Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૉન્ટાજ:ડોન હોય તો ‘બથ્થા’ જેવો!

    2 days ago

    પાર્થ દવે સમય જતાં આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ કે આપણે ખરેખર કોણ છીએ. સમાજે આપણા પર થોપેલી ભૂમિકાઓને જ આપણી ઓળખ માનીને જીવવા લાગીએ છીએ. અને થોપેલી ઇમેજનું કારણ પણ કંઈક જુદું હોય છે. તે ઇમેજથી આપણે ભાગી નથી શકતા. બચી નથી શકતા. જીવનની આ દોડધામમાં અટકીને, જરા પૉઝ લઈને પોતાની જાતને ઓળખવાનો, આપણે ખરેખર કોણ છીએ અને શું બનવા માગીએ છીએ એ વિશે વિચારવાનો અવકાશ જ ક્યાં મળે છે? પરંતુ જ્યારે જીવન જ આપણને થોભીને આત્મમંથન કરવાની ફરજ પાડે ત્યારે શું થાય? ત્યારે ‘બથ્થાભાઈ’ જેવું થાય! બથ્થાભાઈની વાર્તા રસપ્રદ છે; સાંભળજો. બથ્થા પોતાના ગામનો ખૂંખાર ડોન છે. તે ઇચ્છે છે કે લોકો તેનાથી ડરે. તેની નજીક આવતાં પહેલાં 100 વખત વિચારે. તે પોતાની આ ઇમેજ ઊભી કરવામાં સફળ પણ છે. પણ એક દિવસ એવું કંઈક થાય છે કે તેણે ઊભી કરેલી આ બહારની છબી અને વ્યક્તિત્વનો મહોરો ઊતરે છે. આમ પણ માણસની સચ્ચાઈ ત્યારે ખબર પડે જ્યારે તે નિઃસહાય અને લાચાર પરિસ્થિતિમાં હોય. નવા વર્ષે સિનેમાથી હટીને કોઈ ચિંતનાત્મક આર્ટિકલ લખવાનો વિચાર નથી, પણ આ ફિલ્મ કરતાં વધારે મજબૂત કોઈ વિષય ન હોઈ શકે નવા વર્ષના આપણા મેળાપ માટેનો! વાત છે મૂળ તમિળ ભાષામાં બનેલી ફિલ્મ ‘બથ્થા’ની. બથ્થા ડોન બન્યા છે વિજય સેતુપતિ. ‘96’, ‘વિક્રમ વેધા’ અને ‘સુપર ડિલક્સ’ જેવી ફિલ્મો ઉત્તર ભારતમાં પણ ખૂબ જોવાઈ છે. ઇવન તેમની ‘મહારાજા’ પણ અફલાતૂન ફિલ્મ છે. પણ ‘બથ્થા’માં માત્ર તેઓ જ હીરો નથી, બીજો અને કહી શકાય કે મુખ્ય હીરો છે સબરી નામનો છોકરો! તે પાત્ર બાળ-કલાકાર સઈ પૃથ્વીરાજે ભજવ્યું છે. થાય છે એવું કે બથ્થો બાથરૂમમાં હોય છે અને સબરીથી અનાયાસે તે બાથરૂમ બંધ થઈ જાય છે! બથ્થાને લાગે છે કે તેને કોઈએ બંધ કર્યો છે, કેમ કે ભાઈનાં કરતૂતો એવા છે. પછી શું થાય છે? આ છે વાર્તાનો મુખ્ય પ્લૉટ! એકધારી જિંદગીમાં પોતાના વ્યક્તિત્વનો ભાર લઈને દોડતા માણસને જીવન જ્યારે થોડા સમય માટે અટકાવે છે ત્યારે સમજાય છે કે, નાહકના કલેશ, નાહકના ઝઘડા અને નાહકનો ગુસ્સો લઈને ફરીએ છીએ આપણે. બથ્થાને જીવન આવી તક આપે છે. તેનું અસલી વ્યક્તિત્વ બહાર આવે છે. *** ‘બથ્થા’ના લેખક અને ડિરેક્ટર છે બાલાજી થરણીથરણ. ફિલ્મનું જોનર કૉમેડી – ડ્રામા કહી શકાય. પણ સમગ્ર ફિલ્મ દરમિયાન રોમાંચનું તત્ત્વ બરકરાર રહે છે. સાઈ અભ્યંકરનું સંગીત મજબૂત પાસું છે, પણ ક્યાંક પશ્ચાતમાં ઑવર થઈ જાય છે. પણ ફિલ્મનો ટૉન તદ્દન હળવો રાખવા તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મુકાયું હોય તેવું લાગે છે. ફિલ્મની શરૂઆત 1966થી થાય છે. એક ઝાડ તૂટે છે. તે ઝાડના થડમાંથી એક સુથાર મજબૂત દરવાજો બનાવે છે. તે એક ગીત સાંભળી રહ્યો છે. તે દરવાજો એક દીવાલ વચ્ચે ફિટ થાય છે. અને વાર્તા સરકે છે 1986માં. આ સુથાર ફિલ્મમાં આગળ જતાં અનપેક્ષિત રીતે પાછો આવે છે! એ જ રીતે ફિલ્મમાં તમામ નાનાં દૃશ્યો મહત્ત્વનાં છે. બથ્થા, પત્ની અને દીકરી સાથે રહે છે. પેલો બાળક સબરી તેના મમ્મી – પપ્પા સાથે રહે છે. છેલ્લા ‘મૉન્ટાજ’માં આપણે વાત કરી તે ‘ડોરોથી’ પણ નેવુંના દાયકામાં સેટ હતી અને ‘બથ્થા’ પણ. એટલે આ ફિલ્મોમાં તમને મોબાઇલ જોવા નથી મળતા. ફ્રેમમાં સાદગીભર્યું જીવન દેખાય છે. ફિલ્મોમાં જ્યારે ફોન વગરનો જમાનો હોય ત્યારે રેડિયોનો અવાજ આવે. આજે સોશિયલ મીડિયામાં ચોતરફ અતિશયોક્તિ ફૂલીફાલી રહી છે ત્યારે સંદેશાવ્યવહારનાં મર્યાદિત સાધનો ધરાવતો એ સમય જાણે આપણને બિનજરૂરી નકારાત્મકતાથી એક પ્રકારનું રક્ષણ આપતો હતો! ‘બથ્થા’માં એ જીવન બિટવીન ધ લાઇન્સ દેખાય છે! *** શાહરુખ ખાનની નવી ફિલ્મ ‘કિંગ’નું એક ગીત તેમના જન્મદિવસે લૉન્ચ થયું છે. તામઝામ સાથેના એ ગીતમાં ભારતીય દર્શકો સાથેનું કોઈ કનેક્શન જ નથી! ભારતીય એટલે કે બની શકે કે તે ફિલ્મ વિદેશી દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવેલી હોય! હજુ બોલિવૂડના અમુક મેકર્સની વિચારસરણી એ જ છે કે, દર્શકોને મોટા સેટ્સ, વિદેશ, ટૂંકાં કપડાં ને તામઝામ બતાવો એટલે તેઓ રાજી થશે! બીજી બાજુ, તમિળ સિનેમા ‘બથ્થા’, ‘ડોરોથી’, ‘મંદાદી’, ‘ડિસી’ અને ‘મોધા રાત્રિ’ જેવી ધારદાર ફિલ્મો બનાવી રહ્યું છે. આપણે બથ્થા, ડોરોથી અને ડિસી ફિલ્મની વાત અગાઉ અહીં કરી છે. આ વાર્તાઓ આપણી આસપાસની લાગે છે. કન્વિક્શન સાથે કહેવાયેલી આ વાર્તા છે અને ડોરોથી અને બથ્થા ફિલ્મનું ડબિંગ પણ સરસ થયું છે. બથ્થાનાં ગીતોની ભાષા નથી બદલાઈ, માત્ર સંવાદો હિન્દીમાં મુકાયા છે. આનો ફાયદો એ છે કે, જેમને ખરેખર આ વાર્તા ફરી વખત પ્રામાણિકતાથી કહેવી છે તેઓ જ તેના રાઇટ્સ લઈને રીમેક બનાવશે, નહીંતર તેલુગુ ફિલ્મ ‘પ્રેમાલુ’ જેવું થાય, જેની અતિ નબળી રીમેક ‘પ્રેમ કીટાણુ’ આ વર્ષે રિલીઝ થઈ.
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:સંકલ્પબળથી સફળતા ભણી
    Next Article
    એન્કાઉન્ટર:‘કાગનું બેસવું ને ડાળનું તૂટવું’, એટલે શું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment