Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુખની શોધ:વર્ક લાઇફ બેલેન્સ : એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ

    7 hours ago

    હસમુખ અઢિયા જીવનમાં કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું, એ પ્રશ્નથી મોટા ભાગના લોકો પીડાય છે. નોકરી, વ્યવસાય કે અન્ય પ્રવૃત્તિઓમાં આખું જીવન યંત્રવત્ પસાર થઈ જાય છે. જીવનના પાછલા પડાવે પહોંચ્યા પછી અહેસાસ થાય છે કે કમાવાની દોડમાં જીવનને માણવાનું જ રહી ગયું. જ્યારે કેટલાક લોકો આળસમાં રહીને કોઈ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. તો ખરેખર આપણે શું કરવું જોઈએ કે જેથી જીવનમાં કર્મ અને સુખ વચ્ચે સંતુલન જળવાય. આપણા શાસ્ત્રો આ પ્રશ્નનો આધ્યાત્મિક ઉકેલ આપે છે. ભારતીય દર્શને માનવપ્રકૃતિના ત્રણ ગુણો બતાવ્યા છે: તમસ, રજસ અને સત્ત્વ. જીવનની યાત્રાને આ ત્રણ ગુણોના સંદર્ભમાં સમજી શકાય. પ્રથમ તબક્કો છે - તમસમાંથી બહાર આવવું. તમોગુણી વ્યક્તિમાં આળસ, નિષ્ક્રિયતા અને મહત્વાકાંક્ષાનો અભાવ જોવા મળે છે. કેટલીક વાર આવી નિષ્ક્રિયતાને સંતોષનું નામ આપવામાં આવે છે. પરંતુ સંતોષ અને આળસ વચ્ચે મોટો તફાવત છે. પ્રયત્ન કર્યા વિના બીજાની કમાણીનો લાભ લેવામાં વાંધો ન હોય, તો તેને સંતોષ કહી શકાય નહીં. આવા લોકોને પ્રથમ જરૂરિયાત છે ઈચ્છાશક્તિ જગાડવાની. કામના જાગે, તેમાંથી કર્મનો જન્મ થાય અને વ્યક્તિ પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવવા તથા સ્વાવલંબી બનવા સક્રિય થાય. ઈચ્છા પછી કર્મ, અને કર્મ પછી પ્રગતિનો માર્ગ ખુલે છે. બીજો તબક્કો છે - કર્મમાં કૌશલ્ય અને ધર્મ. સક્રિય થયા પછી વ્યક્તિએ પોતાના કાર્યમાં નિપુણતા મેળવવી જોઈએ. માત્ર કામ કરવું પૂરતું નથી; તે કુશળતાથી અને નિષ્ઠાપૂર્વક કરવું પણ જરૂરી છે. ભગવદ્ ગીતાનું સૂત્ર છે: 'યોગઃ કર્મસુ કૌશલમ્'—કર્મમાં કુશળતા એ જ યોગ છે. આમ, કામના, કર્મ અને કૌશલ્ય– 3 'ક'નું સૂત્ર જીવનમાં સફળતા મેળવવાનો પાયો છે પરંતુ સફળતા માત્ર કુશળતાથી સાર્થક બનતી નથી. તેમાં ધર્મનો ઉમેરો થવો જરૂરી છે. પ્રામાણિકતા જાળવવી, કોઈનું શોષણ ન કરવું, વચન પાળવું, કરવેરા પ્રામાણિકતાથી ભરવા અને આવકનો અમુક ભાગ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વાપરવો—આ ધર્મના અંગો છે. આમ, 3 'ક' સાથે ધર્મ જોડાય ત્યારે સફળતા સાર્થકતામાં પરિવર્તિત થાય છે. ત્રીજો તબક્કો છે - રજસમાંથી સત્ત્વ તરફ વળવું. પ્રગતિની ઊંચાઈના તબક્કે પહોંચ્યા પછી કર્મ કરવાની પ્રેરણા બદલાવી જોઈએ. અત્યાર સુધી વ્યક્તિ પોતાની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓ માટે કામ કરતી હતી; હવે તેનો ઉદ્દેશ સમાજનું હિત બને છે. કર્મ અને કૌશલ્યનો ત્યાગ કરવાનો નથી, પરંતુ અંગત લાભની કામના અને ફળ પ્રત્યેની આસક્તિ ઓછી કરવાની છે. પોતાની મહેનતથી મળતી આવકને ઈશ્વરનો પ્રસાદ માનીને સ્વીકારવી, તેમાંથી બીજાઓ સાથે વહેંચવું અને બાકીની આવકનો આસક્તિ વિના આનંદ માણવો, આ જીવન જીવવાની સાચી કલા છે. ચોથો તબક્કો છે - કર્મથી આત્મજ્ઞાન તરફ વળવું. નિઃસ્વાર્થ ભાવનાથી કર્મ કરતાં કરતાં વ્યક્તિના મનમાં પ્રશ્નો જાગે છે: હું ખરેખર કોણ છું? આ સૃષ્ટિ પાછળનું અંતિમ સત્ય શું છે? આ પ્રશ્નો તેને આત્મજ્ઞાન અને મોક્ષની દિશામાં લઈ જાય છે. આમ, જીવનનું સાચું સંતુલન માત્ર કામના કલાકો ઘટાડવામાં નથી, પરંતુ કર્મ પ્રત્યેના આપણા અભિગમને બદલવામાં છે. કામનાથી કર્મ, કર્મથી કૌશલ્ય, કૌશલ્યથી ધર્મ, ધર્મથી નિષ્કામ સેવા અને અંતે આત્મજ્ઞાન—આ માનવજીવનની આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો માર્ગ છે. કામ આત્મવિકાસ, સમાજસેવા અને આંતરિક મુક્તિનું માધ્યમ બને, ત્યારે જ જીવન સાચા અર્થમાં સંતુલિત અને સાર્થક બને છે.
    Click here to Read More
    Previous Article
    Ketan Agarwal Case Debate: शादी से क्या सच में डर ? युवाओं के मन में क्या?| Siya Ketan Case |
    Next Article
    વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરમાં ભારતીય બજારમાંથી ₹48,056 કરોડ ઉપાડ્યા:2026માં ઉપાડ ₹3.08 લાખ કરોડને પાર; કારણ- મોંઘવારી, વ્યાજદર અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment