Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:એઆઈનું શિક્ષણ કેળવણી બની શકે?

    6 hours ago

    ભાગ્યેશ જહા કેવું સારું લાગે છે નહીં! કોઈ ખાલી એમ કહે કે હવે બહુ મોટાં પરિવર્તનો આવવાનાં છે અને એની શરૂઆત શિક્ષણથી થવાની છે, તરત જ આપણને એક રાહતનો અનુભવ થાય છે! આવું કેમ? ખરેખર તો ચિંતા થવી જોઈએ, પરંતુ આપણે જાણીએ છીએ કે શિક્ષણ પરિવર્તન પામશે તો સમય અને દેશ બંને સાનુકૂળ પરિણામો જોઈ શકશે. AI વિશે વાતો કરવાની કે વિજ્ઞાનકથાની માફક ‘વાઉ’ અનુભવ્યા કરવાનો સમય લગભગ પૂરો થઈ ગયો છે. દરેક ફોન વાપરતી વ્યક્તિને હવે ખબર પડી ગઈ છે કે એના ફોનમાં એક જાદુઈ જિન બેઠો છે, એ AIનો પ્રતિનિધિ છે. બધાને એ પણ ખબર છે કે AIની રોજ નિતનવીન એપ્સ આવી રહી છે. અસ્તિત્વની અટારીએથી એક કામ એ પણ કરવું છે કે આવનારા સમયને પારખવો! આગાહી નહીં પણ ભવિષ્યને વાંચવાની આંખો કેળવવી. પહેલાં તો એક વાત સમજી લઈએ કે હવે ધીરે-ધીરે વર્ગખંડમાં બે વ્યક્તિઓ જ નહીં હોય એટલે કે વિદ્યાર્થી અને શિક્ષક માત્ર બે જીવંત વ્યક્તિઓ નહીં પણ ત્રીજું તત્ત્વ AI હશે. એ પાવરફુલ હશે, પણ જ્ઞાનની પરબ હશે. એવું માનવામાં આવે છે કે 2030 સુધીમાં પર્સનલ ટ્યૂટર્સના રૂપે AI શિક્ષણને લગભગ કબજે લઈ લેશે. એવું બને કે શિક્ષકને વિદ્યાર્થીના મૂલ્યાંકનના કાર્યભારમાંથી સંપૂર્ણ મુક્તિ મળી જાય, કારણ કે દરેક વિદ્યાર્થીનું પર્સનલ એકાઉન્ટ જીવનભર રહેશે અને કયા વર્ષે તમે શું શીખ્યા હતા અને તેમાં તમારી શું ભૂલો થઈ હતી તે તમને જીવનભર તમારું પર્સનલ AI બતાવ્યા કરશે. તમે 7 વર્ષના હતા ત્યારે તમને ઇતિહાસ કરતાં ગણિતમાં અને ભાષા કરતાં વિજ્ઞાનમાં વધારે રસ હતો, એવું જો AI ટ્યૂટર્સને સમજાશે, તો તમને જેમાં વધારે રુચિ છે એવા વિષયના જ્ઞાનનો ખડકલો કરી દેશે. તમે જાતે જ એટલું બધું વાંચવા માંડશો અને શીખવા માંડશો કે 2-3 વર્ષમાં કદાચ તમે તમારા શિક્ષક કરતાં જે તે વિષયમાં વધારે જાણતા હશો. આ એક વિસ્ફોટક વળાંક બની શકે! હવે પ્રશ્ન આવશે આચરણનો એટલે કે એપ્લાઇડ નોલેજનો. તમે વનસ્પતિશાસ્ત્ર વિશે જાણ્યું, એ વનસ્પતિશાસ્ત્રમાં વર્ણન કરેલા છોડનું લાઇવ નિદર્શન વિડીયોના માધ્યમથી AI તમને બતાવશે. આ પ્રકારનો છોડ ક્યાં થાય છે, એનાં લક્ષણો કયાં છે અને એની ઉત્પાદનક્ષમતા વધારવા માટે શું કરી શકાય એમ છે. AIના માર્ગદર્શન પ્રમાણે તમે પ્રયોગો પણ કરશો અને તમારા શિક્ષક એક મદદનીશ તરીકે ઊભા રહેશે. જો તમને સાહિત્યમાં રુચિ હશે તો ચોક્કસ મોડ્યુલમાં કાલિદાસને તમારી સમક્ષ રજૂ કરશે, તમે કાલિદાસ સાથે ‘શાકુંતલ’ અને ‘મેઘદૂત’ વિશે વાત કરી શકશો. તમારી શિક્ષા સિમ્યુલેશનથી, અનુભૂતિથી થશે. આમ જ્ઞાનપ્રાપ્તિમાં માત્ર માનસિક અનુભૂતિને બદલે રસ અને રૂપ ઉમેરાઈને વધુ અર્થસભર બનશે. શિક્ષાનો અગત્યનો તબક્કો ત્યાર પછી શરૂ થશે જ્યારે પર્સનલ ટ્યૂટર તરીકે તમારી સાથે રહેતી AIની એપ તમારા વ્યક્તિગત જીવનમાં ડોકિયું કરવા માંડશે. જેમ આજે એક સામાન્ય ઘડિયાળ તમે કેટલાં પગલાં ચાલ્યા તેનો હિસાબ રાખે છે, તો ઘડિયાળથી તો અનેકગણી સક્ષમ AI એપ્સ તમારી વાણી અને વર્તનનું નિરીક્ષણ કે સમીક્ષા કરશે. વ્યક્તિગત સ્વતંત્રતા કે પ્રાઇવસી જોખમમાં મુકાઈ જ છે, પણ આ પ્રાઇવેટ વ્યક્તિગત ટ્યૂટર તમારી તમામ પ્રવૃત્તિમાં સૂચનાઓ નોટિફિકેશનના માધ્યમથી મોકલ્યા કરશે; જેને તમે ‘મનુષ્યનું હેકિંગ’ કહી શકો, પરંતુ જો તમે મનથી જાગૃત રહીને તમારી જાત ઉપર મશીન નહીં પણ તમે જ કંટ્રોલ રાખો એવું નક્કી કરશો તો શક્ય છે કે તમારી કેળવણીની જવાબદારી તમે જ લેતા થશો. ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ કે ગણિતના શિક્ષણમાં AI બહુ મહત્ત્વનો ભાગ ભજવીને અઘરામાં અઘરા વિષયને સહેલો બનાવી આપશે. ભાષા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનને પણ એકદમ સામાન્ય માણસ સમજી શકે એવી રીતે વૈશ્વિક સંદર્ભો સાથે વિષયમાં તમે તજ્જ્ઞ બની શકો એવી સવલતો ઊભી થશે. એક વાત એવી ક્રાંતિકારી થશે કે શાળાજીવન, કૉલેજજીવન અને સંસારમાં પ્રવેશ્યા એવા ભાગલા આપણે જે પાડતા હતા એ ધીરે-ધીરે અદૃશ્ય થઈ જશે; કારણ કે માણસે આજીવન વિદ્યાર્થી રહેવું પડશે. આજીવન ફેરફારો થયા કરશે. જે ફેરફારો સાથે એડજસ્ટ થઈને એને સ્વીકારીને જીવી શકશે એની પ્રગતિ થશે. બાકીના લોકો પછાત રહેશે અથવા એમને ખૂબ વાર લાગશે. આ બહુ મોટું પરિવર્તન જ્યારે આવવાનું છે ત્યારે એવું લાગે છે કે જે લોકો સાવધાન છે એ લોકો જલદી ‘હેક’ નહીં થાય. જેમ કોઈ વ્યક્તિ પોતાના ધર્મને બરાબર સમજી શકે તો એ ધર્મપરિવર્તન માટે તૈયાર ન થાય, એવી જ રીતે પોતાની આંતરિક શિક્ષા વિશે જાગૃત હશે તેને માટે AI એક મદદનીશ થશે. બીજા લોકો માટે AI એક માલિક હશે. આ બહુ નાજુક મુદ્દો અને તફાવત છે, જે સમજી શકશે એ જીતી જશે. આપણને ખબર નથી કે આવતીકાલે ક્લાસરૂમનું શું થશે? આજે પણ વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં શા માટે બેસવું જોઈએ એનું મોટિવેશન ઉપલબ્ધ નથી. આવતીકાલે AI શિક્ષણને આજીવિકાનું સાધન નહીં પણ મનની કેળવણી બનાવે તો કેવું સારું! }
    Click here to Read More
    Previous Article
    Bengaluru से London जा रही Flight में अचानक... 270 यात्रियों को... |Emergency Landing | Turbulence
    Next Article
    વિચારોના વૃંદાવનમાં:નરસંહારથી વિશ્વશાંતિ તરફ દોરી જતી યુગોની વેદના

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment