Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજ્જુ લવ ગુરૂ જેની સાથે અથડાયા તે બાઇકચાલકને ભાસ્કરે શોધ્યો:કહ્યું- 'બે સવારી બાઈક પર અમે સાત ફૂટનો પાલખ આડો લઈને જતા હતા', એ વખતે ખરેખર શું બન્યું હતું?

    8 hours ago

    17 સપ્ટેમ્બરે સુઈગામના કોમેડિયન અને સોશિયલ મીડિયા ક્રિએટર'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારે પરિવાર સહિત તેમના ચાહકો ભારે આઘાતમાં છે. તેમના આકસ્મિક મોતના એક અઠવાડિયા બાદ પણ હજુ એ કોયડો બની ગયું છે. ત્યારે દિવ્યભાસ્કરે ચંદનના બાઈક સાથે અકસ્માત થયો એ બાઈકચાલક દશરથ રાઠોડ અને મણા રાઠોડના ઘરે ઉચોસણ ગામ પહોંચ્યુ હતું. બંનેને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે. ત્યારે બંનેએ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. દશરથે કહ્યું કે, અમે બેસવારી બાઈક પર સાત ફૂટનો આડો પાલખ લઈને જતા હતા. જ્યારે મણાભાઈએ સ્પષ્ટ કર્યું કે, કોઈ હાથે કરીને સામસામે બાઈક ભટકાવે નહીં, કુદરતી થઈ ગયું છે. ત્યારે બાઈકચાલક દશરથે દોષનો ટોપલો ચંદન પર ઢોળ્યો હતો. સાત ફૂટનો પાલખ ન દેખાયો! ઉચોસણથી બંને બાઈક પર ભાભર જવા નીકળ્યા હતા. સાથે 7 ફૂટનો બાંધકામમાં વપરાતો પાલખ આડો રાખ્યો હતો. આ સાત ફૂટનો પાલખ કોઈપણ કારણસર આશાસ્પદ કોમેડિયનના મોતનું કારણ બન્યો હતો. કોઈપણ રીતે સામેથી આવતા ચંદન રાઠોડ પાલખને ટકરાયા હતા. પાલખના અથડાવાથી તે જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં પડી ગયા હતા અને તેમનું બાઈક 25 ફૂટ દૂર પડ્યું હતું. બાઈકસવારોને વાગતાં પાછળ વળીને જોયું નહીં અકસ્માત અંગે દશરથ રાઠોડે કહ્યું કે, અમે ઉચોસણથી ભાભર કામે નીકળેલા હતા. ઘરેથી જમીને બપોરે અંદાજે સવા એક વાગ્યે નીકળ્યો હતો. ત્યાંથી નીકળીને અમે હરિધામ ગૌશાળા પહોંચ્યા હતા. અમારી સાઇડ પર બાઈક ચલાવીને જતાં હતા અને મારા બાઈક પાછળ એક વ્યક્તિ બેઠેલા હતા. સ્પીડ આશરે 30થી 35ની હશે, ત્યારે અચાનક સામેથી એક વ્યક્તિ રોંગ સાઇડમાં આવ્યા અને અમારું બાઈક સામસામે અથડાયું. અકસ્માત થતાં જ અમે બંને નીચે પડી ગયા. મારા પાછળ બેઠેલા ભાઈને વધારે ઈજા થઈ હતી, અને મને પણ માથામાં તથા હાથે વાગ્યું હતું. નીચે પડ્યા પછી પાછળ નજર કરી નહોતી કે સામેવાળી વ્યક્તિ ક્યાં અને કેવી સ્થિતિમાં પડી છે. દવાખાને જઈ માથે પાટો બંધાવ્યો બાઈકચાલક દશરથે કહ્યું કે, ઘટના બાદ માથામાંથી વધારે લોહી વહી રહ્યું હતું ,છતાં ઊભો થયો અને મારા સાથી ભાઈને પૂછ્યું કે, 'ભાઈ, તને વધારે તો નથી વાગ્યું ને?' ત્યારે તેમણે કહ્યું કે, 'મારાથી બાઈક પર બેસાય એવું કે ઊભું થવાય એવું નથી, મને પગે ખૂબ વાગ્યું છે. બાજુમાં મારા ભત્રીજાનું ગેરેજ છે, ત્યાં જઈને ગાડી મોકલાવી દે. ત્યારબાદ બાઈક લઈને તે ગેરેજ પર પહોંચ્યો, જ્યાં તે ભાઈ હાજર નહોતા પરંતુ તેના માણસો કામ કરતા હતા. મેં તેમને બનેલી ઘટનાની વિગતવાર વાત કરી. ત્યારે તેમણે મને કહ્યું કે, 'જ્યારે તે ભાઈ આવશે ત્યારે અમે ગાડી લઈને મોકલી દેશું, તમારા માથામાંથી લોહી વહી રહ્યું છે, તમે તાત્કાલિક દવાખાને જતા રહો.' ત્યાંથી હું સીધો દવાખાને ગયો અને મારા માથાનો પાટો બંધાવ્યો. અકસ્માત ગુજ્જુ લવ ગુરુ સાથે થયો એની ખબર ન હતી આ અકસ્માત થયો ત્યારે સામેવાળી વ્યક્તિને અમે ઓળખતા નહોતા. ત્યારબાદ સારવાર દરમિયાન ત્યાં લોકો ભેગા થયા અને 108નો સંપર્ક કરવામાં આવ્યો. મને આ અકસ્માત વિશે સોશિયલ મીડિયા દ્વારા પાછળથી માહિતી મળી હતી, ત્યાં સુધી સામેવાળી વ્યક્તિ કોણ છે તેની કોઈ માહિતી નહોતી. અમે અમારી સાઇડ પર યોગ્ય ઝડપે જઈ રહ્યા હતા, ત્યારે સામેવાળી વ્યક્તિ પોતાની સાઇડ છોડીને રોંગ સાઇડમાં આવ્યા અને અમારું બાઈક અથડાવ્યું હતું. મણાભાઈએ જણાવ્યું કે, અમે ઘેરથી સામાન લેવા ભાભર જઈ રહ્યા હતા. દશરથભાઈનું બાઈક હતું. જ્યારે અમે ગૌશાળા આગળ પહોંચ્યા, ત્યારે અકસ્માત થયો. આ ભાઈનું બાઈક અને સામેવાળા ભાઈનું બાઈક બંને સામસામે અથડાયા, જેના કારણે હું નીચે પડી ગયો. ખાડા સાથે અને પાલક બાંધેલા હતા. પાલક સાથે ટક્કર થઈ. એના પછી શું થયું, તેની મને પણ ખબર નથી. સારવાર માટે અમારા ગામના દરબાર આવ્યા હતા. મને આ સાથળમાં, કેડમાં અને અહીં શરીર પર ઈજાઓ થઈ છે. દવાખાને લઈ જનારે શું કહ્યું? કમાલખાન મલિકે કહ્યું કે , અમે ભાભર જઈ રહ્યા હતા. રસ્તામાં અમે પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ ભરાવ્યું, ત્યારે તેઓ આગળ નીકળી ગયા હતા. અમે પેટ્રોલ પુરાવીને ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં ગુજ્જુભાઈ માટે 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને મણાભાઈ સાઈડમાં પડ્યા હતા.પછી મેં એક ઠાકોર ભાઈને ઊભા રાખીને તેમની મદદથી મણાભાઈને બાઈક પર બેસાડ્યા. અમે મણાભાઈને લઈને દવાખાને ગયા, જ્યાં હોસ્પિટલનો સ્ટાફ ગુજ્જુભાઈની સારવારમાં વ્યસ્ત હતો. ત્યારબાદ અમે ધીરુભાઈ પાસે ગયા, પણ બપોરના બે વાગ્યા હોવાથી તેઓ હાજર ન હતા. એટલે અમે મણાભાઈને રાજારામ હોસ્પિટલ લઈને ગયા. રાજારામ હોસ્પિટલ જતા રસ્તામાં નાનજીભાઈ મળી ગયા. અમે મણાભાઈને રાજારામના દરવાજા પાસે મૂક્યા અને મારે કામ હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. આ પણ વાંચો, ગુજ્જુ લવ ગુરૂના બાઈકને ટક્કર મારનાર સામે ગુનો દાખલ નોકરી છોડીને કોમેડીના ક્ષેત્રમાં આવ્યા ચંદન રાઠોડનું જીવન સંઘર્ષમય હતું. મિત્રોના જણાવ્યા મુજબ તેઓ શરૂઆતમાં મોરબી નોકરી કરવા ગયા હતા, પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે સોશિયલ મીડિયામાં સક્રિય થયા હતા. ધીમેધીમે કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ‘ગુજ્જુ લવ ગુરૂ’ તરીકે તેમની ઓળખ ગુજરાતભરમાં બની હતી. તેમને ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે. સામાન્ય પરિવારમાંથી સોશિયલ મીડિયા સુધીની સફર સુઈગામના સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભાના જોરે સોશિયલ મીડિયા પર અલગ ઓળખ ઉભી કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી તેમણે ગુજરાતી કોમેડી વીડિયો બનાવતા અને લોકોને હસાવતા હતા. ગ્રામ્ય વિસ્તારની વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકની લોકબોલી તથા સ્થાનિક ભાષાશૈલી તેમની કોમેડીની ખાસિયત બની હતી.તેમની દેશી અને સરળ કોમેડી લોકોને ખૂબ પસંદ પડતી હતી. હાસ્યની સાથે તેઓ સમાજને સાચી દિશા આપતા અને વર્તમાન હકીકતોને લોકો સુધી પહોંચાડતા સંદેશસભર વીડિયો પણ બનાવતા હતા. જેના કારણે તેમની લોકપ્રિયતા માત્ર વાવ-થરાદ કે ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ચાહકો બન્યા હતા. બુધવારે બારમું બુધવાર, 23 સપ્ટેમ્બરના રોજ બારમું રાખવામાં આવ્યું છે. આ પણ વાંચો : ‘ગુજ્જુ લવ ગુરૂ’એ છેલ્લે પેટ્રોલ પૂરાવ્યું, જુઓ CCTV પોતાની આગવી કોમેડીથી ગુજરાતીઓના દિલમાં સ્થાન બનાવનાર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. શૂટિંગ પતાવી ઘરે પરત ફરતાં સમયે 17 સપ્ટેમ્બરે હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટના બાદ સીસીટીવી સામે આવ્યા છે. જેમાં અકસ્માત નડ્યો હતો તે બાઈક પર મોતની ગણતરીની મિનિટો પહેલાં ચંદન રાઠોડ એક પેટ્રોલ પંપ પર છેલ્લીવાર પેટ્રોલ પૂરાવતા નજરે ચડ્યા હતા. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો) આ પણ વાંચો : ગુજ્જુ લવ ગુરુની અંતિમ યાત્રામાં પરિવારનું હૈયાફાટ રુદન વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી કોમેડીથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. 17 સપ્ટેમ્બરે ભાભરની હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં ચંદન રાઠોડનું મોત નીપજ્યું હતું. ઢળતી સાંજે ચંદનની અંતિમયાત્રા નીકળી હતી. ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાયા હતા. અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ‘ગુજ્જુ લવ ગુરૂ’ને અંતિમ વિદાય આપતી વેળાએ સમગ્ર સુઈગામ ગમગીન બન્યું હતું. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    पंजाब में 'वर्दी एडवाइजरी' पर बवाल, पुलिस ने कहा- जारी नहीं हुआ ऐसा आदेश, विपक्ष ने सरकार को खूब सुनाया
    Next Article
    અંબાજીમાં 450 ડ્રોનથી યોજાયો ભવ્ય લાઈટિંગ શો:માતાજી, શ્રી યંત્ર, ગબ્બર પર્વત સહિતના અધ્યાત્મ પ્રતીકો આકાશમાં ઝળહળ્યાં; માઈભક્તો મંત્રમુગ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment