Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવ આનંદની એક ઝલક મેળવવા યુવતીઓ છત પરથી કૂદી પડતી!:સુરૈયા સાથે લગ્ન ન થતાં પહેલીવાર રડ્યા, એક્ટ્રેસ કલ્પના કાર્તિક સાથે લંચ બ્રેકમાં ચોરીછૂપે લગ્ન કર્યા

    7 hours ago

    વર્ષ 1943ની વાત છે. એક યુવાન છોકરો પોતાના સપનાઓ પૂરા કરવા માટે લાહોરથી મુંબઈ પહોંચ્યો. ખિસ્સામાં માત્ર 30 રૂપિયા હતા અને રહેવા માટે કોઈ ઠેકાણું નહોતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવવાનું સપનું હતું, પરંતુ સામે સૌથી મોટો પડકાર એ હતો કે, મુંબઈ જેવા શહેરમાં ગુજરાન કેવી રીતે ચલાવવું. શરૂઆતમાં તેને ચાલીમાં રહેવું પડ્યું. થોડા દિવસો પસાર થયા, તો પૈસા ખૂટવા લાગ્યા. ફિલ્મોમાં કામ મળવાની કોઈ આશા નજરે પડતી નહોતી. આખરે પેટ ભરવા માટે તેને નોકરી કરવી પડી. મિલિટરી સેન્સર ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી, જ્યાં તે બ્રિટિશ સરકાર માટે મિલિટરી સેન્સરનું કામ કરતો હતો. તેને મહિનાના 65 રૂપિયા પગાર મળતો હતો. પરંતુ જે છોકરા પાસે મુંબઈ પહોંચવા માટે માત્ર 30 રૂપિયા હતા, તેણે હાર માની નહીં. થોડાં વર્ષો પછી એ જ વ્યક્તિ હિન્દી સિનેમાનો એવો સ્ટાર બન્યો, જેને લોકો ‘એવરગ્રીન સ્ટાર’ કહેવા લાગ્યા. અમે વાત કરી રહ્યા છીએ દેવ આનંદની અને તેમની 103મી બર્થ ઍનિવર્સરી પર જાણીએ તેમની જિંદગી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો… પિતા સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા હતા દેવ આનંદનો જન્મ 26 સપ્ટેમ્બર 1923ના રોજ બ્રિટિશ ભારતના પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ધર્મદેવ પિશોરીમલ આનંદ તરીકે થયો હતો. તેમના પિતા પિશોરી લાલ આનંદ ગુરદાસપુરમાં વકીલ હતા અને સ્વતંત્રતા આંદોલન સાથે પણ જોડાયેલા હતા. દેવ આનંદ ચાર ભાઈઓમાં ત્રીજા હતા. તેમના ભાઈ ચેતન આનંદ અને વિજય આનંદ પણ ફિલ્મ જગત સાથે જોડાયેલા રહ્યા, જ્યારે તેમની બહેન શીલ કાંતા કપૂર ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂરના માતા હતાં. તેમણે પ્રાથમિક અભ્યાસ ડેલહાઉઝીની સેક્રેડ હાર્ટ સ્કૂલમાંથી કર્યો અને ત્યારબાદ લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું. પિતાએ અભ્યાસ માટે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો દેવ આનંદ આગળ ભણવા માંગતા હતા અને ઉચ્ચ શિક્ષણ માટે લંડન જવાનું સપનું જોતા હતા, જ્યારે તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ કોઈ બેંકમાં નોકરી કરી લે, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેમનો આગળનો ભણતરનો ખર્ચ ઉઠાવી શકાય. પિતાએ સ્પષ્ટ કહી દીધું કે, હવે તેમના અભ્યાસ માટે પૈસા નથી. આ પછી દેવ આનંદે નક્કી કર્યું કે જો જીવનમાં સંઘર્ષ કરવો જ છે, તો શા માટે પોતાના બાળપણના સપના એટલે કે એક્ટિંગ માટે સંઘર્ષ ન કરવામાં આવે. આ સપનું પૂરું કરવા માટે જૂન 1943માં તેઓ લાહોરથી ટ્રેન પકડીને મુંબઈ જવા નીકળી પડ્યા. શરૂઆતમાં કામ ન મળ્યું અને પૈસા ખૂટી ગયા, ત્યારે તેમણે ચર્ચગેટ સ્થિત મિલિટરી સેન્સર ઓફિસમાં 65 રૂપિયા માસિક પગાર પર નોકરી કરી. બાદમાં એક અકાઉન્ટિંગ ફર્મમાં 85 રૂપિયાના પગારે ક્લાર્ક તરીકે પણ કામ કર્યું. અભિનેતા બનવાની ઈચ્છા તેમને અશોક કુમારની ફિલ્મોથી થઈ. મિલિટરી સેન્સર ઓફિસમાં લગભગ એક વર્ષ સુધી નોકરી કર્યા બાદ દેવ આનંદ પોતાના મોટા ભાઈ ચેતન આનંદ પાસે જતા રહ્યા. ચેતન તે સમયે ભારતીય જન નાટ્ય સંઘ એટલે કે ઇપ્ટા સાથે જોડાયેલા હતા. તેમણે નાના ભાઈને પણ પોતાની સાથે જોડી લીધો. અહીંથી દેવ આનંદને થિયેટરમાં કામ કરવાની અને અભિનય શીખવાની તક મળી. ત્યારબાદ નસીબે પણ સાથ આપ્યો. વર્ષ 1946માં તેમને પ્રભાત ટૉકીઝની ફિલ્મ ‘હમ એક હૈં’માં કામ કરવાની તક મળી. શર્ટની અદલાબદલીથી શરૂ થઈ દેવ આનંદ અને ગુરુ દત્તની મિત્રતા ફિલ્મ ‘હમ એક હૈં’માં દેવ આનંદ હીરો તરીકે કામ કરી રહ્યા હતા, જ્યારે ગુરુ દત્ત ત્યાં સહાયક ડિરેક્ટર અને કોરિયોગ્રાફર તરીકે કામ કરી રહ્યા હતા. સ્ટુડિયોના તમામ લોકોનાં કપડાં એક જ ધોબી પાસે જતા હતા. એક દિવસ ધોબીથી એવી ભૂલ થઈ કે દેવ આનંદની સફેદ શર્ટ ગુરુ દત્તનાં કપડાં સાથે ચાલી ગઈ. ગુરુ દત્તે તે શર્ટ પહેરી લીધી અને સ્ટુડિયો પહોંચી ગયા. જ્યારે દેવ આનંદે પોતાની શર્ટ ગુરુ દત્તના શરીર પર જોઈ, ત્યારે બંનેનો સામનો થયો. પરંતુ શર્ટને લઈને કોઈ નારાજગી થઈ નહીં. બંને આ વિચિત્ર સંયોગ પર ખૂબ હસ્યા. આ નાનકડી ઘટના આગળ જતાં તેમની ગાઢ મિત્રતાની શરૂઆત બની. બંનેએ બાદમાં પણ સાથે કામ કર્યું. દેવ આનંદે ગુરુ દત્તને ફિલ્મ ‘બાઝી’ના ડિરેક્શનનો મોકો આપ્યો. 1951માં રિલીઝ થયેલી આ ફિલ્મ ગુરુ દત્તની ડિરેક્ટર તરીકેની કારકિર્દીની મહત્વપૂર્ણ શરૂઆત બની અને દેવ આનંદ સાથેની તેમની મિત્રતા પણ સિનેમાના પડદા પર જોવા મળી. ફિલ્મ ‘જિદ્દી’એ દેવ આનંદની કારકિર્દીની દિશા બદલી નાખી. અશોક કુમારે તેમને આ ફિલ્મમાં કામ કરવાની તક આપી. ફિલ્મ સફળ રહી અને દેવ આનંદને ઓળખ મળી. ત્યારબાદ તેમણે માત્ર એક્ટર બનીને જ ન અટકતા પોતે ફિલ્મો બનાવવાનો નિર્ણય કર્યો. 1949માં મોટા ભાઈ ચેતન આનંદ સાથે નવકેતન ફિલ્મ્સની શરૂઆત કરી. આ બેનર હેઠળ બનેલી ‘બાઝી’ 1951માં રિલીઝ થઈ. આ ફિલ્મ સફળ રહી અને દેવ આનંદની સ્ટાર ઈમેજ વધુ મજબૂત બની. 1950ના દાયકામાં દેવ આનંદની ઘણી ફિલ્મો સફળ રહી. ‘જાલ’, ‘ટેક્સી ડ્રાઈવર’, ‘સીઆઈડી’, ‘પેઇંગ ગેસ્ટ’ અને ‘કાલા પાની’ જેવી ફિલ્મોએ તેમને મોટા સ્ટાર્સની હરોળમાં લાવી દીધા. તેમની ઝડપી બોલવાની અદા, સંવાદ રજૂ કરવાની શૈલી અને કેમેરા સામેનો ખાસ અંદાજ દર્શકોને ખૂબ પસંદ આવ્યો. તેઓ જે રીતે વાત કરતી વખતે માથું હલાવતા હતા, તે પણ તેમની ઓળખ બની ગયું. ‘ગાઇડ’એ કારકિર્દીને નવી ઓળખ આપી 1960નો દાયકો દેવ આનંદના રોમેન્ટિક હીરોવાળા યુગ માટે ખાસ રહ્યું. ‘હમ દોનો’, ‘તેરે ઘર કે સામને’, ‘જ્વેલ થીફ’ અને ‘ગાઇડ’ જેવી ફિલ્મોએ તેમના સ્ટારડમને વધુ મજબૂત બનાવ્યું. 1965માં રિલીઝ થયેલી ‘ગાઇડ’ તેમની કારકિર્દીની સૌથી ચર્ચિત ફિલ્મોમાં સામેલ થઈ. ફિલ્મમાં તેમની સાથે વહીદા રહેમાન હતાં. આ ફિલ્મ આર.કે. નારાયણની નવલકથા પર આધારિત હતી અને તેના ફિલ્મી રૂપાંતરણમાં દેવ આનંદની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. ફિલ્મમાં તેમણે એવા પાત્રની ભૂમિકા ભજવી, જે સામાન્ય રોમેન્ટિક હીરોની તેમની છબીથી ઘણું અલગ હતું. ‘ગાઇડ’એ તેમને એક ગંભીર એક્ટર તરીકે પણ સ્થાપિત કર્યા. જોકે, ડીડી નેશનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દેવ આનંદે ફિલ્મ ‘ગાઇડ’ વિશે જણાવ્યું હતું કે જ્યારે તેમણે આ ફિલ્મ બનાવવાની યોજના બનાવી હતી, ત્યારે ઘણા લોકોએ તેમને પાગલ પણ કહ્યા હતા. દેવ આનંદના જણાવ્યા મુજબ, લોકોને લાગતું હતું કે આ ફિલ્મ સેન્સર બોર્ડમાંથી પાસ નહીં થાય, કારણ કે તેની વાર્તામાં એડલ્ટરી એટલે કે લગ્નેતર સંબંધનો એંગલ હતો. આ ઉપરાંત, તેમની રોમેન્ટિક હીરોની છબીને ધ્યાનમાં રાખીને લોકોને એ પણ ડર હતો કે દર્શકો તેમને સાધુના પાત્રમાં સ્વીકારશે નહીં. દેવ આનંદે જણાવ્યું હતું કે, ફિલ્મને લઈને શરૂઆતમાં ઘણી આશંકાઓ હતી. રિલીઝ સમયે ફિલ્મને અપેક્ષિત સફળતા મળી નહોતી અને તેને વેચવી પણ મુશ્કેલ બની રહી હતી. જોકે, સમય જતાં ‘ગાઇડ’ને દર્શકો અને વિવેચકો વચ્ચે અલગ ઓળખ મળી અને બાદમાં તે એક કલ્ટ ફિલ્મ બની ગઈ. નાવ પલટી અને સુરૈયા સાથેની પ્રેમકહાનીની શરૂઆત થઈ દેવ આનંદ અને સુરૈયાની પ્રેમકહાની હિન્દી સિનેમાની સૌથી ચર્ચિત અને અધૂરી પ્રેમકહાનીઓમાંની એક છે. દેવ આનંદ અને સુરૈયાની પ્રેમકથાની શરૂઆત ફિલ્મ ‘વિદ્યા’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. એક ગીતના શૂટિંગ દરમિયાન નાવ પલટી ગઈ અને સુરૈયા પાણીમાં પડી ગઈ. દેવ આનંદે તેમને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી દીધી. આ ઘટના પછી બંને વચ્ચે નિકટતા વધી અને ધીમે-ધીમે આ સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. દેવ આનંદે બાદમાં એક ઇન્ટરવ્યુમાં સુરૈયાને પોતાના જીવનનો પહેલો સાચો પ્રેમ ગણાવ્યો હતો. ફિલ્મ ‘જીત’ના શૂટિંગ દરમિયાન તેમણે સુરૈયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. દેવ આનંદના જણાવ્યા મુજબ, સુરૈયાએ તેમનો પ્રસ્તાવ સ્વીકારી પણ લીધો હતો. દેવ આનંદે સુરૈયાને 3,000 રૂપિયાની હીરાની વીંટી મોકલી હતી. આ વીંટી અંગે બાદમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા. કહેવાય છે કે, સુરૈયાએ તેને સમુદ્રમાં ફેંકી દીધી હતી. જોકે, દેવ આનંદે પોતે કહ્યું હતું કે વીંટી સાથે ખરેખર શું થયું હતું તે તેમને ખબર નહોતી. પરિવારને આ સંબંધ મંજૂર નહોતો બંને લગ્ન કરવા માગતા હતાં, પરંતુ સુરૈયાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો. દેવ આનંદે સિમિ ગરેવાલના શોમાં જણાવ્યું હતું કે તેમને લાગતું હતું કે પરિવાર ઇચ્છતો નહોતો કે સુરૈયા કોઈ હિંદુ યુવક સાથે લગ્ન કરે. દેવ આનંદના જણાવ્યા મુજબ, સુરૈયા પોતાની નાની અને પરિવારની ખૂબ નજીક હતી. તેમના નાની પણ સુરૈયા સાથે શૂટિંગ પર હાજર રહેતાં હતાં. એક ફિલ્મના દૃશ્યમાં દેવ આનંદે સુરૈયાની આંખો પર ચુંબન કરવાનું હતું. તે સમયે આવા દૃશ્યોને લઈને સેન્સરમાં વાંધાઓ રહેતા હતા. સુરૈયાની નાની સેટ પર હાજર હતી અને ત્યાંથી હટી રહ્યા નહોતા. દેવ આનંદે જણાવ્યું હતું કે, શૂટિંગ ટીમે કોઈક રીતે તેમને થોડા સમય માટે સુરૈયાને બહાર લઈ જઈને વાતચીત કરવા માટે મનાવી લીધા હતા. તેઓ જતા જ દેવ આનંદ અને સુરૈયાએ તે સીન ઝડપથી શૂટ કરી લીધો. ‘હું રડ્યો અને પછી પોતાની જાતને મજબૂત બનાવી’ સિમી ગરેવાલે જ્યારે દેવ આનંદને પૂછ્યું કે, શું સુરૈયાએ ક્યારેય તેમને જણાવ્યું હતું કે પરિવાર લગ્નની વિરુદ્ધમાં છે, ત્યારે તેમણે કહ્યું કે સુરૈયાએ તેમને ક્યારેય સીધી રીતે એવું કહ્યું નહોતું. જોકે, બાદમાં તેમને અનુભવાયું કે તે પરિવારના દબાણ હેઠળ હતા. એક સમય એવો પણ આવ્યો જ્યારે દેવ આનંદ સુરૈયાને સીધી રીતે મળી શકતા ન હતા. તેમને કોઈ અન્ય વ્યક્તિ મારફતે સુરૈયાને પત્રો મોકલવા પડતા હતા. આ પરિસ્થિતિથી તેઓ ખૂબ નિરાશ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ રડ્યા હતા, પરંતુ ત્યાર બાદ પોતાને સંભાળ્યા અને જીવનમાં આગળ વધી ગયા. તેમના સંબંધોને લઈને તે સમયે અખબારોમાં પણ ઘણી ચર્ચા થઈ હતી. દેવ આનંદે જણાવ્યું હતું કે લોકોએ તેમને કહ્યું હતું કે સુરૈયાને લગ્ન ન કરવા માટે કુરાનની કસમ પણ ખવડાવવામાં આવી હતી. જોકે, તેમણે ક્યારેય સુરૈયા પાસેથી તેની પુષ્ટિ કરી ન હતી. સુરૈયાના નિધન પર પણ હૉસ્પિટલ ગયા નહોતા દેવ આનંદે જણાવ્યું હતું કે સુરૈયા સાથેનો સંબંધ સમાપ્ત થયા બાદ તેમની મુલાકાત સુરૈયા સાથે માત્ર એક-બે વખત જ થઈ હતી. ત્યારબાદ બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા. જ્યારે સુરૈયાના નિધનના સમાચાર દેવ આનંદને મળ્યા, ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા. તેમણે જણાવ્યું હતું કે સુરૈયા હૉસ્પિટલમાં હતા, પરંતુ તેઓ તેને મળવા ગયા નહોતા. તેમનું કહેવું હતું કે તેઓ પોતાનું અંગત દુઃખ દુનિયા સમક્ષ લાવવા માંગતા નહોતા. તેમને ડર હતો કે મીડિયા તેમની આસપાસ એકઠું થઈ જશે અને તેમને સતત પ્રશ્નો પૂછશે. સુરૈયાથી અલગ થયા બાદ કલ્પના કાર્તિક સાથે લગ્ન સમય આગળ વધ્યો અને દેવ આનંદના જીવનમાં એક્ટ્રેસ મોના સિંહ આવી, જેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલ્પના કાર્તિકના નામે જાણીતા હતા. ફિલ્મ 'ટેક્સી ડ્રાઈવર' (1954)ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. બંનેએ શૂટિંગના લંચ બ્રેક દરમિયાન સેટ પર જ ખૂબ સાદગીથી ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં અને બ્રેક પૂરો થયા બાદ ફરી કેમેરા સામે આવીને શોટ આપવા લાગ્યાં. દેવ આનંદનો કાળો કોટ તેમની સ્ટાઇલની ઓળખ બની ગયો હતો દેવ આનંદનો કાળો કોટ તેમની સ્ટાઇલની ઓળખ બની ગયો હતો. 1958માં આવેલી ફિલ્મ 'કાલા પાની'માં સફેદ શર્ટ અને કાળા કોટમાં તેમનો લુક ખૂબ પસંદ કરવામાં આવ્યો. ત્યાર બાદ એક કિસ્સો ખૂબ ચર્ચિત થયો. કહેવાયું કે દેવ આનંદની એક ઝલક મેળવવા માટે યુવતીઓ બેકાબૂ થઈ જતી હતી. એટલું જ નહીં, કેટલીક યુવતીઓ છત પરથી કૂદી પડતી હોવાની વાતો પણ સામે આવી હતી. આ જ કારણસર એવો દાવો કરવામાં આવ્યો કે બોમ્બે હાઈકોર્ટે દેવ આનંદને જાહેર સ્થળોએ કાળો કોટ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આ દાવાનો કોઈ સત્તાવાર રેકોર્ડ મળતો નથી. દેવ આનંદે પોતાની આત્મકથા ‘રોમાંસિંગ વિથ લાઇફ’માં આ વાતને મૂર્ખામીભરી દંતકથા ગણાવી હતી. એક્ટિંગ બાદ ડિરેક્શન તરફ વળ્યા 70ના દાયકામાં દેવ આનંદે ડિરેક્શન ક્ષેત્રે પણ પગલું માંડ્યું. તેમની પ્રથમ ડિરેક્ટેડ ફિલ્મ ‘પ્રેમ પૂજારી’ હતી. ફિલ્મને શરૂઆતમાં બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી નહોતી, પરંતુ સમય જતાં તેને અલગ ઓળખ મળી. ત્યારબાદ 1971માં આવેલી ‘હેર રામા હેર કૃષ્ણા’એ તેમને ડિરેક્ટર તરીકે મોટી સફળતા અપાવી. ફિલ્મમાં ઝીનત અમાન પણ હતાં. આ ફિલ્મ પછી ઝીનત અમાન રાતોરાત ચર્ચિત બની ગયાં. દેવ આનંદે આગળ પણ અભિનયની સાથે દિગ્દર્શન અને નિર્માણનો સિલસિલો જારી રાખ્યો. દેવ આનંદ એવા કલાકારોમાંના એક હતા, જેમણે ઉંમર વધવા છતાં ફિલ્મોમાં હીરો તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું. ‘અમિર ગરીબ’, ‘વૉરન્ટ’, ‘હીરા પન્ના’, ‘ડાર્લિંગ ડાર્લિંગ’ અને ‘દેસ પરદેસ’ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. 1978માં આવેલી ‘દેશ પરદેસ’ની સફળતા બાદ તેમના માટે ‘એવરગ્રીન સ્ટાર’ જેવા શબ્દોનો ઉપયોગ થવા લાગ્યો. 80ના દાયકામાં પણ તેમણે ‘મન પસંદ’, ‘લૂટમાર’, ‘સ્વામી દાદા’, ‘હમ નૌજવાન’ અને ‘લશ્કર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેઓ નવી પેઢીના કલાકારો સાથે પણ સતત કામ કરતા રહ્યા અને પોતાની ફિલ્મ નિર્માણ કંપનીના માધ્યમથી નવા લોકોને તક આપતા રહ્યા. નવકેતન દ્વારા નવી પ્રતિભાઓને તક દેવ આનંદે ઇમરાન ખાનને ફિલ્મ ઑફર કરી હતી 1980ના દાયકાના અંતની વાત છે. ભારતમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય હતું, પરંતુ ક્રિકેટ પર બનેલી હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકતી નહોતી. આ જ સમયગાળામાં દેવ આનંદે આ ચલણ બદલવાનું નક્કી કર્યું. તેઓ ફિલ્મ ‘અવ્વલ નંબર’ બનાવી રહ્યા હતા, જેમાં ક્રિકેટને વાર્તાનો મહત્વપૂર્ણ ભાગ બનાવવામાં આવ્યો હતો. ફિલ્મમાં યુવા ક્રિકેટર સનીની ભૂમિકા આમિર ખાન ભજવવાના હતા, પરંતુ બીજા મોટા પાત્ર માટે દેવ આનંદની નજર પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર ઇમરાન ખાન પર હતી. ઇમરાને તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને તેઓ લંડનમાં રહેતા હતા. દેવ આનંદે તેમને ફિલ્મમાં એવા ક્રિકેટરની ભૂમિકા ઓફર કરી, જેની કારકિર્દી હવે ઢળતી જઈ રહી છે. ઇમરાને શરૂઆતમાં અભિનયને લઈને સંકોચ દર્શાવ્યો હતો. તેમને લાગ્યું કે તેઓ સારા અભિનેતા નથી. જ્યારે દેવ આનંદને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ પોતે તેમને મળવા લંડન પહોંચી ગયા. દેવ આનંદે ઇમરાનને મનાવવા માટે કહ્યું કે જો તેઓ ફિલ્મમાં કામ કરશે, તો ભારતમાં તેમની ઓળખ વધુ વધશે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ફિલ્મોમાં તેમનું સ્થાન અમિતાભ બચ્ચન જેટલું થઈ શકે છે. ઇમરાને જણાવ્યું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જિયા-ઉલ-હક તેમને કેબિનેટમાં સાંસ્કૃતિક મંત્રી બનાવવા માંગતા હતા. દેવ આનંદે કહ્યું કે તેઓ બંને કામ કરી શકે છે. જોકે, ઇમરાને આખરે આ ફિલ્મ કરી નહોતી. બાદમાં તેમની જગ્યાએ આદિત્ય પંચોલીએ આ ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે, દેવ આનંદે પોતાના પ્રોડક્શન હાઉસ નવકેતન દ્વારા નવી પ્રતિભાઓને તક આપી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં અભિનયની સાથે ફિલ્મ નિર્માણ અને લેખન પર પણ કામ કર્યું હતું. તેમણે આશરે 35 ફિલ્મોનું નિર્માણ કર્યું હતું અને 13 ફિલ્મોની વાર્તાઓ પણ લખી હતી. 2011માં આવેલી ‘ચાર્જશીટ’ દેવ આનંદની છેલ્લી ફિલ્મ હતી, જેનું તેમણે દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું. 3 ડિસેમ્બર 2011ના રોજ 88 વર્ષની વયે લંડનમાં તેમનું અવસાન થયું હતું. તેમને 2001માં પદ્મ ભૂષણ અને 2002માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘सीटी मारते और मास्टरबेट करते हैं’: आस्था कुंज की घटना के बाद एलएसआर की छात्राओं ने सुनाए डरावने अनुभव
    Next Article
    પવન ખેડાએ કહ્યું- જ્ઞાનેશ કુમારને PM બનાવવા જોઈએ:પદ્મ ભૂષણ તેમના માટે નાની વાત; બંગાળ BJP અધ્યક્ષે કહ્યું હતું- CEC સન્માનના હકદાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment