Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મિસ વર્લ્ડ'નો તાજ જીતીને ગ્લોબલ સ્ટાર બની:ઐશ્વર્યા રાય બચ્ચને સુંદરતા અને અભિનયથી હોલીવુડ સુધી ડંકો વગાડ્યો, પણ બોલિવૂડમાં જ સાઇડલાઇન કરાઈ?

    1 day ago

    ઐશ્વર્યા રાય બચ્ચન આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહી છે. 'મિસ વર્લ્ડ 1994'નો ખિતાબ જીતતાં પહેલાં જ તેને ફિલ્મોની ઑફર મળવા લાગી હતી, પરંતુ તેણે અભ્યાસ અને 'મિસ ઇન્ડિયા' સ્પર્ધાને પ્રાથમિકતા આપી. ત્યારબાદ તેણે તમિલ અને હિન્દી ફિલ્મોથી કારકિર્દીની શરૂઆત કરી. 'હમ દિલ દે ચૂકે સનમ', 'તાલ' અને 'દેવદાસ' જેવી ફિલ્મોએ તેને બોલિવૂડની ટોચની એક્ટ્રેસિસમાં સામેલ કરી દીધી. બીજી તરફ 'બ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ', 'ધ મિસ્ટ્રેસ ઑફ સ્પાઇસિસ', 'પ્રોવોક્ડ', 'ધ લાસ્ટ લીજન' અને 'ધ પિંક પેન્થર 2' જેવી અંગ્રેજી ફિલ્મોથી તેણે આંતરરાષ્ટ્રીય ઓળખ બનાવી. તેને 'ટ્રોય', 'રશ ઑવર' અને વિલ સ્મિથની કેટલીક ફિલ્મોની ઑફર પણ મળી હતી, પરંતુ વ્યસ્ત સમયપત્રકને કારણે તેણે આ ફિલ્મો કરી નહોતી. એક સમય એવો હતો, જ્યારે પ્રતિષ્ઠિત 'કાન' (ફિલ્મ ફેસ્ટિવલ)થી લઈને હોલિવૂડ સુધી ચર્ચામાં રહેનારી ઐશ્વર્યાની કારકિર્દીમાં હવે ફિલ્મોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. આજે ઐશ્વર્યા રાય બચ્ચનના 53મા જન્મદિવસે આવો જાણીએ કે, શું બોલિવૂડમાં તેના માટે પહેલાં જેવી દમદાર ભૂમિકાઓ રહી નથી અથવા તેણે પોતે જ પોતાની ગતિ ધીમી કરી દીધી છે. 'મિસ વર્લ્ડ' બનતાં પહેલાં જ મળી ચૂકી હતી ચાર ફિલ્મોની ઑફર ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મી સફર 'મિસ વર્લ્ડ'નો તાજ જીત્યા બાદ શરૂ થઈ નહોતી. ફિલ્મોમાં આવતાં પહેલાં જ તે મોડેલિંગની દુનિયામાં ઓળખ બનાવી ચૂકી હતી. 1991માં તેણે ફોર્ડ સુપરમોડલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારબાદ તે ઘણી મોટી બ્રાન્ડની જાહેરાતો અને ફેશન મેગેઝિનોમાં જોવા મળી હતી. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 1990ના દાયકાની શરૂઆતમાં જ તેને ફિલ્મોની ઑફર મળવા લાગી હતી. 2012માં વોગ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, 'મિસ ઇન્ડિયા' અને 'મિસ વર્લ્ડ' સ્પર્ધાઓમાં ભાગ લેતાં પહેલાં જ તેને ઓછામાં ઓછી ચાર ફિલ્મોની ઑફર મળી ચૂકી હતી. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, તેણે તે સમયે ફિલ્મોમાં આવવાને બદલે 'મિસ ઈન્ડિયા' સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. તેનું એક કારણ એ પણ હતું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી થોડા સમય માટે અંતર રાખીને પોતાની કારકિર્દીના અન્ય વિકલ્પો પર વિચાર કરવા માગતી હતી. તેણે એ પણ જણાવ્યું હતું કે, જો તે 'મિસ ઈન્ડિયા' સ્પર્ધામાં સામેલ ન થઈ હોત, તો આમિર ખાન સાથેની ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની' તેની પહેલી ફિલ્મ બની શકતી હતી. એટલે કે 1996માં આવેલી આ ફિલ્મ માટે પણ તેનું નામ ચર્ચામાં હતું. બાદમાં આ ફિલ્મમાં કરિશ્મા કપૂર જોવા મળી હતી. ઐશ્વર્યાના જણાવ્યા મુજબ, તે પોતાનો અભ્યાસ પણ અધવચ્ચે છોડીને ફિલ્મોમાં આવવા માગતી નહોતી. તેને લાગતું હતું કે, તેના નિર્ણયની અસર એવા યુવાનો પર પણ પડી શકે છે, જે તેને પોતાના આદર્શ માનતા હતા. તે નહોતી ઇચ્છતી કે લોકો તેની સફળતા જોઈને અભ્યાસ છોડીને સીધા ગ્લેમરની દુનિયામાં આવવાનો નિર્ણય કરે. 1994માં 'મિસ વર્લ્ડ' બની, દુનિયાભરમાં ઓળખ મળી ઐશ્વર્યા રાયે જાન્યુઆરી 1994માં 'મિસ ઈન્ડિયા' સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તે સુષ્મિતા સેન બાદ બીજા સ્થાને રહી હતી. ત્યારબાદ તેણે તે જ વર્ષે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના સન સિટીમાં આયોજિત 'મિસ વર્લ્ડ' સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં દુનિયાના 86 દેશોની પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. ઐશ્વર્યાએ સૌને પાછળ છોડીને 'મિસ વર્લ્ડ 1994'નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તે રીટા ફારિયા બાદ 'મિસ વર્લ્ડ' બનનાર બીજી ભારતીય મહિલા બની હતી. સ્પર્ધાના ફાઇનલમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, તેના મતે 'મિસ વર્લ્ડ'માં કયા ગુણો હોવા જોઈએ? જવાબમાં ઐશ્વર્યાએ કરુણા, જરૂરિયાતમંદો પ્રત્યે સંવેદનશીલતા અને રાષ્ટ્રીયતા, રંગ તથા સામાજિક દરજ્જા જેવી સીમાઓથી ઉપર ઊઠીને મનુષ્યને જોવાની વાત કરી હતી. આ જવાબને કારણે પણ તે દુનિયાભરમાં ચર્ચામાં આવી હતી. 'મિસ વર્લ્ડ' બન્યા બાદ તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. ફેશન શો, મીડિયા ઇન્ટરવ્યૂ, સામાજિક કાર્યક્રમો અને દુનિયાભરના પ્રવાસોએ તેની ઓળખને ભારતીય મોડેલમાંથી આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીમાં બદલવાની શરૂઆત કરી. 'મિસ વર્લ્ડ સંગઠન' મુજબ, ઐશ્વર્યાએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક દેશોની મુલાકાત લીધી અને સામાજિક કાર્યો સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ અનુભવથી તેના વ્યક્તિત્વ અને આંતરરાષ્ટ્રીય ઓળખને મજબૂતી મળી. 1997માં ફિલ્મોમાં એન્ટ્રી, પહેલી જ ફિલ્મથી પ્રશંસા મળી 'મિસ વર્લ્ડ' બન્યા બાદ ઐશ્વર્યાએ તરત જ બોલિવૂડમાં પગ મૂક્યો નહોતો. તેણે 1997માં મણિરત્નમની તમિલ ફિલ્મ 'ઇરુવર'થી એક્ટિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે મોહનલાલ અને પ્રકાશ રાજ જેવા કલાકારો હતા. ફિલ્મને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ જ વર્ષે તેની પહેલી હિન્દી ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા' રિલીઝ થઈ હતી. તેમાં તે બોબી દેઓલ સાથે જોવા મળી હતી. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ મોટી સફળતા મેળવી શકી નહોતી, પરંતુ ઐશ્વર્યાની સુંદરતા અને સ્ક્રીન પ્રેઝન્સની ચર્ચા થવા લાગી હતી. 1998માં તમિલ ફિલ્મ 'જીન્સ' દ્વારા તેને દક્ષિણ ભારતીય સિનેમામાં પણ ઓળખ મળી. ત્યારબાદ તે ઋષિ કપૂરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘આ અબ લૌટ ચલેં’માં અક્ષય ખન્નાની સામે જોવા મળી. જોકે, આ ફિલ્મ ખાસ સફળ રહી નહોતી, પરંતુ એ જ વર્ષમાં, 1999માં સંજય લીલા ભણસાલીની 'હમ દિલ દે ચૂકે સનમ' તેના કરિયરની મોટી ફિલ્મ સાબિત થઈ. સલમાન ખાન અને અજય દેવગન સાથે બનેલી આ ફિલ્મમાં નંદિનીના પાત્રે તેને દર્શકોમાં લોકપ્રિય બનાવી દીધી. એ જ વર્ષે તેણે સુભાષ ઘઈની ફિલ્મ 'તાલ'માં પણ કામ કર્યું. ફિલ્મનાં ગીતો અને ઐશ્વર્યાની સ્ક્રીન પ્રેઝન્સે તેને દેશભરમાં ઓળખ અપાવી. 'હમ દિલ દે ચૂકે સનમ' માટે તેને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મળ્યો. 2000માં તે 'મોહબ્બતેં', 'જોશ' અને 'હમારા દિલ આપકે પાસ હૈ' જેવી ફિલ્મોમાં જોવા મળી. આ ફિલ્મોએ સ્પષ્ટ કરી દીધું કે, ઐશ્વર્યા માત્ર સુંદરતાના આધારે નહીં, પરંતુ અલગ-અલગ પ્રકારનાં પાત્રો ભજવીને પણ પોતાની જગ્યા બનાવી શકે છે. 'દેવદાસ' તેને કાન સુધી લઈ ગઈ, આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવતો ચહેરો બની ઐશ્વર્યાના કરિયરની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાં સંજય લીલા ભણસાલીની 'દેવદાસ'નો સમાવેશ થાય છે. 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેણે પારોનું પાત્ર ભજવ્યું હતું. શાહરુખ ખાન અને માધુરી દીક્ષિત જેવા કલાકારો સાથે તેની હાજરીને દર્શકો અને સમીક્ષકોએ પસંદ કરી. આ ફિલ્મ 2002ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ ઐશ્વર્યાની આંતરરાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બની. 2003માં તે કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીમાં સામેલ થનારી પ્રથમ ભારતીય એક્ટ્રેસ બની. આ ભારતીય સિનેમા માટે પણ એક મોટી સિદ્ધિ હતી. હવે ઐશ્વર્યાની ઓળખ માત્ર બોલિવૂડ એક્ટ્રેસ પૂરતી મર્યાદિત નહોતી. તે આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહો, ફેશન ઇવેન્ટ્સ અને વૈશ્વિક બ્રાન્ડ્સ વચ્ચે પણ ઓળખાવા લાગી હતી. 2004માં તેને ટાઇમ મેગેઝિનની વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન મળ્યું. આ સમયગાળામાં તેની લોકપ્રિયતા યુરોપ અને અમેરિકામાં પણ ઝડપથી વધી. 'બ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ'થી શરૂ થયો અંગ્રેજી ફિલ્મોનો સફર ઐશ્વર્યાએ આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય માત્ર હોલિવૂડમાં સ્થાન બનાવવા માટે લીધો નહોતો. તે અલગ-અલગ ભાષાઓ અને દેશોના સિનેમામાં કામ કરવા ઇચ્છતી હતી. 2004માં ગુરિન્દર ચઢ્ઢાની અંગ્રેજી ફિલ્મ 'બ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ' રિલીઝ થઈ. આ જેન ઑસ્ટિનની પ્રખ્યાત નવલકથા 'પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ'ની ભારતીય પૃષ્ઠભૂમિ પર બનેલી આધુનિક રજૂઆત હતી. તેમાં ઐશ્વર્યાએ લલિતા બક્ષીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં ભારતીય સંગીત, નૃત્ય અને પશ્ચિમી વાર્તાનું મિશ્રણ હતું. આ ફિલ્મ દ્વારા ઐશ્વર્યાને બ્રિટન અને અમેરિકાના દર્શકો સુધી પહોંચવાની તક મળી. ત્યારબાદ 2005માં તે 'ધ મિસ્ટ્રેસ ઑફ સ્પાઇસિસ'માં જોવા મળી. આ ફિલ્મ ચિત્રા બેનર્જી દિવાકરુણીની નવલકથા પર આધારિત હતી. તેમાં ઐશ્વર્યાએ તિલો નામની મહિલાનું પાત્ર ભજવ્યું, જે મસાલાઓ દ્વારા લોકોની સમસ્યાઓ સમજવા અને તેમની મદદ કરવાનો પ્રયાસ કરે છે. 2006માં તેની અંગ્રેજી ફિલ્મ 'પ્રોવોક્ડ: અ ટ્રૂ સ્ટોરી' રિલીઝ થઈ. આ કિરણજીત અહલૂવાલિયાના વાસ્તવિક જીવનથી પ્રેરિત કહાની હતી. ફિલ્મમાં ઐશ્વર્યાએ ઘરેલુ હિંસાનો સામનો કરતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું. આ તેના કરિયરના સૌથી ગંભીર અને પડકારજનક પાત્રોમાંથી એક હતું. 2007માં 'ધ લાસ્ટ લીજન'માં તેણે બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે કામ કર્યું. તેમાં તેની સાથે કોલિન ફર્થ અને બેન કિંગ્સલે જેવા કલાકારો હતા. ત્યારબાદ 2009માં તે હોલીવુડની જાણીતી કોમેડી ફ્રેન્ચાઇઝી 'ધ પિંક પેન્થર 2'માં જોવા મળી. તેમાં સ્ટીવ માર્ટિન, જીન રેનો અને એન્ડી ગાર્સિયા જેવા કલાકારો હતા. આ ફિલ્મો દ્વારા ઐશ્વર્યાએ અંગ્રેજી સિનેમામાં પોતાની હાજરી નોંધાવી. જોકે આ તમામ ફિલ્મોને બોક્સ ઓફિસ પર એકસરખી સફળતા મળી નહોતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઓળખ ચોક્કસપણે વધી. 'ટ્રોય'થી 'રશ અવર' સુધી મોટા હોલીવુડ પ્રોજેક્ટ્સ ઠુકરાવ્યા ઐશ્વર્યાના આંતરરાષ્ટ્રીય કરિયરની એક રસપ્રદ વાત એ પણ છે કે, તેને અનેક મોટા હોલીવુડ પ્રોજેક્ટ્સની ઑફર મળી હતી, પરંતુ તે આ ફિલ્મોનો ભાગ બની શકી નહોતી. 2009માં 'ધ નેશનલ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, ડિરેક્ટર બ્રેટ રેટનરે તેને 'રશ અવર' ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે બે વાર સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત બ્રાડ પિટની ફિલ્મ 'ટ્રોય'માં હેલનના પાત્ર માટે પણ તેનું નામ ચર્ચામાં હતું. તેણે એ પણ જણાવ્યું હતું કે, માઇકલ ડગ્લસ ભારત આવીને એક પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું હતું કે તે તેની પાસે એક ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને આવ્યા હતા. વિલ સ્મિથે પણ તેને 'હેનકોક' અને 'સેવન પાઉન્ડ્સ' માટે બે વાર સંપર્ક કર્યો હતો. ઐશ્વર્યાએ આ ફિલ્મોને ઠુકરાવવા પાછળ હોલીવુડ પ્રત્યે કોઈપણ પ્રકારની અનિચ્છાને કારણ ગણાવ્યું નહોતું. તેનું કહેવું હતું કે ભારતમાં ફિલ્મોના વ્યસ્ત સમયપત્રકને કારણે તેના માટે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ માટે સમય કાઢવો મુશ્કેલ બની જતો હતો. તેણે સમજાવ્યું હતું કે, જ્યારે કોઈ કલાકાર ભારતીય સિનેમામાં સતત કામ કરતો હોય છે, ત્યારે તેનું શેડ્યૂલ ઘણા વર્ષો અગાઉ સુધી નક્કી થઈ શકે છે. આવી સ્થિતિમાં વિદેશી ફિલ્મોના શૂટિંગ માટે સમય કાઢવો સરળ હોતો નથી. આ પરથી એ પણ સમજાય છે કે, ઐશ્વર્યાએ આંતરરાષ્ટ્રીય ઓળખ માટે બોલિવૂડ છોડવાનો પ્રયાસ કર્યો નહોતો. તે બંને જગ્યાએ પોતાની પસંદગી અને ઉપલબ્ધ સમય મુજબ કામ કરવા માગતી હતી. બોલિવૂડમાં પણ ટોચની એક્ટ્રેસમાં સામેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કરવા છતાં ઐશ્વર્યાએ ભારતીય સિનેમાથી અંતર રાખ્યું નહોતું. 2006માં હૃતિક રોશન સાથે 'ધૂમ 2'માં તેનો ગ્લેમરસ અંદાજ દર્શકોને પસંદ આવ્યો. ફિલ્મ મોટી વ્યાવસાયિક સફળતા સાબિત થઈ. 2007માં મણિરત્નમની 'ગુરુ'માં અભિષેક બચ્ચન સાથે તેની જોડી પસંદ કરવામાં આવી. આ જ વર્ષે બંનેએ લગ્ન કર્યા. 2008માં આવેલી 'જોધા અકબર'માં તેણે જોધા બાઈનું પાત્ર ભજવ્યું હતું. હૃતિક રોશન સાથેની તેની જોડી અને ફિલ્મના ભવ્ય સેટ્સની ચર્ચા થઈ હતી. ત્યારબાદ 2010માં 'રાવણ', 'રોબોટ' અને 'ગુઝારિશ' જેવી ફિલ્મોમાં કામ કર્યું. ખાસ કરીને સંજય લીલા ભણસાલીની 'ગુઝારિશ'માં તેના અભિનયની પ્રશંસા થઈ હતી. આ ફિલ્મમાં તેણે એક એવા વ્યક્તિની નર્સનું પાત્ર ભજવ્યું હતું, જે ગંભીર અકસ્માત બાદ લકવાગ્રસ્ત થઈ જાય છે. આ ફિલ્મોથી સ્પષ્ટ હતું કે, ઐશ્વર્યા પોતાની કારકિર્દીમાં માત્ર ગ્લેમરસ ભૂમિકાઓ સુધી મર્યાદિત રહેવા માંગતી નહોતી. તે ઐતિહાસિક, રોમેન્ટિક, સામાજિક અને ગંભીર પાત્રોમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી ચૂકી હતી. દીકરીના જન્મ બાદ બદલાઈ પ્રાથમિકતાઓ, ફિલ્મોથી લીધો લાંબો વિરામ 2011માં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના ઘરે દીકરી આરાધ્યાનો જન્મ થયો. ત્યારબાદ ઐશ્વર્યાએ ફિલ્મોથી લાંબો વિરામ લીધો. જોકે, તેણે આ નિર્ણયને કારકિર્દીથી અંતર બનાવવાને બદલે પોતાની પ્રાથમિકતાઓ અનુસાર લેવામાં આવેલો નિર્ણય ગણાવ્યો હતો. 2010માં 'ગુઝારિશ' બાદ તે લગભગ પાંચ વર્ષ સુધી કોઈ નવી ફિલ્મમાં જોવા મળી નહોતી. 2015માં સંજય ગુપ્તાની ફિલ્મ 'જઝ્બા'થી તેણે કમબેક કર્યું. આ ફિલ્મમાં તે એક વકીલની ભૂમિકામાં હતી, જેની દીકરીનું અપહરણ થઈ જાય છે. 2016માં તે 'સરબજીત'માં જોવા મળી હતી. તેમાં તેણે સરબજીત સિંહની બહેન દલબીર કૌરનું પાત્ર ભજવ્યું હતું. એ જ વર્ષે કરણ જોહરની 'એ દિલ હૈ મુશ્કિલ'માં તેણે સબા નામની એક શાયરની ભૂમિકા ભજવી હતી. રણબીર કપૂર સાથેના તેના કેટલાક દૃશ્યોની ખૂબ ચર્ચા થઈ હતી. 2018માં અનિલ કપૂર અને રાજકુમાર રાવ સાથે 'ફન્ને ખાં'માં કામ કર્યું હતું. ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં તેની સક્રિયતા ફરી ઘટી ગઈ. અહીં એક રસપ્રદ વાત એ છે કે, ઐશ્વર્યાએ પોતાની કારકિર્દીમાં ક્યારેય પણ દર વર્ષે ઘણી ફિલ્મો કરવાની નીતિ અપનાવી નહોતી. 2003માં ટાઈમ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ તેણે જણાવ્યું હતું કે, તે ધીમે ધીમે ઓછી ફિલ્મો કરવા માંગતી હતી, જેથી પોતાની ભૂમિકાઓ અને ફિલ્મ નિર્માણની પ્રક્રિયા પર વધુ ધ્યાન આપી શકે. 2022માં કાન દરમિયાન તેણે પોતાની કારકિર્દીની શરૂઆતથી જ પોતાને 'પ્રોવર્બિયલ ટૉરટૉઇઝ' એટલે કે ધીમે પરંતુ સતત ચાલતા કાચબા તરીકે ગણાવી હતી. તેનું કહેવું હતું કે તે પોતાના કામની ગતિ પોતે નક્કી કરે છે અને દર વર્ષે રિલીઝ થતી ફિલ્મોની સંખ્યાને સફળ કારકિર્દીનું માપદંડ માનતી નથી. શું બોલિવૂડે ઐશ્વર્યાને સાઈડલાઈન કરી? ઐશ્વર્યાની કારકિર્દીને લઈને સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જે એક્ટ્રેસે એક સમયે બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, તેને હવે પહેલાંની જેમ ફિલ્મો કેમ નથી મળી રહી? આ પ્રશ્નનો જવાબ પોતે ઐશ્વર્યાએ 2023માં આપ્યો હતો. એ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, હિન્દી સિનેમા તેને 'પોન્નિયન સેલ્વન' જેવા ઊંડાણ ધરાવતા પાત્રો કેમ નથી આપી રહ્યું? તેના જવાબમાં તેણે કહ્યું હતું, 'આ એક એવો શાંત પ્રશ્ન છે, જે મને લાગે છે કે બધા સર્જનાત્મક લોકો પોતાને પૂછે છે.' તેણે આગળ કહ્યું હતું કે, 'એવા ડિરેક્ટરો પણ છે, જેઓ મહિલા કલાકારો માટે જટિલ અને પ્રભાવશાળી પાત્રો લખે છે.' તેણે મણિરત્નમ જેવા ડિરેક્ટરોની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમની સાથે કામ કરવું કલાકારો માટે સંતોષદાયક અનુભવ છે. ઐશ્વર્યાનું આ નિવેદન તેની કારકિર્દીના વર્તમાન તબક્કાને સમજવા માટે મહત્વપૂર્ણ છે. એક તરફ તે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત પોતાની ઓળખ જાળવી રહ્યાં છે, તો બીજી તરફ હિન્દી સિનેમામાં તેને લાંબા સમયથી કોઈ મોટી અને સતત ચાલતી ફિલ્મ ફ્રેન્ચાઇઝી અથવા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં નથી. જોકે, એવું કહેવું પણ યોગ્ય નહીં હોય કે બોલિવૂડે તેને સંપૂર્ણપણે સાઇડલાઇન કરી દીધી છે. તેની ફિલ્મો વચ્ચે લાંબા અંતરનું એક કારણ તેની પોતાની પ્રાથમિકતાઓ અને પસંદ કરેલી કાર્યશૈલી પણ રહી છે. પરંતુ તેના 2023ના નિવેદનથી એ ચોક્કસ જાણવા મળે છે કે, મહિલા કલાકારોને ઉંમર અને કારકિર્દીના અલગ-અલગ તબક્કે પડકારજનક ભૂમિકાઓ મળવાનો મુદ્દો તેમના માટે પણ મહત્વપૂર્ણ છે. 'પોન્નિયિન સેલ્વન'માં નંદિની બનીને ફરી સાબિત કરી અભિનય ક્ષમતા હિન્દી ફિલ્મોથી અંતર વચ્ચે ઐશ્વર્યાએ દક્ષિણ ભારતીય સિનેમામાં પોતાની મજબૂત વાપસી કરી. 2022માં મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન: પાર્ટ 1' રિલીઝ થઈ. તેમાં તેણે નંદિનીનું પાત્ર ભજવ્યું. આ એક ઐતિહાસિક વાર્તા હતી, જેમાં ચોલ સામ્રાજ્યની રાજનીતિ, સત્તાસંઘર્ષ અને કાવતરાં દર્શાવવામાં આવ્યાં હતાં. ઐશ્વર્યાનું પાત્ર નંદિની વાર્તાનાં સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંનું એક હતું. 2023માં ફિલ્મનો બીજો ભાગ 'પોન્નિયિન સેલ્વન: પાર્ટ 2' રિલીઝ થયો. તેમાં ઐશ્વર્યાએ નંદિનીની સાથે મંદાકિની દેવીનું પાત્ર પણ ભજવ્યું. બંને ભૂમિકાઓ દ્વારા તેણે ફરી એકવાર સાબિત કર્યું કે, તે માત્ર સુંદરતા અને ગ્લેમર માટે જ નહીં, પરંતુ જટિલ પાત્રો ભજવવાની ક્ષમતા પણ ધરાવે છે. આ ફિલ્મ માટે તેને દક્ષિણ ભારતીય સિનેમામાં પણ પ્રશંસા મળી. 2024માં યોજાયેલા આઈફા ઉત્સવમમાં તેને 'પોન્નિયિન સેલ્વન: પાર્ટ 2' માટે બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર મળ્યો. આ કમબેક એ વાતનો સંકેત હતો કે, ઐશ્વર્યામાં આજે પણ દર્શકોને આકર્ષવાની ક્ષમતા છે. જરૂર માત્ર એવા પાત્રો અને ડિરેક્ટરોની છે, જેઓ તેની અભિનય ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે. કાનમાં બે દાયકાથી વધુ સમયથી જળવાઈ છે જાહોજલાલી ઐશ્વર્યાની વૈશ્વિક ઓળખનો એક મોટો હિસ્સો કાન ફિલ્મ ફેસ્ટિવલ સાથે પણ જોડાયેલો છે. તેણે 2002માં 'દેવદાસ' સાથે કાનમાં પોતાની હાજરી નોંધાવી હતી. 2003માં તે ફેસ્ટિવલની જ્યુરીનો ભાગ બની. ત્યારથી તે સતત કાનના રેડ કાર્પેટ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતી રહી છે. તેના કપડાં, લુક અને રેડ કાર્પેટ અપિયરન્સની આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચા થતી રહી છે. તે વિશ્વની મોટી ફેશન બ્રાન્ડ્સ અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં પણ જોવા મળતી રહે છે. લોરિયલ પેરિસ સાથેનો તેનો સંબંધ પણ તેની વૈશ્વિક બ્રાન્ડ ઓળખનો મહત્વપૂર્ણ હિસ્સો છે. 2009માં ભારત સરકારે તેને પદ્મશ્રીથી સન્માનિત કરી હતી. ફ્રાન્સ સરકારે પણ 2012માં તેને ઓર્ડર ઑફ આર્ટ્સ એન્ડ લેટર્સ સન્માન આપ્યું હતું. આ રીતે ઐશ્વર્યાની ઓળખ માત્ર ફિલ્મો સુધી મર્યાદિત રહી નથી. તે ભારતીય સિનેમા, ફેશન, સૌંદર્ય અને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પ્રમુખ ચહેરાઓમાં સામેલ થઈ ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    તમામ રાશિ માટે નવેમ્બર મહિનો કેવો રહેશે?:વૃષભ, સિંહ સહિત 5 રાશિઓનું 'કિસ્મત કનેક્શન'; મિથુન-મકર સહિત 7 રાશિઓ પર થશે ધનવર્ષા
    Next Article
    ટાઇગર શ્રોફ કેસ:આરોપીઓએ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક ₹25 હજારમાં ખરીદી; માસ્ટરમાઇન્ડ અનિલ પંડિતે 25-30 બેંક ખાતાઓમાં પૈસા સંતાડ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment