Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધ-દહીં, પનીરના પેકેટ પર નવો લોગો દેખાશે:આનાથી અસલી ડેરી પ્રોડક્ટ્સની ઓળખ થશે; 1 જુલાઈ 2028થી નિયમ લાગુ થશે

    1 day ago

    બજારમાં મળતાં દૂધ, દહીં અને પનીર જેવા ડેરી પ્રોડક્ટ્સના પેકેજિંગ પર ટૂંક સમયમાં એક નવું અને એકસરખું ઓળખ ચિહ્ન (Logo) જોવા મળશે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ દૂધ અને તેમાંથી બનેલા ઉત્પાદનો માટે એકસમાન ઓળખ લોગો ફરજિયાત કર્યો છે. આ નવો વાદળી અને સફેદ રંગનો લોગો 1 જુલાઈ 2028થી તમામ ડેરી અને કમ્પોઝિટ મિલ્ક પ્રોડક્ટ્સના પેકેજિંગ પર લગાવવો જરૂરી રહેશે. આ લોગોમાં વાદળી રંગના ચોરસ (Blue Square) બેકગ્રાઉન્ડની અંદર સફેદ રંગનું એક ટીપું બનાવવામાં આવ્યું હશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ખરીદીના સમયે ગ્રાહકો માટે અસલી ડેરી ઉત્પાદનોની ઓળખ સરળ બનાવવાનો અને તમામ બ્રાન્ડ્સના ફૂડ લેબલિંગમાં એકરૂપતા લાવવાનો છે. 9 નવેમ્બરે જાહેર થયું નોટિફિકેશન, 2020ના નિયમોમાં કરવામાં આવ્યો ફેરફાર FSSAIએ આ નવો નિયમ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ એન્ડ ડિસ્પ્લે) સેકન્ડ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, 2026' હેઠળ લાગુ કર્યો છે, જેને 9 નવેમ્બરે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સુધારા દ્વારા 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ એન્ડ ડિસ્પ્લે) રેગ્યુલેશન્સ, 2020'માં ફેરફારો કરવામાં આવ્યા છે. ભલે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હોય, પરંતુ કંપનીઓ અને મેન્યુફેક્ચરર્સને તેમના પેકેજિંગમાં આ ફેરફાર લાગુ કરવા માટે 1 જુલાઈ 2028 સુધીનો સમય આપવામાં આવ્યો છે. સુધારેલા નિયમો અનુસાર, દૂધ, દૂધમાંથી બનેલા ઉત્પાદનો (જેમ કે દહીં, પનીર, ઘી, માખણ વગેરે) અને કમ્પોઝિટ મિલ્ક પ્રોડક્ટ્સના પેકેટ પર આ પ્રમાણિત લોગો છાપવો ફરજિયાત રહેશે. નવો લોગો કેવો દેખાશે અને પેકેટના કદ પ્રમાણે તેનું કદ શું હશે? નવું ઓળખચિહ્ન વાદળી રંગના ચોરસ બોક્સમાં સફેદ રંગના ટીપા આકારનું હશે. FSSAIએ પેકેજિંગના મુખ્ય ડિસ્પ્લે પેનલ (પેકેટના આગળના ભાગ)ના ક્ષેત્રફળના આધારે આ લોગોનું લઘુત્તમ કદ (Minimum Size) પણ નક્કી કરી દીધું છે. વાદળી ચોરસ બોક્સ (Blue Square) માટે નક્કી કરવામાં આવેલા ન્યૂનતમ માપ આ મુજબ છે: 6 મિલીમીટર (mm): 100 વર્ગ સેન્ટીમીટર સુધીની ડિસ્પ્લે પેનલ ધરાવતા નાના પેકેટ્સ માટે. 8 મિલીમીટર (mm): 100 વર્ગ સેન્ટીમીટરથી મોટા અને 500 વર્ગ સેન્ટીમીટર સુધીની પેનલ ધરાવતા પેકેટ્સ માટે. 12 મિલીમીટર (mm): 500 વર્ગ સેન્ટીમીટરથી મોટા અને 2,500 વર્ગ સેન્ટીમીટર સુધીની પેનલ ધરાવતા પેકેટ્સ માટે. 16 મિલીમીટર (mm): 2,500 વર્ગ સેન્ટીમીટરથી મોટી પેનલ ધરાવતા પેકેટ્સ માટે. આ ઉપરાંત FSSAIએ ચોરસ બોક્સની અંદર બનેલા સફેદ ટીપા નું ન્યૂનતમ કદ પણ નક્કી કર્યું છે. 6 mmના લોગોમાં સફેદ ટીપાની ન્યૂનતમ ઊંચાઈ 4.56 mm અને પહોળાઈ 3 mm હોવી જોઈએ. તેવી જ રીતે 8 mmના લોગો માટે ટીપાનું કદ 6.08 mm x 4 mm, 12 mmના લોગો માટે 9.12 mm x 6 mm અને 16 mmના મોટા લોગો માટે 12.16 mm x 8 mm નક્કી કરવામાં આવ્યું છે. ડેરી પ્રોડક્ટ્સ માટે આ કોમન લોગો શા માટે લાવવામાં આવ્યો? નવા ચિહ્નને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ખરીદી કરતી વખતે ગ્રાહકો દૂરથી જ દૂધ અને દૂધ આધારિત ઉત્પાદનોને સરળતાથી ઓળખી શકે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા (TOI)ના અહેવાલમાં FSSAIના અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે આ ઓળખચિહ્નથી દૂધ અને ડેરી ઉત્પાદનોની નિયમનકારી ઓળખ અંગે ગ્રાહકોમાં જાગૃતિ વધશે. અલગ-અલગ બ્રાન્ડ્સ અને અલગ-અલગ પ્રકારના પેકેજિંગ પર એકસરખું ચિહ્ન હોવાથી ખરીદદારોને માત્ર ડેરી ઉત્પાદનો ઓળખવામાં જ સરળતા નહીં રહે, પરંતુ તેઓ પેકેટ પર આપવામાં આવેલી ઉત્પાદન સંબંધિત જરૂરી માહિતીને પણ વધુ સારી રીતે સમજી શકશે. ફેબ્રુઆરી 2025ના ડ્રાફ્ટ પ્રસ્તાવ બાદ લેવાયેલો અંતિમ નિર્ણય FSSAIનો આ નવો નિયમ ફેબ્રુઆરી 2025માં જારી કરાયેલા એક ડ્રાફ્ટ પ્રસ્તાવ બાદ આવ્યો છે. તે સમયે નિયામકે લેબલિંગના નિયમોમાં સૂચવાયેલા ફેરફારો અંગે ડેરી કંપનીઓ, હિતધારકો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો અને વાંધાઓ માંગ્યા હતા. કન્સલ્ટેશન પ્રક્રિયા દરમિયાન મળેલા તમામ સૂચનો અને વાંધાઓની સમીક્ષા કર્યા બાદ હવે FSSAIએ અંતિમ નિયમોને અધિસૂચિત કર્યા છે. હવે તમામ ડેરી કંપનીઓએ 1 જુલાઈ 2028ની સમયમર્યાદા પહેલાં પોતાની પેકેજિંગ અપડેટ કરીને નિર્ધારિત માપદંડ મુજબ વાદળી-સફેદ લોગોનો સમાવેશ કરવો પડશે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી વેકેશનમાં આંબરડી સફારી પાર્કમાં 11 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા:નજીકથી સિંહ દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો; વનવિભાગે 8થી 10 વધારાની બસો દોડાવી
    Next Article
    તાઈવાન તૂટે તો દુનિયા અટકી જશે!:તમારો મોબાઈલ-કોમ્પ્યુટર ખતરામાં, ચીને 100 જહાજોથી તાઈવાન ઘેર્યું, ટ્રમ્પ ડબ્બે પૂરાયા ને AIમાં અબજોનું બાકોરું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment