Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં કરોડોની મિલકતના માલિક પાકિસ્તાની...પણ હાલ કબજો કોનો?:આઝાદી વખતે ભારત છોડનારાઓની પ્રોપર્ટી પર ભાસ્કરની તપાસ, ભાડું લેવાથી લઇ વેચાણ સુધીના ખુલાસા

    9 hours ago

    મિલકત ભારતમાં… માલિક પાકિસ્તાની… પણ કબજો કોની પાસે એ મોટો પ્રશ્ન. સરકારી ભાષામાં જેને એનિમી પ્રોપર્ટી કહેવાય એવી મિલકતોના કેટલાક ડોક્યુમેન્ટ્સ દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમને હાથ લાગ્યા. ત્યાર બાદ ગ્રાઉન્ડ લેવલે તપાસ કરી તો ઘણા શોકિંગ ખુલાસા થયા. આ મુદ્દાને સમજવા માટે 79 વર્ષ પાછળ જવું પડશે. એ સમય જ્યારે અંગ્રેજોથી આઝાદી મળી અને બે દેશ અસ્તિત્વમાં આવ્યા, ભારત અને પાકિસ્તાન. વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટું પલાયન થયું, દોઢ કરોડ લોકો આમતેમ થઇ ગયા અને પાછળ રહી ગયા તેમના મકાન, દુકાન, પ્લોટ અને ખેતીની જમીન, જેની કિંમત આજે કરોડોમાં થાય છે. ભારતમાં સંપત્તિ છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયેલા લોકોની મિલકતને એનિમી પોપર્ટી ગણવામાં આવે છે. હવે બેથી ત્રણ પેઢી જતી રહી તો કરોડોની આવી મિલકત કેવી સ્થિતિમાં છે? કોણ વાપરે છે? ભાડું કોના ખિસ્સામાં જાય છે? સત્તાવાર માલિકી કોની છે અને સૌથી મોટો સવાલ, શું સરકારી કાગળ પરની આવી મિલકતો ખરેખર ગાયબ થઈ રહી છે? એ જાણવા માટે દિવ્ય ભાસ્કરે કેટલાક ડોક્યુમેન્ટ્સ મેળવ્યા અને ઇન્વેસ્ટિગેશન કર્યું. કેન્દ્ર સરકારના ડેટા પ્રમાણે ગુજરાતમાં દોઢસોની આસપાસ એનિમી પ્રોપર્ટી આવેલી છે. જેમાં સૌથી વધુ મિલકત સૌરાષ્ટ્રમાં. એમાં પણ રાજકોટ જિલ્લાનો જેતપુર તાલુકો તો મોખરે. સિટી સર્વેના સત્તાવાર લિસ્ટ મુજબ રાજકોટ જિલ્લામાં 139 એનિમી પ્રોપર્ટી આવેલી છે, જેમાં 40થી વધુ જેતપુરમાં છે. ગોંડલમાં 8 જેટલી, રાજકોટ અને ધોરાજીમાં બે-બે મિલકત નોંધાયેલી છે. અમે ગોંડલથી એનિમી પ્રોપર્ટી શોધવાનું શરૂ કર્યું… ગોંડલ: મહિને 400 રૂપિયા ભાડું અને વેચાઈ ગયેલી જમીનો ગોંડલના માંડવી ચોકની ખારપા શેરીમાં ભાટિયા ભવન આવેલું છે. ત્યાં સરકારી લિસ્ટ મુજબ હાજરાબાઈ તાર મહોમદ નામના માલિકની મિલકત છે. માલિક તો પાકિસ્તાન જતા રહ્યા અને હવે મસમોટું જૂનવાણી હવેલી જેવું બે માળનું મકાન અહીં છે. ભાડુઆતે મકાનમાલિકને જોયા જ નથી! જો કે વર્ષોથી આ હવેલી બંધ હોવાનું જાણવા મળ્યું. અમે અહીં પૂછપરછ કરી પણ કોઈએ મકાન માલિકને જોયા નથી. એક-બે વ્યક્તિએ કહ્યું કે એના કોઈ સગા આવે છે પણ આંટો મારી જતા રહે છે. પણ તપાસ દરમિયાન એક ટ્વીસ્ટ આવ્યો. આ જ મકાનમાં ત્રણ શટરવાળી મોટી દુકાનો જોવા મળી, જે જૂના ભાડામાં ચાલે છે, એ પણ પાઘડી પેટે. દુકાનમાં કપાસની રૂના ગાદલા બનાવી વેચવામાં આવે છે. આ દુકાન ચલાવતા ભાડૂઆત રફીકભાઈ રાઠોડ સાથે અમારી વાત થઇ. ભાડુઆતે 400 રૂપિયા ભાડાની પહોંચ બતાવી રફીકભાઈએ દિવ્ય ભાસ્કરને માહિતી આપતા જણાવ્યું કે "મારી એક જ દુકાન છે જેના ત્રણ શટર છે. 35 વર્ષ કરતાં વધુ સમયથી બાપ-દાદાએ દુકાન રાખી છે. મકાન માલિક કોણ છે એની કંઈ ખબર નથી. એના મહેતાજી આવે છે અને બે-ચાર મહિને એકાદ વખત એ ભાડું લઈ જાય છે. મહિનાનું ભાડું 400 રૂપિયા અને 95 રૂપિયા વેરો અમે આપીએ છીએ. મારી પાસે ભાડાની પહોંચ છે." એમ કહીને રફીકભાઈએ ભાડા પહોંચ પણ બતાવી. રફીકભાઈના કહેવા પ્રમાણે દુકાન પાસેના મકાનમાં એક માજી રહેતા હતા. તેઓ મકાનમાલિક હતા. બંધ પડેલી હવેલી અને રૂ-ગાદલાની દુકાનનું રૂ. 400નું ભાડું તો સમજ્યા, પણ ગોંડલના રજિસ્ટર ચોપડે એક એવી જમીન પણ હતી જે કાગળ પર ખુલ્લું મેદાન હતી પણ વાસ્તવમાં તેનો મોટો ભાગ વેચાઈ ચૂક્યો હતો! આખરે પાકિસ્તાની માલિકની જમીન ખરીદી કોણે? વિશાળ મેદાન સમય જતા નાનુ થઇ ગયું અમે ગોંડલમાં જ બીજી એક મિલકત શોધવાનો પ્રયાસ કર્યો, જેના વિશે સરકારી લિસ્ટમાં એગ્રીકલ્ચર લેન્ડ લખ્યું છે. માલિકનું નામ હબીબ યાકુબ તબાની, સર્વે નંબર 599/4/1 અને જમીન 1 એકર 9 ગૂંઠા. થોડીઘણી તપાસ બાદ અમે આ જગ્યાએ પહોંચ્યા. રેલવેના પાસે જ ખુલ્લુ મેદાન જોવા મળ્યું. અહીં પણ કોઈ સત્તાવાર રીતે બોલવા તૈયાર ન થયું. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે આ એનિમી પ્રોપર્ટી છે, અહીં મોટું મેદાન હતું, જેમાં અડધું વધ્યું છે. અમુક જગ્યા વેચાઈ ગઈ જે હાલ ખાનગી માલિકની છે, કેટલીક જમીન રેલવેમાં કપાતમાં જતી રહી પણ હજુ ખુલ્લું મેદાન છે. આ મિલકતો પર જે લોકો કબજો કરીને બેઠાં છે તેમને 13 વર્ષ પહેલાં તંત્રએ નોટિસ પણ ફટકારી હતી, એ ડોક્યુમેન્ટ્સ પણ ભાસ્કરને મળ્યા. જેમાં કબજેદારો તેમજ ભાડુઆતોના નામ છે. જેમ કે રાજકોટ રોડ પર આવેલા સરવે નંબર 599/2 અને 599/4ના ત્રણ કબજેદાર કે ભાડુઆત વિશે જાણવા મળ્યું. તેમને 28 જાન્યુઆરી, 2013ના રોજ 3 લોકોને તલાટી અને સર્વેયરે રૂબરૂમાં નોટિસ ફટકારી હતી. પ્લોટનો કેટલોક ભાગ વેચાઈ ગયાના ડોક્યુમેન્ટ મળ્યા એટલું જ નહીં, આ એનિમી મિલકત હોવાં છતાં જમીનનું સમયાંતરે વેચાણ થયેલું હોવાનું એક નકલ મારફતે જાણવા મળ્યું. જેમાં હક્ક પત્રકમાં આ પ્લોટ કોણે કોને વેચ્યો, કેટલો ભાગ વેચ્યો વગેરેનો ઉલ્લેખ છે. જો કે ડોક્યુમેન્ટ્સ જૂના હોવાના કારણે ઘણી બધી જાણકારી અસ્પષ્ટ થઇ ગઇ છે. 13 વર્ષ પહેલા નોટિસ ફટકારી, માલિક પાકિસ્તાન જતા રહ્યાનો ઉલ્લેખ આવી જ રીતે ગોડલમાં માંડવી ચોક પાસે વોર્ડ નંબર 8માં સિટી સર્વે નંબર 15ની મિલકત પણ એનિમી પ્રોપર્ટી છે. જેના માલિક જાવેદ હાજી હારૂન માકડા છે. તેઓ પાકિસ્તાન જતા રહ્યા, હવે આ મિલકત પર તેમના વારસદારનો કબજો છે. એટલે 2013માં તેમને નોટિસ પાઠવવાો પ્રયાસ કર્યો. પરંતુ માલિક જ અહીંયાં ન હોવાથી કોઈએ નોટિસ સ્વીકારી નહીં. ભાસ્કરે રોજકામના આધાર-પુરાવા પણ મેળવ્યા હતા. ગોંડલ આ મિલકતોના રોજકામથી જાણવા મળ્યું કે અમુક મિલકત પૂરેપુરી અથવા તો અમુક ભાગ વેચાઈ ગયો છે. જે કાયદાનું ઉલ્લંઘન કહેવાય. જોકે એક પણ મિલકત મુદ્દે સત્તાવાર કોઈ બોલવા કે માહિતી આપવા સરકારી તંત્ર તૈયાર નથી, આ મુદ્દે સૌ કોઈએ મૌન સેવી લીધું છે. જેતપુર: સરકારી કચેરીઓ જ પાકિસ્તાની જમીન પર? ગોંડલથી અમે જેતપુર ગયા, જ્યાં સૌથી વધુ 40 એનિમી પ્રોપર્ટી ચોપડે નોંધાયેલી છે. ગોંડલમાં તો માત્ર મકાનો અને વેચાઈ ગયેલા પ્લોટનો ખેલ હતો, પણ જેતપુર પહોંચતા જ ભાસ્કરની ટીમ સામે એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના નહોતી કરી. મળ્યું. સ્થાનિકોના કહેવા મુજબ સબ જેલનો ભાગ, સિટી પોલીસ સ્ટેશન અને દુરસંચાર કેન્દ્ર જ્યાં આવેલું છે, એની કેટલીક જમીન એનિમી પ્રોપર્ટીના લિસ્ટમાં છે. અમને એક સ્થાનિક મળ્યા જેમનું નામ હતું સુભાષ તેરૈયા. તેમણે જણાવ્યું, ઘણી એવી પણ મિલકતો છે જેના પર સરકારી નહીં ખાનગી લોકોનો કબજો છે. આવી ખાનગી મિલકતનું ભાડું મુંબઈ કસ્ટોડિયનની ઓફિસમાં ભરતા હોય છે. આ ઉપરાંત હજુ પણ અમુક મકાનના માલિકની ખબર નથી પણ કોઈકને કોઈક સમયાંતરે આવે કે આ મારી મિલકત છે, ભાડું અમને આપો, એવું થતું હોય છે. અમુક લોકોએ કોર્ટ કેસ કરેલા છે અને એ જીતી ગયા છે, તો એ લોકો ભાડું કોર્ટમાં જમા કરાવતા હોય છે. બાકી અન્ય ભાડૂઆત કોઈ બોલવા તૈયાર નથી. અન્ય એક સ્થાનિકે જણાવ્યું, અહીં ઘણાએ કબજો કરી લીધો છે. એવું પણ બન્યું છે કે લાંબા ગાળા સુધી કબજો કર્યો હોય અને કોર્ટમાં જતા રહે, એટલે કોર્ટ ભાડું ભરવાનો હુકમ કરે એટલે એ કોર્ટને ભાડું આપે. ટૂંકમાં પ્રાઇમ લોકેશનમાં નજીવા ભાડાથી મિલકતો જતી રહે એવું પણ બન્યું છે. એનિમી પ્રોપર્ટીનો સર્વે કરનાર અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે શું કહ્યું? ગુજરાતના વિવિધ શહેરોમાં એનિમી પ્રોપર્ટી માટે થયેલા સર્વેમાં કામગીરી કરનાર એક સિનિયર સર્વેયરે જણાવ્યું હતું કે, જેતપુરમાં આશરે 50 જેટલી એનિમી પ્રોપર્ટી આવેલી છે. જેની છેલ્લી માપણી છ મહિના પહેલાં મુંબઈથી આવેલી ટીમ દ્વારા કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પોલીસ સ્ટેશન, જેલ વિસ્તાર અને ટેલિકોમ ઓફિસ જેવી મિલકતો સરકારી ચોપડે નોંધાયેલી છે અને તે એનિમી પ્રોપર્ટીમાં આવતી નથી, પરંતુ સંપૂર્ણપણે સરકારની માલિકીની છે. એનિમી પ્રોપર્ટીમાં અન્ય કોઈ વ્યક્તિનું નામ દાખલ થઈ શકે નહીં; સરકાર યોગ્ય મંજૂરી મળ્યા પછી જ આવી મિલકતો હસ્તગત કરી શકે છે અથવા તેની હરાજી કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું, વર્ષ 2013 પછી આ અંગે કોઈ મોટું અપડેટ આવ્યું નથી. કલેક્ટર કચેરી દ્વારા સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને મુંબઈ મોકલવામાં આવ્યો છે. કેટલીક મિલકતોના નામ કે સરનામા મુજબની વિગતો ન મળવા અંગે તેમની પાસે કોઈ સ્પષ્ટ માહિતી નથી. મિલકતો ભાડે આપવા કે વેચાઈ ગઈ હોવાની બાબતે તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ મિલકતમાં ભાડુઆતો હશે તો તે જૂના જ હશે, નવા ભાડુઆત હોઈ શકે નહીં. હાલનું છેલ્લું અપડેટ એ જ છે કે આ શત્રુ સંપત્તિઓને સરકાર હસ્તક લેવા માટેની યાદી મુંબઈ મોકલી દેવામાં આવી છે. જેતપુરમાં કાયદાકીય અને સરકારી ગૂંચવાડો હતો, પણ ધોરાજી પહોંચતા જ ભાસ્કરનો સામનો એક એવી વૃદ્ધા સાથે થયો જેમણે દાવો કર્યો કે 'સરકાર જેને પાકિસ્તાની માલિકની મિલકત ગણે છે, એ તો અમારી પોતાની છે!' શું સરકારી લિસ્ટમાં જ મોટો લોચો છે કે પછી જમીન મેળવવા રમત રમાઈ રહી છે? ધોરાજી: ચોપડે પાકિસ્તાની, પણ દાવો ભારતીય વૃદ્ધાનો ધોરાજીમાં કુલ 3 એનિમી પ્રોપર્ટી હોવાનું જાણવા મળ્યું, જેમાંથી બે મિલકત પર ભાસ્કર પહોંચી શક્યું. જેમાં ધોરાજીની ચીડીમાર શેરીમાં હલીમાબાઈ ઈસા હબીબ કંદોઈનું ઘર હતું. સિટી સર્વે નંબર 1949 અને જગ્યા 31.83 સ્ક્વેર મીટર. જૂની શૈલીનું મેડાવાળુ બાંધકામ, ચાર પટ્ટાવાળો લાકડાનો દરવાજો, જેના પર નકશીકામ અને જૂના જમાનાની કડી જોવા મળી. દરવાજો ખખડાવ્યો તો 70ની આયુ વટાવી ગયેલા એક વૃદ્ધા બહાર આવ્યા. તેમણે કહ્યું "અહીં અવારનવાર અમને સરકારી અધિકારીઓ પૂછપરછ કરવા આવી જાય છે. આ મારી મિલકત છે, છતાં એનિમી લિસ્ટમાં બોલે છે. મારા ફોઈબા પાકિસ્તાન રહેતા હતા, અમે કોઈ દિવસ જોયા પણ નથી અને એનું આ મકાન પણ નથી. અમારી પાસે વારસાઈના કાગળો છે, છતાં કોઈક અમારી મિલકત પર નજર રાખી રહ્યું છે." એમ કહીને એ વૃદ્ધાએ કાગળો પણ બતાવ્યા. જેમાં વારસાઈ નામોનું લખાણ હતું અને એ વર્ષોથી અહીં રહે છે, એમણે મકાન પોતાનું હોવાનું જણાવ્યું હતું. વૃદ્ધા હલીમાબાઈ સાથેની મુલાકાત બાદ અમે અન્ય મિલકત પર ગયા, તો એ એડ્રેસ મુજબ મિલકત તો મળી જ નહીં. થોડી દોડાદોડ બાદ અમે ત્રીજી મિલકત શોધી, જે મિલકત ફાતમાબાઈ હુસેન ઘરાનાના નામે હતી. સરનામું મળ્યું સ્માર્ટ ટેઇલર, જી. એન. પ્રોવિઝન શોપ પાસે, બહારપુરા હસન ફળીમાં, ધોરાજી. પાડોશીઓએ કહ્યું, માલિક તો પાકિસ્તાન કે બર્મા જતા રહ્યા જો કે એડ્રેસ મુજબ ટેઇલર શોપ વર્ષો પહેલાં બંધ થઈ ગઈ હતી, કોઈ નામોનિશાન મળ્યા નહીં. મિલકત મળી એ ઘરાના હાઉસથી ઓળખાય છે, ભવ્ય હવેલી જેવું મોટું મકાન હતું જે બંધ હતું અને તાળું લટકતું જોયું. આડોશ-પાડોશમાં પૂછપરછ કરી તો જણાવ્યું કે એ પાકિસ્તાન હશે, અમુકે કહ્યું મ્યાનમાર (બર્મા) હશે, તો અમુકે કહ્યું કે એના કોઈ સગા સુરત રહે છે. વર્ષોથી બંધ હાલતમાં છે, કોઈ દિવસ કોઈને જોયા નથી. એક-બે વખત કોઈ અધિકારી આવ્યા હતા અને જોઈને જતા રહ્યા. જો કે ઓન-કેમેરા કોઈ બોલવા તૈયાર નથી. રાજકોટમાં જ્યારે અમે એનિમી મિલકતની તપાસ કરવા માટે પહોંચ્યા તો સાવ જુદો જ કિસ્સો ધ્યાને આવ્યો. સરકારી યાદી મુજબ અહીં બે મિલકતો દર્શાવવામાં આવી છે. સરકારી લિસ્ટ મુજબ એક મિલકતનું સરનામું હતું, ગોપાલ ભવન, શેરી નંબર 14, પ્લોટ નંબર 53, માધવ ધામ પાસે, ક્રાંતિ બિલ્ડિંગ સામે, ભક્તિનગર સોસાયટી, રાજકોટ ત્યાં પહોંચતા ખૂણા પર રિનોવેટ કરાવેલો બંગલો નજરે પડ્યો. બંગલાના માલિક હાજર ન હોવાથી ટેલિફોનિક સંપર્ક કરતા યાદીમાં દર્શાવેલ માધવજીભાઈના પૌત્ર રુદ્ર સાથે વાત થઈ હતી. રાજકોટમાં એનિમી પ્રોપર્ટીનો એક આશ્ચર્યજનક કેસ તેમણે જણાવ્યું કે તેમના દાદા 1952ની આસપાસ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. લિસ્ટમાં તેમના દાદાનું નામ છે તે વાત સાચી, પરંતુ આ મિલકત દાદાના નામે નથી પણ તેમની દાદીના નામે છે. તેમનો જન્મ પણ અહીં જ થયો છે અને પરિવાર પાસે આ મિલકતના તમામ કાયદેસરના ભારતીય દસ્તાવેજો છે. તંત્રને અનેક વખત પુરાવા રજૂ કરવા છતાં તેમનું નામ આ લિસ્ટમાં શા માટે રાખવામાં આવ્યું છે તે સમજાતું નથી. બીજી એનિમી મિલકતનું સરનામું નાગરિક બેંકની સામે, જ્યુબિલી ગાર્ડન પાસે, ઢેબર રોડ, રાજકોટ છે. એટલે આ મિલકતમાં કોઈ માલિકનું નામ કે ચોક્કસ સરનામું દર્શાવેલ નથી. છતાં, ભાસ્કરની ટીમે આ મિલકત શોધવાનો પ્રયાસ કર્યો હતો. શાકમાર્કેટ નજીકના ધમધમતા અને ટ્રાફિક વાળા આ વિસ્તારમાં નાગરિક બેંકની સામે તપાસ કરતા સરનામા મુજબ પાંચેક જૂના મકાનો મળ્યા. ત્યાં પૂછપરછ કરતા તમામ રહેવાસીઓએ પોતાને ભારતીય ગણાવ્યા હતા અને કહ્યું કે, આ મિલકતો તેમના બાપદાદાના સમયથી પોતાના નામે જ છે અને તેના દસ્તાવેજો પણ રાજકોટના જ છે. પાકિસ્તાનમાં દૂર-દૂર સુધી તેમના કોઈ સગા-સંબંધ ખો પણ નથી. તેમણે ઉમેર્યું કે અહીં ક્યારેય કોઈ સરકારી સર્વે પણ થયો નથી અને એનિમી પ્રોપર્ટી એટલે શું તેની પણ તેમને ખબર નથી. એડવોકેટ મેહુલ મહેતાને અમે એવા લોકો વતી પણ સવાલ કર્યો જે દાવો કરે છે કે આ મિલકત અમારી છે અને ખોટી રીતે એનિમી પ્રોપર્ટીના લિસ્ટમાં આવી ગઈ છે. મેહુલભાઈ જણાવે છે કે કદાચ કોઈ ભારતીયની મિલકત ભૂલથી એનિમી પ્રોપર્ટની લિસ્ટમાં આવી ગઇ હોય તો એનિમી પ્રોપર્ટી એક્ટ હાઇકોર્ટમાં અપીલ કરી શકે. દિવ્ય ભાસ્કરે કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ઇન્ડિયાની મુંબઈ બ્રાંચમાં કમલજીત કે.કમલનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તેઓ ડેપ્યુટી સેક્રેટરીના પદે છે, જો કે તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો. આ ઇન્વેસ્ટિગેશનમાં રિપોર્ટમાં એક વાત સાફ થઈ કે કરોડો રૂપિયાની શત્રુ સંપત્તિ સરકારી ચોપડે નોંધાયેલી તો છે, પરંતુ વાસ્તવિકતા જાણવા માટે સરકારે હજુ ઘણી તપાસ કરવાની અને પછી નક્કર નિષ્કર્ષ પર આવવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    Delhi Civic Body Cracks Down On Dangerous Buildings, 11 Properties Sealed
    Next Article
    'Gateway To Expand Into Mideast': Oman Pitches New Port For Indian Businesses

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment