Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી ટાઇગર શ્રોફ છે મહાદેવનો પરમ ભક્ત:એક સમયે પરિવાર ચાલીની ઓરડીમાં રહેતો, મમ્મીની એક ભૂલ ભારે પડી, દાદા જ્યોતિષ ને નાના ફાઇટર પાઇલટ હતા

    8 hours ago

    નવરાત્રિના તહેવારમાં 18 ઓક્ટોબર, રવિવારની સાંજ બોલિવૂડ માટે ઘણી જ ભારે રહી. બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ મુંબઈના જુહૂમાં આવેલા પુષ્પા નરસી પાર્કમાં સાંજે પાંચ વાગ્યે ફૂટબોલ રમવા ગયો હતો. એક્ટરની સાથે કરનવીર મહેરા, અપારશક્તિ ખુરાના પણ હતા. સાત વાગ્યે ફૂટબોલ રમીને ટાઇગર પોતાની BMW કારમાં પાર્કના ગેટથી બહાર નીકળ્યો જ હતો ને ત્યાં જ અચાનક જ બાઇક પર આવેલા બે અજાણી વ્યક્તિએ ધડાધડ ચારથી પાંચ રાઉન્ડ ગોળીઓ ચલાવી. ત્યારબાદ તરત જ ત્રીજો આરોપી નજીકમાં બાઇક લઈને ઊભો હતો તેની પર બેસીને ફરાર થઈ ગયા. આ ગોળીબારમાં ટાઇગરનો ડ્રાઇવર ફિરદોસ ને ચાહક ઉમેશ ચવ્હાણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે ટાઇગરને કારના કાચ તૂટતાં ડાબા હાથમાં ને છાતીમાં સામાન્ય ઈજા થઈ હતી. ડ્રાઇવર ઘાયલ થતાં જ ઇજાગ્રસ્ત ટાઇગર ડ્રાઇવિંગ સીટ પર બેઠો ને ડ્રાઇવરને બાજુની સીટમાં બેસાડ્યો ને પછી સીધો સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સાથે સારવાર અર્થે નાણાવટી હૉસ્પિટલ ગયો. ફિરદોસને હાથમાં ગોળી વાગી હતી. ટાઇગર પર હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી છે. ટાઇગર શ્રોફ મૂળ ગુજરાતી હોવાને કારણે તેને ભાંગ્યું તૂંટ્યું ગુજરાતી આવડે છે અને તે સમજી પણ શકે છે. 'ફિલ્મી ફેમિલી'માં વાત કરીશું શ્રોફ પરિવારની. ટાઇગર શ્રોફનું નામ 'ટાઇગર' કેવી રીતે પડ્યું? ટાઇગર નાની બહેનને શું કહીને હેરાન કરતો? ટાઇગરને નાનપણમાં મમ્મી મરચું કેમ ખવડાવતી? ટાઇગર ફૂટબોલર કેમ ના બન્યો? ટાઇગર ને દિશા લગ્ન વગર સાથે રહેતા હતા? બંને કેમ અલગ થયા? ટાઇગરનો વર્કઆઉટ પ્લાન ને ડાયટ શું છે? ટાઇગરની એક ફિલ્મની ફી કેટલી છે? ટાઇગરનો પરિવાર કેમ વિવિધતામાં એકતા ધરાવે છે? સૌ પહેલાં વાત કરીશું ટાઇગરની ને પછી શ્રોફ પરિવારના મૂળિયાની... 2 માર્ચ, 1990માં ગુજરાતી પરિવારમાં જય હેમંત શ્રોફ એટલે કે ટાઇગરનો જન્મ થયો. જય હેમંતને નાની બહેન ક્રિશ્ના શ્રોફ છે. જય હેમંતે મુંબઈની અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાંથી સ્કૂલિંગ કર્યું.12 ધોરણ પૂરું કર્યા બાદ એમિટી યુનિવર્સિટીમાં એડમિશન લીધું, પરંતુ કોલેજ શરૂ થાય તે પહેલાં જ જય હેમંતે ફિલ્મ સાઇન કરી લીધી હોવાથી કોલેજ ગયો જ નહીં. ટાઇગર નામ કેવી રીતે પડ્યું? જેકીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મેં મારા મોટાભાઈ હેમંતના નામ પરથી દીકરાનું નામ જય હેમંત રાખ્યું હતું, જોકે મારો દીકરો નાનપણમાં ઘણો જ તોફાની હતો અને તે બધાને બચકાં બહુ ભરતો. આ ઉપરાંત તે લોકોને નખ પણ મારતો. આ જ કારણે મેં દીકરાનું નામ ટાઇગર પાડી દીધું હતું. ટાઇગરની લોકોને બચકાં ભરવાની આદત ધીમે ધીમે વધી ગઈ હતી. તે ઘરે આવનારા મહેમાનોને પણ બટકાં ભરતો. મારી પત્ની આયેશા તેને માર પણ મારતી, પરંતુ તેની આ આદત કેમેય કરીને જતી નહોતી. એકવાર ટાઇગર અને ક્રિશ્ના વચ્ચે જોરદાર ઝઘડો થયો. ટાઇગરે પોતાની નાની બહેનને એટલી જોરથી બચકું ભર્યું કે ક્રિશ્નાને ડૉક્ટર પાસે લઈ જવી પડી હતી. આ વાતથી આયેશાને એટલો ગુસ્સો આવ્યો હતો કે તેણે ટાઇગરને લાલ મરચું ખવડાવી દીધું હતું. ટાઇગર જ્યારે પણ કોઈને બચકું ભરે તો તેને લાલ મરચું ખવડાવવામાં આવતું. પછી તે એટલો ડરી ગયો કે તેણે બચકાં ભરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તેનું નામ તો ટાઇગર જ રહ્યું.' ચાર વર્ષની ઉમરથી માર્શલ આર્ટ્સની તાલીમ લીધી ટાઇગર માત્ર 4 વર્ષનો હતો ત્યારે તેણે બ્રુસ લીની ફિલ્મ જોઈ હતી અને તે તેનો ફૅન થઈ ગયો હતો. દાદીને માઇકલ જેક્શન ઘણા જ ગમતા એટલે ટાઇગરે નાનપણમાં માઇકલ જેક્શનને ડાન્સ કરતા જોયા હતા. આ જ કારણે ટાઇગર ડાન્સ ને માર્શલ આર્ટ્સ પ્રત્યે જબરજસ્ત ક્રેઝ છે. તેણે નાનપણથી જ તાઇક્વાન્ડો ને વુશુની તાલીમ લેવાનું શરૂ કર્યું. નાની બહેનને પરિવારની સગી દીકરી ના હોવાની વાત કરી ટાઇગર શ્રોફ ઘરમાં ઘણો જ તોફાની હતો. ટાઇગરે પોતાની નાની બહેન ક્રિશ્નાને વર્ષો સુધી એમ જ કહ્યું હતું કે તે પરિવારની સગી દીકરી નથી પણ તેને દત્તક લેવામાં આવી છે. ક્રિશ્નાએ ખાસ્સા સમય સુધી આ વાતને સાચી માની લીધી હતી અને તે ઘણીવાર રડતી પણ હતી. જોકે, પછીથી જેકી શ્રોફે દીકરીને સાચી વાત કહી હતી. જંક ફૂડ ખાવાનો શોખીન હતો ટાઇગરને નાનપણમાં અન્ય બાળકોની જેમ ઘરનું જમવાનું ભાવતું જ નહોતું. તેને જંકફૂડ ઘણું જ ગમતું અને બંને ટાઇમ જંક ફૂડ જ ખાવાની જિદ કરતો. પિતા જેકી શ્રોફ દીકરાને જમાડવા દાળ-ભાત-શાક ત્રણેય મિક્સ કરીને બાઉલ બનાવે. ત્યારબાદ દીકરાને નવી નવા વાર્તાઓ કહે અને વાર્તા સાંભળવામાં તલ્લીન ટાઇગરને ચમચીથી જમાડી દેતા. સ્કૂલમાં છોકરાઓ હેરાન કરતા સ્કૂલમાં ટાઇગરને સિનિયર વિદ્યાર્થીઓ ઘણાં જ હેરાન કરીને બુલી કરતા. શરૂઆતમાં તો ટાઇગરને કંઈ ખબર પડતી નહીં. પછી તેને ખબર પડવા લાગી એટલે ટાઇગરને જ્યારે પણ કોઈ બુલી કરવા આવે તો તે ત્યાંથી ઝડપથી ભાગી જતો. એક્ટર નહીં ફૂટબોલર બનવું હતું ટાઇગરને નાનપણથી સ્પોર્ટ્સ ગમતું. આ જ કારણે તે સ્કૂલે ભણવા નહીં, પરંતુ સ્પોર્ટ્સ રમવા જતો. સ્કૂલમાં ટાઇગર ફૂટબોલ પાછળ ક્રેઝી હતો અને આ જ કારણે તે ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં જવા માગતો હતો. અલબત્ત, ભારતમાં ક્રિકેટને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે, તેટલું અન્ય સ્પોર્ટ્સને નથી. આ જ કારણે ટાઇગરને ફૂટબોલમાં યોગ્ય તક મળી નહીં અને તે દરમિયાન તેને ફિલ્મ ઑફર થઈ. કેવી રીતે બોલિવૂડ ફિલ્મ મળી? 2012માં પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા પોતાની નવી ફિલ્મમાં ફ્રેશ ફેસ લેવા માગતા હતા. એક દિવસ તેમણે જિમમાં ટાઇગર શ્રોફને જિમ્નાસ્ટિક ફ્લિપ્સ ને કિક્સની પ્રેક્ટિસ કરતો જોયો. ટાઇગરને પ્રેક્ટિસ કરતા જોઈને સાજિદને લાગ્યું કે તે ફિલ્મમાં કંઈક નવું કરી શકશે. સાજિદે પછી ટાઇગરને પોતાની ફિલ્મમાં સાઇન કર્યો. અલબત્ત, ટાઇગરે તરત શૂટિંગ શરૂ કર્યું નહોતું પણ તેણે એક્ટિંગ, સ્ક્રિન પ્રેઝન્સ, ડાયલોગ ડિલિવરીની ટ્રેનિંગ લીધી. આટલું જ નહીં, ટાઇગરે હવામાં હાઈ-કિક્સ, ફ્લિપ્સ અને જીવલેણ સ્ટન્ટ્સની અદભુત તાલીમ ટ્રેનર કુલદીપ શશી પાસેથી ને ડાન્સર પરેશ શિરોડકર પાસે ડાન્સની તાલીમ લીધી હતી. 23 મે, 2014ના રોજ ટાઇગરની ડેબ્યૂ ફિલ્મ હીરોપંતી રિલીઝ થઈ. આ ફિલ્મથી ક્રિતિ સેનનને પણ ડેબ્યૂ કર્યું. ટાઇગર શ્રોફ માર્શલ આર્ટ્સમાં એક્સપર્ટ હોવાથી તેણે આમિર ખાનને ફિલ્મ 'ધૂમ 3'ના શૂટિંગ પહેલા જિમમાં ટ્રેનિંગમાં મદદ કરી હતી. આ ઉપરાંત બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના દીકરા વિવાનને પણ માર્શલ આર્ટ્સ શીખવી હતી. ટાઇગર પાસે તાઇક્વાન્ડોમાં ઓનરરી ફિફ્થ ડિગ્રી બ્લેક બેલ્ટ છે. પોતાની ફૂટબોલ ક્લબ લૉન્ચ કરી બોલિવૂડમાં 10 વર્ષ પૂરા થતાં ટાઇગરે 2024માં મુંબઈ FC પ્રોફેશનલ ફૂટબોલ ક્લબ લૉન્ચ કરી અને પોતે માર્કી પ્લેયર (એટલે લોકપ્રિય ખેલાડી અને તેને જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં આવે) તરીકે જોડાયો હતો. 30 ઓક્ટોબર, 2024એ મુંબઈ પ્રીમિયર લીગમાં બોમ્બે જીમખાના સામે રમીને તેની ટીમને 1-0થી વિજેતા બનાવી હતી. 2026માં એશિયાની સૌથી જૂની ને જાણીતી ફૂટબોલ ટૂર્નામેન્ટ ડ્યુરેન્ડ કપમાં મુંબઈ FCની ટીમમાં ટાઇગર શ્રોફનું નામ પણ હતું. એક્ટર ટીમ સાથે રેગ્યુલર પ્રેક્ટિસ પણ કરતો હતો. જોકે, પછીથી ફિલ્મના બિઝી શિડ્યૂઅલ્સ ને વર્ક કમિટમેન્ટ્સને કારણે ટાઇગર આ ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયો. મુંબઈ FCના પૂર્વ હેડ કોચ અસીમ હસને ટાઇગરને ગ્રાઉન્ડ પર રમતા જોઈને એવું કહ્યું હતું કે જો તે એક્ટર ના હોત તો તેણે ક્યારનોય ટાઇગરને પોતાની ટીમમાં લઈ લીધો હોત. તેની ટેક્નિક કમાલની છે. તે રાઇટ ફૂટેડ ખેલાડી હોવા છતાં લેફ્ટ ફૂટરની જેમ કટ લઈ શકે છે. આ ઘણી જ સારી બાબત છે. ફિટનેસને કારણે ટાઇગર ચાહકો ને બી ટાઉનમાં લોકપ્રિય ટાઇગર પોતાના એઇટ પેક્સ એબ્સને કારણે યુવતીઓમાં ખાસ્સો ફેવરિટ છે. જોકે આ એઇટ પેક્સ માટે ટાઇગર તનતોડ મહેનત કરે છે. એક્ટર રોજ 4-5 કલાક વર્કઆઉટ કરે છે, જેમાં તે હાઇબ્રિડ ફિટનેસ એટલે કે મિક્સ માર્શલ આર્ટ્સ, જિમ્નાસ્ટિક, વેઇટ ટ્રેનિંગ કરે છે. તે રોજ દિવસમાં 45 મિનિટ ટ્રેડમિલ પર દોડે છે. ઘણીવાર કાર્ડિયોને બદલે ટાઇગર દોઢ કલાક ડાન્સ પ્રેક્ટિસ કરે છે. ટાઇગર પોતાના વજન કરતાં ત્રણ ગણું વધુ વજન ઊંચકવાની ક્ષમતા ધરાવે છે. એવો એક પણ દિવસ ના હોય કે ટાઇગરે વર્કઆઉટ ના કર્યું હોય. વાત હવે તેના ડાયટની કરીએ તો એક્ટર સ્પષ્ટ માને છે કે એબ્સ તો રસોડામાંથી જ બને છે. તે ઓછી કેલરી ને હાઇ પ્રોટીનવાળું ફૂડ દર બે કલાકે લે છે. સાંજે પાંચ વાગ્યા પછી કાર્બ્સ (જેમ કે બટાટા, ભાત, રોટલી...) લેતો નથી. ડિનરમાં લીલા શાકભાજી ને પ્રોટીન લે છે. આ ઉપરાંત શુગર ને જંક ફૂડથી દૂર રહે છે. સ્મોકિંગ ને આલ્કોહોલ પણ લેતો નથી. બ્રેકફાસ્ટમાં પાંચેક એગ્સ સાથે બદામ ને ગ્રીન ટી, લંચમાં બોઇલ્ડ ચિકન કે ફીશ, બ્રાઉન રાઇસ ને બાફેલા લીલા શાકભાજી, સાંજે બ્લેક કૉફી અથવા પ્રોટીન શેક તથા ડિનરમાં રોસ્ટ ફિશ અથવા ગ્રીન બિન્સ. ચિટ ડે મોસ્ટલી રવિવારે હોય છે અને તે દિવસે ચોકલેટ ને પિત્ઝા લેવાનું પસંદ કરે છે. મહાદેવનો પરમ ભક્ત ટાઇગર શ્રોફ નાનપણથી શિવજીનો પરમ ભક્ત છે. ફિલ્મમાં આવ્યા પહેલા ટાઇગર દર સોમવારે ઉપવાસ કરતો પણ હવે ફિલ્મમાં બિઝી થતાં તે ઉપવાસ નથી કરી શકતો, પરંતુ નવી ફિલ્મ સાઇન કરવાની હોય કે પછી કોઈ પણ શુભ કાર્ય હોય તો તે સોમવારે જ કરે છે. આ ઉપરાંત ટાઇગર દર વર્ષે મહાશિવરાત્રિનો ઉપવાસ કરે છે ને ભગવાન શિવના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરવાનું ક્યારેય ભૂલતો નથી. હિરોઇન કહીને ટ્રોલ કરવામાં આવ્યો ટાઇગર શ્રોફને કરિયરની શરૂઆતમાં છોકરીઓ જેવા ચહેરાને કારણે ઘણો જ ટ્રોલ કરવામાં આવતો હતો. ટાઇગરના લુક્સ અંગે કમેન્ટ્સ કરવામાં આવતી કે તે હીરો છે કે હિરોઇન? ઘણાએ એવું કહ્યું હતું કે આ તો જેકી દાદાનો દીકરો જ લાગતો નથી? ટાઇગરના ચહેરા પર કરીનાની તસવીર મોર્ફ કરીને મજાક ઉડાવવામાં આવતી. સામાન્ય લોકો જ નહીં, ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પણ સો.મીડિયામાં ટાઇગરના 27મા જન્મદિવસ પર ટ્રોલ કર્યો હતો. રામુએ કહ્યું હતું કે બની શકે કે ટાઇગરના સિક્સ પેક જેકી કરતાં ક્યાંય સારા હોય, પરંતુ જેકીની બૉડી લેંગ્વેજ ને તેની આંખોની તોલે કોઈ આવે નહીં. આ ઉપરાંત રામુએ એવું પણ કહ્યું હતું કે ટાઇગરે પોતાના પિતા પાસેથી શીખવાની જરૂર છે કે અસલી મર્દ કોને કહેવાય? ટાઇગરે રામ ગોપાલ વર્માને ઘણી જ વિન્રમતાથી જવાબ આપ્યો હતો કે તે પોતાના પિતાની તુલનામાં તો અડધો મર્દ પણ નથી. તેઓ અસલી હીરો છે અને તે પ્રયાસ કરે તો પણ પિતા જેવો બની શકે નહીં. પોતાના ટ્રોલિંગ પર ટાઇગરે જવાબ આપ્યો હતો કે દરેકને બોલવાનો હક છે અને રામ ગોપાલ વર્મા જેવા મોટા ગજાના ડિરેક્ટર અંગે તે કંઈ પણ કહી શકશે નહીં. નાની ઉંમરમાં ચિક્કાર કમાણી 36 વર્ષીય ટાઇગર શ્રોફે સારી સારી એક્શન ફિલ્મ કરી છે. ટાઇગર માત્ર એક્ટિંગમાંથી નહીં, પરંતુ ફિટનેસ બિઝનેસ ને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કમાણી કરે છે. ટાઇગર એક ફિલ્મના 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ફી 3-4 કરોડ રૂપિયા છે. 2018માં ટાઇગરે PROWL નામથી ફિટનેસ ને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ લૉન્ચ કરી છે, જે ફિટનેસ ક્લોથ ને એક્સેસરીઝ વેચે છે. આ ઉપરાંત ટાઇગરે નાની બહેન ક્રિશ્ના સાથે MMA Matrix (મિક્સ્ડ માર્શલ આર્ટ્સ મેટ્રિક્સ) શરૂ કર્યું છે. જ્યાં માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. ટાઇગર શ્રોફે મુંબઈના ખારમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ રૂસ્તમજી પેરમાઉન્ટમાં આઠ બેડરૂમનો અપાર્ટમેન્ટ લીધો છે. હાલમાં ટાઇગર ત્યાં એકલો જ રહે છે. મુંબઈના બાંદ્રા ને પુણેમાં પણ ટાઇગરની રિયલ એસ્ટેટની સંપત્તિ છે. દિશા પટની સાથે અફેર હતું 2016માં દિશા પટનીએ ફિલ્મ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'ના રિલીઝ પહેલાં તે ટાઇગર શ્રોફ સાથે મ્યૂઝિક વીડિયો 'બેફિક્રા'માં જોવા મળી હતી. આ સોંગમાં બંનેની જોડી ઘણી જ સારી લાગતી હતી. ટાઇગરે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે દિશા તેના સપનાની ગર્લફ્રેન્ડ છે. દિશા ને ટાઇગર પછી તો બી ટાઉની દરેક ઇવેન્ટમાં સાથે જોવા મળતાં. આટલું જ નહીં, દર રવિવારે સાથે ડિનર ડેટ પણ જતા. આ જ કારણે બી ટાઉનમાં ચર્ચા હતી કે દિશા કે ટાઇગર એકબીજાને ડેટ કરે છે. અલબત્ત, ટાઇગરે હંમેશાં એમ જ કહ્યું હતું કે તે ને દિશા સારા મિત્રો છે. 2022માં દિશા-ટાઇગરના કોમન મિત્રે દાવો કર્યો હતો કે રિલેશનશિપમાં આવ્યાં બાદ બંને લગભગ સાથે જ રહેતાં હતાં. ટાઇગર છેલ્લાં ઘણાં વર્ષોથી પેરેન્ટ્સ જેકી શ્રોફ તથા આયેશા શ્રોફથી અલગ રહે છે. આથી જ દિશા મોટા ભાગે ટાઇગરના ઘરે જ રહેતી હતી. બ્રેકઅપ પહેલાં દિશા પટનીએ લગ્નની વાત કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિશાએ ટાઇગર સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી હતી અને લગ્ન અંગે કહ્યું હતું. જોકે, ટાઇગરે ચોખ્ખી ના પાડી દીધી હતી. ટાઇગર માટે કરિયર જ મહત્ત્વનું હતું. દિશાએ ઘણીવાર લગ્ન અંગે વાત કરી હતી. જોકે દર વખતે ટાઇગરનો એક જ જવાબ રહેતો, 'ના, અત્યારે નહીં.' દિશા લગ્ન માટે ઉતાવળી હતી, પરંતુ ટાઇગર લગ્નના બંધનમાં બંધાવા માગતો નહોતો. આ જ કારણે દિશાએ ટાઇગરથી અલગ થવાનો નિર્ણય લીધો. દિશાથી અલગ થયા બાદ ટાઇગર પ્રોડક્શન હાઉસમાં સિનિયર પોઝિશન પર કામ કરતી દિશા ધાનુકાને ડેટ કરતો હોવાની ચર્ચા હતી. જોકે, ટાઇગરે ચોખવટ કરી હતી કે તે હાલમાં સિંગલ છે. દિશા ધાનુકા બાદ ટાઇગરનું નામ મોડલ ને એક્ટ્રેસ આકાંક્ષા શર્મા સાથે પણ જોડાયું હતું. ફાયરિંગની વાત સાંભળીને દિશા જામનગરથી મુંબઈ આવી 18 ઓક્ટોબરે મોડી સાંજે ટાઇગર પર ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે દિશા પટની જામનગરમાં હતી. આ સમાચાર મળતાં જ દિશા તાત્કાલિક મુંબઈ આવી હતી અને એરપોર્ટથી સીધા ટાઇગરને મળવા ગઈ હતી. ટાઇગર શ્રોફ પર હુમલો થયા બાદ શું થયું? પોલીસે ટાઇગર શ્રોફ પર હુમલો કરનાર રેહાન તથા ફૂલ સિંહને રાજસ્થાનના કોટા આગળથી ઝડપી લીધા હતા. આ બંનેને બાઇક પર ભગાવવામાં મદદ કરનાર રોશન હતો. હુમલો થયાના બે દિવસ બાદ જ ટાઇગરે આગામી ફિલ્મ 'લગ જા ગલે'નું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. ટાઇગર પર ગોળીબાર થતાં મોડી રાત્રે મહારાષ્ટ્રના ડે.સીએમ એકનાથ શિંદે મળવા ગયા હતા. હુમલા બાદ ટાઇગરની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આટલુ જ નહીં, સલમાન ખાનની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બિશ્નોઇ ગેંગે ધમકી આપી છે કે સલમાન ખાન સાથે કામ કરનાર દરેકની હાલત આવી જ થશે. વાત હવે ટાઇગરના મૂળિયાની દાદાએ નાની ઉંમરમાં લગ્ન કર્યા ને ચાલીમાં રહેવા લાગ્યા ટાઇગરના દાદા કાકુભાઈ હરિભાઈ શ્રોફ ગુજરાતી હતા અને તેમનો પરિવાર સુખી-સંપન્ન હતો. જોકે સ્ટોક માર્કેટમાં પરિવારે તમામ પૈસા ગુમાવી દીધા હતા. આ જ કારણે કાકુભાઈએ માત્ર 17 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. આ દરમિયાન તેમની મુલાકાત હુરુન્નિસા સાથે થઈ અને બંનેએ નાની ઉંમરમાં જ લગ્ન કરીને મુંબઈની તીનબત્તી ચાલીની 10 બાય 10ની નાનકડી ઓરડીમાં રહેવાં લાગ્યાં. દાદી કઝાકિસ્તાનના હતાં. કઝાકિસ્તાનથી ભાગીને પરિવાર સાથે લાહોરમાં રહ્યા. ત્યારબાદ દિલ્હી રહેવા લાગ્યાં. ભારત-પાકિસ્તાનના ભાગલા થતાં હુરુન્નિસા પરિવાર સાથે મુંબઈ આવ્યાં. લગ્ન બાદ હુરુન્નિસાએ હિંદુ ધર્મ અપનાવીને પોતાનું નામ રીટા કર્યું હતું. રીટાએ 1950માં દીકરા હેમંતને જન્મ આપ્યો. ત્યાર બાદ ફેબ્રુઆરી, 1957માં દીકરા જેકીનો જન્મ થયો. દાદા જ્યોતિષ હતા કાકુભાઈ શ્રોફ જ્યોતિષી હતા અને તેમને 17 વર્ષીય મોટા દીકરા હેમંતના મોતનો આભાસ પહેલેથી જ થઈ ગયો હતો. કાકુભાઈએ દીકરાને સ્પષ્ટ રીતે કહ્યું હતું, 'આજનો દિવસ તારા માટે ઘણો જ ખરાબ છે તો ઘરની બહાર નીકળતો નહીં.' એ સમયે હેમંત ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સેન્ચ્યુરી મિલમાં કામ કરતો હતો. કાકુભાઈએ દીકરાને મિલમાં જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આથી જ હેમંત ઘરે જ રહ્યો હતો. કહેવાય છે કે નસીબમાં જ્યારે મોત લખ્યું હોય ત્યારે તે વ્યક્તિ ભાન ભૂલતી હોય છે. આવું જ કંઈક હેમંત સાથે પણ થયું. તરતા નહોતું આવડતું છતાં દરિયામાં કૂદકો માર્યો હેમંત ઘરમાં જ હતો અને ચાલીમાં બૂમાબૂમ થઈ કે દરિયામાં કોઈ ડૂબી રહ્યું છે. હેમંતનો સ્વભાવ પહેલેથી જ મદદરૂપ થવાનો હતો. આ બૂમો સાંભળીને તેનાથી રહેવાયું નહીં અને તેણે પિતાની વાતને ગંભીરતાથી ના લેવાની ભૂલ કરી. ઘરમાંથી નીકળીને તે સીધો દરિયામાં કૂદી ગયો હતો. જોકે હેમંતને તરતા જ આવડતું નહોતું અને તેને કારણે તે ડૂબવા લાગ્યો હતો. જેકી થોડીવાર બાદ ચાલીમાં આવ્યો તો તેણે સાંભળ્યું કે દરિયામાં કોઈ ડૂબી રહ્યું છે. તે પણ સીધો દરિયા આગળ ગયો. અહીં તેણે જોયું કે ભીડ જમા થઈ ગઈ છે. તે ભીડને ચીરીને દરિયા આગળ ગયો અને તેણે જોયું તો ડૂબી રહેલી વ્યક્તિ અન્ય કોઈ નહીં, પણ તેનો સગો મોટો ભાઈ છે. દસ વર્ષીય જેકીએ મોટા ભાઈને બચાવવા માટે તાર ફેંક્યો, પરંતુ હેમંતના હાથમાંથી તાર છટકી ગયો. જેકીની આંખ સામે જ મોટો ભાઈ ડૂબી ગયો. નવાઈની વાત એ છે કે મોતના સાત દિવસ પહેલાં જ હેમંતને મિલમાં નોકરી મળી હતી. આ વાત 1967ની છે. જેકી શ્રોફ અચાનક ભાઈના મોતથી ભાંગી પડ્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી જેકીએ માંડ માંડ 11 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. કોલેજમાં જ્યારે ફી ભરવા માટે પૈસા નહોતા તો જેકીએ ભણવાની જ ચોખ્ખી ના પાડી દીધી. જેકી શ્રોફે નાની-મોટી નોકરી કરી ને આ દરમિયાન તેણે ફિલ્મ 'હીરો'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. જેકીએ એકથી ચઢિયાતી એક ફિલ્મ આપી. જેકીની ગર્લફ્રેન્ડ આયેશા તેનાથી ઘણી જ પૈસાદાર હતી, પરંતુ આયેશાને જેકીની આર્થિક સ્થિતિ સામે કોઈ વાંધો નહોતો. બંને મુંબઈની બસમાં ફરતા. આયેશાએ પોતાના 27મા જન્મદિવસ પર 5 જૂન, 1987એ ગુજરાતી વિધિથી જેકી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં બંનેના પેરેન્ટ્સ તથા નિકટના મિત્રો જ હાજર રહ્યા હતા. આયેશાએ 1990માં દીકરા ટાઇગર શ્રોફ અને 1993માં દીકરી ક્રિશ્નાને જન્મ આપ્યો હતો. આયેશા શ્રોફે પણ બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કર્યું છે. આયેશાની એક ભૂલ ભારે પડી આયેશા શ્રોફે ફિલ્મ 'બૂમ' (2003) પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ હતા. કેટરીના કૈફે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ લીક થઈ હતી. ફિલ્મ ફ્લોપ થતાં જ આયેશા પર દેવું થઈ ગયું હતું. આ સમય શ્રોફ પરિવાર માટે ઘણો જ મુશ્કેલ હતો.પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પહેલા ઘરની કાર, પછી ઘરનું એક એક ફર્નિચર ને પછી છેલ્લે ઘર પણ વેચાઈ ગયું. ટાઇગરે એક મેગેઝીન ઇન્ટરવ્યુમાં ભાવુક થઈને કહ્યું હતું કે, “ધીમે ધીમે મારા ઘરની વસ્તુઓ ગાયબ થવા લાગી અને એક દિવસ મારો બેડ (પલંગ) પણ વેચાઈ ગયો, જેના કારણે મારે જમીન પર સૂવું પડ્યું હતું.” હાલમાં જેકી ઓર્ગેનિક ફાર્મમાં વધુ સમય પસાર કરે છે. વાત જો શ્રોફ પરિવારની કરીએ તો ટાઇગરના દાદા કાકુભાઈ પાક્કા ગુજરાતી તો દાદી હુરુન્નિસા મુસ્લિમ હતાં. ટાઇગરના નાના રંજન દત્ત બંગાળી તો નાની ક્લાઉડ મેરી ફ્રેન્ચ હતાં. આ રીતે શ્રોફ પરિવારમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ટાઇગરના નાના ફાઇટર પાઇલટ હતા અને તેમને વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. તેઓ જ્યારે 18-19 વર્ષના હતા ત્યારે તેઓ બ્રિટિશ ભારત તરફથી બીજું વિશ્વયુદ્ધ લડ્યા હતા. તેમણે વિમાન 'ટાઇગર મોથ્સ' ફ્લાય કરવાની ટ્રેનિંગ લીધી હતી અને આ વિમાનથી તેમણે દુશ્મન દેશો પર હુમલાઓ કર્યા હતા. ભારત આઝાદ થતાં રંજન દત્ત ભારત પરત ફર્યા. 1947-48 દરમિયાન થયેલા ભારત-પાકનાં તોફાનોમાં તેમણે અનેક ઓપરેશનને લીડ કર્યાં હતાં, જેમાં કિશનગંગા બ્રિજ પર સ્ટ્રાઇક પણ કરી હતી. 1950માં ભારત ગણતંત્ર દેશ બન્યો અને એ સાથે જ પહેલાં વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ત્યારે રંજન દત્તને વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. 87 વર્ષની ઉંમરમાં ઓગસ્ટ, 2009માં તેમનું અવસાન ચેન્નઇમાં થયું હતું. તેમનાં પત્ની ક્લાઉડ મેરી દત્તનું અવસાન 2010માં થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડીએ કહ્યું- ઘર તોડી નાખો, પાછો નહીં આવું:લૉરેન્સ સાથે ગેંગસ્ટર બન્યો, અમેરિકા શોધી રહ્યું છે; પંજાબમાં ઘર ખાલી, પરિવાર ગાયબ
    Next Article
    DRDO Employee Dies After Neighbour Punches Him In Face Over "Misbehaviour''

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment