Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹200ના ભંગારમાંથી 'સુરત મીની મેટ્રો' બનાવી દીધી, VIDEO:AC, એલાર્મ અને ઓટો-સ્ટોપ સહિતની A ટૂ Z સિસ્ટમ; સુરતમાં 2.5 મહિનાની મહેનત, વેલ્ડિંગ કારીગરનો હુન્નર

    9 hours ago

    જ્યારે હાથમાં કૌશલ્ય અને દિલમાં કંઈક કરી બતાવવાનો જઝબો હોય, ત્યારે ભંગાર પણ કળાનું ઉત્તમ પ્રતીક બની જતો હોય છે. સુરતમાં હજી તો અસલી મેટ્રો દોડવાની બાકી છે, પણ તે પહેલાં જ શહેરના એક સાધારણ ઓટો-રિક્ષા વેલ્ડિંગ કારીગરે પોતાની અદભુત કોઠાસૂઝથી આખી 'સુરત મીની મેટ્રો' તૈયાર કરી દીધી છે. માત્ર ₹200ના ફ્રિજના પતરા અને નકામી વસ્તુઓમાંથી અઢી મહિનાની અથાક મહેનતે તૈયાર થયેલું આ મોડલ આજે આખા સુરતમાં ભારે આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બન્યું છે. આ મિની મેટ્રોમાં AC, એલાર્મ અને ઓટો-સ્ટોપ સિસ્ટમ સહિતની તમામ A થી Z આધુનિક સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. વેલ્ડિંગ કારીગરે ભંગારમાંથી 'સુરત મીની મેટ્રો' બનાવી દીધી દુનિયામાં હુન્નર અને સર્જનાત્મકતા કોઈ ડિગ્રી કે મોટી કોલેજની મોહતાજ નથી હોતી. જ્યારે દિલમાં કંઈક અલગ કરી બતાવવાનો જઝબો હોય ત્યારે સામાન્ય વેસ્ટ અને ભંગારમાંથી પણ અદભુત અજાયબીઓ સર્જાતી હોય છે. આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે સુરતના વેલ્ડિંગ કારીગરે. પોતાના હાથની સફાઈ અને અદભુત કોઠાસૂઝના જોરે આ કારીગરે સામાન્ય ભંગારમાંથી એવી કારીગરી કરી બતાવી છે કે જેને જોઈને અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બની જાય. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અતિમહત્ત્વકાંક્ષી 'સુરત મેટ્રો' પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ મેટ્રો રેલ શરૂ થાય તે પહેલાં જ શહેરના એક આર્ટિસ્ટે તેના આબેહૂબ મોડલની રચના કરીને આખા શહેરમાં ભારે આશ્ચર્ય અને કૂતુહલ સર્જ્યું છે. ઓટો રિક્ષામાં વેલ્ડિંગનું કામ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા આ કારીગરની કળા આજે સોશિયલ મીડિયાથી લઈને સુરતના ખૂણે-ખૂણામાં ચર્ચાનો વિષય બની છે. લોકો તેમને હવે 'કાલનો સુપરસ્ટાર' કહીને બિરદાવી રહ્યા છે. રૂ.200ના ફ્રિજના પતરામાંથી મેટ્રોને અદભુત આકાર આપ્યો આ અદભુત કલાકૃતિ પાછળની કહાની ખૂબ જ રોચક છે. મેટ્રો મોડલ તૈયાર કરનાર કારીગર સાકિર અબ્દુલ ગની પોતે વ્યવસાયે ઓટો રિક્ષાના કારીગર છે. તેઓ રિક્ષામાં વેલ્ડિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સાકિરે જણાવ્યું કે, સુરતમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મેટ્રો રેલવેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારથી જ તેમના મનમાં મેટ્રોનું મોડલ બનાવવાનો વિચાર ઘોળાઈ રહ્યો હતો. જોકે, મેટ્રોનો અસલી લુક કેવો હશે તેની કોઈ સ્પષ્ટ માહિતી તેમની પાસે નહોતી. અઢી મહિના સુધી દિવસ-રાત એક કરીને આ મોડલ તૈયાર કર્યું આશરે 9થી 10 મહિના પહેલા જ્યારે સુરત મેટ્રોનું અધિકૃત મોડલ જાહેર કરવામાં આવ્યું, ત્યારે સાકિરે તરત જ તેનો એક ફોટોગ્રાફ મેળવી લીધો. તેમણે આ ફોટોગ્રાફની પ્રિન્ટ કાઢીને પોતાના ઘરની દીવાલ પર લગાવી દીધી. ત્યારબાદ ભંગારમાંથી ફ્રિજનું એક જૂનું પતરું માત્ર ₹200માં ખરીદી લાવ્યા. દીવાલ પર ટાંગેલા ફોટાને સતત જોઈને, દરેક ઝીણી વિગતને સરખાવીને તેમણે સતત અઢી મહિના સુધી દિવસ-રાત એક કરીને આ મોડલ તૈયાર કર્યું છે. A to Z સિસ્ટમ, એસી પંખો, હેન્ડબ્રેકથી લઈને મોચીના સોલમાંથી ટાયર બનાવ્યા! સાકિર દ્વારા તૈયાર કરવામાં આવેલું આ મોડલ માત્ર બહારથી જોવામાં જ સુંદર નથી, પરંતુ તેમાં ટેકનિકલ અને સેફ્ટીની તમામ ઝીણવટભરી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાકિરે ઉમેર્યું કે અસલી મેટ્રોમાં જે ફીચર્સ હોય છે, તે તમામ A to Z સિસ્ટમ તેમણે આ નાનકડા મોડલમાં કોપી કરીને ફિટ કરી છે. ઈન્ટિરિયર અને સેફ્ટી કંટ્રોલ મોડલમાં અંદર લાઈટિંગ, એસીનો પંખો, હેન્ડબ્રેક, સ્ટીયરીંગ અને કિલોમીટર દર્શાવતી સિસ્ટમ બનાવવામાં આવી છે. એલાર્મ અને ઓટો-સ્ટોપ સિસ્ટમ રેલવેના પાટા પર કોઈ માણસ કે પક્ષી આવી જાય તો નિર્ધારિત અંતર પહેલાં જ એલાર્મ વાગે અને ટ્રેન આપમેળે રોકાઈ જાય તે પ્રકારની કન્સેપ્ટ સિસ્ટમ પણ તેમણે મોડલમાં ઉમેરી છે. જમ્પર્સ અને ટાયર ટ્રેનમાં સ્પ્રિંગ અને જમ્પર ફિટ કરાયા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ટાયર બનાવવા માટે સાકિરે મોચી કામમાં વપરાતા ચંપલના સોલનો ઉપયોગ કર્યો છે. આ સોલમાંથી વાઈલ કાઢીને બિલકુલ અસલી ટાયર જેવી ડિઝાઇન જાતે બનાવી છે. અસલી કલર કોમ્બિનેશન સુરત મેટ્રોનો જે કલર છે – એટલે કે વ્હાઈટ કલર અને સાથે બ્લુ-બ્લેક કલરનું કોમ્બિનેશન – તે જ કલર અને કોમ્બિનેશન આપીને આખું મોડલ તૈયાર કરાયું છે. PM મોદીના વિઝનથી પ્રેરિત થઈને મોડલ પર લગાવ્યો ફોટો સાકિરની આ કલાકૃતિમાં વધુ એક બાબત સૌનું ધ્યાન ખેંચી રહી છે અને તે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, મેટ્રોના આ મોડલ પર વડાપ્રધાનનો ફોટો શા માટે લગાવવામાં આવ્યો છે? ત્યારે તેમણે અત્યંત ગર્વ સાથે જવાબ આપ્યો હતો કે, જો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન હોત તો કદાચ સુરતમાં મેટ્રો લોન્ચ જ ન થઈ હોત. આજે સુરત જે ઝડપે સ્માર્ટ સિટી બની રહ્યું છે તેનો મોટો શ્રેય પીએમ મોદીના વિઝનને જાય છે. તેના આ જ વિકાસકાર્યોથી પ્રેરિત થઈને મેં કૃતજ્ઞતાના ભાવ સાથે મેટ્રો મોડલ પર મોદીજીનો ફોટો લગાવ્યો છે. 18 વર્ષથી એન્ટિક વસ્તુઓ બનાવવાનો શોખ આ કોઈ પહેલીવાર નથી કે સાકિરે આવી કલાકૃતિ બનાવી હોય. તેમને નાનપણથી જ નકામી અને એન્ટિક વસ્તુઓમાંથી નવી વસ્તુઓ સર્જવાનો શોખ છે. તેઓ છેલ્લા 18 થી 19 વર્ષથી પોતાના નવરાશના સમયમાં વેસ્ટમાંથી બેસ્ટ સાધનો બનાવતા આવ્યા છે. તેમણે ભૂતકાળમાં બનાવેલી વસ્તુઓની યાદી પણ ખૂબ લાંબી છે. આજથી 18-19 વર્ષ પહેલાં તેમણે પોતાના પુત્ર માટે ભંગારમાંથી નાની ઓટો રિક્ષા બનાવી હતી. સીવણ મશીનમાંથી બનાવી દીધી 'હાર્લી ડેવિડસન'! આ ઉપરાંત તેમણે મિનિએચર જીપ અને વિન્ટેજ લુક આપતી અનોખી ઘડિયાળો પણ તૈયાર કરી છે. લેડીઝ પર્સ, પાકીટ, ચંપલ અને સેન્ડલ પણ તેઓ નકામી વસ્તુઓમાંથી બનાવી ચૂક્યા છે. સાકિરની સૌથી મોટી કારીગરી એ રહી છે કે તેમણે ઘરમાં પડેલા એક જૂના સીવણ મશીનને કટિંગ કરીને, પેઈન્ટ કરીને અને સ્ટીયરીંગ સેટ કરીને હુબહૂ 'હાર્લી ડેવિડસન' સુપરબાઈકનો લુક આપી દીધો હતો. જોવા માટે લોકોની લાગી લાંબી લાઈનો જેવી આ સુરત મેટ્રો તૈયાર થઈ અને સાકિરે તેને જાહેર કરી કે તરત જ તેમના વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. સાકિરના પરિવારમાં તેમની માતા, પિતા અબ્દુલ ગની, પત્ની, એક પુત્ર અને ચાર ભાઈઓ છે. જ્યારે પરિવારે આ મહેનતનું પરિણામ જોયું ત્યારે આખો પરિવાર ગૌરવથી ઝૂમી ઊઠ્યો હતો અને સૌએ સાકિરને શાબાશી આપી હતી. 'લોકો મને 'કાલનો સુપરસ્ટાર' કહીને બૂમો પાડે છે' સાકિરે આનંદ વ્યક્ત કરતા કહ્યું, મેં ગઈકાલે જ આ કામ પૂરું કર્યું છે અને અત્યારથી જ મારા ઘરે આ મોડલ જોવા માટે લોકોની લાઈનો લાગી ગઈ છે. આખા સુરતમાં લોકો મારા વીડિયો વાયરલ કરી રહ્યા છે. લોકો મને 'કાલનો સુપરસ્ટાર' કહીને બૂમો પાડે છે. અઢી મહિનાની મારી મહેનત આજે સફળ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે પછીનો નેક્સ્ટ ટાર્ગેટ, અઠવા પોલીસ સ્ટેશન માટે ખાસ ગિફ્ટ! અંતે જ્યારે સાકિરને પૂછવામાં આવ્યું કે હવે આગળ તેમનો શું પ્લાન છે અને તેઓ શું બનાવવા માંગે છે? ત્યારે તેમણે તેમના ભવિષ્યના ડ્રીમ પ્રોજેક્ટ વિશે ખુલાસો કરતાં જણાવ્યું કે, હવે હું અમારા વિસ્તારના અઠવા પોલીસ સ્ટેશનની એક સ્પેશિયલ જીપ બનાવવા જઈ રહ્યો છું. ગઈકાલે જ મેં અઠવા પોલીસ સ્ટેશનની જીપનો ફોટો પાડ્યો છે. આ મોડલ બનાવવામાં મને આશરે એકાદ મહિનો લાગશે. આ મોડલ તૈયાર થઈ ગયા પછી હું તેને પોલીસ ખાતાને એક સુંદર ગિફ્ટ તરીકે ભેટ આપવા માંગુ છું. સુરતના સાકિર જેવા સામાન્ય મધ્યમવર્ગીય માનવીની આ કથા સાબિત કરે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને હાથમાં કૌશલ્ય હોય, તો ભંગાર પણ સોનું બની શકે છે. સાકિરની આ કળા આજે સમગ્ર સુરત શહેર માટે ગૌરવનો વિષય બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    19-વર્ષ પછી કોલકાતા પાછા ફરવા પર તસલીમા બોલ્યા-આ ઘર વાપસી:ખુશી અને દર્દ બંને સાથે પાછી ફરી છું, એક ઓગસ્ટે CM સાથે કાર્યક્રમ
    Next Article
    નવા મોખાણા ગામની સીમમાંથી દીપડો પાંજરે પૂરાયો:એક મહિનાના આતંક બાદ વન વિભાગે થર્મલ ડ્રોનથી પકડ્યો; ગ્રામજનો અને ખેડૂતોને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment