Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામાયણ'ના લક્ષ્મણે એકતા કપૂરનું સિંહાસન ડોલાવી નાખ્યું:કિસિંગ સીન ભજવવાનું કહેતા રવિ દુબેની ધમકી, એક સમયે બે ટંક ખાવાની ચિંતા હતી ને આજે દોમ દોમ સાહ્યબી

    10 hours ago

    નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' પાંચ નવેમ્બરે રિલીઝ થઈ ને ચાર દિવસમાં જ વર્લ્ડવાઇડ 500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે દર્શકોએ ફિલ્મની ઘણી જ ટીકા કરી હતી, પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોને ફિલ્મ ઘણી જ ભવ્ય લાગી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂરે શ્રીરામ, સાઇ પલ્લવીએ માતા સીતા ને યશે રાવણનો રોલ કર્યો છે. ફિલ્મમાં લક્ષ્મણના રોલમાં ટીવી એક્ટર રવિ દુબેને લેવામાં આવ્યો છે. રવિ દુબે શ્રીરામના નાના ભાઈના રોલમાં હોવાની જાણ થતાં જ અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને એક ટીવી એક્ટર કેવી રીતે આ રોલને ન્યાય આપી શકે તેવો સવાલ પણ કર્યો હતો. અલબત્ત, ફિલ્મ રિલીઝ થતાં જ રવિ દુબેએ પોતાની દમદાર એક્ટિંગથી લોકોને જડબાતોડ જવાબ આપી દીધો છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું દુબે પરિવારની.... રવિ દુબે માયાનગરી મુંબઈમાં જ કેમ ભણવા આવ્યો? મુંબઈથી દિલ્હી પરત ફરતાં રવિ દુબેને કેમ આત્મહત્યાના વિચારો આવતા? પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં રવિ દુબેને કેમ બે ટંક ભોજનની ચિંતા હતી? રવિ દુબેએ બૌદ્ધ ધર્મને કેમ અનુસરવાનું નક્કી કર્યું? રવિએ કિસિંગ ને ઇન્ટિમેટ સીન્સ પહેલા પત્નીની પરમિશન કેમ લીધી? રવિ દુબેએ કેવી રીતે ટીવીના મહારથીઓને પાછળ મૂક્યા? ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દુબે પરિવારમાં 23 ડિસેમ્બર, 1983માં જન્મેલો રવિ દિલ્હીમાં મોટો થયો છે. પિતા જ્ઞાન પ્રકાશ દુબે સિવિલ એન્જિનિયર છે. તેમણે દિલ્હી-NCRમાં વિવિધ રિયલ એસ્ટેટના પ્રોજક્ટ્સમાં કામ કર્યું છે. માતા સુધા દુબે હોમ મેકર છે. રવિએ ચિરંજીવ ભારતી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. પિતાની જેમ જ રવિએ પણ એન્જિનિયર બનવાનું નક્કી કર્યું પણ એ વાત અલગ છે કે રવિને નાનપણથી જ એક્ટિંગ પ્રત્યે લગાવ હતો. જોકે, તે સમયે રવિએ એક્ટર બનવા અંગે કંઈ વિચાર્યું નહોતું ને પરિવારમાં પણ કોઈને આ વાત કરી નહોતી. પિતાને એ વાતનો અંદાજો હતો કે દીકરાને ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરવું છે. અલબત્ત, પિતા તરીકે તેમને દીકરાની કરિયરની ચિંતા પણ હતી કે જો તે ક્રિએટિવ ફિલ્ડમાં ફેઇલ થાય તો એન્જિનિયર બની ગયો હોય તો ભવિષ્યમાં વાંધો ના આવે. આ જ કારણે પિતાએ જ રવિને મુંબઈમાંથી એન્જિનિયરિંગ કરવાની સલાહ આપી હતી. માયાનગરીમાં એક્ટિંગની તકો વધુ હોવાથી ત્યાં જ વધુ અભ્યાસ કરવાનું કહ્યું. પિતાની સલાહ બાદ રવિએ મુંબઈની રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનિક એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. દિલ્હીનો સફળ વિદ્યાર્થી મુંબઈમાં ફેઇલ વર્ષ 2001માં રવિ દિલ્હીથી મુંબઈ આવ્યો. સ્કૂલમાં બ્રિલિયન્ટ વિદ્યાર્થી હોવાથી રવિને એવું લાગ્યું કે કોલેજમાં વાંધો નહીં આવે પણ કોલેજના પહેલા જ સેમેસ્ટરમાં તે પાંચમાંથી ચાર પેપરમાં ફેઇલ થયો. બીજા સેમેસ્ટરમાં પણ આ જ સ્થિતિ રહી. બે સેમેસ્ટરમાં મળેલી નિષ્ફળતાથી હતાશ રવિ પાછો પોતાના ઘરે જતો રહ્યો. ઘરે આવ્યા બાદ આસપાસના લોકો તેને સંભળાવવા લાગ્યા કે નિષ્ફળતાથી ડરીને તે પાછો ફર્યો છે, તે ત્યાં ભણતો નહોતો? લોકોની સતત આ વાતોથી રવિ દુબે નિરાશ થઈ ગયો ને આત્મહત્યાના વિચાર આવવા લાગ્યા. રવિને મનમાં થતું કે હવે જીવવાનો કોઈ અર્થ નથી. તે ભણવામાં કંઈ કરી શકશે નહીં. હવે તેની પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ દરમિયાન રવિ દુબે બૌદ્ધ ધર્મના પરિચયમાં આવ્યો. રવિએ બૌદ્ધ ધર્મને અનુસરવાનું નક્કી કર્યું ને રોજ "નમ મ્યોહો રેંગે ક્યો"નો મંત્રજાપ કરતો. આધ્યાત્મિકતાની મદદથી રવિ દુબે ડિપ્રેશનમાંથી બહાર આવ્યો અને તેને હિંમત મળી. ટીવી જાહેરાતમાં કામ કર્યું રવિ પાછો મુંબઈ ગયો અને તેને લાગ્યું કે તે કદાચ એન્જનિયિરિંગ કરી શકશે નહીં તો તેણે જર્નલિઝમમાં ડિપ્લોમામાં એડમિશન પણ લીધું. જોકે, કોલેજના ત્રીજા વર્ષમાં રવિએ ભણવામાં ધ્યાન આપ્યું અને પાસ થવા લાગ્યો. આ જ વર્ષે રવિએ ટીવી જાહેરાતમાં ઑડિશન આપવાના શરૂ કર્યું. થોડો સમય ઑડિશન આપ્યા બાદ અંતે 2005માં રવિ ડિરેક્ટર શૂજિત સરકારની જાહેરાતમાં સિલેક્ટ થયો. આ જાહેરાત બાઇકની હતી અને રવિને આ જાહેરાતમાં કામ કરવા બદલ 10 હજાર રૂપિયા મળ્યા હતા. આ જ વર્ષે શૂજિત સરકારે ફિલ્મ 'યહાં'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ઘરેથી પૈસા માગવાનું બંધ કર્યું રવિનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો, પરંતુ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાને કારણે પરિવારે ખાસ્સા પૈસા ખર્ચી નાખ્યા હતા. આ જ કારણે રવિએ નક્કી કર્યું કે હવે તે પરિવાર પાસે પૈસા માગશે નહીં. તેને જાહેરાતમાં કામ કરવા બદલ 10 હજાર મળ્યા હતા તો તેમાંથી થોડો સમય ગુજરાન ચલાવ્યું. જોકે, તે સમયે રવિને રેગ્યુલર કામ મળતું નહોતું. ઘણીવાર તેની પાસે જમવાના પણ પૈસા નહોતા. આ સમયે રવિના કોલેજ ફ્રેન્ડ્સ મદદ કરતા. દીકરાને પહેલી વાર ટીવી પર જોયો તો પિતાએ 50 હજાર ઉડાવી દીધા રવિએ પહેલી વાર જાહેરાતમાં કામ કર્યું ત્યારે તેણે પરિવારને જણાવ્યું હતું. પિતા ગુરુગ્રામની એક રેસ્ટોરામાં ડિનર લઈ રહ્યા હતા. ત્યાં બિગ બીનો લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ' ચાલતો હતો. બ્રેક દરમિયાન રવિ બાઇકની જાહેરાતમાં જોવા મળ્યો. દીકરાને પહેલી જ વાર ટીવી પર જોઈને જ્ઞાન પ્રકાશ દુબે ઘણા જ ખુશ થઈ ગયા. તેમણે રેસ્ટોરામાં જેટલા લોકો પણ જમતાં હતા તે તમામનું બિલ ભરવાની જાહેરાત કરી ને તેમણે 50 હજાર રૂપિયા બિલ ભર્યું. 40થી વધુ જાહેરાતોમાં કામ કર્યું, જુનિયર આર્ટિસ્ટ બન્યો પહેલી જાહેરાતમાં કામ કર્યા બાદ રવિ દૂબેને ધીમે ધીમે બીજી જાહેરાતોમાં કામ મળવા લાગ્યું. રવિ દુબેએ અંદાજે 40થી વધુ જાહેરાતોમાં કામ કર્યું. રવિ દુબેએ સિરિયલ્સ માટે ઑડિશન આપવાના શરૂ કર્યા. આ દરમિયાન રવિ દુબેનો રૂમ મેટ જુનિયર આર્ટિસ્ટ કો-ઓર્ડિનેટર હતો. તેણે જ રવિ દુબેને જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરવું છે કે નહીં તે સવાલ કર્યો હતો. રવિ દુબેએ હા પાડતાં જ ઓપ્ટિમિસ્ટિક પ્રોડક્શનના હેડ વિપુલ શાહ સાથે મુલાકાત કરાવી. વિપુલ શાહે તરત જ ટીવી શો 'કિસમેં કિતના હૈ દમ'ના હોસ્ટ ગુલ પનાગ ને હુસૈનની પાછળ ડાન્સ કરવા ઊભો રાખ્યો. રવિ દુબેને 500 રૂપિયા મળ્યા. રવિએ એક સમયે જે પ્રોડક્શન હાઉસમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું, તે જ પ્રોડક્શન હાઉસની સિરિયલ 'સાસ બિના સસુરાલ'માં લીડ રોલ પ્લે કર્યો હતો. જાહેરાતોને કારણે સિરિયલમાં લીડ રોલ મળ્યો રવિએ પોતાની એક્ટિંગથી કાસ્ટિંગ ડિરેક્ટર્સના મનમાં એક અલગ સ્થાન બનાવી લીધું હતું. જાહેરાતોમાં કામ કર્યાના એક વર્ષની અંદર જ રવિ દુબેએ ટીવી સિરિયલ 'સ્ત્રી તેરી કહાની'માં ઑડિશન આપ્યું. નસીબજોગે રવિ દુબે સિરિયલમાં સિલેક્ટ થયો. આ સિરિયલ દિલીપ કુમાર ને સાયરાબાનોએ પ્રોડ્યુસ કરી હતી. સિરિયલમાં રવિ દુબે મેઇન લીડ રોલમાં નહોતો, પરંતુ તેનો રોલ લીડ એક્ટર સાથે જ હતો અને તેણે રવિ અગ્રવાલનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલ ત્રણ વર્ષ ચાલી હતી. સિરિયલનું શૂટિંગ દિલીપ કુમારના ઘરમાં પણ કરવામાં આવ્યું હતું. રવિ દુબેએ સિરિયલથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ઊભી. એ વાત અલગ છે કે રવિ દુબે હજી ચાહકોમાં લોકપ્રિય થયો નહોતો. 2010માં 'સાસ બિના સસુરાલ'થી મળ્યો બ્રેક 2010માં રવિ દુબેએ સિરિયલ 'સાસ બિના સસુરાલ'માં લીડ રોલ પ્લે કર્યો. આ સિરિયલમાં ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજા સાથે જોડી બનાવી હતી ને સિરિયલ ચાહકોમાં ખાસ્સી લોકપ્રિય થઈ. 2014માં રવિ દુબેએ ટીવી સિરિયલ 'જમાઇ રાજા'માં નિયા શર્મા સાથે કામ કર્યું. આ સિરિયલ ભારતભરમાં લોકપ્રિય થઈ. આ સિરિયલને કારણે રવિ દુબેએ ઇન્ડસ્ટ્રી ને ચાહકોમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી. આ દરમિયાન રવિ દુબેએ વિવિધ રિયાલિટી શો 'નચ બલિયે', 'ખતરોં કે ખિલાડી'માં પણ કામ કર્યું. ઉપરાંત રવિ દુબેએ 'એન્ટરટેઇનમેન્ટ કી રાત', 'સબસે સ્માર્ટ કૌન', 'સા રે ગા મા પા લિટલ ચેમ્પ', 'ધ ડ્રામા કંપની' જેવા શો હોસ્ટ પણ કર્યા. એક સમયે મુંબઈમાં રવિ દુબે બે ટંક ભોજનની વ્યવસ્થા નહોતો કરી શકતો તે જ રવિ દુબે હવે ટીવી ઇન્ડસ્ટ્રીનો હાઇએસ્ટ પેઇડ એક્ટરમાંથી એક હતો. 2009માં સિરિયલ સેટ પરથી શરૂ થયો પ્રેમ 2009માં '12/24 કરોલ બાગ'ના સેટ પર સરગુન મહેતા ને રવિ દુબેની મુલાકાત થઈ હતી. સરગુને પહેલી વાર જ્યારે રવિને જોયો ત્યારે લુક ટેસ્ટમાં જોયો હતો. તેને રવિ બિલકુલ ગમ્યો નહોતો અને તેને ચશ્મીશ કહી દીધો હતો. ત્યારબાદ સિરિયલનું શૂટિંગ શરૂ થયું. સિરિયલ દિલ્હીમાં શૂટ કરવામાં આવી હતી. શૂટના પહેલા દિવસે રવિ દુબે પોતાની વેનિટી વેનમાંથી ઉતર્યો ત્યારે તે બ્લેક જેકેટ ને બ્લૂ ડેનિમમાં હતો. રવિને જોતા જ સરગુન મનમાં બોલી કે ઓહ માય ગોડ... આ હેન્ડસમ છોકરો કોણ છે? થોડા સમય બાદ જ સેટ પર બંનેની ફ્રેન્ડશિપ થઈ. સિરિયલમાં પણ બંને વચ્ચે પ્રેમ સંબંધો બતાવવામાં આવ્યા હતા. જોકે, રિયલ લાઇફમાં તેઓ માત્ર ફ્રેન્ડ્સ હતા. સિરિયલ પૂરી થયા બાદ બંને મુંબઈ પાછા આવ્યા. રવિ સતત સરગુનની મદદ કરતો હતો. પછી તે ઘર શોધવાનું હોય કે ઘર ડેકોરેટ કરવાનું હોય કે ઘરનો કોઈ સામાન લાવવાનો હોય. સરગુનને આ વાતો ગમવા લાગી. બંનેને એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. ગિફ્ટમાં ડાયમંડ રિંગ નહીં પણ વોશિંગ મશીન આપ્યું એક વાર એવું થયું કે રવિ ને સરગુન રેસ્ટોરાંમાં ડિનર લઈ રહ્યા હતા અને ત્યાં અચાનક જ સરગુને રવિને સવાલ કર્યો કે તે તેઓ ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડ છે ખરાં? રવિએ એવો જવાબ આપ્યો કે તેને તો એવું જ લાગે છે. ત્યારબાદ સરગુનનો જન્મદિવસ આવ્યો. તેને હતું કે રવિ કોઈ રોમેન્ટિક ગિફ્ટ આપશે, પરંતુ બર્થડેના દિવસે રવિએ એવું કહ્યું કે તે બે દિવસ ગિફ્ટ આપશે. સરગુને ગિફ્ટ અંગે અનેક કલ્પનાઓ કરી હતી. જોકે, રવિએ વોશિંગ મશીન ને ટીવી ગિફ્ટમાં આપ્યું. સરગુનને આ ગિફ્ટ જોઈને ઘણી જ નવાઈ લાગી હતી. વાસ્તવમાં સરગુન ભાડાના ઘરમાં રહેતી હતી અને તેને આ બંને વસ્તુની જરૂર હતી તો રવિએ બર્થડે ગિફ્ટમાં આ જ આપી દીધું. 2012માં રિયાલિટી શોમાં પ્રપોઝ કર્યું 2012માં રિયાલિટી શો 'નચ બલિયે 5'ના સેટ પર રવિએ સરગુનને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. સરગુનને ખબર પડે નહીં તે રીતે બંનેના પેરેન્ટ્સને શોમાં બોલાવ્યા ને તમામ એરેન્જમેન્ટ જાતે કરી. શોમાં રવિએ ડાયમંડ રિંગથી મેરેજ માટે પ્રપોઝ કર્યું હતું. સરગુન રવિની આ સરપ્રાઇઝથી ખુશ થઈ ગઈ હતી. બંનેએ મીડિયામાં ક્યારેય પોતાના સંબંધો છુપાવ્યા નહોતા. બંનેના પરિવારને પણ આ લગ્ન સામે કોઈ વાંધો નહોતો. ચંદીગઢમાં ત્રણ દિવસ વિવિધ ફંક્શન્સ, મહેંદી સેરેમનીમાં રવિની સરપ્રાઇઝ રવિ ને સરગુને 2013માં ડિસેમ્બરમાં લૅવિશ વેડિંગ કર્યા. લગ્નના તમામ ફંક્શન્સ સરગુનના ઘરે ચંદીગઢ રાખવામાં આવ્યા હતા. પાંચ ડિસેમ્બરના રોજ ચંદીગઢમાં સરગુનની મહેંદી સેરેમની હતી. રવિ સ્પેશિયલી સરગુનને સરપ્રાઇઝ આપવા દિલ્હીથી ચંદીગઢ પાંચ કલાક કાર જાતે ડ્રાઇવ કરીને ચાર ફ્રેન્ડ્સ સાથે આવ્યો હતો. તેણે આ ચાર ખાસ ફ્રેન્ડ્સ સાથે આ પ્લાન બનાવ્યો હતો. મહેંદી સેરેમનીમાં રવિ માત્ર દોઢ કલાક રોકાયો હતો અને પછી તરત જ ચંદીગઢથી પાછો દિલ્હી ગયો હતો. છ ડિસેમ્બરના રોજ સંગીત સેરેમની યોજાઈ હતી અને તેમાં રવિ ને સરગુને ધમાકેદાર ડાન્સ કર્યો હતો. બંનેના સાત ડિસેમ્બરે પંજાબી વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતા. સરગુને ડોલીમાં જ્યારે એન્ટ્રી લીધી ત્યારે રવિની આંખો દુલ્હન બનેલી સરગુનને જોઈને ભીની થઈ ગઈ હતી. સરગુને મરૂન ને ગોલ્ડન રંગનો હેવી લહેંગો પહેર્યો હતો ને રવિ ગોલ્ડન-મરૂન રંગની શેરવાનીમાં હતો. લગ્ન બાદ રવિ-સરગુને બે રિસેપ્શન આપ્યા હતા, જેમાં પહેલું નવ ડિસેમ્બરે દિલ્હીમાં આપ્યું હતું ને બીજું રિસેપ્શન 13 ડિસેમ્બરે મુંબઈમાં યોજાયું હતું. મુંબઈમાં યોજાયેલ રિસેપ્શનમાં ટીવી ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી, જેમાં કરન વાહી, મૌની રોય, એકતા કપૂર, ગૌતમ રોડે, રૂબીના દિલૈક સહિતના આવ્યાં હતાં. ટીવી ઇન્ડસ્ટ્રીમાં રવિ- સરગુનની જોડી પાવર કપલ તરીકે લોકપ્રિય છે. રવિ પત્ની કરતાં છ વર્ષ મોટો છે. 'રામાયણ' કેવી રીતે મળી? રવિ દુબેને મેગા બજેટ 'રામાયણ' કેવી રીતે મળી તે અંગે વાત કરીએ તો તેણે અન્ય કલાકોરની જેમ જ ફિલ્મનું ઑડિશન આપ્યું હતું. ઑડિશનમાં સિલેક્ટ થયા બાદ લુક ટેસ્ટ આપ્યો હતો. ત્યારબાદ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા ને ડિરેક્ટર નિતેશ તિવારી સાથે અનેક મિટિંગ્સ કરી હતી. અંતે, 2024માં લક્ષ્મણના રોલ માટે રવિ દુબેને ફાઇનલ કરવામાં આવ્યો હતો. રવિ દુબેએ શરૂઆતમાં પરિવારને પણ આ અંગે વાત કરી નહોતી. જ્યારે પ્રોડ્યુસર ને ડિરેક્ટરે પરવાનગી આપી ત્યારે જ રવિએ પરિવારમાં આ વાત કહી હતી. લક્ષ્મણના રોલ માટે રવિ દુબેએ ફિટનેસ માટે ઘણી જ મહેનત કરી હતી. 2018માં કુનાલ કોહલી 'રામાયણ' પર ફિલ્મ બનાવી રહ્યા હતા અને રવિ દુબે તે ફિલ્મમાં પણ લક્ષ્મણનો રોલ પ્લે કરવાનો હતો. જોકે, કેટલાંક કારણોસર આ ફિલ્મ બની નહીં. રવિ દુબની પત્ની સરગુન મહેતાની વાત કરીએ તો, 1988માં 6 સપ્ટેમ્બરે ચંદીગઢમાં જન્મેલી સરગુનના પિતા હરીશ મહેતા હિમાચલ પ્રદેશ ને પંજાબની જાણીતી ઓટોમોબાઇલ પાર્ટ્સ બનાવતી કંપની એમ્મબ્રોસ ઓટોકોમ્પ ને એમ્મપાવર ગ્રૂપના ચેરમેન છે. ચંદીગઢમાં હરીશ મહેતા જાણીતું નામ છે. માતા આરાધના મહેતા હોમ મેકરની સાથે સાથે પતિને બિઝનેસમાં સપોર્ટ કરે છે. સરગુને ચંદીગઢમાં જ કોન્વર્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. 'બુગી વૂગી'માં રિજેક્ટ થઈ હતી નાનપણમાં સરગુનને ડાન્સનો ઘણો જ શોખ હતો. તેણે નાના ભાઈ પુલકિત સાથે ડાન્સ રિયાલિટી ટીવી શો 'બૂગી વૂગી'માં ઑડિશન આપ્યું હતું. જોકે, બંને ભાઈ-બહેન ડાન્સ શોમાં રિજેક્ટ થયાં હતાં. શોમાં સરગુને 'આઇ એમ ધ બાર્બી ગર્લ' પર ડાન્સ કર્યો હતો. 2013માં સરગુને 'બૂગી વૂગી કિડ્સ ચેમ્પિયનશિપ શો'ને હોસ્ટ કર્યો હતો. MBA કરીને પિતાને બિઝનેસમાં સપોર્ટ કરવો હતો સરગુને દિલ્હી યુનિવર્સિટીની કરોડીમલ કોલેજમાંથી B.Com કર્યું. સરગુને ક્યારેય એક્ટ્રેસ બનવા અંગે વિચાર્યું નહોતું. તે MBA કરીને પિતાને બિઝનેસમાં સપોર્ટ કરવા માગતી હતી. આ જ કારણે તેણે બિઝનેસ મેનેજમેન્ટમાં એડમિશન પણ લીધું. સરગુન જ્યારે ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે કોલેજની થિયેટર ક્લબ સાથે જોડાયેલી હતી. તેણે ઘણા નાટકોમાં કામ કર્યું હતું. એક દિવસ થિયેટર ક્લબના એક પ્રોફેસરે ટીવી સિરિયલ '12/24 કરોલ બાગ'ના ઑડિશન અંગે વાત કરી. સિરિયલમાં ચાર ભાઈ-બહેનો સિમી, અનુજ, નીતુ ને મિલીની વાત હતી. સરગુનને બસ મજા ખાતર ઑડિશન આપ્યું અને તેના આશ્ચર્યની વચ્ચે તે સિરિયલના નીતુના રોલ માટે સિલેક્ટ થઈ. આ સિરિયલમાં નીતુ મનોદિવ્યાંગ ઓમી (રવિ દુબે) સાથે લગ્ન કરે છે. આ સિરિયલ હિટ રહી. ત્રણ વર્ષ સુધી સિરિયલનું શૂટિંગ દિલ્હીમાં જ ચાલ્યું. એક્ટિંગ કરિયર પર વધુ ફોકસ કરવાનું હોવાથી સરગુને MBAનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. સરગુને મુંબઈ આવીને એક્ટિંગમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. મુંબઈમાં સરગુન એકલી હતી અને તેણે બધું જ એકલે હાથે કરવાનું હતું. આ સમયે રવિ દુબેએ તેને ઘણી જ મદદ કરી. સરગુનનો નાનો ભાઈ પુલકિત મહેતા પિતાના બિઝનેસમાં કામ કરે છે અને તે પિતાની કંપનીમાં ડિરેક્ટર છે. પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસ 2015માં સરગુને પંજાબી ફિલ્મ 'અંગ્રેજ'થી પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મે પહેલા જ વીકમાં ચાર કરોડનો બિઝનેસ કર્યો. ફિલ્મનું લાઇફટાઇમ કલેક્શન 12.45 કરોડ હતું. પહેલી જ ફિલ્મ હિટ જતાં સરગુનને એક પછી એક પંજાબી ફિલ્મ મળવા લાગી. સરગુન પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસિસમાંથી એક છે. સરગુન બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનની જબરજસ્ત ફૅન છે. તેનું સપનું છે કે તે શાહરુખ ખાનના બંગલા મન્નતની બાજુમાં પોતાનું ઘર લે. 2016માં પત્ની સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ રવિએ 2016માં પત્ની સરગુન સાથે મળીને ડ્રીમિયાતા એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડથી પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. 2019માં રવિ ને સરગુને પહેલી પંજાબી ફિલ્મ 'કાલા શા કાલા' પ્રોડ્યુસ કરી. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી. ત્યારબાદ બંનેએ બીજી બે પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરી ને બંને હિટ રહી. કોરોનાકાળમાં રવિ ને સરગુને ટીવી સિરિયલ 'ઉડારિયાં'ની સ્ટોરી લખી અને તે સિરિયલ 2021માં કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થઈ. આ સિરિયલ દર્શકોને ઘણી જ પસંદ આવી ને સિરિયલે 1000 એપિસોડ પૂરા કર્યા. પહેલી જ સિરિયલ સુપરડુપર હિટ જતાં રવિ-સરગુને 'જુનૂનિયત' સહિત પાંચેક સિરિયલ પ્રોડ્યુસ કરી અને તમામે તમામ હિટ રહી. ટીવી સિરિયલ બાદ રવિ- સરગુને ડ્રીમિયાતા મ્યૂઝિક શરૂ કર્યું, જેમાં 'વે હાણિયાં' પંજાબી સોંગ હિટ રહ્યું. ડિજિટલ પ્લેટફોર્મ માટે ડ્રીમિયાતા ડ્રામા કંપની શરૂ કરી અને આ કંપની યુ ટ્યૂબ પર શો પ્રોડ્યુસ કરે છે. એકતા કપૂરનું સિંહાસન ડગમગ્યું રવિ દુબે ને સરગુન મહેતાની જોડીએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે. બંનેએ પ્રોડ્યુસ કરેલો શો 'ગંગા માઇ કી બેટિયા'એ ટીઆરપીમાં નંબર વનનું સ્થાન હાંસિલ કર્યું હતું. આ સિરિયલે એકતા કપૂરની સિરિયલ્સ 'નાગિન 7', 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2' જેવી સિરિયલને ટીઆરપીમાં પાછળ મૂકી દીધી. રાજન શાહીની સિરિયલ 'અનુપમા' પણ રવિ-સરગુનની સિરિયલ સામે ટકી શકી નહીં. રવિ- સરગુનનું બેનર સાસ-બહુ ડ્રામાને બદલે નવા કોન્સેપ્ટ, રોમાન્સ, ફેન્ટસી, ઇમોશન સાથે યંગસ્ટર્સને ગમે તે રીતે બનાવે છે. શોમાં નેગેટિવ રોલ પણ છે, પરંતુ તે એક મર્યાદામાં રહીને બતાવવામાં આવે છે. સિરિયલના લીડ એક્ટર્સ ઓવર એક્ટિંગ કરતાં જોવા મળતા નથી. સિરિયલ કારણ વગર ખેંચાતી હોય તેવું લાગતું નથી. આ જ કારણે રવિ- સરગુનના ટીવી શો ચાહકોમાં લોકપ્રિય છે. સ્ટોરી પણ ઓવર ધ ટોપ જતી નથી. હાલમાં રવિ દુબે હવે પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ પૅન ઇન્ડિયા ફિલ્મ બનાવી રહ્યો છે અને તે ફિલ્મમાં લીડ રોલમાં સરગુન મહેતા છે. ફિલ્મની સ્ટોરી પંજાબ બૅઝ છે. આ ફિલ્મનું નામ ને શૂટિંગ ડેટ્સ હજી સુધી અનાઉન્સ કરવામાં આવી નથી. રવિ દુબે યુ ટ્યૂબ પર પાકિસ્તાની ડ્રામાની જેમ લિમિટેડ એપિસોડ્સ ને રિલેટેબલ કન્ટેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યો છે. પ્રોડક્શન હાઉસ પર ફોકસ રવિ-સરગુનના લગ્નને 13 વર્ષ થયા છે અને એ જ કારણે અવાર-નવાર સરગુન પ્રેગ્નન્ટ હોવાની વાતો ચર્ચાતી હોય છે. સરગુન આ અફવા પર ગુસ્સે પણ થઈ હતી. સરગુન ને રવિ હાલમાં બાળક ઈચ્છતા નથી. તેઓ હાલમાં પોતાના પ્રોડક્શન હાઉસ પર ફોકસ કરવા માગે છે. નિયા શર્મા સાથે વિવાદ સિરિયલ 'જમાઈ રાજા'ના શૂટિંગ દરમિયાન નિયા શર્મા ને રવિ દુબે વચ્ચે મતભેદો વધી ગયા હતા અને આ જ કારણે બંનેએ એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. સેટ પર હંમેશાં સ્ટ્રેસ રહેતો ને ડિરેક્ટરને ડર લાગતો કે ક્યાંક બંને ઝઘડો ના કરે. સતત બે વર્ષ સુધી રવિ ને નિયાએ એકબીજા સાથે વાત કરી નહોતી. બંને વચ્ચેના ઝઘડાનું મૂળ કારણ એ હતું કે સેટ પર રવિ અગાઉથી સીનનું રિહર્સલ કરવા માગતો અને નિયા તે માટે તૈયાર નહોતી. આ જ કારણે બંને વચ્ચે ઝઘડા થયા હતા. બે વર્ષ બાદ અંતે હારી થાકીને સિરિયલના પ્રોડ્યુરર્સ ને સરગુન મહેતાએ બંને વચ્ચેના મતભેદો દૂર કર્યા હતા. હાલમાં બંને ઘણા જ સારા ફ્રેન્ડ્સ છે. પત્નીએ હા પાડી ત્યારે જ કિસિંગ સીન કર્યા 'જમાઈ 2.0' સિરિયલ 2019માં ડિજિટલ પ્લેટફોર્મ પર આવી હતી. આ સિરિયલના એક સીનમાં નિયા ને રવિએ અન્ડરવૉટર ઇન્ટિમેટ સીન્સ આપવાના હતા. રવિએ 15 વર્ષની કરિયરમાં ક્યારેય કિસિંગ કે ઇન્ટિમેટ સીન્સ આપ્યા નહોતા. તેણે સેટ પર આ સીન્સ ભજવવાની ના પાડી દીધી હતી. આટલું જ નહીં, તેણે ત્યાં સુધી કહી દીધું કે જો આ સીન્સ ભજવવા જરૂરી હોય તો તે સિરિયલ છોડવા તૈયાર છે. ડિરેક્ટરે પછી સરગુનનો સંપર્ક કર્યો. પત્નીની સમજાવટ બાદ રવિએ આ સીન્સ શૂટ કર્યા હતા. સરગુને રવિને એમ કહ્યું હતું કે જો તેણે ઓન સ્ક્રીન કિસ કરવાની હોય તો તે એ રીતે કરે કે કોઈ એમ ના કહે કે તે સારો કિસર નથી. ગો એન્ડ બી ધ બેસ્ટ કિસર આઉટ ધેર. નિયા શર્માએ પછી રવિને બેસ્ટ કિસર ગણાવ્યો હતો. એક સમયે ખાવાની ચિંતા હતી, આજે કરોડોની સંપત્તિ સરગુન ને રવિ દુબેની જોઇન્ટ સંપત્તિ 150 કરોડ હોવાની ચર્ચા છે. રવિ સિરિયલના એક એપિસોડ માટે ત્રણથી ચાર લાખ રૂપિયા લે છે. ડિજિટલ પ્લેટફોર્મમાં રવિ દુબેની ફી 10 લાખ રૂપિયા છે. આ ઉપરાંત શો હોસ્ટ કરવાના 8-11 લાખ રૂપિયા વસૂલે છે. આ ઉપરાંત સો.મીડિયા પ્રમોશન, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ છે. 'રામાયણ'માં લક્ષ્મણના રોલ માટે રવિ દુબેને 3-4 કરોડ મળ્યા હોવાની ચર્ચા છે. સરગુન મહેતા પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપની એક્ટ્રેસ છે. તે પંજાબી ફિલ્મમાં કામ કરવાના 2 કરોડ રૂપિયા લે છે. તે મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કરે છે. મુંબઈમાં પેન્ટહાઉસ ખરીદ્યું મુંબઈના ગોરેગાંવમાં રવિ- સરગુને આઠ કરોડ રૂપિયામાં વૈભવી ડુપ્લેક્સ પેન્ટહાઉસ ખરીદ્યું છે ને ઘરનું નામ સૌભાગ્ય રાખ્યું છે. આ જ સોસાયટીમાં કે. એલ. રાહુલ ને જેકી શ્રોફના પણ અપાર્ટમેન્ટ છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા રવિ- સરગુને મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આમિર ખાનની જૂની બિલ્ડિંગમાં આખો ફ્લોર ભાડે રાખ્યો છે. આ ફ્લોરનું ભાડું મહિને 11 લાખ રૂપિયા છે. મુંબઈ સિવાય પંજાબ દિલ્હીમાં પણ બંનેની સંપત્તિ છે. ગોવામાં બીચ ફેસિંગ ચાર કરોડનો વિલા છે. રવિને મોંઘી કારનો શોખ છે. તેની પાસે BMW 5, ઑડી Q7, મર્સિડિઝ બેન્ઝ ને જગુઆર છે. રવિ દુબેનો ભાઈ ગ્લેમર વર્લ્ડથી દૂર રવિ દુબેનો નાનો ભાઈ વૈભવ દુબે રિયલ એસ્ટેટ ને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરી રહ્યો છે. જાન્યુઆરી, 2026થી તે ગુરુગ્રામ સ્થિત બ્રિજવુડ હોલ્ડિંગ્સ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. વૈભવે ગાઝિયાબાદની જાણીતી કોલેજ IMT (ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ ટેક્નોલોજી)માંથી માર્કેટિંગમાં MBA કર્યું છે. વૈભવે પ્રિયંકા સાથે જૂન, 2014માં લગ્ન કર્યા હતા. તેમને દીકરો વિરાજ છે. વૈભવ ગ્લેમર વર્લ્ડની ઝાકમઝોળથી દૂર પરિવાર સાથે દિલ્હીમાં રહે છે.
    Click here to Read More
    Previous Article
    રામામંડળમાં નામ બોલાયું, મંત્રી શરમાઈ ગયા:પિકનિક કરવા ગયેલા નેતાનો જીવ રાજકોટમાં ચોંટ્યો; પ્રમુખે ઘરે સ્નેહમિલન ગોઠવ્યું, કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો
    Next Article
    Children’s Day 2026 Date: When Is Children’s Day? Check History, Significance And More

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment