Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:બપોરે માત્ર એક જ કલાકમાં પોણા બે ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાતાવરણમાં ઠંડક ફરી વળી

    1 day ago

    રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદની મોટી ખેંચ વર્તાઈ રહી હતી. ચોમાસાની ઋતુ હોવા છતાં યોગ્ય વરસાદ ન થવાના કારણે વાતાવરણમાં અસહ્ય ગરમી, બફારો અને ઉકળાટ વધી ગયો હતો, જેનાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. લોકો મેઘરાજા મહેરબાન થાય તે માટે ચાતક નજરે આકાશ તરફ જોઈ રહ્યા હતા અને પ્રાર્થના કરી રહ્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સમગ્ર પંથકમાં 3 દિવસ વરસાદની મોટી આગાહી કરવામાં આવી હતી અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આગાહીના પગલે રાજકોટમાં આજે સવારથી જ આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાયા છે. બપોરના 1 કલાકમાં ધોધમાર વરસાદ પડતાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક ફરી વળી છે. પ્રાપ્ત વિગત મુજબ આજરોજ બપોરે 3:00 વાગ્યાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરે 3:00 થી 4:00 વાગ્યા સુધીના માત્ર 1 કલાકના ટૂંકા સમયગાળામાં જ રાજકોટ શહેરમાં સરેરાશ પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. રવિવાર સવારથી સોમવાર સવાર સુધી પણ શહેરમાં સતત ધીમીધારે મેઘમહેર ચાલુ રહી હતી, જેના કારણે વાતાવરણમાં ભારે આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ મુજબ, શહેરના ત્રણેય ઝોનમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બપોરના 1 કલાક દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 47 મીમી, વેસ્ટ ઝોનમાં 46 મીમી અને ઈસ્ટ ઝોનમાં 37 મીમી વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ અને મધ્ય ભાગમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું. વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મોરબી રોડ અને 150 ફૂટ રિંગ રોડ સહિતના તમામ વિસ્તારોમાં મેઘાવી માહોલ સર્જાયો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસેલા મોસમી વરસાદથી શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જોકે, અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળતા શહેરીજનોના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી હતી. અને ધીમીધારે વરસતા વરસાદ સાથે ફૂંકાયેલા શીતળ પવનથી સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું છે. હવામાન વિભાગનાં અંદાજ મુજબ હજુ પણ રાજકોટના આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયેલા છે, જેથી આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. આજે બે ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 17.62 ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં ઇસ્ટ ઝોનમાં 380 mm, વેસ્ટ ઝોનમાં 500 mm અને સેન્ટ્રલ ઝોનમાં 463 mm વરસાદ નોંધાઈ ચુક્યો છે. આજે હવામાન વિભાગની આગાહી પગલે શહેરમાં બપોરના 3થી 4 વાગ્યા સુધી માત્ર એક જ કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાતા ઠેર ઠેર રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    તાલાલામાં ભૂકંપથી સુરક્ષા માટે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું:સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જાગૃતિ કાર્યશાળા, નાના આંચકાથી ન ગભરાવા અપીલ
    Next Article
    સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ભરાયા, વાહનોની કતાર લાગી ગઈ:બપોર બાદ એક ઇંચ વરસાદમાં જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા, વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment