Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પાવર ઓછો કરો..', સુરતમાં કોર્પોરટર-મહિલાઓ વચ્ચે જામી પડી, VIDEO:પૂર બાદ પીવાના પાણીના ફાંફા, હંસા ગજેરાએ શાંતિ રાખવાનું કહેતા સ્થાનિકોએ પિત્તો ગુમાવ્યો

    4 days ago

    સુરતમાં ખાડી પૂર અને ભારે વરસાદના કારણે સર્જાયેલી જળબંબોળની સ્થિતિ બાદ હવે જનતાનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે અને પીવાના પાણીની તીવ્ર અછત સર્જાતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા કોર્પોરેટર હંસા ગજેરા જ્યારે કાપોદ્રા ખાતે લોકોની સમસ્યા સાંભળવા પહોંચ્યા, ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમનો ઉધડો લીધો હતો. સ્થાનિકોએ કોર્પોરેટર પર આક્ષેપોનો મારો ચલાવતા કહ્યું કે, 'જ્યારે ચૂંટણીમાં મત જોઈતા હતા ત્યારે 10-10 વાર સોસાયટીમાં આંટા મારતા હતા, અને હવે અતિશય મુશ્કેલીના સમયે તમે મોઢું બતાવવા પણ આવતા નથી.' લોકોના આ પ્રચંડ આક્રોશ સામે કોર્પોરેટર હંસા ગજેરાએ બચાવ મુદ્રામાં આવીને લોકોને જરા શાંતિ રાખવા અપીલ કરી હતી, પરંતુ લોકો વધુ ભડક્યા હતા. આ મામલો એટલો બિચક્યો હતો કે કોર્પોરેટરે છેલ્લે લાચારી અને કટાક્ષમાં કહી દીધું કે, મારે તો એમાં કઈ અંદર ઉતરવાનું નથી, નકર તો હું અત્યારે જ કાઢી દઉં બધું હાલો. આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામાનો લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. કોર્પોરેટર કાપોદ્રા પહોંચતા જ મહિલાઓએ પિત્તો ગુમાવ્યો, પાણી મુદ્દે હોબાળો કાપોદ્રા વિસ્તારની અંદર છેલ્લા ઘણા કલાકોથી સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે અને પીવાનું શુદ્ધ પાણી ન મળવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભૂખ્યા અને તરસ્યા રહીશો રોડ પર ઉતરીને તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. આ દરમિયાન જેવા જ ગ્રે કલરનું કુર્તું પહેરેલા મહિલા કોર્પોરેટર હંસા ગજેરા કાપોદ્રા ખાતે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા કે તુરંત જ ત્યાં હાજર મહિલાઓએ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટરને ચારેય તરફથી ઘેરી લીધા હતા અને પીવાના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થઈ હોવા બદલ ઉગ્ર રજૂઆતો શરૂ કરી દીધી હતી. જનતાનો આવો રોષ જોઈને કોર્પોરેટર પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. 'પાવર ઓછો કરો અને ધીમેથી બોલો': શાંત રહેવાની અપીલ પર મહિલા લાલચોળ જ્યારે સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈને એકસાથે બૂમાબૂમ કરી રહ્યા હતા, ત્યારે કોર્પોરેટર હંસા ગજેરાએ લોકોને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું, "પણ બધાને ખબર જ છે બેન, જરાક શાંતિ રાખોને, કામ થાય છે." આ સાંભળતા જ એક સ્થાનિક મહિલા ભારે આક્રોશ સાથે લાલચોળ થઈ ગઈ હતી અને રાડ પાડીને કોર્પોરેટરને વળતો જવાબ આપ્યો હતો કે, "કામ થાય છે? પાવર ઓછો કરજો! પણ ધીમેથી વાત કરજો, બરાબર? આ બધા જ અહીંયાના #@@# ઊભા છે." મહિલાએ તીખા શબ્દોમાં પરખાવ્યું કે સવારથી કોઈ પણ નેતા કે અધિકારી અહીંયા પાવર (વ્યવસ્થા) નહોતો કરતું અને હવે જ્યારે જનતા હેરાન થઈ રહી છે ત્યારે અમને જ શાંત રહેવાની શિખામણ આપવામાં આવી રહી છે. ભૂખ્યા-તરસ્યા લોકોએ નેતાની બોલતી બંધ કરી ઉગ્ર દલીલો વચ્ચે સ્થાનિક મહિલાએ કોર્પોરેટર હંસા ગજેરા સામે આંગળી ચીંધીને સ્પષ્ટ શબ્દોમાં માગ કરી કે, તમે અત્યારે ન્યાથી પહેલા પીવાનું પાણી મંગાવો, બધા પાણી પીવા બેઠા છે અહીંયા..ભૂખ્યા તરસ્યા. સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જવાથી પીવાનું પાણી અને રાંધવાની સામગ્રી બગડી ગઈ હોવાથી રહીશો બેહાલ બન્યા છે. મહિલાએ આગળ ધસમસતા આક્રોશ સાથે કહ્યું કે, આજે કોઈને ઘરમાં પાણી નથી, છતાં તંત્ર ઊંઘી રહ્યું છે. લોકોએ કોર્પોરેટરને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે બીજી લાંબી-લચક વાતો બાજુ પર મૂકો અને તાત્કાલિક ધોરણે પાણીના ટેન્કર સોસાયટીમાં લાવો જેથી લોકોને પ્રાથમિક રાહત મળી શકે. 'ચૂંટણીમાં ઘરે-ઘરે ફરતા હતા, હવે મોઢું છુપાવો છો' ચૂંટણી પૂરી થતા જ નેતાઓ ગાયબ થઈ જાય છે તેવો સાર્વત્રિક આક્ષેપ કાપોદ્રાની જનતાએ કોર્પોરેટર સમક્ષ લાઈવ વીડિયોમાં કર્યો હતો. રહીશોએ રોષ ઠાલવતા કહ્યું કે, જ્યારે તમારે ચૂંટણીમાં મત જોઈતા હતા ત્યારે તો 10-10 વાર તમે લોકો અહીંયા સોસાયટીઓમાં આવ્યા આવ્યા કરતા હતા. પણ આજે જ્યારે આખી સોસાયટી ડૂબી ગઈ છે ત્યારે તમારાથી ઘરેય નો અવાય!. લોકોએ વધુમાં આક્ષેપ કર્યો કે, હા, અને હવે જ્યારે અમે મુશ્કેલીમાં છીએ અને બોલીએ છીએ, ત્યારે તમે લોકો 'બોલો નહિ, બોલો નહિ' કરો છો. હેરાન તો અમે જ થઈએ છીએ ને, એટલે અમે તો બોલવાના જ." જનતાના આ આકરા પ્રહારો સામે કોર્પોરેટર પાસે કોઈ સચોટ જવાબ નહોતો. 'મારાથી અંદર ઉતરાય એમ નથી...' આ સમગ્ર મામલો જ્યારે અતિશય ઉગ્ર બન્યો અને લોકો પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાનું દબાણ કરવા લાગ્યા, ત્યારે કોર્પોરેટર હંસા ગજેરાએ પણ કંટાળીને કે લાચારીપૂર્વક કહી દીધું કે, મારે તો એમાં કઈ અંદર ઉતરવાનું નથી, નકર તો હું અત્યારે જ કાઢી દઉં બધું હાલો. કોર્પોરેટરના આ બેજવાબદાર જેવા લાગતા નિવેદનથી સ્થાનિક મહિલાઓ વધુ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેમણે નેતાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, "હાલો તો, ડોલે-ડોલે હાલો બધા. અમે તો બધા પાણી કાઢી લેશું હાલો, ડોલે-ડોલે કાઢો બધા હાલો." કાપોદ્રાનો આ વાયરલ વીડિયો હાલ સુરતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને પ્રી-મોન્સૂનની નબળી કામગીરીની પોલ ખોલી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    B.A.-M.A.ના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થીઓ એક વર્ષથી પરીક્ષાની રાહમાં:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 100 પરિણામો બાકી, કાયમી પરીક્ષા નિયામક મૂકવા અથવા શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીને મૂકવા શિક્ષણમંત્રીને રજૂઆત
    Next Article
    Trump, Meloni, Macron And More: List Of World Leaders On Iran's Kill List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment