Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યારા પ્રભાકરણને રાજીવ ગાંધીએ પોતે બુલેટપ્રૂફ જેકેટ આપ્યું હતું:સેનાના હેલિકોપ્ટરથી દિલ્હી પહોંચ્યો હતો, પુત્ર રાહુલના હાથે ભેટ અપાવી

    17 hours ago

    જૂન 1985નો એક દિવસ. દિલ્હીની ફાઇવ-સ્ટાર અશોકા હોટેલ. સમય- બપોરે આશરે 2 વાગ્યે. હોટેલના પાંચમા માળે અચાનક હલચલ વધી ગઈ. ગેલેરીને એસપીજી (SPG) જવાનોએ ઘેરી લીધી. આવતા-જતા દરેક શખ્સ પર નજર રાખવામાં આવી રહી હતી. સૌથી કડક સુરક્ષા રૂમ નંબર- 518ની આસપાસ ગોઠવાયેલી હતી. ત્યારે જ એસપીજીના સુરક્ષા ઘેરા વચ્ચે ત્રણ લોકો રૂમ નંબર- 518 તરફ આગળ વધ્યા. સૌથી આગળ ચાલી રહેલો શખ્સ આશરે સાડા પાંચ ફૂટ ઊંચો હતો. શ્યામ વર્ણ. તે ધીમે-ધીમે રૂમના દરવાજા સુધી પહોંચ્યો. દરવાજો ખૂલ્યો. ત્રણેય અંદર ગયા. આગળ ચાલી રહેલા વ્યક્તિએ આખા રૂમમાં નજર દોડાવી અને એક ખુરશી પર બેસી ગયો. બાકીના બંને સાથીઓ—મહિન્દ્રરાજા ઉર્ફે મહાત્યા અને એન્ટોન બાલાસિંગમ તેની પાછળ ઊભા રહી ગયા. ત્યારે જ આઈબી (IB) અધિકારીઓની નજર એ ત્રણેયના ગળા પર પડી. તેમના ગળામાં કાળા દોરાથી બાંધેલી કાચની નાની શીશીઓ લટકી રહી હતી. પહેલી નજરે તે કોઈ તાવીજ જેવી લાગતી હતી. એક અધિકારીએ ચોંકીને પૂછ્યું- આ શું છે? જવાબ મળ્યો- સાયનાઇડ. સાયનાઇડ એક એવું રસાયણ છે, જેને મોંમાં મૂકતાં જ ગણતરીની મિનિટોમાં મોત થઈ જાય છે. અધિકારીઓ વિચારમાં પડી ગયા કે આ વ્યક્તિ ગળામાં મોતનો સામાન લટકાવીને કેમ ફરી રહ્યો છે? હકીકતમાં, જે વ્યક્તિના ગળામાં આ કેપ્સૂલ હતી, તેને થોડી જ વારમાં ભારતના વડાપ્રધાનને મળવાનું હતું. નામ હતું- વેલુપિલ્લઈ પ્રભાકરણ. એ જ પ્રભાકરણ, જે લિટ્ટે (LTTE) એટલે કે લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઈલમનો વડો હતો. પ્રભાકરણ અને લિટ્ટે શ્રીલંકામાં તમિલ ભાષીઓ માટે અલગ દેશની માંગ સાથે ત્યાંની સેના સામે લડી રહ્યા હતા. હવે એસપીજીના ઘેરા વચ્ચે પ્રભાકરણ અને તેના સાથીઓને હોટેલમાંથી બહાર લાવવામાં આવ્યા. કારમાં બેસતાં જ વાહનોનો કાફલો રવાના થયો. આ કાફલો 7, રેસકોર્સ રોડ તરફ આગળ વધ્યો. એ સમયે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનનું આ સરનામું હતું. થોડા સમય પછી કાફલો વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચી ગયો. પ્રભાકરણ અને તેના સાથીઓને અંદર લઈ જવામાં આવ્યા. ત્રણેયને એક રૂમમાં બેસાડવામાં આવ્યા. રૂમમાં પહેલેથી જ જવાનો તહેનાત હતા. થોડી વારમાં એક ઉચ્ચ અધિકારી રૂમમાં દાખલ થયા. તેમણે પ્રભાકરણ અને તેના સાથીઓના ગળામાં લટકી રહેલી કેપ્સૂલ તરફ ઈશારો કર્યો. કહ્યું- ‘આને ઉતારી દો.’ બંને સાથીઓએ કોઈ પણ આનાકાની વગર શાંતિથી કેપ્સૂલ ઉતારી દીધી, પરંતુ પ્રભાકરણે કેપ્સૂલને મજબૂતીથી પકડી લીધી. બોલ્યો- ‘આ મારી સુરક્ષા માટે છે, હું આને ઉતારી શકું નહીં.’ અધિકારીએ સમજાવ્યું- ‘અહીં કોઈ ખતરો નથી. ઉતારી દો.’ તેણે ફરી કહ્યું- ‘ના.’ અધિકારીઓ સમજાવતા રહ્યા, પણ પ્રભાકરણ માન્યો નહીં. લગભગ 45 મિનિટ સુધી આ જ રકઝક ચાલતી રહી. આખરે સુરક્ષા અધિકારીઓ બીજા રૂમમાં પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન રાજીવ ગાંધી હાજર હતા. અધિકારીઓએ રાજીવ ગાંધીને સાયનાઇડ કેપ્સૂલવાળી આખી વાત જણાવી. થોડી ક્ષણોની શાંતિ બાદ રાજીવ બોલ્યા- ‘તેને કેપ્સૂલ સાથે જ અંદર આવવા દો.’ અધિકારીઓ ગભરાઈને બોલ્યા- ‘સર, સુરક્ષાનો મામલો છે. મોટો ખતરો થઈ શકે છે…’ રાજીવે તેમની વાત કાપતાં કહ્યું– ‘કોઈ ગરબડ નહીં થાય.’ અધિકારીઓ ફરી પ્રભાકરણના રૂમમાં પહોંચ્યા. પ્રભાકરણને કહ્યું- ‘ઠીક છે, કેપ્સૂલ ન ઉતારતો, પણ એક શરત છે. તારી બિલકુલ નજીક અમારા બે કમાન્ડો તહેનાત રહેશે.’ પ્રભાકરણે કહ્યું- ‘મને મંજૂર છે.’ હવે પછીનો પડકાર હતો- વડાપ્રધાન અને પ્રભાકરણ વચ્ચે કેટલું અંતર રાખવું? અધિકારીઓએ રૂમની બરાબર વચ્ચે બે મોટા ટેબલ મુકાવી દીધાં. અંતર એટલું રાખવામાં આવ્યું કે બંને સામસામે બેસી શકે, પણ એકબીજાને અડી ન શકે. ત્યારબાદ પ્રભાકરણને અંદર લાવવાનો મેસેજ મોકલવામાં આવ્યો. તે સોફા પરથી ઊભો થયો. પોતાનો શર્ટ સરખો કર્યો અને બીજા રૂમ તરફ આગળ વધ્યો. પાછળ તેના બંને સાથીઓ હતા. દરવાજો ખૂલ્યો. કેટલાક અધિકારીઓ પહેલા અંદર ગયા. ત્યારબાદ પ્રભાકરણે રૂમમાં પગ મૂક્યો. સામે બેઠેલા શખ્સને જોયો. અભિવાદન કર્યું. સામે હતા વડાપ્રધાન રાજીવ ગાંધી. રાજીવે પ્રભાકરણને સામે રાખેલી ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. એક તરફ રાજીવ ગાંધી, બીજી તરફ પ્રભાકરણ અને બંને વચ્ચે બે મોટાં ટેબલ. થોડી ક્ષણો સુધી સન્નાટો રહ્યો. પછી રાજીવે કહ્યું- ‘પ્રભાકરણ, મને લાગે છે કે તમારે હથિયાર હેઠાં મૂકી દેવાં જોઈએ.’ પ્રભાકરણે સામે જોયું. ‘હથિયાર તો મૂકી દઈએ, પણ અમારી માંગણીઓનું શું?’ રાજીવે પ્રભાકરણને એ શાંતિ સમજૂતીની શરતો સમજાવવાનું શરૂ કર્યું, જેમાં શ્રીલંકાના તમિલોને રાજકીય અધિકારો આપવાની વાત હતી. પ્રભાકરણ શાંતિથી બધું સાંભળતો રહ્યો. પછી પ્રભાકરણે ત્રણ મહત્વના સવાલો પૂછ્યા- પહેલો- ‘જો શ્રીલંકા સરકાર પોતાનું વચન તોડી નાખે તો?’ બીજો- ‘તમિલોની સુરક્ષાની ગેરંટી કોણ આપશે?’ ત્રીજો- ‘લિટ્ટે સામેથી શ્રીલંકન સેના ક્યારે પાછી હટશે?’ રાજીવ સાંભળતા રહ્યા, સમજાવતા રહ્યા. એક કલાક સુધી વાતચીત ચાલી, પરંતુ પ્રભાકરણ અલગ દેશની માંગ પર અડગ રહ્યો. રાજીવ ઇચ્છતા હતા કે તમિલોને શ્રીલંકાની અંદર જ રાજકીય અધિકારો મળે. વાતચીત પૂરી થઈ. પ્રભાકરણ પાછો શ્રીલંકા જતો રહ્યો. હવે આ ઘટના પાછળની વાર્તા સમજવા માટે લગભગ ચાર દાયકા પાછળ જવું પડશે. વાર્તા શરૂ થાય છે 1948થી, આ જ વર્ષે શ્રીલંકા આઝાદ થયું હતું શ્રીલંકામાં આઝાદી પછી બહુમતી સિંહલી બૌદ્ધો અને લઘુમતી તમિલ હિન્દુઓ વચ્ચે તણાવ વધવા લાગ્યો. ભાષા, શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજકીય અધિકારોને લઈને તમિલોમાં અસંતોષ ઊંડો થતો ગયો. શરૂઆતમાં આ માંગણીઓ રાજકીય સ્તરની હતી, પરંતુ ધીમે-ધીમે તમિલ યુવાનોમાં વિદ્રોહની આગ ભડકવા લાગી. 1970ના દાયકા સુધીમાં કેટલાય સશસ્ત્ર સંગઠનો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતા. આમાંનું જ એક મુખ્ય સંગઠન હતું- લિટ્ટે (LTTE). 1976માં રચાયેલા આ સંગઠનની કમાન પ્રભાકરણે સંભાળી. લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ હતું- શ્રીલંકાના ઉત્તર અને પૂર્વ ભાગમાં અલગ તમિલ રાષ્ટ્રની સ્થાપના કરવી. જેનું નામ રાખવાનું હતું- ‘તમિલ ઈલમ’ એટલે કે તમિલ રાષ્ટ્ર. સમય વીતતો ગયો. લિટ્ટે શ્રીલંકાનું સૌથી શક્તિશાળી તમિલ અલગતાવાદી સંગઠન બની ગયું. પછી વર્ષ આવ્યું- 1983. 23 જુલાઈના રોજ જાફના દ્વીપકલ્પના તિરુનેલવેલી વિસ્તારમાંથી શ્રીલંકન સેનાની એક પેટ્રોલિંગ ટુકડી પસાર થઈ રહી હતી. લિટ્ટેએ અગાઉથી જ જમીનમાં સુરંગો બિછાવી રાખી હતી. પેટ્રોલિંગ ટુકડી પહોંચી કે તરત જ જોરદાર બ્લાસ્ટ થયો. લિટ્ટેના લડવૈયાઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ગણતરીની મિનિટોમાં જ સિંહલી બહુમતીવાળી શ્રીલંકન સેનાના 13 જવાનો શહીદ થઈ ગયા. બીજા દિવસે જવાનોના પાર્થિવ દેહ કોલંબો લાવવામાં આવ્યા. સરકાર ઇચ્છતી હતી કે અંતિમ સંસ્કાર તાત્કાલિક પૂર્ણ કરી દેવાય, કારણ કે ભીડ એકઠી થાય તો સ્થિતિ વણસવાનો ભય હતો. પરંતુ ત્યાં સુધીમાં આ સમાચાર આખા દેશમાં વાયુવેગે ફેલાઈ ચૂક્યા હતા. કોલંબોમાં તમિલો સામે ભયાનક હિંસા ફાટી નીકળી. ઉશ્કેરાયેલા ટોળાં તમિલ વિસ્તારોમાં ઘૂસી ગયાં. લોકોને ઘરોમાંથી બહાર ખેંચી-ખેંચીને મારવામાં આવ્યા. મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યા. ઘરો, દુકાનો અને ફેક્ટરીઓને આગ ચાંપી દેવામાં આવી. આ હિંસા કોલંબોથી બહાર નીકળીને અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ. એક અઠવાડિયા સુધી ચાલેલા આ લોહિયાળ નરસંહારને નામ આપવામાં આવ્યું- ‘બ્લેક જુલાઈ’. તમિલોને લાગવા માંડ્યું કે શ્રીલંકામાં હવે જીવવું મુશ્કેલ છે. જીવ બચાવવા માટે લોકો દરિયો પાર કરીને તમિલનાડુ ભાગવા લાગ્યા. ભારત સામે નવો પડકાર ઊભો થયો. ક્યાંક શરણાર્થીઓની આડમાં લિટ્ટેના સશસ્ત્ર લડવૈયાઓ પણ ભારતમાં ઘૂસી ન જાય! જો એવું થાય તો શ્રીલંકાની આ આગ ભારતમાં પણ પહોંચી શકે તેમ હતી. બીજી તરફ, શ્રીલંકા સરકારે લિટ્ટે સામે સૈન્ય કાર્યવાહી વધુ તેજ બનાવી દીધી. એક તરફ સેનાનું દબાણ વધી રહ્યું હતું, તો બીજી તરફ લિટ્ટેનો સામનો. તમિલોનું પલાયન ઝડપથી વધતું ગયું. આગામી થોડાં વર્ષોમાં પરિસ્થિતિ એવી બની ગઈ કે ભારતને ખુદ આ સંઘર્ષમાં મધ્યસ્થી તરીકે કૂદવું પડ્યું. તારીખ હતી- 26 મે 1987. શ્રીલંકા સરકારે જાફનાના વડામારાચ્ચી વિસ્તાર પર કબજો મેળવવા માટે એક મોટું સૈન્ય અભિયાન શરૂ કર્યું, જેનું નામ હતું- ‘ઓપરેશન લિબરેશન’. શ્રીલંકન સેના ઝડપભેર આગળ વધી રહી હતી. અહીં, દિલ્હીમાં રાજીવ ગાંધી સામે બે મોટા પડકારો હતા: પહેલો- તમિલોને શ્રીલંકામાં સન્માનજનક રાજકીય અધિકારો અપાવવા. બીજો- શ્રીલંકાને વિભાજિત થતું અટકાવવું. રાજીવ ઇચ્છતા હતા કે લિટ્ટે હથિયાર હેઠાં મૂકીને વાતચીતના ટેબલ પર પાછું ફરે. આ પાછળ ભારતની પોતાની આંતરિક સુરક્ષાની ચિંતા પણ હતી. જો શ્રીલંકા તૂટીને અલગ તમિલ રાષ્ટ્ર બની જાય, તો ભારતના તમિલનાડુમાં પણ અલગતાવાદી ભાવનાઓ ભડકવાનું મોટું જોખમ હતું. તેથી રાજીવે સૈન્ય માર્ગને બદલે રાજદ્વારી માર્ગ શોધવાનું શરૂ કર્યું. ભારત અને શ્રીલંકા વચ્ચે વાટાઘાટો શરૂ થઈ. ઘણા તબક્કાની ચર્ચાઓ બાદ એક શાંતિ સમજૂતીનો મુસદ્દો તૈયાર થયો, પણ મુખ્ય પેંચ હજુ બાકી હતો. સમજૂતી ત્યારે જ જમીન પર સાકાર થઈ શકે તેમ હતી જ્યારે લિટ્ટે તેનો સ્વીકાર કરે, પરંતુ લિટ્ટેને મનાવવું જરાય આસાન નહોતું. સવાલ એ હતો કે- પ્રભાકરણને કોણ મનાવશે? રાજીવ ઇચ્છતા હતા કે પ્રભાકરણ ભારત આવે અને રૂબરૂ શાંતિ કરારની શરતો સાંભળે. પ્રભાકરણને ડર હતો કે ક્યાંક ભારત સરકાર તેને કોઈ છટકામાં ન ફસાવી દે. ભારતે સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી. કહ્યું- જો તે સમજૂતી સાથે સહમત નહીં થાય, તો પણ તેને સુરક્ષિત રીતે પાછો શ્રીલંકા પહોંચાડવામાં આવશે. આખરે તે તૈયાર થયો. 24 જુલાઈ 1987ની સવાર. શ્રીલંકાના જાફનાનું અમ્મન મંદિર. ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ઊભું હતું. પ્રભાકરણ પોતાના બે સાથીઓ સાથે પહોંચ્યો. હેલિકોપ્ટરમાં બેઠો. રોટર્સનો અવાજ ગૂંજ્યો અને હેલિકોપ્ટર ભારત તરફ ઊડી નીકળ્યું. પહેલો મુકામ હતો તમિલનાડુનું ત્રિચી, ત્યારબાદ દિલ્હી. દિલ્હીમાં ખુદ રાજીવ ગાંધી તેની રાહ જોઈ રહ્યા હતા. અશોકા હોટેલના રૂમ નંબર- 518માં પ્રભાકરણને ફરીથી ઉતારો આપવામાં આવ્યો. આગામી ચાર દિવસ સુધી હોટેલ અને વડાપ્રધાન નિવાસસ્થાન વચ્ચે વાતચીતના કેટલાય રાઉન્ડ ચાલ્યા. પાંચમા દિવસે વાર્તામાં એક એવો વળાંક આવ્યો, જેનો પડઘો 4 વર્ષ પછી સંભળાવાનો હતો. પ્રભાકરણને શ્રીલંકા પરત ફરવાનું હતું, ત્યારે જ રાજીવે તેને બીજી વાર મળવા બોલાવ્યો. વડાપ્રધાન રાજીવ ગાંધી, તેમના 17 વર્ષના પુત્ર રાહુલ સાથે હાજર હતા. પ્રભાકરણ અંદર આવ્યો ત્યારે રાજીવે રાહુલને કહ્યું- ‘અંદરથી મારું બુલેટપ્રૂફ જેકેટ લઈ આવ.’ રાહુલ અંદર ગયો અને જેકેટ લઈ આવ્યો. રાજીવે એ જેકેટ પોતાના હાથમાં લીધું અને પ્રભાકરણ તરફ લંબાવ્યું. તેના ખભા પર હાથ મૂકીને સ્મિત સાથે બોલ્યા- ‘ટેક કેર ઓફ યોરસેલ્ફ’ (પોતાનું ધ્યાન રાખજો). રૂમમાં હાજર તમામ અધિકારીઓ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. પ્રભાકરણ બુલેટપ્રૂફ જેકેટ લઈને ત્યાંથી નીકળી ગયો. તેના જતાં જ અધિકારીઓએ રાજીવ ગાંધીને પૂછ્યું- શું તેણે ખરેખર હથિયાર મૂકી દેવાનું વચન આપ્યું છે? રાજીવે કહ્યું- ‘તેણે મને વચન આપ્યું છે.’ પૂર્વ વિદેશ મંત્રી કુંવર નટવર સિંહે પોતાના પુસ્તક One Life Is Not Enoughમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. નટવર સિંહે પૂછ્યું હતું- શું પ્રભાકરણ પાસેથી કોઈ લેખિત સંમતિ લેવામાં આવી છે? રાજીવે નારાજ થઈને કહ્યું હતું- ‘તેણે મને વચન આપ્યું છે.’ પરંતુ નટવર સિંહને તેના બોલેલા શબ્દો પર જરાય ભરોસો નહોતો. એમ.આર. નારાયણ સ્વામીએ પણ પોતાના પુસ્તક The Rout of Prabhakaranમાં લખ્યું છે કે કેટલાક ભારતીય અધિકારીઓએ એવી સલાહ આપી હતી કે જ્યાં સુધી લિટ્ટે સંપૂર્ણપણે હથિયાર ન મૂકી દે, ત્યાં સુધી પ્રભાકરણને ભારતમાં જ નજરકેદ રાખવો જોઈએ. રાજીવે આ સલાહ ન માની અને અહીંથી જ સમગ્ર વાર્તાએ નવો વળાંક લીધો. 29 જુલાઈ 1987ના રોજ પ્રભાકરણને જાફના પહોંચાડી દેવામાં આવ્યો. તેના થોડા કલાકો બાદ રાજીવ ગાંધી કોલંબો રવાના થયા. ભારત-શ્રીલંકા શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા. ભારતને આશા હતી કે વર્ષોથી ચાલી રહેલું ગૃહયુદ્ધ હવે સમાપ્ત થઈ જશે. આ કરારને જમીન પર લાગુ કરાવવા માટે ભારતે પોતાની સેના શ્રીલંકા મોકલી આપી. તેનું નામ હતું- ઇન્ડિયન પીસ કિપિંગ ફોર્સ (IPKF) એટલે કે ભારતીય શાંતિ રક્ષક દળ. શરૂઆતમાં બધું સામાન્ય રહ્યું, પરંતુ પ્રભાકરણ શસ્ત્રો હેઠાં મૂકવા તૈયાર નહોતો. ધીમે-ધીમે ભારતીય સેના અને લિટ્ટે વચ્ચે તણાવ વધવા લાગ્યો. સપ્ટેમ્બર 1987માં લિટ્ટેએ હથિયાર મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. હવે જે ભારતીય સેનાને શાંતિ સ્થાપવા મોકલવામાં આવી હતી, તે જ લિટ્ટે સામે મોરચો માંડીને ઊભી રહી ગઈ. 10 ઓક્ટોબર 1987ના રોજ IPKF દ્વારા લિટ્ટે સામે ‘ઓપરેશન પવન’ શરૂ કરવામાં આવ્યું. તેનો મુખ્ય હેતુ લિટ્ટેને ઘૂંટણિયે લાવી હથિયાર મૂકવા મજબૂર કરવાનો હતો. જાફનાનાં જંગલો અને ગામડાં ભયાનક યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયાં. આ સંઘર્ષ બે વર્ષ સુધી ચાલ્યો. આ દરમિયાન ભારતીય સેનાના આશરે 1,165 જવાનો શહીદ થયા અને લગભગ 3 હજાર જવાનો ઘાયલ થયા. લિટ્ટેને પણ ભારે નુકસાન થયું, છતાં તેનો અંત ન આવ્યો. ભારતમાં સવાલો ઊઠવા લાગ્યા- જે સેનાને શાંતિ સ્થાપવા મોકલાઈ હતી, તે શ્રીલંકાના ગૃહયુદ્ધના કળણમાં કેમ ફસાઈ ગઈ? અભિયાન લાંબું ખેંચાતું ગયું અને સરકાર પર ચોતરફથી દબાણ વધવા લાગ્યું. ત્યારબાદ 1989માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી. રાજીવ ગાંધીનો શ્રીલંકામાં સેના મોકલવાનો નિર્ણય, બોફોર્સ કૌભાંડ સહિતના અનેક મુદ્દા ચૂંટણીમાં છવાયેલા રહ્યા. રાજીવ ચૂંટણી હારી ગયા, કોંગ્રેસને માત્ર 197 બેઠકો મળી. વી.પી. સિંહના નેતૃત્વમાં ગઠબંધન સરકાર રચાઈ. નવી સરકારે ભારતીય સેનાને શ્રીલંકામાંથી પાછી બોલાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. 24 માર્ચ 1990ના રોજ સેનાની છેલ્લી ટુકડી ભારત પરત ફરી. લિટ્ટેએ આ ઘટનાને પોતાની મોટી જીત ગણાવી. પરંતુ વાર્તા અહીં પૂરી નહોતી થઈ. જુલાઈ 1990માં એક ઇન્ટરવ્યુ દરમિયાન રાજીવ ગાંધીએ સંકેત આપ્યો કે જો તેઓ ફરી સત્તામાં આવશે, તો ભારત-શ્રીલંકા સમજૂતીને ફરીથી લાગુ કરવામાં આવી શકે છે અને જરૂર પડશે તો ભારતીય સેનાને ફરી શ્રીલંકા મોકલવામાં આવી શકે છે. પ્રભાકરણને ડર પેસી ગયો કે જો રાજીવ ફરી સત્તા પર આવશે તો ભારતીય સેના ફરીથી શ્રીલંકામાં પગ પેસારો કરશે. 1991માં દેશ ફરી એકવાર સામાન્ય ચૂંટણીના આરે ઊભો હતો. રાજીવ કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં તનતોડ મહેનત કરી રહ્યા હતા. 21 મે 1991. રાત્રિના આશરે 10 વાગ્યાનો સમય. તમિલનાડુનું શ્રીપેરમ્બુદૂર. રાજીવ ગાંધી ચૂંટણી સભાને સંબોધવા પહોંચ્યા હતા. તેઓ કડક સુરક્ષા ઘેરામાંથી બહાર નીકળીને લોકો વચ્ચે જઈ રહ્યા હતા. કોઈ તેમને ફૂલ આપી રહ્યું હતું, કોઈ હાથ મિલાવવા ઉત્સુક હતું, તો કોઈ આશીર્વાદ લેવા પગે પડી રહ્યું હતું. આ જ ભીડમાં એક યુવતી ઊભી હતી. કોડ નેમ- ધનુ, અસલી નામ- થેનમોઝી રાજરત્નમ. તે લિટ્ટેની આત્મઘાતી કેડર (માનવ બોમ્બ) હતી. તેના હાથમાં ફૂલોનો હાર હતો. તે રાજીવની બિલકુલ સામે પહોંચી. ગળામાં હાર પહેરાવ્યો. પછી ચરણસ્પર્શ કરવા માટે નીચે નમી. કોઈને અંદાજ નહોતો કે તેના શરીર પર આરડીએક્સ (RDX) બોમ્બ બાંધેલો છે. બીજી જ પળે પ્રચંડ વિસ્ફોટ થયો. નારાઓથી ગૂંજી રહેલું મેદાન ક્ષણભરમાં ધુમાડા, કાટમાળ અને મરણચીસોથી ભરાઈ ગયું. રાજીવ ગાંધી સહિત કેટલાય નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં. ગણતરીની સેકન્ડોમાં બધું જ બદલાઈ ગયું. ત્યારબાદની સઘન તપાસ, સીબીઆઈ (CBI), જૈન કમિશન અને કોર્ટની કાર્યવાહીમાં આ ઘાતકી હત્યાના ષડયંત્ર માટે લિટ્ટે અને તેના વડા પ્રભાકરણને જ સીધા જવાબદાર ઠેરવવામાં આવ્યા. આ ઘટના પછી શ્રીલંકા અંગેની ભારતની વિદેશ નીતિ કાયમ માટે બદલાઈ ગઈ. 4 વર્ષ પહેલાં, રાજીવે પ્રભાકરણને પોતાનું બુલેટપ્રૂફ જેકેટ ભેટ આપતાં કહ્યું હતું- ‘ટેક કેર ઓફ યોરસેલ્ફ’. તે સમયે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ જ શબ્દો એક એવી ગોઝારી ઘટનાની યાદ બનીને રહી જશે, જેણે ભારતની રાજનીતિ અને શ્રીલંકા સાથેના સંબંધોની તાસીર હંમેશ માટે બદલી નાખી. 1991માં કોંગ્રેસ 244 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી. બહુમતીથી દૂર હોવા છતાં કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળી અને પી.વી. નરસિમ્હા રાવ દેશના વડાપ્રધાન બન્યા. ………………………….. સંદર્ભ (રેફરન્સ): વન લાઈફ ઈઝ નોટ ઈનફ (One Life Is Not Enough): નટવર સિંહ ધ રાઉટ ઓફ પ્રભાકરણ (The Rout of Prabhakaran): એમ. આર. નારાયણ સ્વામી ઈન્ડિયા ટુડે (India Today)
    Click here to Read More
    Previous Article
    Aaj ka Rashifal 25 September 2026: कहीं लाभ तो कहीं सावधानी, जानें सभी 12 राशियों के लिए कैसा रहेगा आज का दिन, पढ़ें राशिफल
    Next Article
    Asian Games 2026 Day 6 LIVE Updates: India Assured Medals In Table Tennis, Squash; Shooters Match Asian Record

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment