Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત રેલવે સ્ટેશન બહાર પોલીસ ચોકી બની ‘મેટરનિટી વોર્ડ’:સર્ગભાએ બાળકીને જન્મ આપ્યો, માસૂમ દીકરી માતાને વળગી રહી; રેલવે તબીબ-TRB જવાનો બન્યા દેવદૂત

    14 hours ago

    ખાખી વર્દીમાં રહેલી કડકાઈ પાછળ ક્યારેક ઈશ્વરીય સંવેદના ધબકતી હોય છે, તેનો જીવંત દાખલો સુરત રેલવે સ્ટેશન પરિસરમાં જોવા મળ્યો હતો. વતન જવા નીકળેલી સગર્ભા મહિલાને અચાનક અસહ્ય પ્રસવપીડા ઉપડતાં સુરત ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો દેવદૂત બનીને મદદે આવ્યા હતા. જવાનોની સમયસૂચકતાથી ટ્રાફિક ચોકી જ ક્ષણભરમાં ‘મેટરનિટી વોર્ડ’ બની ગઈ હતી અને રેલવે તબીબની મદદથી સફળ પ્રસુતિ થતાં ચોકીમાં નવજાત બાળકીની કિલકારી ગૂંજી ઊઠી હતી. પરિવાર ટ્રેન પકડવા નીકળ્યો ને સ્ટેશને મહિલા ઢળી પડી મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અમલાબેન બળવંતભાઈ વસોનીયા ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં પતિ અને માસૂમ દીકરી સાથે વતન જવા નીકળ્યા હતા. 26 સપ્ટેમ્બરે બપોરે આશરે 3:20 વાગ્યાની આસપાસ તેઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે અમલાબેનને અચાનક અસહ્ય પ્રસવપીડા ઉપડી હતી. પરિસ્થિતિ વણસતાં તેઓ સ્ટેશન બહાર ટ્રાફિક પોલીસ ચોકી નજીક જ ઢળી પડ્યા હતા. પત્ની દર્દમાં કણસતી હતી, પતિએ ડોક્ટરને બોલાવવા દોટ મૂકી દર્દથી કણસતી પત્નીની આવી નાજુક હાલત જોઈ લાચાર પતિ બળવંતભાઈએ ચોકી પર ફરજ બજાવતા TRB જવાન પ્રવીણભાઈ ખતવાસેને 108 બોલાવવા આજીજી કરી હતી. જો કે, હોસ્પિટલ પહોંચવાનો સમય ન હોવાનું સમજી પ્રવીણભાઈએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક રેલવે હોસ્પિટલના મેડિકલ ઓફિસરને બોલાવવા દોટ મૂકી હતી. બીજી તરફ અન્ય જવાનોએ મહિલાને સુરક્ષિત રીતે ચોકીની અંદર ખસેડી લીધી હતી. હોટેલમાંથી ચાદરો લાવી આડશ ઊભી કરી, ડોક્ટરે કરાવી ડિલિવરી પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતાં સાથી જવાન રાહુલ, મેહુલ, મિથુન અને પિન્ટુએ નજીકની હોટેલમાંથી તાબડતોબ ચાદરો લાવી ચોકીમાં ચારે તરફ આડશ ઊભી કરી દીધી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા રેલવે મેડિકલ ઓફિસર ડો. કૌશિક પટેલે સૂઝબૂઝ વાપરી સફળ અને સામાન્ય પ્રસુતિ (નોર્મલ ડિલિવરી) કરાવી હતી. બાળકીના જન્મની સાથે જ તણાવભર્યા વાતાવરણ વચ્ચે નવજાતનો રડવાનો અવાજ ગૂંજતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. માતાના માથા પાસે બેસી ચિંતા અનુભવતી માસૂમ દીકરી પ્રસવપીડાથી કણસતી માતાની આ હાલત જોઈ પિતા બળવંતભાઈની સાથે તેમની નાની દીકરી પણ ભારે ડઘાઈ ગઈ હતી. અજાણ્યા સ્થળે માતાની આવી ગંભીર અવસ્થા જોઈ માસૂમ બાળકી અમલાબેનના માથા પાસે બેસી ગઈ હતી. તેના ચહેરા પર માતાની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. જ્યાં સુધી બાળકીનો જન્મ ન થયો ત્યાં સુધી તે સતત ઈશ્વરને પ્રાર્થના કરતી હોય તેમ માતાને વળગી રહી હતી. માતા અને નવજાત બાળકી બંને સ્મીમેર હોસ્પિટલમાં સ્વસ્થ સફળ ડિલિવરી બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે માતા અને નવજાત બાળકીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયા અને એસીપી સાહિલ ટંડેલના માર્ગદર્શન હેઠળ ખાખી વર્દીવાળાઓની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને પગલે સમગ્ર શહેરમાં પોલીસ તથા TRB જવાનો પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કામગીરીને બિરદાવી આ સમગ્ર માનવીય અભિગમ અંગે સુરત ટ્રાફિક પોલીસ રીજન-2ના ઈન્ચાર્જ એસીપી એસ.આર.ટંડેલે વિગતો આપતા પુષ્ટિ કરી હતી કે, મહિલા અત્યંત પીડામાં હોવાની જાણ થતાં જ ટ્રાફિક પોઇન્ટ પર હાજર જવાનોએ સરાહનીય તત્પરતા દાખવી હતી. મહિલાને સુરક્ષિત રીતે ચોકીમાં લઈ જવાઈ હતી અને રેલવેના ઇમરજન્સી ડોક્ટરની મદદથી સુરક્ષિત પ્રસુતિ શક્ય બની હતી.
    Click here to Read More
    Previous Article
    ગાડીઓ ડૂબી, બસોમાં પાણી ભરાયું, રસ્તાઓ પર સાપ તરવા લાગ્યા:બેંગકોક જળબંબાકાર, ભયાનક પૂરથી 50 જિલ્લામાં ઈમરજન્સી જાહેર; PM લંડનનો પ્રવાસ છોડી દોડી આવ્યા
    Next Article
    The Vvan Box Office Collection Day 2: Sidharth Malhotra Starrer Sees 37.5% Growth

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment