Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢના પરંપરાગત કોડીયા ઉદ્યોગને મળ્યું પ્રોત્સાહન:રંગબેરંગી અને અવનવી ડિઝાઇનનાં માટીનાં કોડિયાંની માંગ વધી, સ્થાનિક સ્તરે અનેક પરિવારોને રોજગારી મળી

    1 day ago

    દિવાળીના પર્વે બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પ્રકાશ, આસ્થા અને પરંપરાના આ પર્વમાં આજે પણ માટીનાં કોડિયાંનું વિશેષ મહત્ત્વ અકબંધ છે. આધુનિક સમયમાં ઇલેક્ટ્રોનિક લાઇટિંગ અને સુશોભનની વિવિધ સામગ્રીઓનું ચલણ વધ્યું હોવા છતાં લોકો પરંપરાગત માટીનાં દીવડાં ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્થાનિક કુંભારો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતાં રંગબેરંગી તથા અવનવી ડિઝાઇનનાં કોડિયાં ગ્રાહકોનું આકર્ષણ બની રહ્યાં છે. દિવાળીના કારણે કોડિયાંની માંગમાં વધારો થતાં કારીગરો, રંગકામ કરતા શ્રમિકો અને વેપારીઓને રોજગારીની નવી તકો મળી રહી છે. પરંપરાગત કળાને આધુનિક ડિઝાઇનનો સંગમ થાનગઢના કારીગરો પરંપરાગત માટીકામની કળાને આધુનિક ડિઝાઇન સાથે જોડીને નાનાં-મોટાં કોડિયાં, વિવિધ રંગોના દીવડા અને નકશીકામવાળી અનેક વેરાયટી તૈયાર કરી રહ્યા છે. સાદા માટીના કોડિયાંને રંગો, પેઇન્ટિંગ, મીણ, લેસ અને ટીકી-ટોન જેવી કારીગરીથી આકર્ષક બનાવવામાં આવે છે. કારીગરોની કલાત્મક સૂઝ અને મહેનતથી તૈયાર થતાં આ કોડિયાં દિવાળીની રોનકમાં વધારો કરી રહ્યાં છે. 70થી 80 કારખાનાં કાર્યરત, એક કલાકમાં 400 કોડિયાંનું ઉત્પાદન થાનગઢના કોડિયા ઉદ્યોગ સાથે છેલ્લા 17 વર્ષથી જોડાયેલા વેપારી નવનીતભાઈ પ્રજાપતિ જણાવે છે કે, તેમની પાસે 200થી 250 પ્રકારની ડાઇ ઉપલબ્ધ છે અને અદ્યતન પદ્ધતિથી એક કલાકમાં આશરે 400 કોડિયાં તૈયાર થાય છે. કોડિયાંની કિંમત 30 પૈસાથી લઈને 20 રૂપિયા સુધીની હોય છે. પેઇન્ટિંગ, મીણ, લેસ અને ટીકી-ટોન જેવી કારીગરીથી કોડિયાંને વધુ આકર્ષક બનાવવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર બાદ આ વ્યવસાયમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ માલના વેચાણ માટે પ્રયાસો કરવા પડતા હતા, જ્યારે હવે ગ્રાહકો તરફથી સ્વયંભૂ માંગ રહે છે. એક જ કારખાનામાં 20 જેટલા લોકો કામ કરી રહ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં આશરે 70થી 80 કારખાનાં કાર્યરત છે. આ ઉદ્યોગ અનેક પરિવારો માટે રોજગારીનું માધ્યમ બન્યો છે. કોડિયાંના રંગકામ અને પેકિંગમાં મહિલાઓનું યોગદાન કોડિયાં બનાવવાની સાથે તેને રંગીન અને આકર્ષક બનાવવાની કામગીરીમાં મહિલાઓ પણ મહત્ત્વનું યોગદાન આપી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત હંસાબેન ચૌહાણ જણાવે છે કે, થાનગઢમાં જ રોજગારી મળતી હોવાથી કામ માટે બહાર જવું પડતું નથી. અહીં કોડિયાં પર પેઇન્ટિંગ, અવનવી ડિઝાઇન અને પેકિંગનું કામ કરવામાં આવે છે. તેમના સહિત આ વિસ્તારની આશરે 10થી 15 મહિલાઓ આ કામગીરી થકી નિયમિત રોજગારી મેળવી રહી છે અને આત્મનિર્ભર બની રહી છે. છેલ્લાં દસ વર્ષથી કોડિયાં તથા માટીની અન્ય વસ્તુઓના રંગકામ સાથે સંકળાયેલાં ઇલાબેન સિસોદીયા જણાવે છે કે, તેઓ કોડિયાં ઉપરાંત તુલસીક્યારા, પગલી, સાથિયા અને લાપસૂપ સહિતની વિવિધ વસ્તુઓનું પેઇન્ટિંગ કરે છે. દરરોજ આશરે 200 કોડિયાં પર રંગકામ કરવામાં આવે છે. આ કામગીરીથી સ્થાનિક સ્તરે રોજગારી મળે છે અને મહિલાઓ આર્થિક રીતે સધ્ધર બની રહી છે. દરરોજ 700થી 800 દીવડા બનાવી મહિલાઓને આવક આ વ્યવસાયમાં છેલ્લા 15થી 16 વર્ષથી જોડાયેલાં હર્ષાબેન જણાવે છે કે, તેઓ દરરોજ આશરે 700થી 800 દીવડા બનાવે છે, જેના થકી 300થી 400 રૂપિયાની કમાણી થાય છે. સ્થાનિક સ્તરે જ રોજગારી ઉપલબ્ધ હોવાથી કામ માટે બહાર જવું પડતું નથી. આ કામગીરીમાં પાંચથી છ લોકો સાથે મળીને રોજગારી મેળવી રહ્યા છે. કોડિયાંના ઉત્પાદનથી વેચાણ સુધી અનેક પરિવારો જોડાયેલા થાનગઢમાં કોડિયાં બનાવવાથી લઈને તેના રંગકામ, સુશોભન અને વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયામાં અનેક પરિવારો જોડાયેલા છે. કુંભાર પરિવારો માટીનાં કોડિયાં તૈયાર કરે છે, મહિલાઓ રંગકામ અને સુશોભનની કામગીરી સંભાળે છે, જ્યારે સ્થાનિક વેપારીઓ આ ઉત્પાદનો ગ્રાહકો સુધી પહોંચાડે છે. આમ, દિવાળીના તહેવાર દરમિયાન કોડિયાંની વધતી માંગ સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાની સાથે અનેક પરિવારોની આજીવિકાનું માધ્યમ બની છે. ‘વોકલ ફોર લોકલ’થી પરંપરાગત ઉદ્યોગને નવી દિશા સ્થાનિક કારીગરો અને નાના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાના હેતુથી આપવામાં આવેલો ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’નો સંકલ્પ આવા પરંપરાગત વ્યવસાયોને નવી દિશા આપી રહ્યા છે. સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓની ખરીદીથી તેમની મહેનતને પ્રોત્સાહન મળે છે અને સ્થાનિક અર્થતંત્ર પણ મજબૂત બને છે. ‘હર ઘર સ્વદેશી’નો સંકલ્પ માત્ર સ્વદેશી વસ્તુઓની ખરીદી પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશની પરંપરાગત કલા, કૌશલ્ય અને સ્થાનિક ઉત્પાદન વ્યવસ્થાને મજબૂત બનાવવાનો પ્રયાસ પણ છે. નાગરિકો સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપે તો નાના ઉત્પાદકો, કારીગરો અને શ્રમિકોની આવકમાં વધારો થવાની સાથે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે. આમ, થાનગઢના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતાં રંગબેરંગી માટીનાં કોડિયાં દિવાળીના પ્રકાશપર્વની શોભા વધારવાની સાથે પરંપરાગત કળા, મહિલા સશક્તિકરણ, સ્થાનિક રોજગારી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પણ સાકાર કરી રહ્યાં છે. સ્થાનિક કારીગરો પાસેથી માટીની વસ્તુઓની ખરીદી કરીને નાગરિકો તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપી શકે છે અને કારીગર પરિવારોના જીવનમાં પણ સમૃદ્ધિનો દીપ પ્રગટાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સારંગપુર BAPS મંદિરે દિવાળી-નૂતન વર્ષની ભવ્ય ઉજવણી થશે:8 નવેમ્બરે આતશબાજી અને મહાઆરતી, 10 નવેમ્બરે 2500થી વધુ વાનગીઓનો અન્નકૂટ
    Next Article
    ધનતેરસે આપના કાર્યકરોએ પ્રતિમાઓ સાફ કરી:લાલપુરમાં મહાપુરુષોની પ્રતિમાઓને સ્નાન કરાવી ફૂલહાર અર્પણ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment