Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના કયા મંદિરમાં મોબાઇલથી વીડિયો શૂટ કરીએ તો કેસ થાય?:દ્વારકાના વીડિયોકાંડમાં વાઇરલ યુવકે કહ્યું, માફી પણ મંગાવી, ને કેસ પણ કર્યો, કાયદો બધા માટે અલગ કેમ?

    10 hours ago

    ‘ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીના કોઇપણ નેતાઓ હોય, જો નિયમ હોય તો તે બધા માટે એકસરખો હોવો જોઇએ. નિયમ કોને કહેવાય અને કેવી રીતે તેનું પાલન થાય એ મેં ન્યૂઝીલેન્ડમાં જોયું છે. ન્યૂઝીલેન્ડમાં કોઇ રાજકારણી કે પૈસાદારને અલગ સુવિધા નથી અપાતી. નાની વ્યક્તિ અને રોડ પર ભીખ માંગીને ખાતો હોય તેણે જે નિયમોનું પાલન કરવું પડે એ જ નિયમો VVIP પણ પાળે છે.’ આ શબ્દો છે ન્યૂઝીલેન્ડમાં રહેતા ગુજરાતી યુવાન રાહુલ વસ્તરપરાના. થયું એવું કે થોડા દિવસો પહેલાં જન્માષ્ટમી પછી રાહુલ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા ગયેલા. ત્યાં મંદિર પરિસરમાંથી તેમણે વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શૅર કર્યો. જે વાઇરલ થતાં પોલીસે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અને માફી માગતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શૅર કર્યો. આ પછી સોશિયલ મીડિયામાં જબ્બર વિવાદ સર્જાયો અને લોકો બે ફાડિયાંમાં વહેંચાઈ ગયા. એક જૂથનું કહેવું હતુંં કે મંદિરમાં મોબાઇલ લઈ જવાનો પ્રતિબંધ છે તો પછી તે યુવાને વીડિયો બનાવ્યો જ શા માટે? જ્યારે બીજા ગ્રૂપનું કહેવું છે કે નેતાઓ અને VVIP લોકો એ જ મંદિરે દર્શન કરવા જાય છે, ત્યારે એમની તો દરેકેદરેક સેકન્ડના વીડિયો શૂટ થાય છે અને સોશિયલ મીડિયામાં રંગેચંગે શૅર થાય છે, ન્યૂઝ મીડિયામાં પણ એ વીડિયો પ્લે થાય છે. તો પછી આમ જનતા અને ખાસ લોકો માટે કાયદા અલગ અલગ છે? આમ જુઓ તો આ કંઈ નવો વિવાદ નથી. મંદિરોમાં જઇને શોર્ટ વીડિયો કે રીલ બનાવવાનો ટ્રેન્ડ ઘણાં વર્ષોથી શરૂ થયો છે. 2023માં એક મહિલા બ્લોગરે કેદારનાથ મંદિરની બરાબર સામે ઘૂંટણિયે બેસીને પાર્ટનરને પ્રપોઝ કર્યું હતું. તેની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. એ પછી મંદિર સમિતિએ ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગુજરાતમાં પણ અમુક મોટાં મંદિરોમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે. જ્યારે અમુક મંદિરોએ આવી કોઈ શરતો મૂકી નથી. દિવ્ય ભાસ્કરે આ વિવાદની અંદર ડોકિયું કર્યું અને વિવાદના કેન્દ્રમાં રહેલા ન્યૂઝીલેન્ડના ગુજ્જુ યુવાન રાહુલ વસ્તરપરા સાથે નિરાંતે વાત કરી. સાથોસાથ પોલીસનો પક્ષ પણ જાણ્યો. આજની ‘સન્ડે બિગ સ્ટોરી’માં વાત કરીએ મંદિર વર્સિસ મોબાઇલના વિવાદની. સૌથી પહેલાં તો એ જાણી લો કે વીડિયો ઉતારીને ચર્ચામાં આવનારા રાહુલ વસ્તરપરા છે કોણ. તે 3 વર્ષથી ન્યૂઝીલેન્ડ રહેતા હોવાના કારણે ભારત આવી શક્યા નહોતા. પરંતુ આ વર્ષે જન્માષ્ટમી નજીક આવી અને રાહુલને થયું કે નોકરીમાં રજાનો મેળ પડે એમ છે અને અંતરમાંથી દ્વારકાધીશનાં દર્શનની ઇચ્છા પણ થઈ રહી છે. તરત જ રાહુલભાઈએ ટિકિટ કઢાવી અને ભારત આવી ગયા. એ દિવસે ખરેખર શું બન્યું હતું? જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે 5મી સપ્ટેમ્બરે પારણા નોમના દહાડે રાહુલભાઇ સવારે 7 વાગ્યા આસપાસ દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા. તેમણે ભગવાનનાં દર્શન કર્યા બાદ યાદગીરી રૂપે વીડિયો શૂટ કર્યો. ત્યારબાદ તેઓ પોતાની હોટેલ પર પહોંચ્યા. લગભગ દસેક વાગ્યાની આસપાસ તેમણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર આ વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયો અપલોડ કર્યાના બીજા જ દિવસે સવારે તેને પોલીસમાંથી ફોન આવ્યો હતો. બીજાના વીડિયો જોયા અને પોતે રીલ બનાવી આ ઘટના અંગે રાહુલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, એ દિવસે દ્વારકા પહોંચીને મંદિરની બહારથી સામાન્ય નાગરિકની જેમ જ મેં પણ મારી રીતે દર્શન કરવા માટે એન્ટ્રી ગેટમાંથી પ્રવેશ લીધો હતો. આ દરમિયાન મારી પાસે મોબાઇલ હતો. જેનાથી મેં મંદિર પરિસરમાં વીડિયો શૂટિંગ કર્યું હતું. હું એક કન્ટેન્ટ ક્રિએટર છું અને આ વીડિયો બનાવવા પાછળ મારો હેતુ માત્ર જન્માષ્ટમી-પારણા નોમ વખતે મંદિરનો માહોલ બતાવવાનો અને યાદગીરી બનાવવાનો જ હતો. મેં ઘણા બધા લોકોના આવા વીડિયો જોયા હતા, એટલે મને પણ વીડિયો બનાવવાનું મન થયું. મારા મનમાં લેશમાત્ર એવો વિચાર નહોતો કે જુઓ મંદિરમાં જઇને, વીડિયો શૂટ કરીને મેં કેવું મોટું પરાક્રમ કર્યું છે. બિલકુલ નહીં. 'જ્યારે હું ન્યૂઝીલેન્ડ ગયો તે પહેલાં પણ અને ત્યાં હતો ત્યારે પણ ઘણા લોકોના મંદિરની અંદરના ફોટો અને વીડિયો મેં જોયેલા છે. મને એવી નહોતી ખબર કે મારા એક વીડિયોથી આટલું બધું થઇ જશે અને વાત પોલીસ અને ગુજરાતના મીડિયા સુધી પહોંચી જશે. મને તો બસ એટલું હતું કે બીજા લોકો વીડિયો બનાવે છે તો હું પણ એક બનાવી લઉં.' ત્યારે જ અમે રાહુલને પૂછ્યું કે દ્વારકાનું મંદિર અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે અને એટલે જ ત્યાં અંદરના વીડિયો શૂટ કરવાની મનાઈ છે. તે તમને ખ્યાલ નહોતો? ત્યારે રાહુલભાઈએ વળતો મુદ્દો ઉઠાવ્યો, ‘મંદિરની અંદર વીડિયો ન બનાવવાનો કાયદો છે તો પછી ત્યાં 100% તેનું પાલન થવું જ જોઇએ. પરંતુ મારી પહેલાં કેટલાય લોકોએ મંદિરમાં આવા વીડિયો બનાવ્યા હતા. જેથી મને એવો ખ્યાલ નહોતો કે અહીં 100% કાયદાનું પાલન થતું જ હશે. એટલું જ નહીં હું તો એ પણ કહું છું કે મારી ઘટના બની એ પછી પણ હું જોઉં છું કે અનેક લોકો હજીયે વીડિયો ઉતારી રહ્યા છે અને એમના વીડિયો સામે આવી રહ્યા છે.’ 'હવે લોકો અનેક સવાલો પૂછે છે' આ ઘટનાથી રાહુલનો પરિવાર આઘાતમાં છે. આ અંગે તેણે કહ્યું કે, હું પોલીસ સ્ટેશનના દાદરા ચઢું એટલે બધાને દુઃખ તો લાગે જ ને. એમાંય પોલીસ આજુબાજુ હોય અને હું ચાલીને જતો હોઉં તે કેવું લાગે? આવામાં હવે બધા મને જાતભાતનું પૂછે છે. અત્યાર સુધી તો અમારા પરિવારમાંથી કોઇને પોલીસ સ્ટેશન જવાનું નહોતું થયું. આ ઘટના જ્યારે બની ત્યારે પરિવારે ડાયરેક્ટ ઘટના જ જોઇ, એ પહેલાં તો તેમની સાથે કંઇ વાત ના થઇ હોય, એટલે તેઓ પણ આઘાતમાં જ આવી ગયા હતા કે આની સાથે એવું તે શું થઇ ગયું? પોલીસે કહ્યું, માફી માંગતો વીડિયો બનાવો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કરેલી કાર્યવાહી વિશે તેણે જણાવ્યું કે, ‘મને આ ઘટનામાં પોલીસ તરફથી તો પૂરતો સપોર્ટ મળ્યો હતો. પોલીસ સ્ટેશનમાં બધા અધિકારીઓએ મારી સાથે સારી રીતે વાતચીત કરી હતી. પોલીસવાળાએ જ્યારે મને કહ્યું કે તમે માફી માંગતો વીડિયો બનાવી દો. મેં બનાવી દીધો. ત્યાં સુધી મને એવું જ હતું કે મારો માફીવાળો વીડિયો બનાવ્યો છે, તો મારી વિરુદ્ધ કોઇ ગુનો નહીં નોંધાય. આ વીડિયો બનાવીને છૂટો કરી દેશે, પણ પછી મને છેલ્લે ખબર પડી કે મારી સામે FIR પણ થઇ છે.’ ‘જાહેરમાં માફી પણ મંગાવી ને કેસ પણ કર્યો!’ રાહુલે કાયદાના પાલન અંગે પણ સવાલ ઉઠાવ્યો અને કહ્યું, ‘જો કાયદાના પાલન માટે જ આ બધું જ થયું હોય તો કાયદો બધા માટે સમાન હોવો જોઇએ ને. મારી પાસે તો માફીનો વીડિયો પણ બનાવડાવ્યો અને FIR પણ કરી. આ બંને વસ્તુ કરી ત્યારે મને દુઃખ થયું. કેમ કે ગુનો કર્યો છે પછી હું કોર્ટમાં તો જવાનો જ હતો ને. જે ચુકાદો મળે તેને સ્વીકારવાનો જ હતો, પણ વીડિયો બનાવ્યો એટલે જાહેરમાં પણ મારું નામ આટલું ખરાબ થઇ ગયું. તેની ભરપાઈ હવે કોણ કરશે?’ નિયમ બધા માટે સરખો હોવો જોઇએઃ રાહુલ નેતાઓથી માંડીને ઘણા લોકોએ મંદિર પરિસરમાં બનાવેલા વીડિયો અંગે રાહુલે કહ્યું કે, ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીના કોઇપણ નેતાઓ હોય, જો નિયમ હોય તો તે બધા માટે એકસરખો હોવો જોઇએ. નિયમ કોને કહેવાય અને કેવી રીતે તેનું પાલન થાય એ મેં ન્યૂઝીલેન્ડમાં જોયું છે. ન્યૂઝીલેન્ડમાં કોઇ રાજકારણી કે પૈસાદારને અલગ સુવિધા નથી અપાતી. નાની વ્યક્તિ અને રોડ પર ભીખ માંગીને ખાતો હોય તેણે જે નિયમોનું પાલન કરવું પડે એ જ નિયમો VVIP પણ પાળે છે. અગાઉના વીડિયો અંગે પણ તપાસ ચાલુ જ છે: પોલીસ રાહુલ સામેની કાર્યવાહી બાદ સોશિયલ મીડિયામાં સવાલો ઊઠી રહ્યા છે કે ફક્ત એક જ વ્યક્તિ સામે ગુનો કેમ નોંધાયો, ત્યારે આ બાબતે અમે દ્વારકા ડિવિઝનમાં DySP તરીકે ફરજ બજાવતા સાગર રાઠોડ સાથે વાત કરી હતી. જેમાં જાણવા મળ્યું કે પોલીસ પહેલાંના વાયરલ થયેલા વીડિયો અંગે તપાસ કરી રહી છે. DySP રાઠોડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ઘણા એવા વીડિયો છે જે પહેલાંના છે. જે વેરિફાય કરવા જરૂરી છે અને તેની કામગીરી ચાલુ છે. જેવા એ વીડિયો વેરિફાય થઇ જશે પછી અમે તે વીડિયો બનાવનારા લોકો સામે પણ કાર્યવાહી કરીશું. કેટલાક સંજોગોમાં અગાઉથી મંજૂરી લેવામાં આવતી હોય છે. જેથી તેને મંદિર પરિસરમાં શૂટિંગ કરવાની મંજૂરી હોય છે. હું ફરી વાર જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે જાહેરનામું પ્રસિદ્ધ છે ત્યારે કોઇપણ વ્યક્તિ ચોરી છૂપેથી પણ મંદિરમાં આવા વીડિયો ન બનાવે. લોકો નિયમોનું પાલન કરે જેથી અમારે કોઇ વિરૂદ્ધ આવી કાર્યવાહીનું પગલું ન ભરવું પડે. આ તો વાત હતી દ્વારકા મંદિરમાં બનાવાયેલા વીડિયોની પણ ગુજરાતનાં જે મોટાં અને પ્રસિદ્ધ મંદિરો છે તેમાં મોબાઇલ લઇ જવાની છૂટ છે કે નહીં તે પણ નીચેના ગ્રાફિક્સથી જાણી લો. આમ આ મંદિરોમાં કોઇ એક સમાન નિયમ નથી તે સ્પષ્ટ છે. જે મંદિરોમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે ત્યાં મોબાઇલ લઇ જવાથી કેસ થઇ શકે છે. એક તરફ ડિજિટલ યુગમાં લાઇક્સ અને વ્યૂઝની હોડમાં કાયદાનો અજાણતાં અનાદર થઇ રહ્યો છે તો બીજી તરફ દરેક માટે એકસમાન કાયદાનો પણ પડકાર છે. સ્ટોરી ઇનપુટ: જયેશ કતપરા, સુરત
    Click here to Read More
    Previous Article
    બાંધકામ અકસ્માતથી ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 555ના મોત:અકસ્માત પછી વળતર નહીં અકસ્માત પહેલા સુરક્ષા જોઈએ : કોંગ્રેસ
    Next Article
    અગાઉ નવસારી જિલ્લામાં બનેલી ઘટનાઓ‎:સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ, પોલીસ કાર્યવાહી તાકીદે કરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment