર ફિલ્મ્સ પ્રોડ્યુસ કરતા નથી, તેમણે રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ ચાલુ જ રાખ્યો છે. 2018માં જ્યારે તેઓ લંડન ગયા ત્યારે તેમણે મેફેરમાં એક બિલ્ડિંગ ખરીદી. ત્યારબાદ પાંચ-છ ફિલ્મ બનાવી. લંડનમાં પછી બિલ્ડિંગ્સ બનાવી. આ ઉપરાંત લંડનમાં તેમનો બે એકરમાં ફેલાયેલો બે માળનો સ્ટૂડિયો છે. VFXથી લઈને તમામ ટેક્નિકલ બાબતો છે. વાશુ ભગનાનીને અંગ્રેજી પણ ઠીકથી બોલતા આવડતું નથી. 2018માં જ્યારે તેઓ લંડન જતા હતા ત્યારે દીકરી દીપશિખાએ કહ્યું પણ ખરાં કે તમને અંગ્રેજી આવડતું નથી તો ત્યાં જઈને શું કરશો? વાશુએ એવો જવાબ આપ્યો હતો કે એ તો સમય આવે એટલે બધું થઈ પડશે. મુંબઈમાં વાશુએ 45 બિલ્ડિંગ બનાવી ને તમામે તમામ વેચાઈ ગઈ. તેઓ એક બિલ્ડિંગ બનાવ્યા બાદ એક ફિલ્મ બનાવે છે. અંગત જીવનની વાત કરીએ તો, વાશુ ભગનાનીએ પૂજા ભગનાની સાથે લગ્ન કર્યા છે. 1995માં તેમણે પત્નીના નામથી પ્રોડક્શન કંપની પૂજા એન્ટરટેઇનમેન્ટ ઇન્ડિયા લિમિટેડ શરૂ કરી અને તે બેનર હેઠળ ફિલ્મ પ્રોડ્યુસ કરે છે. તેમને દીકરો જેકી ને દીકરી દીપશિખા છે. વાત કરીએ દીકરી દીપશિખાની... 29 ઓક્ટોબર, 1983માં કોલકાતામાં જન્મેલી દીપશિખાએ પણ પિતાની જેમ કેમેરાની પાછળ રહીને કામ કર્યું. દીપશિખાએ ફિલ્મ 'સરબજીત'થી પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય ને રણદીપ હુડા લીડ રોલમાં હતા. આ ઉપરાંત તેણે પ્રિયંકા ચોપરા સાથે પંજાબી ફિલ્મ 'સર્વન્ન' પ્રોડ્યુસ કરી હતી. દીપશિખાને પિતા જેવી સફળતા હજી સુધી મળી નથી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીના દીકરા સાથે લગ્ન કર્યા દીપશિખાએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના દીકરા ધીરજ દેશમુખ સાથે લગ્ન કર્યા છે. એપ્રિલ, 1980માં જન્મેલા ધીરજે કોંગ્રેસ પાર્ટી જોઇન કરી અને 2014માં લાતુર જિલ્લાની યુથ કોંગ્રેસનો પ્રેસિડન્ટ બન્યો. 2019માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર લાતુર બેઠક પરથી વિધાનસભાની ચૂ્ંટણી જીતી. નવેમ્બર, 2024માં ધીરજ તે જ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ કરાડ સામે હારી ગયા. ધીરજનો મોટો ભાઈ અમિત દેશમુખ પણ રાજકારણી છે, જ્યારે નાનો ભાઈ રિતેશ દેશમુખ બોલિવૂડ એક્ટર છે. ધીરજ તથા દીપશિખા બંને લાંબા સમયથી સારા ફ્રેન્ડ હતા. બંનેના પરિવારને આ લગ્ન સામે કોઈ વાંધો નહોતો. બંનેએ 27 ફેબ્રુઆરી, 2012ના રોજ મુંબઈમાં સિંધી ને મરાઠી વિધિથી લગ્ન કર્યા. આ હાઇપ્રોફાઇલ લગ્નમાં જાણીતા રાજકારણીઓથી લઈને બોલિવૂડ, સ્પોર્ટ્સ પર્સન સહિતના દિગ્ગજો મહેમાન બન્યા હતા. બંનેને દીકરો વંશ તથા દીકરી દિવિયાના છે. વાત હવે, દીકરા જેકી ભગનાની… 25 ડિસેમ્બર, 1984માં કોલકાતામાં જન્મેલા જેકી ભગનાનીએ ઇન્ડિયન મ્યૂઝિક લેબલ જસ્ટ મ્યૂઝિક શરૂ કર્યું છે. જેકીએ મુંબઈમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી ને ત્યારબાદ ન્યૂ યોર્કની લી સ્ટાર્સબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગ શીખ્યો. 2009માં જેકીએ ફિલ્મ 'કલ કિસને દેખા હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ બોક્સઑફિસ પર સુપરફ્લોપ રહી. આ પહેલા તે 2001માં આવેલી ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'માં નાનકડા રોલમાં જોવા મળ્યો હતો. જેકીએ પિતાએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ્સમાં કામ કર્યું, પરંતુ એક પણ ફિલ્મ હિટ રહી નહીં. જેકીને અન્ય બેનર્સની ફિલ્મ્સ પણ મળી નહીં. અંતે, જેકીએ પિતા સાથે ફેમિલી બિઝનેસમાં કામ કરવાનું નક્કી કર્યું. એક્ટરનું અંગત જીવન પણ રંગીન 'અજબ ગજબ લવ'ની એક્ટ્રેસ નિધી સુબ્બાઇયા સાથે જેકી ભગનાનીના સંબંધો હતા. જોકે, થોડા સમય બાદ જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ જેકી ભગનાનીએ ફિલ્મ 'યંગિસ્તાન'માં નેહા શર્મા સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજા સાથે ખાસ્સો સમય પસાર કરતા. જોકે, નેહાએ પછી આ સંબંધો એમ કહીને તોડી નાખ્યા કે જેકી ભગનાની તેના ટાઇપનો નથી. 2018માં જેકી ભગનાની તથા કૃતિકા કામરાએ ફિલ્મ 'મિત્રોં'માં સાથે કામ કર્યું હતું. બંને સાથે ક્લબ પાર્ટી કરતાં પણ જોવા મળ્યા હતા. આ જ કારણે બંને વચ્ચે અફેર હોવાની વાતો થવા લાગી હતી. જોકે, થોડા સમય બાદ જ બંને અલગ થયા હોવાની વાતો વહેતી થઈ હતી. જેકી ને ભૂમિ પેડનેકર અવારનવાર સાથે જોવા મળતાં હતાં. બંને જિમમાં સાથે જતાં અને લંચ કે ડિનર ડેટ પર પણ જોવાં મળતાં. આ જ કારણે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ. જોકે, પછી ભૂમિએ ચોખવટ કરી હતી કે જેકી માત્ર સારો ફ્રેન્ડ છે. 150 કિલો વજનને કારણે મજાકનું પાત્ર બન્યો જેકી ભગનાનીનું નાનપણમાં વજન 150 કિલો હતું અને આ જ કારણે સ્કૂલ ને કોલેજમાં તેની ઘણી જ મજાક ઉડાવવામાં આવતી. ફિલ્મ 'ખિલાડિયોં કા ખિલાડી'ના શૂટિંગ દરમિયાન WWFના રેસલર યોકોજુનાને બોલિવૂડ ફિલ્મ માટે ભારત લાવવાની ચર્ચા હતી. આ સમયે જેકીના કાકાએ એવું કહ્યું કે બહારથી યોકોજુનાને કેમ બોલાવવો છે? તમારા ઘરમાં તો પહેલેથી જ 150 કિલોનો પહેલાવાન છે ને! જેકીને આ વાત સાંભળીને ઘણું જ ખોટું લાગ્યું હતું. 150 કિલો વજન હોવાથી આસપાસના લોકો હંમેશાં તેને જાડિયો કે હાથી કહીને બોલાવતા. જેકીએ જ્યારે પિતાને ફિલ્મમાં કામ કરવાની વાત કરી તો પિતાએ મોં પર એવું કહી દીધું કે તે એટલો જાડો છે કે તે તેના માટે ફિલ્મ બનાવી શકે તેમ નથી. ત્યારબાદ જેકીએ સ્ટ્રિક્ટ ડાયટ ને વર્કઆઉટ કરીને વજન ઘટાડ્યું. રકુલ પ્રીત સિંહ સાથે ડેટિંગ ને પછી વેડિંગ 2019ની આસપાસ રકુલ પ્રીત સિંહ ને જેકી ભગનાની પ્રોફેશનલ વર્ક કમિટમેન્ટને કારણે એકબીજાને મળ્યાં હતાં. બંને બાંદ્રામાં એકબીજાના ઘરની નજીક રહેતાં હતાં. રકુલનો ભાઈ અમન બહેનના બર્થડે પર સ્પેશિયલ કેક મોકલવા માગતો હતો. કોમન ફ્રેન્ડે જેકીનો સંપર્ક કરી આપ્યો અને પછી જેકી ને રકુલ વચ્ચે મિત્રતા થઈ. થોડા મહિનાઓ સુધી જેકી ને રકુલ કોમન ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતા અને મૂવી જોવાં જતાં. આ દરમિયાન બંનેને લાગ્યું કે તેઓ એકબીજાને ખાસ્સા મળતાં આવે છે. નવેમ્બર, 2020માં જેકી ને રકુલ પહેલી જ વાર ડેટ પર ગયા અને તેમણે આરામથી પાંચેક કલાક વાતો કરી. જેકી ફર્સ્ટ ડેટ પર ઘણો જ નર્વસ હતો. તે હવે સીરિયસ રિલેશનશિપમાં જવા માગતો હતો. તેને ડર હતો કે રકુલ સીરિયસ રિલેશનશિપ નહીં ઈચ્છતી હોય તો ક્યાંક તે ફ્રેન્ડશિપ પણ ગુમાવી ના બેસે. જેકીએ પહેલી જ ડેટ પર રકુલનો હાથ પકડી લીધો હતો અને પોતે ઘણો જ ડરતો હોવાનો સ્વીકાર કર્યો હતો. અલબત્ત, રકુલે પણ સીરિયસ રિલેશનશિપની વાત કરી હતી. ઓક્ટોબર, 2021માં રકુલના બર્થડે પર જેકીએ ફોટો પોસ્ટ કરીને સંબંધોને જાહેર કર્યા હતા. જેકીએ થાઇલેન્ડ ટ્રીપ દરમિયાન બીચ પર મેરી મી લખીને પ્રપોઝ કર્યું હતું. રકુલ ને જેકી પહેલા વિદેશમાં લગ્ન કરવાના હતા, પરંતુ વડાપ્રધાન મોદીની દેશમાં જ લગ્ન કરવાની અપીલ બાદ બંનેએ 21 ફેબ્રુઆરી, 2024ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા. બંનેએ શીખ ને સિંધી સેરેમનીથી લગ્ન કર્યાં હતાં. વિવાદ સાથે ભગનાની પરિવાર જોડાયેલા છે ડિસેમ્બર, 2025માં રકુલનો ભાઈ અમન પ્રીત સિંહની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી, કારણ કે ડ્રગ્સ કેસમાં ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ ફોર્સ તથા વેસ્ટ ઝોન પોલીસે બે ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી હતી. તેમણે તપાસમાં આક્ષેપ કર્યો હતો કે અમને તેમની પાસેથી માલ ખરીદ્યો હતો. 2020માં સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સની તપાસમાં પણ રકુલનું નામ આવ્યું હતું. એક્ટ્રેસ સારા અલી ખાને રકુલ પણ ડ્રગ્સ લેતી હોવાનું જણાવ્યું હતું. 2022માં EDએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં રકુલની પૂછપરછ કરી હતી. વાશુ ભગનાની પણ વિવાદમાં રહ્યા વિદેશમાં પૈસા મોકલતા હોવાની આશંકા હાલમાં જ ઇનકમ ટેક્સ વિભાગની ટીમે દસ્તાવેજો, ફાઇનાન્સિયલ રેકોર્ડ્સ, વિદેશી લેવડ-દેવડની તપાસ કરી હતી. વિભાગને છેલ્લા ઘણાં સમયથી આશંકા હતી કે ફિલ્મના શૂટિંગ તથા ડિસ્ટ્રીબ્યૂશનના નામે કરોડો રૂપિયા વિદેશ મોકલવામાં આવી રહ્યા છે. રેવન્યૂ ટેક્સમાં ગરબડ હોવાનું ઇનકમ ટેક્સ અધિકારીઓનું માનવું હતું. પગાર ચૂકવવા બિલ્ડિંગ્સ વેચી કાઢી 2025માં પૂજા એન્ટરટેઇનમેન્ટના કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી તેવી વાતો વહેતી થઈ હતી. આ જ સમયે એવી વાત સામે આવી કે વાશુ ભગનાનીએ પગાર ચૂકવવા બિલ્ડિંગ્સ વેચી નાખી. થોડા સમય બાદ વાશુ ભગનાનીએ પગાર ના ચૂકવ્યાની વાતને અફવા ગણાવી હતી. બિલ્ડિંગ તેમણે રિડેવલપ કરી હોવાનું જણાવ્યું હતું. ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' (2024)ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની સાથે પૈસાની લેવડ-દેવડ મુદ્દે વિવાદ થયો હતો. ત્યારબાદ 'હે જવાની તો ઇશ્ક હોના હૈ'ના ગીત તથા સીન્સના રાઇટ્સ અંગે ટિપ્સ ફિલ્મ્સની સાથે કોપીરાઇટનો વિવાદ થયો હતો. તેમણે ડેવિડ ધવન ને રમેશ તૌરાની (ટિપ્સના ઑનર) પર 400 કરોડનો કેસ કર્યો હતો. વાશુએ દાવો કર્યો હતો કે ફિલ્મ 'બીવી નંબર 1'ના ગીતોના ઓડિયો રાઇટ્સ ટિપ્સની પાસે છે, પરંતુ વીડિયો સહિતના અન્ય તમામ અધિકારો તેમની કંપની પાસે છે. ડેવિડ ધવને 'બીવી નંબર 1'ની સીક્વલ બનાવવાનું વચન પૂરું ના કર્યું હોવાનો દાવો વાશુ ભગનાનીએ કર્યો હતો. 2021માં મોડલે કેસ કર્યો 2021માં મોડલે બોલિવૂડની નવ જાણીતી સેલિબ્રિટી પર છેડતી ને રેપનો કેસ કર્યો હતો, જેમાં જેકી ભગનાની, ફિલ્મ થલાઇવીના પ્રોડ્યુસર વિષ્ણુ વર્ધન ઇન્દુરી, ફોટોગ્રાફર કોલ્સટન જુલિયન, ક્વાન એન્ટરટેઇનમેન્ટના કો ફાઉન્ડર અનિર્બાન દાસ બ્લાહ, કૃષ્ણ કુમાર, નિખિલ કામત, શીલ ગુપ્તા, અજીત ઠાકુર તથા ગુરુજ્યોત સિંહ સામેલ છે. FIRમાં મોડલે સ્પષ્ટ જણાવ્યું હતું કે 2014-2018 સુધી ફોટોગ્રાફરે અનેકવાર રેપ કર્યો હતો. જ્યારે અન્ય આઠ લોકોએ તેની છેડતી કરી હતી. નવ સેલિબ્રિટીએ મોડલના આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યો હતો અને તે પૈસા માટે આમ કરતી હોવાનું કહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગાંધીજીએ માંસ ખાધું, વેશ્યાલયમાં ગયા, આત્મહત્યાના વિચારો આવ્યા:‘જેન-ઝી જેવી ઉંમરે’ મોહનદાસ શું કરી રહ્યા હતા; ‘મહાત્મા’ કેવી રીતે બન્યા
    Next Article
    હજારો શીખ સૈનિકો બળવાખોર બન્યા, હથિયારો અને ગાડીઓ લૂંટી લીધી:એન્કાઉન્ટરમાં 47 માર્યા ગયા, 4 મહિના પછી ઇન્દિરા ગાંધીની હત્યા કરીને ઓપરેશન બ્લૂ સ્ટારનો બદલો લીધો

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment