Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી:લોકશાહીની કસોટી, સત્તાનું સંતુલન અને જનતાના જનાદેશનો મહોત્સવ

    7 hours ago

    અત્યારે અમરિકામાં હેલોવીન, થેન્ક્સગિવિંગ, ક્રિસમસ અને ભારતમાં દિવાળી જેવા તહેવારો ઉજવાઇ રહ્યાં છે અથવા તો એની રાહ જોવાઇ રહી છે. ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જ્યાંના રાષ્ટ્રપતિ માઇક સામે આવે ત્યાં જ વિશ્વ આખાના લોકોમાં ફફડાટ વ્યાપી જાય છે. અમેરિકા ફક્ત વિજ્ઞાન, ટેકનોલોજી, અભ્યાસ વગેરેમાં પ્રયોગો કરવા માટે જાણીતું નથી. પૂર્વના અને યુરોપના અમુક દેશોની સરખામણીમાં ભાંખોડિયા ભરતા દેશ અમેરિકામાં લોકશાહી વધારે અસરકારક બની રહે એના માટેના પ્રયોગો પણ કરતું રહે છે. અમેરિકાની લોકશાહી માત્ર દર 4 વર્ષે યોજાતી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરતી મર્યાદિત નથી પણ ભલે લોકશાહી ઢબે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કે કોંગ્રેસના સભ્યો હોય, એ જનતાની અપેક્ષાએ ખરા ઉતરી રહ્યા છે કે નહીં, ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો નિભાવે છે, સંવિધાનનું પાલન કરી રહ્યાં છે એની ખાતરી કરવા, એમની જવાબદારી બરાબર ના નિભાવી રહ્યા હોય તો જવાબ માંગવા દર બે વર્ષે મધ્યસત્ર ચૂંટણીનું આયોજન અમેરિકામાં થાય છે. મધ્યસત્ર ચૂંટણી કેમ મહત્વની? આ ચૂંટણી અમેરિકાની રાજકીય વ્યવસ્થામાં સત્તાનું સંતુલન જાળવવા, સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરવા અને જનતાનો બદલાતો મિજાજ સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને રાષ્ટ્રપતિના ચાર વર્ષના કાર્યકાળની વચ્ચે યોજાતી આ ચૂંટણીને ઘણી વખત રાષ્ટ્રપતિના શાસન અંગેના જનમત તરીકે પણ જોવામાં આવે છે. બહુમુખી પ્રતિભા ધરાવતા ઘાના દેશના શિક્ષણ વિશારદ અને નવલકથાકાર ડેનિસ એડોનિસ નું એક ચબરાક વિધાન છે: "મતદાન એ કોઇ અધિકાર નથી. તે એક એવી પદ્ધતિ છે જેના દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે કયા રાજકારણીએ તમને સૌથી વધુ પ્રભાવિત કરીને (તમારા મગજને ભ્રમિત કરીને) પોતાની તરફેણમાં વાળવામાં સફળતા મેળવી છે." અત્યારે આમ પણ દુનિયાના મોટા ભાગના દેશોનો મિજાજ અલગ છે. લોકો એક્સ્ટ્રીમ જમણેરી કે એક્સ્ટ્રીમ ડાબેરી વિચારધારા તરફ વળી રહ્યાં છે. સ્વઓળખનો આખો કોન્સેપ્ટ અસ્તિત્વમાં લાવવા માટે અને એના દ્વારા લોકોના સમૂહને વિભાજીત કરવામાં રાજકારણીઓ સામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યાં છે અને એના દ્વારા ચૂંટણીઓ જીતાઇ કે હરાઇ રહી છે ત્યારે ડેનિસ એડોનિસના વિધાનમાં માનવાનું મન થાય એવું છે. આપણે ભારતમાં વડાપ્રધાનની ચૂંટણી અને એની રસાકસી જોવા ટેવાયેલા છે અને ત્યાંનું સંસદીય માળખું અમેરિકાના માળખા કરતા અત્યંત જુદું અને કદાચ ગૂંચવણભર્યું લાગી શકે એવું છે. મધ્યસત્ર ચૂંટણી સમજતા પહેલા અમેરિકાની સંસદ વિશે જરા જાણી લઇએ તો સહેલી ભાષામાં અમેરિકાની સંસદને કોંગ્રેસ કહેવામાં આવે છે. તેના બે ગૃહો છે- હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં કુલ 435 ચૂંટાયેલા સભ્યો હોય છે. જ્યારે સેનેટમાં 100 સભ્યો હોય છે. દરેક રાજ્યમાંથી બે સેનેટર ચૂંટાય છે, ભલે તે રાજ્યની વસ્તી ગમે તેટલી હોય. શા માટે કહેવાય છે મધ્યસત્ર ચૂંટણી? રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્યોનો કાર્યકાળ માત્ર બે વર્ષનો હોય છે. સેનેટર્સ 6 વર્ષ માટે ચૂંટાય છે પરંતુ દર બે વર્ષે સેનેટની લગભગ એક તૃતિયાંશ બેઠકો માટે ચૂંટણી યોજાય છે. આથી રાષ્ટ્રપતિની ચૂંટણીની બરાબર બે વર્ષ પછી યોજાતી ચૂંટણીને મધ્યસત્ર ચૂંટણી કહેવામાં આવે છે. મધ્યસત્ર ચૂંટણીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થતી નથી. તેમ છતાં તેનું મહત્વ એટલા માટે છે કે કોંગ્રેસમાં કઇ પાર્ટીનું વર્ચસ્વ રહેશે તે નક્કી થાય છે. જો રાષ્ટ્રપતિની પોતાની પાર્ટી બંને ગૃહોમાં બહુમતી ગુમાવે તો કાયદા પસાર કરાવવા અને પોતાની નીતિઓ અમલમાં મૂકવામાં રાષ્ટ્રપતિને મુશ્કેલી પડી શકે છે. મોંઘવારી અને અર્થતંત્ર મહત્વના મુદ્દા 12 ઓક્ટોબર સુધીમાં અંદાજે 3.8 અબજ ડોલર સુધી જે રાજકીય જાહેરાતો પાછળ ખર્ચાઇ ચૂક્યા છે એ 2026 ની મધ્યસત્ર ચૂંટણીમાં આ વખતે જે મુદ્દાઓ વિશેષ ચર્ચામાં છે તે છે મોંઘવારી અને અર્થતંત્ર: અમેરિકન મતદારો માટે જીવનનિર્વાહનો વધતો ખર્ચ, ઘર ખરીદવાની મુશ્કેલી, મકાનનું ભાડું, આરોગ્ય સંભાળ અને રોજગારી, ઇમિગ્રેશન અને સરહદ સુરક્ષા, આરોગ્ય અને સામાજિક સુરક્ષા, રાષ્ટ્રપતિની સત્તાની મર્યાદા, કોંગ્રેસની સ્વતંત્રતા, ન્યાયતંત્રની ભૂમિકા અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જેવા અધધ મુદ્દાઓ! આજના જમાનાની દરેક દેશમાં યોજાતી ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, સોશિયલ મીડિયા, ડિજિટલ જાહેરાતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ લોકોનું પરસેપ્શન, લોકમત બાંધવામાં વ્યાપકપણે થાય છે બલ્કે એવું કહી શકાય કે ચૂંટણીમાં કઇ પાર્ટી જીતશે એ મીડિયા નક્કી કરે છે અને એ કહેવું કદાચ અતિશયોક્તિ ભર્યું નહીં કહેવાય. આ બધાને કારણે આખી ઇલેક્શન પ્રક્રિયા પણ એક નાનકડા આભાસી યુદ્ધ, રસાકસીભરી કોઇ રમત જેવી બની રહે છે. અમેરિકાના રાષ્ટ્રપતિની અગ્નિપરીક્ષા એક રીતે જોવા જઇએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ માટે મધ્યસત્ર ચૂંટણીને ફક્ત રાષ્ટ્રપતિની કામગીરી અંગેના જનમત તરીકે જ નહીં પણ અગ્નિપરીક્ષા તરીકે પણ જોવામાં આવે છે. જો રાષ્ટ્રપતિની પાર્ટી કોંગ્રેસમાં બહુમતી ગુમાવે તો વિપક્ષને સરકારી નીતિઓની તપાસ કરવાની, સુનાવણી યોજવાની અને કાયદાકીય પ્રસ્તાવો અટકાવવાની વધુ તક મળે છે. જો ડેમોક્રેટિક પાર્ટી હાઉસ અથવા સેનેટમાં બહુમતી મેળવે તો ટ્રમ્પ સરકારને આગામી બે વર્ષમાં અનેક રાજકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટી બંને ગૃહોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખે તો રાષ્ટ્રપતિને પોતાની નીતિઓ આગળ વધારવામાં સરળતા રહે ઉપરાંત આવનારા વર્ષોમાં રિપબ્લિક પાર્ટીનું ભવિષ્ય, પાયો મજબૂત કરવાની તક તરીકે પણ જોવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટ્સના 16માં અને અત્યંત લોકપ્રિય રાષ્ટ્રપતિ જેમણે હાલ જે અમેરિકા છે એની દિશા નક્કી કરવામાં એક મહત્વનો ભાગ ભજવ્યો એ અબ્રાહમ લિંકને કહ્યું છે: “Elections belong to the people. It's their decision. If they decide to turn their back on the fire and burn their behinds, then they will just have to sit on their blisters.” આખરે, 2026 ની મધ્યસત્ર ચૂંટણી માત્ર રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચેની રાજકીય સ્પર્ધા નથી. તે અમેરિકાના નાગરિકો કઇ દિશામાં દેશને આગળ વધારવા માંગે છે તેનો સંકેત પણ છે. મોંઘવારી, રોજગારી, ઇમિગ્રેશન, આરોગ્ય, લોકશાહી અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર મતદારોનો નિર્ણય આગામી બે વર્ષના રાજકીય વાતાવરણને આકાર આપશે. આમ જોવા જઇએ તો દુનિયાની નજર જેની એક એક ચાલ, નીતિઓ પર હોય છે એ અમેરિકાની લોકશાહીમાં એક સુંદર સિદ્ધાંત જોવા મળે છે કે સત્તા માત્ર ચૂંટાવાથી મળતી નથી પરંતુ સતત જનતાનો વિશ્વાસ જાળવી રાખવાથી ટકી રહે છે. મધ્યસત્ર ચૂંટણી એ જ વિશ્વાસની કસોટી છે. તેથી જ અમેરિકામાં આ ચૂંટણીને રાષ્ટ્રપતિ ની લોકપ્રિયતાના માપદંડ કરતાં પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ બંને ગૃહોમાં મિડટર્મ ચૂંટણી હાર્યા, ડેમોક્રેટ્સને બહુમતી:અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- પરિણામ પર ઈરાન યુદ્ધની અસર, પરંતુ આવા નિર્ણયો લેતા રહીશું
    Next Article
    Dianna Russini Plans A Return To Sports Media, And The NFL World Is Already Asking Where She Lands After The Controversy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment