Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અલ્ટો કાર વેચી, લોન લઈ આવાસનાં રૂપિયા ભર્યા':રાજકોટ મનપાની બીજું આવાસ જપ્તની નોટિસ, અધિકારીને પૂછીને આવાસ લીધાનો દાવો, આરોપો ફગાવ્યા

    20 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આવાસ યોજનામાં ગેરરીતિનાં કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. અગાઉ સામે આવેલા 11 કિસ્સાઓમાં મનપાએ ડબલ આવાસ ધારકોને બીજું આવાસ જપ્ત કરવાની નોટિસ આપી હતી. જેમાં આવાસધારકે કેયુર ગાંધી નામના અધિકારીને પૂછપરછ કર્યા બાદ જ બીજું આવાસ રાખ્યું હોવાનો દાવો કર્યો છે. અલ્ટો કાર વેચી તેમજ ભાઈની કંપનીમાંથી લોન લઈને બીજા આવાસના નાણાં ચુકવનાર કમલજીતસિંહ ઝાલાએ તેમણે ભરેલી રકમ પરત આપી બીજું આવાસ પરત લેવા માંગ કરી છે. જોકે બીજી તરફ, સંબંધિત અધિકારીએ અરજદારના આ તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. હાલ કમલજીતસિંહની અરજીને લઈને આવાસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આવાસ રદ્દ કરવા અંગેની નોટિસનો અરજદારે જવાબ આપ્યો તાજેતરમાં મનપાએ બે-બે આવાસ લેનારા 11 લોકોને ઝડપી પાડી તમામને બીજું આવાસ જપ્ત કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ પૈકી કમલજીતસિંહ ભૂપતસિંહ ઝાલા નામના અરજદારે મનપા કમિશનરને લેખિત રજૂઆત કરીને આવાસ રદ્દ કરવા અંગેની નોટિસનો જવાબ આપ્યો છે તેમજ અધિકારીઓની ભૂલના કારણે ઊભી થયેલી વિવાદિત પરિસ્થિતિ અંગે પોતાનો રોષ ઠાલવ્યો છે. એક ફ્લેટ હતો છતાં બીજો ફ્લેટ ફાળવાયો અરજદાર કમલજીતસિંહના જણાવ્યા અનુસાર, તેમને 2021માં કણકોટ રોડ પર આવેલા કૃષ્ણા ટાઉનશીપમાં આવાસ યોજના હેઠળ એક ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. જ્યાં તેઓ હાલમાં પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારબાદ, રૈયારોડ પર લાઈટ હાઉસ યોજના અંતર્ગત જીજાબાઈ ટાઉનશીપમાં વેઇટિંગ લિસ્ટમાંથી તેમને બીજો ફ્લેટ (F-107) પણ ફાળવવામાં આવ્યો હતો. જ્યારે બીજો ફ્લેટ ફાળવાયો અને મેસેજ મળ્યો ત્યારે પોતે મનપા કચેરી ખાતે અધિકારી કેયુર ગાંધીને રૂબરૂ મળવા ગયા હતા. 'નક્કી કરેલા નાણાં એક મહિનાની અંદર પૂરા ભરવા પડશે, નહિતર ફ્લેટ રદ્દ થશે' વધુમાં તેમણે જણાવ્યું હતું કે મેં કેયુરભાઈ ગાંધીને પૂછ્યું હતું કે, મારી પાસે અગાઉથી કૃષ્ણા ટાઉનશીપમાં એક ફ્લેટ છે, તો શું આ બીજો ફ્લેટ મારા ઘરના અન્ય કોઈ સભ્યના નામે ટ્રાન્સફર કરી શકાય? પરંતુ અધિકારીએ ત્યારે એવો જવાબ આપ્યો હતો કે ના, જેના નામે ફોર્મ ભરેલું હોય અને જેનું નામ વેટિંગમાં આવ્યું હોય, તેના જ નામે ફ્લેટ થશે અને તેના માટે નક્કી કરેલા નાણાં એક મહિનાની અંદર પૂરા ભરવા પડશે, નહિતર ફ્લેટ રદ્દ થઈ જશે. અલ્ટો કાર વેચી તેમજ ભાઈની કંપનીમાંથી લોન લીધી અધિકારીના આ સ્પષ્ટ માર્ગદર્શન બાદ મેં ફોર-વ્હીલર અલ્ટો કાર રૂ. 1.50 લાખમાં વેચી હતી અને બાકીના નાણાં ભાઈની કંપનીમાંથી લોન લઈને તેમજ મારા ભાઈ પાસેથી મેળવીને આવાસનાં ખાતામાં જમા કરાવી દીધા હતા. ફ્લેટના પૈસા ભરાઈ ગયા બાદ છેલ્લા ચાર વર્ષથી આ ફ્લેટ ખાલી જ પડ્યો છે. પરંતુ તાજેતરમાં મનપાએ ગેરકાયદેસર રીતે બે આવાસ લેવા બદલ તેમને નોટિસ આપવામાં આવી છે અને આવાસ રદ્દ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ‘તંત્ર પોતાની ગંભીર ભૂલ છુપાવવા માટે અમારી ભૂલ હોવાનું કહી રહ્યું છે’ કમલજીતસિંહે તંત્ર સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે જ્યારે તેઓ પ્રથમ વખત અધિકારીઓને મળવા આવ્યા હતા ત્યારે મનપાના રેકોર્ડમાં અને સિસ્ટમમાં મારી પાસે અગાઉથી જ એક ફ્લેટ હોવાની તમામ વિગતો ઉપલબ્ધ હતી. અધિકારીઓએ પૈસા સ્વીકારતા પહેલા ચકાસણી કરવાની જરૂર હતી, પરંતુ નાણાં જમા કરાવી લીધા બાદ હવે તંત્ર પોતાની ગંભીર ભૂલ છુપાવવા માટે અમારી ભૂલ હોવાનું કહી રહ્યું છે. અધિકારીઓની બેદરકારીના કારણે મારે આર્થિક અને માનસિક નુકસાન સહન કરવું પડ્યું છે. ત્યારે મેં ભરેલા તમામ નાણાં વ્યાજ અને યોગ્ય વળતર સાથે પરત કરવામાં આવે તો તેઓ આ ફ્લેટનો કબજો મનપાને પરત સોંપવા માટે તૈયાર છે. અધિકારીએ આરોપો ફગાવ્યા સમગ્ર મામલે જેના વિરુદ્ધ આક્ષેપ છે તે કેયુર ગાંધીએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ આરોપોમાં કોઈ તથ્ય નથી. એક વ્યક્તિ બે આવાસ ન લઈ શકે તે ફોર્મ સાથે અપાતી માર્ગદર્શિકામાં સ્પષ્ટ લખ્યું હોય છે. તેમજ આવાસધારક પાસે રહેવા માટે બીજું કોઈ મકાન નથી તેવું સોગંદનામું અરજીની સાથે જ લેવામાં આવતું હોય છે. એટલું જ નહીં પૈસા ભરતી વખતે પણ જે-તે અધિકારીઓ ચકાસણી કરતા હોય છે. ત્યારે મારા કહેવાથી તેમને ડબલ આવાસ મળી શકે તેમ નથી. અનેક લોકો વિવિધ પૂછપરછ કરવા માટે આવતા હોય છે અને અમે તેને યોગ્ય જવાબો આપતા હોઈએ છીએ. કમલજીતસિંહ ક્યારે આવ્યા હતા અને શું પૂછ્યું હતું તે હાલ યાદ પણ નથી. પણ બે આવાસ રાખવાનું મેં ક્યારેય કોઈને કહ્યું નથી. નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આવાસ વિભાગનાં મેનેજર સૂર્યપ્રતાપસિંહે આ અંગે જણાવ્યું હતું કે, કમલજીતસિંહ ઝાલા નામના ડબલ આવાસ ધારકને અમે નોટિસ આપી હતી. જેમાં તેમણે અમારા કર્મચારી કેયુર ગાંધી ઉપર આરોપ લગાવ્યો છે. આ કારણે તેમને નોટિસ આપવામાં આવશે. તેમજ આ નોટિસનો તેમના દ્વારા જવાબ મળ્યા બાદ નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ કર્મચારીની બેદરકારી હશે તો તેની સામે પણ કડક પગલાં લેવાની ખાતરી તેમણે આપી હતી.
    Click here to Read More
    Previous Article
    PM નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમ પહેલાં સુરક્ષામાં મોટી ચૂક:મુંબઈમાં નકલી PMO ઓફિસર અને બોડીગાર્ડની ધરપકડ, એક પાસેથી પિસ્તોલ મળી
    Next Article
    15 ટાંકા છતાં વિદ્યાર્થીને ઈજા કેવી રીતે થઈ તે રહસ્ય:શારદા વિદ્યામંદિર સ્કૂલમાં વર્ગખંડના CCTV બંધ, DEOએ બેદરકારી ગણી 10 હજારનો દંડ કેમ ન કરવો તેનો ખુલાસો માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment