Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી સંગીતના શિખર પુરુષ ગૌરાંગ વ્યાસનું નિધન:શ્યામલ મુનશીએ કહ્યું- તેમનું નામ ક્યારેય ભૂસાશે નહીં; તેમના જેવા ગુણીજન કલાકાર ફરી મળવા મુશ્કેલ: સંજય ઓઝા

    9 hours ago

    ગુજરાતી ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના શિખર સમાન દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની અનોખી અને પ્રયોગશીલ સંગીત શૈલીથી ગુજરાતી સંગીતજગતને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના અવસાનથી સમગ્ર કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સંગીતનો એક વિરાટ સુવર્ણ યુગ અસ્ત થયો છે. અમદાવાદ ખાતેથી નીકળશે અંતિમયાત્રા વર્ષ 1967માં અમદાવાદ ખાતે નયનાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા ગૌરાંગ વ્યાસની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન આંબાવાડીના મોરેના એપાર્ટમેન્ટ, હીરાબાગ ક્રોસિંગ પાસેથી સવારે 11:30 વાગ્યે નીકળશે. તેમના અવસાનથી સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પિતાની છાયામાંથી બહાર આવી પોતાની સ્વતંત્ર સંગીત પરંપરા ઊભી કરનાર ગૌરાંગ વ્યાસ પોતાની અમર રચનાઓ દ્વારા ગુજરાતની સામૂહિક સ્મૃતિમાં સદા જીવંત રહેશે. ગૌરાંગભાઈનું નામ ક્યારેય ભૂસાશે નહીં: શ્યામલ મુનશી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જાણીતા ગાયક અને સંગીતકાર શ્યામલ મુનશીએ જણાવ્યું હતું કે, ગૌરાંગભાઈ સાથેના તેમના દાયકાઓ જૂના સંબંધોને યાદ કરતા ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૌરાંગ વ્યાસ સાથે તેમના સંબંધો માત્ર સંગીત પૂરતા સીમિત નહોતા પરંતુ બાળપણથી જ એક પરિવાર જેવા ગાઢ સંબંધો હતા. શ્યામલજીએ ગૌરાંગ વ્યાસની સંગીત યાત્રા અને તેમની અદભુત પ્રતિભાને બિરદાવતા કહ્યું કે, તેઓ ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ સંગીતના એક અત્યંત શક્તિશાળી, વર્સેટાઇલ અને જીનિયસ કંપોઝર હતા. તેમણે ભૂતકાળની યાદો વાગોળતા ઉમેર્યું કે, તેઓ જ્યારે પણ કોઈ નવું કમ્પોઝિશન બનાવતા ત્યારે સૌથી પહેલા હાર્મોનિયમ પર સંભળાવતા હતા. તેમની સાથે સંગીતની અનેક યાદગાર ક્ષણો વિતાવી છે. ગૌરાંગ વ્યાસના સંગીત ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન વિશે વાત કરતા શ્યામલજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યાં સુધી લોકો ગુજરાતી સંગીત સાંભળતા રહેશે ત્યાં સુધી ગૌરાંગભાઈનું નામ ક્યારેય ભૂસાશે નહીં. તેમના જેવા ગુણીજન કલાકાર ફરી મળવા મુશ્કેલ: સંજય ઓઝા દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જાણીતા ગાયક સંજય ઓઝાએ સ્વર્ગસ્થ સંગીતકાર ગૌરાંગ વ્યાસ સાથેની પોતાની યાદો તાજી કરી હતી. ગૌરાંગજીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા સંજય ઓઝાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સુગમ સંગીત, ગીત, ભજન, ગરબા અને ગઝલ જેવા તમામ ક્ષેત્રોમાં મુરબ્બી ગૌરાંગ ભાઈનું પ્રદાન અજોડ અને અમૂલ્ય રહ્યું છે. તેમના જેવા ગુણીજન કલાકાર ફરી મળવા મુશ્કેલ છે, કારણ કે તેઓ સૌના અતિ પ્રિય હતા અને તેમણે સમગ્ર ગુજરાતમાં એક આખી સંગીત ઇન્ડસ્ટ્રી તૈયાર કરી હતી. એક સમય એવો હતો જ્યારે રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રી એટલે માત્ર મુંબઈ ગણાતું, પરંતુ તેમણે અમદાવાદ અને ગુજરાતમાં સંગીતનો મોટો વ્યાપ ઉભો કર્યો. ‘મુંબઈમાં ગુજરાતી ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે ગાવાની તક આપી’ પોતાની કારકિર્દીના શરૂઆતી દિવસોને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, 1985ની સાલમાં ગૌરાંગભાઈએ તેમને મુંબઈમાં ગુજરાતી ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે ગાવાની તક આપી હતી. ત્યારથી જ તેમની સાથેનો સંબંધ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો રહ્યો છે. તેમની કારકિર્દીના ઘડતરમાં ગૌરાંગ વ્યાસનું પ્રદાન પાયારૂપ રહ્યું છે. તેમણે સંજય ઓઝા ઉપરાંત ઘણા કલાકારોને તૈયાર કર્યા હતા. ગૌરાંગ વ્યાસ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા સંજયભાઈ એ જણાવ્યું કે, તેમણે સાથે મળીને અનેક ટીવી સિરિયલો, ડોક્યુમેન્ટરીઝ અને સુગમ સંગીતના ગીતો કર્યા છે. તેમણે ગાયેલા જાણીતા ગીતો જેવા કે 'એક પાટણ શહેરની નાર પદમણી', 'અમદાવાદનો રિક્ષાવાળો', 'અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો', 'જીવન પુષ્પના પાને પાને પાંગરે રે માણસાઈ', 'હું તો સુતી' અને 'આટા પાટા અમદાવાદ' જેવા લોકપ્રિય ગીતોમાં ગૌરાંગજીનું સંગીત હતું. ‘અદ્ભુત સંગીત અને ગીતો થકી તેઓ કાયમ આપણી વચ્ચે જીવંત રહેશે’ સંજય ઓઝાએ અંતમાં જણાવ્યું કે, ગૌરાંગ વ્યાસનું જવું એ માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સંગીત જગત માટે ન પૂરી શકાય તેવી અતિશય મોટી ખોટ છે. જોકે, તેમણે આપેલું અદ્ભુત સંગીત અને ગીતો થકી તેઓ કાયમ આપણી વચ્ચે જીવંત રહેશે અને આ ગીતો ગાઈને તેમને જીવંત રાખવું એ જ હવે તમામ કલાકારોની ફરજ છે. સંગીતકાર ગૌરાંગ વ્યાસનું પ્રારંભિક જીવન નાનપણથી જ ઘરમાં સંગીતનો સમૃદ્ધ માહોલ મળવાને કારણે ગૌરાંગ વ્યાસે માત્ર 5 વર્ષની ઉંમરે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડવાનું શરૂ કર્યું હતું. તેમણે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી મુંબઈની જાણીતી એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. સંગીત પ્રત્યેના તીવ્ર આકર્ષણ અને ખેંચાણને કારણે તેમણે નોકરી છોડીને પોતાનું સમગ્ર જીવન સંગીત સાધનાને સમર્પિત કર્યું હતું. સહાયકથી સ્વતંત્ર સંગીતકાર સુધીની સફર પિતા અવિનાશ વ્યાસ સાથે 'જેસલ તોરલ' ફિલ્મમાં સહાયક તરીકે જોડાઈને તેમણે પોતાની ફિલ્મી સંગીતયાત્રાનો પ્રારંભ કર્યો હતો. 'લાખો ફૂલાણી' ફિલ્મથી તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકેની ઓળખ સ્થાપિત કરી હતી. આગળ જતાં તેમણે કેતન મહેતાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ 'ભવની ભવાઈ', 'મણિયારો', 'નસીબની બલિહારી', 'પારકી થાપણ', 'લીલુડી ધરતી' અને 'મૈયરમાં મનડું નથી લાગતું' સહિત 100થી વધુ ફિલ્મોમાં અમર સંગીત આપ્યું હતું. દિગ્ગજ ગાયકો સાથે યાદગાર રચનાઓ ગુજરાતી સિનેમામાં દેશના સર્વશ્રેષ્ઠ ગાયકોનો ઉપયોગ કરવામાં તેમનું મોટું પ્રદાન રહ્યું હતું. લતા મંગેશકરના કાળજું કોરી ખાતા સ્વરમાં તેમણે ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ ગીત સ્વરબદ્ધ કર્યું હતું, જે આજે પણ વિદાય વેળાએ આંખો ભીની કરે છે. તેમણે આશા ભોંસલે, કિશોર કુમાર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, ભુપિન્દર સિંહ અને પ્રફુલ્લ દવે જેવા ગાયકો પાસે 'મણિયારો તે હળુ હળુ થઈ રે વિયો' અને 'હુ તુ તુ તુ, જામી રમતની ઋતુ' જેવાં યાદગાર ગીતો ગવડાવ્યાં હતાં. સુગમ સંગીત અને ગરબામાં યોગદાન ગુજરાતી વિશ્વકોશ મુજબ ગૌરાંગ વ્યાસે ફિલ્મો ઉપરાંત સુગમ સંગીતમાં 500થી વધુ રચનાઓનું સ્વરાંકન કર્યું હતું. તેમણે 'લાખ લાખ દિવડા', 'ઘોર અંધારી રે રાતલડીમાં' જેવા પ્રખ્યાત ગરબા તેમજ 'તુ રંગાઈ જાને રંગમાં' જેવાં ભજનો તૈયાર કર્યાં હતાં. તેમણે 'જલારામની ઝુંપડી', 'ભજન અનમોલ', 'ગંગા સતીનાં ભજનો', 'કહત કબીર', 'જલારામ બાપાનું હાલરડું', 'પ્રાચીન પ્રભાતિયાં' અને 'નોન સ્ટોપ ડાંડીયા-રાસ' જેવા યાદગાર આલ્બમો આપ્યા હતા. પુરસ્કારો અને વિશેષ સન્માન પ્રાપ્ત ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે તેમને 11 જેટલા રાજ્યકક્ષાના પુરસ્કારો અને GIFA તરફથી ગોલ્ડન એવોર્ડ એનાયત કરાયો હતો. વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને પ્રતિષ્ઠિત ‘લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2024માં ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ગુજરાત ટુરિઝમ દ્વારા પણ તેમના મહાન પ્રદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પિતાનો વારસો પુત્રે દીપાવ્યો હોય એવી વિરલ ઘટના ગૌરાંગ વ્યાસના નામ સાથે જોડાયેલી ગુજરાતી ચલચિત્રસંગીત તથા સુગમસંગીતના અગ્રણી પ્રયોગશીલ સ્વરનિયોજક અને ગાયક કલાકાર. સંગીતના ક્ષેત્રમાં પિતાનો વારસો પુત્રે દીપાવ્યો હોય એવી વિરલ ઘટના ગૌરાંગ વ્યાસના નામ સાથે જોડાયેલી છે. પિતાનું નામ અવિનાશ અને માતાનું નામ વસુમતી. ગળથૂથીમાંથી સંગીતના સંસ્કાર પ્રાપ્ત કરેલ ગૌરાંગ પાંચ વર્ષની વયે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડતા. મુંબઈની પોદાર હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ લીધું અને ત્યારબાદ અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા લીધો. વ્યાવસાયિક કારકિર્દી મુંબઈની ખંડેલવાલ એન્જિનિયરિંગ કંપનીથી શરૂ કરી, પરંતુ લાંબો સમય તેમાં રહ્યા નહિ અને કેવળ સંગીતને જ સમર્પિત રહ્યા. ગુજરાતી ચલચિત્ર ‘લીલુડી ધરતી’માં પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે તેઓ જોડાયા અને શ્રેષ્ઠ સંગીતકારનો સહિયારો એવૉર્ડ તેમણે મેળવ્યો. પિતાની સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે સંગીત આપ્યું આ પછી ‘ઉપર ગગન વિશાળ’માં પણ તેમનું સહિયારું સંગીત હતું, જે વખણાયું. પિતાની સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે સંગીત આપ્યું, જેને લોકપ્રિયતા મળી. 1976માં ‘લાખો ફૂલાણી’માં તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે સર્વપ્રથમ વાર સંગીત આપ્યું, જેમાં ગીતરચના અવિનાશ વ્યાસની હતી. આ ફિલ્મમાં એક રમૂજી ગીત માટે તેમણે હિન્દી ફિલ્મજગતના લોકપ્રિય પાર્શ્ર્વગાયક કિશોરકુમારના કંઠનો ઉપયોગ કર્યો હતો. પાર્શ્ર્વગાયક પ્રફુલ્લ દવેને આ ફિલ્મમાં પ્રથમ વાર તેમણે તક આપી ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો….’ ગીત ગવડાવ્યું. 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હિન્દી ફિલ્મ જગતના મશહૂર પાર્શ્ર્વગાયકો આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર, ભૂપેન્દરસિંઘ વગેરેના કંઠનો ગુજરાતી ચલચિત્રોમાં ઉપયોગ કર્યો. ‘પારકી થાપણ’નું કન્યાવિદાય-ગીત ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ પાર્શ્ર્વગાયિકા લતા મંગેશકર પાસેથી ગવડાવ્યું, જેની તરજ એટલી તો સરસ હતી કે લતાજીએ ગાયેલું એ ગીત લોકજીભે ચઢ્યું. તેમણે 2004 સુધીમાં લગભગ 100 ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. કેતન મહેતા દ્વારા નિર્મિત ‘ભવની ભવાઈ’(1981)માં તેમનું સંગીત યાદગાર બની રહ્યું. શ્રેષ્ઠ સંગીત માટેના 11 પુરસ્કારો મળ્યા ફિલ્મની સાથે તેમને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન પ્રાપ્ત થયું. ગુજરાતી ફિલ્મોમાં પ્રયોગશીલ-સંગીતકાર તરીકે તેમને સર્વાધિક કીર્તિ પ્રાપ્ત થઈ છે. ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત માટેના લગભગ 11 પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા છે. લોકસંગીત અને ભજનસંગીતના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રમાં પણ તેમનું સીમાચિહ્નરૂપ પ્રદાન છે. ગુજરાતના સુપ્રસિદ્ધ ગીત-કવિઓ-ગઝલકારોની રચનાઓનાં 500થી વધુ સ્વરાંકનો તેમણે કર્યાં છે જે એક વિક્રમ ગણાય છે. આ ઉપરાંત ગુજરાતી રાસ-ગરબાને પોતાના સ્વરનિયોજનથી તેમણે લોકપ્રિય બનાવ્યાં છે. નૃત્યનાટિકા, ટેલિવિઝન-શ્રેણીઓ, લોકસંગીત અને ભજનસંગીતના ક્ષેત્રમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. 1961માં અમદાવાદમાં ગુજરાતી સુગમ સંગીતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલી ‘શ્રુતિ’ સંસ્થાના તેઓ રાહબર રહ્યા છે. એચ.એમ.વી.એ તેમના સંગીત-નિર્દેશન હેઠળ ‘શ્રવણમાધુરી’ અને ‘સાગરનું સંગીત’ રેકૉર્ડ્ઝ તૈયાર કરી હતી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની ‘ગીત રે ગીત’ શ્રેણીમાં પણ તેમનું સંગીત છે. પરંપરા અને પ્રયોગશીલતાની દૃષ્ટિએ ગુજરાતી ગીત-સંગીતને તેમણે લોકપ્રિય બનાવ્યું છે અને કલાત્મક રૂપ પણ આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    TMC ઓફિસમાં સવારે 4:30 વાગ્યે તોડફોડનો આરોપ:અભિષેકે કહ્યું- ભાજપના કાર્યકરો હથિયારો સાથે ઘૂસ્યા, કોર્પોરેશને આ જ ઓફિસમાંથી સાઇનબોર્ડ હટાવ્યું હતું
    Next Article
    પાટણ કોર્ટમાં 11 સપ્ટેમ્બર 2025ના રોજ નેશનલ લોક અદાલત:વિવિધ સમાધાનલાયક કેસોનો સ્થળ પર નિકાલ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment