Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 વર્ષમાં શેરમાં 1300% સુધી રિટર્ન, રોકાણના નામે પોલમપોલ:ભાસ્કરે ગુજરાતની 6 કંપનીની રિયાલિટી તપાસી, ફેક્ટરીના સરનામે ક્યાંક ઝેરોક્ષની દુકાન, ક્યાંક બાવળિયા

    17 hours ago

    ગુજરાતના રોકાણકારો હંમેશા શેરબજારમાં મોખરે રહ્યા છે. નવી તકો શોધવી અને જોખમ લેવું એ લોહીમાં છે, પરંતુ શેરબજારમાં રૂપિયા રોકીને રાતોરાત અમીર બનવાના સપના જોતા ઇન્વેસ્ટર્સને ચોંકાવી નાખે એવો ખુલાસો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં થયો છે. દિવ્ય ભાસ્કરે ભારતીય શેરબજારમાં નોંધાયેલી એવી 6 કંપનીઓ શોધી, જેમણે છેલ્લા એક જ વર્ષમાં 130 ટકાથી લઈને છેક 1300 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. એટલે કે 8-10 રૂપિયાની આસપાસ રમતો શેર ગણતરીના મહિનાઓમાં જ 100 રૂપિયાને આંબી ગયો હોય. સામાન્ય રોકાણકારને એમ થાય કે આ કંપનીઓ તો સોનાની ખાણ છે. પરંતુ, માર્કેટની ભાષામાં જેને 'પેની સ્ટોક' કહેવાય છે, તેમાં શંકાસ્પદ રીતે ભારે ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. આ તમામ કંપનીઓની રજિસ્ટર ઓફિસ અને કેટલાકના પ્લાન્ટ પણ ગુજરાતમાં જ છે. સૌથી મોટો રેડ ફ્લેગ એ છે કે આ કંપનીઓમાં પ્રમોટર્સના હોલ્ડિંગમાં પણ આશ્ચર્યજનક ફેરફાર આવી રહ્યો છે. સ્ટોક માર્કેટના ડેટાનું વિશ્લેષણ કરતી સ્ક્રિનર્સ નામની વેબસાઇટ પરથી મેળવેલા આ ડેટાને જોતા ઘણા પ્રશ્નો ઉભા થયા. એટલે દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમે ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવાનું નક્કી કર્યું. કંપનીઓના કાગળ પર દર્શાવેલા રજિસ્ટર્ડ એડ્રેસ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ પર જઈને જે તપાસ કરી, તેમાં એવું મોટું ભોપાળું ખૂલ્યું, જે આજના સમયે શેરબજારમાં એક્ટિવ નાના-મોટા રોકાણકારોએ જાણવાની અને સમજવાની જરૂર છે. ક્યાંક આવી કંપનીઓના શેર તમારા પોર્ટફોલિયોમાં તો નથી ને!, નહીં તો તમારી મહેનતની કમાણી ડૂબી જશે. 1.સપ્તક કેમિકલ્સ: ઓફિસની જગ્યાએ ઝેરોક્ષની દુકાન નજીકના ભૂતકાળમાં જેણે રોકાણકારોના નાણાં એક વર્ષમાં 13 ગણા કરી દીધા, તે સપ્તક કેમિકલની રજિસ્ટર્ડ ઓફિસ યાત્રાધામ ડાકોરના મોહન ચેમ્બર નામના કોમ્પ્લેક્સમાં આવી હોવાનું ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં લખ્યું છે. અમારી ટીમ ત્યાં પહોંચી. કાગળ પર આ એક કેમિકલ કંપની છે, પણ મોહન ચેમ્બરની દુકાન નંબર 3 પર પહોંચતા જ આશ્ચર્ય થયું અને આંચકો પણ લાગ્યો. ત્યાં કોઈ કોર્પોરેટ ઓફિસ કે ફેક્ટરી નહોતી, પણ 'ચામુંડા ઝેરોક્ષ' નામની દુકાન હતી, એ પણ બંધ હાલતમાં. બોર્ડ પર લખેલા નંબર પરથી દુકાન માલિક જિગ્નેશ ભાવસાર કોલ કર્યો એટલે તેઓ દોડતા આવ્યા. તેમણે સપ્તક કેમિકલ્સ બાબતે જે ખુલાસો કર્યો તે શેરબજારની ડાર્ક સાઇડ છતી કરે છે. દિલ્હીથી અધિકારીઓ પણ તપાસ માટે આવ્યા હતા જિગ્નેશભાઈ ઉમેરે છે કે, “એ લોકો ક્યારેય આવતા નહોતા. 5 વર્ષ પછી વારંવાર સરકારી તપાસ આવતા મેં ના પાડી દીધી અને ભાડું પણ બંધ થઈ ગયું. છતાં સરકારી ચોપડે હજુ આ જ એડ્રેસ છે. 6 મહિના પહેલાં દિલ્હીથી પણ અધિકારીઓ તપાસ કરવા આવ્યા હતા." સવાલ એ છે કે જે કંપનીની ઓફિસના બદલે 8 બાય 8ની ઝેરોક્ષની દુકાન છે, જ્યાં કોઈ કર્મચારી નથી, કોઈ બિઝનેસ નથી, તે કંપની વર્ષમાં 1300% રિટર્ન કેવી રીતે આપી શકે? કેમિકલની કંપનીમાં આવી તે કેવી બિઝનેસ ફોર્મ્યુલા છે? એટલું જ નહીં, છેલ્લા એક વર્ષમાં આ કંપનીના માલિકોએ પણ પોતાના ભાગના શેર વેચવા માંડ્યા છે. માર્ચ 2026ના ડેટા પ્રમાણે કંપનીના માલિકો પાસે માંડ સાડા બાર ટકા શેર છે. બાકીના સામાન્ય શેરહોલ્ડર પાસે છે. આ તો માત્ર શરૂઆત હતી. અમે જેમ-જેમ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરીને વિવિધ કંપનીઓની ઓફિસ અને પ્લાન્ટના સરનામે પહોંચ્યા તો મોટા ઘટસ્ફોટ થતાં હતા. અમારા લિસ્ટમાં બીજી કંપની હતી ઉમિયા ટ્યુબ્સ. 2.ઉમિયા ટ્યુબ્સ: ટ્યુબ બનાવનાર કંપનીના વેરાન જંગલ આ કંપનીનું રજિસ્ટર્ડ પ્લાન્ટ એડ્રેસ સાબરકાંઠાના તલોદ પાસેના તોરણીયા ગામનું હતું. અમને આશા હતી કે ટ્યુબ્સ બનાવતી આ કંપનીનો મોટો પ્લાન્ટ હશે, જેમાં મોટી મશીનરી પણ જોવા મળશે. પરંતુ સરનામે પહોંચતા જ રસ્તો ભૂલાઈ ગયો હોય એમ લાગ્યું. ત્યાં કોઈ ફેક્ટરી નહોતી. સ્થાનિક લોકોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે જે વેરાન, કાંટાળી ઝાડીઓ અને બાવળિયા ઉગેલી જમીન સામે અમે ઉભા હતા, કાગળ પર એ જ ઉમિયા ટ્યુબ્સનો પ્લાન્ટ છે. ફેક્ટરીના નામે ત્યાં કાંઈ જ ન હતું. હવે રિયાલિટી જાણવા માટેનો બીજો વિકલ્પ હતો, આ જ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે જઇને તપાસ કરવી. અમે ગાંધીનગર સેક્ટર-11માં આવેલી ઓફિસે પહોંચ્યા. ત્યાં કંપનીનું નાનકડું બોર્ડ હતું પણ શટર પર તાળા લટકતા જોવા મળ્યા. ઓફિસનું સ્ટ્રક્ચર પણ શંકાસ્પદ હતું, તેનો મોટો ભાગ પાર્ટિશન લગાવીને અન્ય કોઈકને ઓફિસ માટે ભાડે અપાયું હતું. કંપનીના પ્રમોટર્સે 46 ટકા જેટલા શેર વેચી નાખ્યા અમે બાજુની ઓફિસના બેસેલા કદાચ મેનેજર કક્ષાની એક વ્યક્તિને આ બાબતે સવાલ કર્યા. પરંતુ તેમણે જવાબ આપવામાં ગલ્લાતલ્લાં કરતાં કહ્યું કે ઓફિસ અને પ્લાન્ટ ક્યાંક બીજે શિફ્ટ થઈ ગયા છે, પણ કાગળો હજુ અહીં જ આવે છે. હવે આ કંપનીના શેરમાં આવેલો શંકાસ્પદ ફેરફાર નીચેના ગ્રાફિક્સની મદદથી સમજો. ઉમિયા ટ્યુબ્સમાં અત્યારે પ્રમોટર્સ પાસે માંડ 4 ટકા જ શેર છે. બાકીનો 96 ટકા જેટલો હિસ્સો સામાન્ય લોકો પાસે છે. સપ્ટેમ્બર 2023માં પ્રમોટર્સનો હિસ્સો 50 ટકાની આસપાસ હતો. તો અઢી વર્ષમાં આટલી ઉથલપાથળ થવા પાછળનું કારણ શું હોઈ શકે? પ્લાન્ટ કે રજિસ્ટર ઓફિસના નામે કાંઈ મળ્યું નહીં તો આ કંપની શેરબજારમાં પોણા બસો ટકા રિટર્ન કઈ રીતે આપી શકે? એ ગંભીર સવાલ છે. 3. સંગીનીતા કેમિકલ્સ: સિક્યોરિટી ગાર્ડના જવાબે ચોંકાવી દીધા સંગીનીતા કેમિકલ્સનો પ્લાન્ટ ગાંધીનગર જિલ્લામાં આવેલી છત્રાલ GIDCના ફેઝ-4 માં આવેલો છે. ત્યાં પહોંચતા જ અન્ય કંપનીઓની જેમ જ ફેક્ટરીના મુખ્ય દરવાજે તાળું લટકતું જોવા મળ્યું. નજીકમાં જ એક દુકાન હતી. દુકાનદારને જ્યારે આ કંપની વિશે સવાલ કર્યો તો તેણે જણાવ્યું કે કંપની થોડા સમય પહેલાં જ સદંતર બંધ થઈ ગઈ છે. અંદર એકમાત્ર સિક્યોરિટી ગાર્ડ હાજર હતો. અમે તેને પણ મળ્યા. સિક્યોરિટી ગાર્ડે પણ કન્ફર્મ કર્યું કે, "કંપની છેલ્લા 3 મહિનાથી બંધ છે, અહીં કોઈ નથી." રજિસ્ટર ઓફિસમાં પણ શંકાસ્પદ પરિસ્થિતિ જ્યારે ગાંધીનગર સેક્ટર-11માં આવેલી તેની રજિસ્ટર્ડ ઓફિસે તપાસ કરી તો ત્યાં 4-5 કર્મચારીઓ બેઠા હતા. પરંતુ મુખ્ય ચેમ્બર ખાલી હતી. કર્મચારીઓ કંપનીની કામગીરી વિશે એક ન બોલ્યા. પણ તેમણે તેમના કોઇક સિનિયર સાથે ફોન પર વાત કરાવી. 10 દિવસનો વાયદો કરીને ફોન કટ કરી દીધો અમે પત્રકાર તરીકે પરિચય આપ્યો અને કંપનીની હાલની સ્થિતિ વિશે સવાલ કર્યા. ત્યારે ફોન પર વાત કરનારે કહ્યું, "અત્યારે હું કોઈ વાતચીત નહીં કરી શકું, તમે 10 દિવસ પછી આવજો." અને કોઈ સવાલ સાંભળ્યા વિના ફોન કટ કરી દીધો. એટલું જ નહીં, કર્મચારીઓએ એ વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર પણ અમને ન આપ્યો. જેથી ફરી સંપર્ક થઇ શક્યો નથી. નોંધવા જેવી વાત તો એ છે કે છત્રાલામાં સંગીનીતા કેમિકલ્સનો પ્લાન્ટ બંધ છે, ત્રિમાસિક વેચાણમાં 29.36%નો ઘટાડો છે, છતાં શેરબજારમાં કંપનીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. વળી, પ્રમોટર્સ પાસે માત્ર 25% જ હિસ્સો બચ્યો છે, જે અગાઉ 60% જેટલો હતો. હવે તો કંપનીને મોટો આર્થિક ફટકો પડે તો પણ પ્રમોટર્સને કોઈ નુકસાન નથી, પરંતુ રોકાણકારોની માઠી હાલત થઈ શકે છે. 4. એવીઆઈ પોલિમર્સ: દરવાજે તાળુ અને કરોળિયાના જાળા અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં નાલંદા કોમ્પ્લેક્સ આવેલું છે. જ્યાં એવીઆઈ પોલિમર્સની ઓફિસ હોવાનું કંપનીના ડોક્યુમેન્ટ્સમાં લખ્યું છે. પણ આ ઓફિસે પહોંચતા જ બહારના ગેટ પર કરોળિયાના મોટા જાળા જોવા મળ્યા. દેખિતી રીતે જ લાગે કે આ ઓફિસ મહિનાઓ કે વર્ષોથી ખુલી નથી. દરવાજા પર એક ચિઠ્ઠી જોવા મળી, જેના પર લખ્યું હતું કે અહીં આવતા કાગળો ઓફિસ નંબર 96માં આપવા. એટલે અમે ઓફિસ નંબર 96માં ગયા, જેથી જાણી શકાય તે અસલ ખેલ શું ચાલી રહ્યો છે. ત્યાં હાજર સ્ટાફે અમને ગ્રાહક સમજીને પૂછ્યું, "ઓફિસ ભાડે રાખવા આવ્યા છો?" જ્યારે અમે કંપની અંગે પૂછ્યું ત્યારે તેમણે માલિકનો નંબર આપ્યો. માલિકને ફોન કરીને એવીઆઈ પોલિમર્સ વિશે પૂછતા જ તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો. બોલ્યા, "આ કંપની તો ક્યારનીય બંધ થઈ ગઈ છે." હાલત તો જુઓ. માલિક પોતે કહે છે કે કંપની બંધ થઈ ગઈ છે. કંપનીનું પ્રમોટર હોલ્ડિંગ માત્ર 1% છે એટલે કે માલિકો પોતે જ કંપનીમાંથી બહાર નીકળી ગયા છે, નામ માત્ર હિસ્સો બાકી છે. તેમ છતાં ચોપડે આ કંપનીનો ત્રિમાસિક પ્રોફિટ વેરીએશન 1283.78% બતાવે છે અને શેર 143.45% રિટર્ન આપી રહ્યો છે. આ કેવી રીતે હોઈ શકે? 5. કેસ્ટોરા એગ્રી કોમોડિટીઝ: એક જ સરનામે બે-બે કંપની! અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં નિર્માણ કોમ્પ્લેક્સમાં કેસ્ટોરા એગ્રી કોમોડિટીઝની ઓફિસ હોવાનું સત્તાવાર ડોક્યુમેન્ટથી જાણવા મળ્યું. પરંતુ જ્યારે આ સરનામે પહોંચ્યા તો ત્યાં ઓફિસની બહાર બોર્ડ પર 'કેસ્ટોરા એગ્રી'ની સાથે જ મોટા અક્ષરે 'હરીગોપાલ સ્ટીલ એન્ડ મેટલ પ્રાઈવેટ લિમિટેડ'નું બોર્ડ મારેલું હતું. એટલું જ નહીં, દરવાજે તાળું હતું. આજુબાજુના લોકોએ જણાવ્યું કે આ ઓફિસ ક્યારેય નિયમિત ખુલતી જ નથી. એગ્રી કોમોડિટીઝના નામે ચાલતી આ કંપનીનું ક્વાર્ટર સેલ્સ વેરિએશન શૂન્ય છે, એટલે કે કોઈ નવો બિઝનેસ થતો નથી, છતાં બજારમાં તેનો શેર સડસડાટ વધી રહ્યો છે. કેસ્ટોરા કંપનીના શેરથી માલિકોને જ અણગમો 2023ના સપ્ટેમ્બર મહિનામાં કેસ્ટોરા એગ્રી કોમોડિટિઝ લિમિટેડમાં પબ્લિશ શેરિંગ 73 ટકાની આસપાસ અને પ્રમોટર્સ હોલ્ડિંગ 26 ટકાની આસપાસ હતું. પરંતુ માર્ચ 2026 સુધીમાં મોટો ફેરફાર આવ્યો. પ્રમોટર્સે પોતાનો મોટાભાગનો હિસ્સો વેચીને માત્ર 5 ટકા પોતાની પાસે રાખ્યો. જ્યારે 94 ટકાથી પણ વધુ શેર સામાન્ય શેરહોલ્ડર પાસે જતા રહ્યા. 6. ગુરુકૃપા જેમ્સ: લિસ્ટમાં એક એવી કંપની જ્યાં વ્યવસ્થિત કામ દેખાયું આ લિસ્ટમાં એકમાત્ર કંપની ગુરુકૃપા જેમ્સ એવી હતી, જેની અમદાવાદના આશ્રમ રોડ સ્થિત ચાર માળની ઓફિસ ચાલુ જોવા મળી. ત્યાં કર્મચારીઓ કામ કરતા હતા. ગ્રાઉન્ડ રિયાલિટીમાં બધું નોર્મલ લાગતું હતું. પરંતુ નવું નામ ભક્તિ જ્વેલ્સ થઈ ગયું હોવાનું ત્યાંથી જાણવા મળ્યું. જો કે શેરમાર્કેટમાં હજુ પણ આ કંપનીનું નામ ગુરુકૃપા જેમ્સ જ બતાવે છે. એટલું જ નહીં, કંપનીના પ્રમોટર્સ પણ ધડાધડ શેર વેચવા માંડ્યા છે. નોંધવા જેવી વાત એ પણ છે કે સપ્ટેમ્બર, 2023માં આ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ 40%ની આસપાસ હતું જે હવે માત્ર 9.76% થઇ ગયું છે અને ત્રિમાસિક નફામાં 84.66% નો જંગી ઘટાડો નોંધાયો છે, છતાં શેરે વર્ષમાં 209.32% નું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. હવે રોકાણકારોએ સમજવા જેવી વાત… શેરબજારની ધારણા છે કે જે કંપની ભવિષ્યમાં બહુ મોટો નફો કરશે એવું લાગે તો તેના પ્રમોટર્સ પોતાનો હિસ્સો વધારે રાખે છે. અહીં તમામ 6 કંપનીઓમાં પ્રમોટર હોલ્ડિંગ ઓછું થતું જઇ રહ્યું છે અને એવીઆઈ પોલિમર્સમાં તો માત્ર 1.11% છે. આનો સીધો અર્થ એ છે કે માલિકોએ પોતાના શેર પબ્લિકને અથવા ઓપરેટરોને પધરાવી દીધા છે. નફા અને નુકસાનનો મેળ નથી સપ્તક કેમિકલનો નફો અડધો થઈ ગયો, કેસ્ટોરા એગ્રીનો નફો 84.72% ઘટી ગયો, છતાં તેમના શેરના ભાવ આસમાને છે. આ સામાન્ય માર્કેટ થીયરીથી તદ્દન વિપરીત છે. વળી, આ બધી માઇક્રો-કેપ કંપનીઓ છે. આવી નાની કંપનીઓમાં ઓપરેટરો માટે શેરના ભાવ મનફાવે તેમ વધારવા કે ઘટાડવા ખૂબ સરળ હોય છે. આવી કંપનીઓના શેરથી કોને કમાણી થાય છે? આ ઇન્વેસ્ટિગેશન પરથી સ્પષ્ટ થાય છે કે આ કંપનીઓ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ મોટું ઉત્પાદન નથી કરી રહી. પરંતુ જ્યારે સામાન્ય રોકાણકારો 100%થી વધુ રિટર્ન જોઈને લાલચમાં આવીને ખરીદી કરે, ત્યારે અમુક “સમજુ લોકો” ઉપરના ભાવે પોતાના શેર વેચીને પ્રોફિટ બૂક કરી લેતા હોય છે. જેને માર્કેટની ભાષામાં 'ડમ્પિંગ' કહેવાય છે. તે પછી લોઅર સર્કિટ લાગે તો સામાન્ય રોકાણકારોના પૈસા કાયમ માટે ડૂબી જવાની સંભાવના રહી છે. કારણ કે વેચવા જતાં કોઈ ખરીદદાર જ ન મળે. દિવ્ય ભાસ્કરે આ તમામ 6 કંપનીઓને 29 જૂન, 2026ના રોજ ઇમેલ કરીને તેમના શેરના આવા વલણ બાબતે સત્તાવાર રીતે જવાબ માગ્યો હતો. પરંતુ 10 દિવસ કરતા પણ વધુ સમય થઈ જવા છતાં એકપણ કંપનીએ જવાબ આપ્યો નથી. જે ઘણી શંકા ઉપજાવે છે. એટલું જ નહીં, શેરમાર્કેટની ગતિવિધિ પર દેખરેખનું કામ કરતી સંસ્થા SEBIને પણ તેના સત્તાવાર ઇમેલ આઇડી મારફતે આ કંપનીઓના શેરની ભાવમાં થયેલી આશ્ચર્યજનક વધઘટ અંગે જાણ પણ કરી અને શું કાર્યવાહી થઈ શકે એ બાબતે સવાલ કર્યો હતો. જો કે SEBI તરફથી ઓટોજનરેટેડ જવાબ મળ્યો. જેમાં જે તે કંપનીના શેરહોલ્ડર જ આવી બાબતે ફરિયાદ કરી શકે એવું લખ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભવનાથ રોડ પર ચાલુ બાઈકે હેન્ડલ પર સાપ નીકળ્યો:થોડીવાર માટે પરિવારનો જીવ અધ્ધર, સ્નેક કેચરે રેસ્ક્યૂ કરી જંગલમાં મુક્ત કર્યો
    Next Article
    Crypto Tax Refund In ITR 2026: Don't Miss These Steps To Claim Your Money

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment