Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹1500માં 10 હજાર ફોલોઅર્સ; રાતોરાત ચેનલ મોનેટાઇઝેશનનું સેટિંગ:ગુજરાતથી UP-ઝારખંડ સુધી ફેલાયું નેટવર્ક; જાણો, 90% નવા ક્રિએટરને કેવી રીતે બનાવાય છે શિકાર?

    19 hours ago

    તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફોલોઅર્સ કેટલા? સો, પાંચસો, હજાર ને બહુબહુ તો બે હજાર. તમારે ફટાફટ ફોલોઅર્સ વધારવા હોય તો થોડો ખર્ચો કરો ને જોઈએ તેટલા ફોલોઅર્સ વધી જાય. ના, આ ઈન્સ્ટાગ્રામ કે યુટ્યુબને પૈસા નથી આપવાના. આ તો એવા લોકોને પૈસા આપવાના છે જેના હાથમાં ફોલોઅર્સ વધારવાનું બટન છે. સિમ્પલ છે. તમે ફોન પર એ લોકોનો કોન્ટેક્ટ કરો. ડીલ કરી લો ને પેમેન્ટ કરો એટલે ધડાધડ તમારા ફોલોઅર્સ વધેલા બતાવે. આમાં ઈન્સ્ટાગ્રામ કે યુટ્યુબને પણ ખબર નથી હોતી કે લોકો પોતાના ફોલોઅર્સ બારોબાર વધારી લે છે ને ફોલોઅર્સ વધારી આપનારાઓનું જાયન્ટ નેટવર્ક પણ છે. જો જો લાલચમાં ન આવી જતા આપણને એમ થાય કે, થોડા રૂપિયા ખર્ચીને ઢગલાબંધ ફોલોઅર્સ વધારી લઈશું તો યુટ્યુબમાંથી સારી કમાણી થવા લાગશે. બસ, અહીંથી જ આખી માયાજાળની શરૂઆત થાય છે. લોકોને લોભામણી લાલચ આપીને ઠગાઇનો એવો ગંદો ખેલ ચાલી રહ્યો છે, જે કોઈને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકે. આ વાતનો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં પર્દાફાશ થયો. આજના રિપોર્ટમાં વાંચો, કેવી રીતે ગુજરાતના વાવ-થરાદ અને અમદાવાદથી લઈને ઉત્તરપ્રદેશના લખનઉ અને ઝારખંડના નાના ગામડાઓ સુધી આ સિન્ડિકેટ ફેલાયેલી છે, જે દરરોજ હજારો નવયુવાનોને રાતોરાત સ્ટાર કે ઇન્ફ્લુઅન્સર બનાવવાની તેમજ આંધળી કમાણીની લાલચ આપીને રૂપિયા ઉલેચે છે. આ વાત દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમના ધ્યાને આવી, ઇન્ટરનેટ પર જ ફરતી કેટલીક લોભામણી જાહેરાતોથી. જે જેન્યુઅન કન્ટેન્ટ ક્રિએટર રાત-દિવસ મહેનત કરીને માંડ 500 ફોલોઅર્સ ભેગા કરે છે અથવા યુટ્યુબ પર 1000 સબસ્ક્રાઇબર્સ અને 4000 કલાકનો વોચ ટાઇમ પૂરો કરવા માટે પરસેવો પાડી દે છે, તેમના માટે આ દાવાઓ અને શોર્ટકટ લાલચભર્યા અને ચોંકાવનારા ગણી શકાય. આ જાદુ એક દિવસમાં અને આટલા સસ્તામાં કેવી રીતે થાય છે? દેખિતી રીતે જ કામગીરી શંકાસ્પદ લાગી. એટલે આ કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા અમે ગ્રાહક બનીને ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. પહેલાં જાણી લો, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની રૂપિયા કમાવવાના નિયમ શું છે? શિકારી નંબર-1 સૌથી પહેલાં ABC_rahul01 (નામ બદલ્યું છે) નામનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધ્યાને આવ્યું. જેના પર જાહેરાત હતી કે 1890 રૂપિયામાં 10 હજાર ફોલોઅર મળશે. આ ઉપરાંત ઓફર હોવાથી વધારાના 5 હજાર ફોલોઅર 1 લાખ વ્યૂઝ મળશે. અમે ક્લિક કર્યું એટલે સીધી જ વ્હોટ્સએપ ચેટ ખૂલી ગઇ. અમે ગ્રાહક તરીકે મેસેજ કરતા જ સામેથી મોટું રેટ કાર્ડ આવી ગયું. હજુ તો કંઈક વાંચીએ-સમજીએ પહેલાં જ સામેથી સવાલ પૂછવામાં આવ્યો, તમારે કેટલા ફોલોઅર જોઇએ છીએ? થોડી વાતચીત આગળ ચાલી એટલે રાહુલે ઓડિયો નોટ મોકલીને ખાતરી આપી કે તમામ ફોલોઅર્સ ઇન્ડિયન અને જેન્યુઈન હશે, સાથે લાઇફટાઇમ ગેરંટી પણ આપી. અમે થોડા પ્રશ્નો કરી એ વ્યક્તિને વિશ્વાસમાં લીધો અને ફોલોઅર વધારવાની પ્રોસેસ જાણવાનો પ્રયાસ કર્યો. પછી જે વાતચીત થઈ તે આ રહી… રિપોર્ટર: 10 હજાર લોકોને તમે કઈ રીતે ફોલો કરવાનું કહી શકો? રાહુલ: અમારું એક ગ્રુપ હોય છે, તેમાં નાખીએ એટલે ફોલોઅર્સ વધી જાય. રિપોર્ટર: કોઇ સામાન્ય સોશિયલ મીડિયા યૂઝર તમારા કહેવા પર પૈસા વગર કેમ ફોલો કરે? રાહુલ: આ બધું મેન્યુઅલી નથી થતું, વેબસાઇટથી થાય છે. તમારી ID મોકલો એટલે હું એકવાર જોઈ લઉં અને તમે થોડું એડવાન્સ પેમેન્ટ આપો એટલે ફોલોઅર્સ વધવાના શરૂ. આમ, સામે વાત કરી રહેલા શખસને ખૂબ ઉતાવળ હતી, તેણે કોઈપણ રીતે ડીલ કરી લેવી હતી. પણ બીજી તરફ અમને તેની પાસેથી કામગીરીની આખી પ્રોસેસ ડિટેલમાં જાણવાનો રસ હતો. રિપોર્ટર: એટલે તમે ક્યાં અમદાવાદ જ છો? રાહુલ: હું વાવ-થરાદ જિલ્લામાં રહું છું. રૂબરૂ મળવાની તેણે ચોખ્ખી ના પાડી દીધી. અત્યાર સુધીની બધી વાત વ્હોટ્સએપ ચેટ પર ચાલી, જો કે થોડી વાતચીત બાદ તેણે એક મોબાઇલ નંબર આપ્યો અને ફોન પર વાત કરવાની તૈયારી દર્શાવી. અમારી ફોન પર વાત આગળ વધી… રિપોર્ટર: ફોલોઅર્સ વધે છે કેવી રીતે? કોઈ ખોટો રસ્તો નથી ને? મારું એકાઉન્ટ ડિલિટ નહીં થઈ જાય ને? રાહુલ: ના એવું કંઈ ન થાય. તમે તો ખાલી 10,000 ફોલોઅર્સ વધારવાનું કહો છો. લોકો તો એક સાથે 1 લાખથી 10 લાખ સુધી ફોલોઅર્સ કરાવતા હોય છે. અમારી પાસે સિસ્ટમ છે. તેનાથી આ કામ ફટાફટ થઇ જાય છે. જો કે તેણે એ પણ સ્પષ્ટતા કરી કે અમારું સેટઅપ વાવ-થરાદમાં નથી. એ બધું સેટઅપ બહાર હોય છે. અમે ફક્ત બહારના લોકોની વેબસાઈટ વાપરતા હોઈએ છીએ. હું એકલો નહીં, અમારા જેવા અનેક લોકો આવી વેબસાઈટ મારફત કામ કરે છે. રિપોર્ટરે સવાલ કર્યો કે, બહાર એટલે અન્ય કોઈ રાજ્ય કે વિદેશથી? આ સવાલ પૂછતાં જ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો. વાવ-થરાદના શખ્સે ફોન કાપી નાખ્યો પણ એક મોટી હિન્ટ આપી દીધી કે કે ફક્ત મહોરું છે, આનું અસલી સેટઅપ તો બહારથી ઓપરેટ થાય છે. આ અસલી સેટઅપ ચલાવે છે કોણ? એ શોધખોળ દરમિયાન અમદાવાદના એક શખસ સાથે અમારો સંપર્ક થયો, જેણે પોતાની સિસ્ટમને 'સિક્રેટ સિસ્ટમ' કહીને એવો દાવો કર્યો. જેણે સોશિયલ મીડિયાની આખી સિસ્ટમ પર જ સવાલ ઊભા કરી દીધા. શિકારી નંબર-2 Skil000 (નામ બદલ્યું છે)નામના એકાઉન્ટ પર જાહેરાત આપનાર આ શખસ તો અમદાવાદી નીકળ્યો. અમે તેની સાથે વાતચીત શરૂ કરી. વોટ્સએપમાં તેનું નામ યોગી આવતું હતું. વાવ-થરાદનો શખસ 10 હજાર ફોલોઅર્સ વધારવાના 1890 રૂપિયા કહેતો હતો. જ્યારે આ શખસે 2199 રૂપિયાની ઓફર આપી. અમે તેને મેસેજ કર્યો કે ફોલોઅર્સ ફેક તો નહીં આવે ને? જાણે જવાબ તૈયાર હોય તેણે એક ઓડિયો નોટ મોકલી. જેમાં યોગી બોલ્યો, ફેક ફોલોઅર્સ આપવાનું કામ અમે નથી કરતા. હું અમદાવાદનો પાક્કો ભૂદેવ છું. કોઈનું પેમેન્ટ લઈને તેને બ્લોક નથી કરી દેતો કે ન તો ID તેમજ પાસવર્ડ માગુ છું. તમે જ્યાં પેમેન્ટ કરશો તેમાં પણ મારું જ નામ આવશે. પેમેન્ટ કર્યાના 10 મિનિટમાં ઓર્ડર પ્લેસ થઈ જશે. વધુમાં તેણે બડાઈ મારતા કહ્યું કે હું તો અમદાવાદના 90% ક્રિએટર, ઇન્ફ્લુએન્સર અને બિલ્ડર્સના એકાઉન્ટ મેનેજ કરું છું. નોટિફિકેશન અને ડીપી સાથે એકદમ અસલી લાગતા ફોલોઅર્સ મળશે. "સિક્રેટ સિસ્ટમ"થી બધુ સેટિંગ કેવી રીતે પડી જાય? યોગી બોલવામાં તો પાછો ન પડ્યો. પરંતુ જ્યારે રૂબરૂ મળવાની વાત કરી અને સરનામું પૂછ્યું તો પોતે અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ઓફિસમાં કામ કરતો હોવાનો ફોડ પાડ્યો, સાથે એવું પણ કહ્યું કે, અમે કોઈને રૂબરૂ મળીને કામ નથી કરતા. અમે ઓનલાઈન જ વાત કરીએ છીએ. તેણે ફોલોઅર વધારવાની આખી પ્રોસેસને પોતાની "સિક્રેટ સિસ્ટમ" ગણાવી. “સિક્રેટ સિસ્ટમ” એટલે? તેના જવાબમાં તેણે કહ્યું, અમારી એક ગ્રુપ ઓફ ઓડિયન્સ હોય અને એક સિસ્ટમ હોય તેનાથી ફોલોઅર્સ વધારીએ છીએ. તમને કોઈ ફોલો કરે ત્યારે નોટિફિકેશન આવે એ જ રીતે નોટિફિકેશન આવશે. જે તે ફોલોઅરનું ડીપી પણ હશે, તમે તે પણ જોઈ શકશો. એ લોકો સ્ટોરી પણ મુકતા હશે. એટલે તમને સારા ફોલોઅર્સ મળશે. વળી તે ખોટી રીતે ફોલોઅર વધારવાના ફાયદા પણ ગણાવવા લાગ્યો. કહ્યું, જો તમે તમારા ધંધા માટે આ કામ કરતા હોવ તો ફાયદો થશે. વધારે ફોલોઅર્સ હશે તો કોઈ તમારી ID પર આવશે ત્યારે ઇમ્પ્રેશન પડશે. અજાણ્યો કસ્ટમર તમારી પ્રોફાઈલ પર આવશે તો તમારા ફોલોઅર્સને તમારા કસ્ટમર સમજશે. એ ચોક્કસ તમારો કોન્ટેક્ટ કરશે. ધંધા માટે ફોલોઅર્સ વધારવાની લાલચ આપી તેણે ડીલ કરવા માટે વધુ એક લાલચભર્યા સપના બતાવતા કહ્યું, તમે તમારા ધંધામાં પણ કોમ્પિટિટર્સના એકાઉન્ટ જોઈ લેજો. જેના 5-10 લાખ ફોલોઅર્સ છે. તેમના પેજ પર આટલા બધા ફોલોઅર્સ ક્યાંથી આવે છે? શું તે લોકો શાહરૂખ ખાન કે સલમાન ખાન છે? તો તેમના પેજમાં આટલા બધા ફોલોઅર્સ આવે. અત્યારનો જમાનો ખરાબ છે. બધા ઈર્ષાળું છે. કોઈ કોઈને ફોલો જ નથી કરતું. વાતચીતમાં તેને અમારા પર ભસોસો વધતો ગયો અને વધુને વધુ ઊંડાણથી સમજાવવા લાગ્યો. અમારા સવાલ હતા કે પેમેન્ટ કરતા જ અચાનક જ ફોલોઅર્સ વધી જશે? તમે પોતે જ કામ કરશો કે પછી અમે ઓર્ડર આપીશું પછી તમે કોઈકને આગળ ઓર્ડર આપશો? તેણે કહ્યું કે, અચાનક ફોલોઅર્સ નહીં વધે. પેમેન્ટ મળ્યાના 10 મિનિટમાં ઓર્ડર પ્લેસ થશે અને 1 કલાકમાં ફોલોઅર્સ વધાવાનું શરૂ થશે. હું તમને આખી પ્રોસેસ કહી દઇશ તો પછી અમે શું કરીશું!!! જ્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન ઉત્તરપ્રદેશ, ઝારખંડના યુવક સંપર્કમાં આવ્યા અત્યાર સુધી અમને લાગતું હતું કે આ માત્ર વ્હોટ્સએપ પર ચાલતું નાના માણસોનું કમિશન નેટવર્ક છે. પરંતુ જ્યારે અમારી તપાસ ઉત્તર પ્રદેશ અને ઝારખંડના રિમોટ સેન્ટરો સુધી પહોંચી ત્યારે સામે આવ્યો એક એવો 'ડિજિટલ ફાર્મ'નો નજારો જેણે ઇન્વેસ્ટિગેશન ટીમને પણ ચોંકાવી દીધી. એક નાના રૂમમાં ઘણા બધા કમ્પ્યુટર અને સોફ્ટવેરનું નેટવર્ક... શું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આંખમાં ધૂળ નાખવાની ચાલ છે કે પછી યુઝર્સને સોફ્ટવેરના નામે છેતરવાની નવી ટ્રિક? ભારતમાં ઇન્સ્ટાગ્રામની જેમ જ યુટ્યુબનો ક્રેઝ પણ ઓછો નથી. અંદાજે 50 કરોડ યુઝરની સામે 10 કરોડ યુટ્યુબ ચેનલ છે. જ્યાં શોર્ટ્સ ઉપરાંત લાંબા વીડિયો પણ મૂકીને કમાણી કરી શકાય. પણ યુટ્યૂબની મોનીટાઇઝેશન કડવી વાસ્તવિકતા એ છે કે 10 કરોડમાંથી માંડ 6 ટકા જ ચેનલ મોનિટાઇઝેશનની શરતો પર ખરી ઉતરે છે. એટલે જ લોભમાં આવીને કન્ટેન્ટ ક્રિએટર મોનિટાઇજેશન માટે શોર્ટકર્ટનો સહારો લે છે. અમે એવા લોકોને શોધ્યા જેઓ ખોટી રીતે સબસ્ક્રાઇબર અને વોચટાઇમ વધારીને ચેનલ મોનિટાઇઝ કરી આપવાનો દાવો કરતા હતા. શિકારી નંબર-3 એક રૂમ, 30થી વધુ કોમ્પ્યુટર અને લૂપમાં ચાલતો એક જ વીડિયો અમને નીતિન કુમાર નામનો એક શખ્સ મળ્યો, જે ઉત્તરપ્રદેશના લખનઉનો વતની હતો. તેણે અમને એક વીડિયો મોકલ્યો, જેમાં એક જ રૂમમાં ઘણા બધા કોમ્પ્યુટર ગોઠવેલા જોવા મળ્યા અને બધામાં એકસાથે યુટ્યુબ પર એક જ વીડિયો પ્લે થઈ રહ્યો હતો. 7 દિવસમાં યુટ્યૂબથી કમાણી શરૂ કરાવી દેવાની ઓફર નીતિને 1500 રૂપિયામાં ચેનલ મોનિટાઈઝ કરી આપવાનો વાયદો કર્યો, જેમાંથી માત્ર 200 રૂપિયા એડવાન્સ આપવાના હતા. 24 કલાકમાં મોનિટાઈઝેશન અને 7 દિવસમાં કમાણી શરૂ થવાની ગેરેંટી આપી. તેના કહેવા પર અમે એક યુટ્યૂબ ચેનલની લિંક પણ આપી. જેથી તેને વિશ્વાસ આવે અને મોનિટાઇઝેશનના શોર્ટકટની પ્રોસેસ વધુ સારી રીતે સમજાવી શકે. અમે આગળ પણ કેટલાક સવાલો કર્યા. એ દરમિયાન નીતિને અમને સામે ચાલીને વ્હોટ્સએપ કોલ કરી દીધો. પછી રિપોર્ટર અને નીતિન વચ્ચે વાતચીત શરૂ થઈ. નીતિન: અમારી સર્વિસ એકદમ સેફ છે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં તમારી ચેનલ જોઈ લીધી છે. કામ થઈ જશે. રિપોર્ટર: જો તમે એક જ એકાઉન્ટથી મારી યુટ્યુબ ચેનલના વીડિયો જોવાનું ચાલું રાખશો તો યુટ્યુબને જાણ નહીં થઈ જાય? નીતિન: કોઈને કાંઈ ખબર નહીં પડે. સોફ્ટવેરથી અમારું કામ ચાલતું જ હોય છે. હવે અમારી વાતચીત ચેટથી ઓડિયો કોલ સુધી આવી ગઇ હતી. એટલે હવે વીડિયો કોલ કરીને તેનું LIVE સેટઅપ બતાવવા કહ્યું. નીતિન એલર્ટ થઇ ગયો અને તેણે ના પાડતાં કહ્યું, અમારી સાથે વીડિયો કોલ અલાઉ જ નથી. માત્ર 200 રૂપિયા અત્યારે આપવાના થશે. 200 રૂપિયામાં કંઈ હું અંબાણી થઈ જવાનો નથી. જો કે અમારે કોઈક રીતે તેના કામકાજના પુરાવા ભેગા કરવા હતા. એટલે અગાઉ જે ચેનલના સબસ્ક્રાઈબર વધાર્યા હોય તેનું લિસ્ટ મોકલવા કહ્યું. થોડી જ વારમાં નીતિને સ્ક્રીનશોટ્સ મોકલી પણ આપ્યા. નીતિને મોકલેલા મોનેટાઇઝ પહેલા અને પછીના સ્ક્રીનશોટ્સ શિકારી નંબર-4 સોશિયલ મીડિયા પર અમને વધુ એક એકાઉન્ટ મળ્યું, નામ હતું 'ટેકનિકલ કૌશલ ગુરુજી'. જેના પર ઘણા બધા PC સાથે યુટ્યુબ મોનેટાઈઝેશનની સર્વિસનો વીડિયો મુક્યો હતો. તેણે તો માત્ર 999 રૂપિયામાં ચેનલ મોનિટાઈઝ કરી આપવાની લાલચ આપી. ખાલી 100 રૂપિયા એડવાન્સમાં આપવાના એટલે કામ શરૂ અને 45 મિનિટમાં જ ચેનલ મોનિટાઇઝ થઇ જશે. રોજના 15-20 કસ્ટમર નક્કી આ કામનો વાયદો કરનાર યુવક ઝારખંડનો હતો. તેણે અમને ચાર-પાંચ કમ્પ્યુટરમાં એકસાથે ચાલતા વીડિયોનો પુરાવો પણ મોકલ્યો. આમ, યુટ્યુબ બાબતે તમામની મોડસઓપરેન્ડી સરખી હતી. જ્યારે અમે તેને પૂછ્યું કે આ કઈ રીતે શક્ય છે, ત્યારે તેણે જણાવ્યું કે તે 'ડેશબોર્ડ સોફ્ટવેર' નામની SMM પેનલનો ઉપયોગ કરે છે. અમારી પાસે રોજના 15-20 કસ્ટમર આવે છે અને અમે દરેકનું કામ કરીએ છીએ. તમને કોઈ તકલીફ નહીં પડે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમે આ ચારેય ડીલરની જાળમાંથી તો બચી ગયા, પણ તેમની વાતચીતમાં વપરાયેલા 'SMM પેનલ' અને 'ડેશબોર્ડ સોફ્ટવેર' જેવા શબ્દોએ મોટા સવાલ ઊભા કર્યા. શું પૈસા આપીને આંકડા વધારવા એ કાનૂની ગુનો છે કે પછી માત્ર પ્લેટફોર્મનો નિયમભંગ? આ કાયદાકીય 'ગ્રે એરિયા'ની અસલી સીમારેખા શું છે? અને સિંગર બાદશાહ જેવા કિસ્સામાં પોલીસ કેસ કેમ થયો હતો? એ સમજવા અમે સાયબર એક્સપર્ટ નેહલ સાથે વાત કરી. સાયબર એક્સપર્ટે સિંગર બાદશાહ પર થયેલો કેસ યાદ કર્યો ડિજિટલ માર્કેટિંગના નામે માત્ર એક જ કલાકમાં લાખો ફોલોઅર્સ વધારવા અને યુટ્યુબ ચેનલ મોનિટાઇઝ કરી આપવાના દાવાઓ અંગે તેઓ જણાવે છે કે, આ બધી પ્રવૃત્તિ ખરા અર્થમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ છે જ નહીં. તેઓ તેને આર્ટિફિશિયલ ગ્રોથ અથવા ફેક એંગેજમેન્ટ સાથે સરખાવે છે. વાસ્તવિક સોશિયલ મીડિયા માર્કેટિંગમાં ટાર્ગેટ ઓડિયન્સ, એસઈઓ, માર્કેટિંગ સ્ટ્રેટેજી અને કન્ટેન્ટ જેવી બાબતો હોય છે. અગાઉના કિસ્સાઓનો ઉલ્લેખ કરતા તેઓ જણાવે છે કે સેલેબ્સ પણ ફેક ફોલોઅર્સના કિસ્સામાં કાનૂની કાર્યવાહીનો ભોગ બની ચૂક્યા છે. દાખલા તરીકે, જાણીતા સિંગર બાદશાહે 70થી 75 લાખ રૂપિયા આપીને ફેક ફોલોઅર્સ ખરીદ્યા હતા, જેના કારણે તેમની સામે પોલીસ કેસ થયો હતો અને તેમણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. આઈટી એક્ટના ઉલ્લંઘન અંગે નેહલ સમજાવે છે કે માત્ર ફેક ફોલોઅર્સ વધારવા એ આઈટી એક્ટનું ઉલ્લંઘન નથી. પરંતુ ફેક ફોલોઅર્સ, ફેક વ્યુ અને ફેક ઇમ્પ્રેશન ઊભી કરીને કોઈ ગુનો કરવો એ આઈટી એક્ટનું ચોક્કસ ઉલ્લંઘન છે. સરળ ભાષામાં કહીએ તો કોઈ અપરાધ કરવા માટે ફેક ફોલોઅર્સનો હથિયાર તરીકે ઉપયોગ કરવો એ ગુનો છે. દાખલા તરીકે, ફેક ફોલોઅર્સ કે લાઇક્સ દ્વારા પોતાની ખોટી ઇમ્પ્રેશન બનાવીને કોઈની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ કરે તો તે સ્થિતિમાં સાયબર ફ્રોડનો ગુનો પણ લાગુ પડે છે. જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ગેરરીતિની ખબર પડી તો બધુ ધૂળધાણી પૈસા આપીને યુટ્યુબ મોનેટાઇઝેશન કરાવનારા લોકોએ ખાસ ચેતવાની જરૂર છે, કારણ કે યુટ્યુબ પર કૃત્રિમ રીતે વોચ ટાઇમ કે સબ્સ્ક્રાઇબર્સ જનરેટ કરવા પર સખત પ્રતિબંધ છે. જ્યારે પણ યુટ્યુબને આવી ગતિવિધિની જાણ થાય છે, ત્યારે તેઓ તમારું મોનેટાઇઝેશન તરત જ રદ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ પણ આ બાબત નોટિસ કરે છે. જો તમે ઇન્ફ્લુએન્સર છો તો તમારા કરિયરને પણ નુકસાન પહોંચી શકે છે. એક જ કલાકમાં લાખો સબસ્ક્રાઇબર્સ વધારવાની કે ચેનલ મોનેટાઇઝ કરવાની પદ્ધતિ વિશે વાત કરતા નેહલ જણાવે છે કે, આ માટે બોટ્સ અને કેટલીક દેશી-વિદેશી વેબસાઇટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવી અનેક ઓપન સોર્સ વેબસાઇટ્સ ઉપલબ્ધ છે જ્યાં રૂપિયા આપવાથી તેઓ ફેક ફોલોઅર્સ પૂરા પાડે છે. કોઈપણ વ્યક્તિએ પૈસા આપીને ફોલોઅર્સ વધારવા કે યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ કરાવવાના શોર્ટકટથી બચવું જોઈએ. ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં તમે માત્ર એક નકલી આંકડો મેળવો છો અને સાયબર ટ્રેપ કે સાયબર ક્રાઇમનો શિકાર પણ બની શકો છો.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના રાષ્ટ્રપતિને મળ્યા પીએમ મોદી:યુદ્ધ પછી પ્રથમ મુલાકાત; SCO સમિટ માટે બંને નેતાઓ કિર્ગિસ્તાન પહોંચ્યા
    Next Article
    ભરૂચમાં શિષ્યવૃત્તિ ન મળતા આદિવાસી વિદ્યાર્થીઓનો રોષ:આદિજાતિ કચેરીએ રજૂઆત, પાછલા વર્ષની સ્કોલરશિપ બાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment