Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંઘનું મોદી પર ટ્રિગર?:મુસ્લિમો વિશે ભાગવતે અમેરિકાથી ગાંધીજીની વાત દોહરાવી, જસ્ટિસ ભુયાને કહ્યું-જેન ઝી સવાલો પૂછે તો ધમકાવી ના શકો

    6 hours ago

    અમેરિકામાં પહોંચેલાં સંઘના વડા મોહન ભાગવતે એક વાક્ય એવું કહ્યું કે તેનાથી ભાજપના કાન સરવા થયા. તેમણે કહ્યું કે, "વિવિધતામાં એકતા એ ભારતનો DNA છે. જો કોઈ હિન્દુ એમ કહે કે મુસ્લિમોએ ભારતમાં ન રહેવું જોઈએ, તો તે હિન્દુ જ નથી." આ જ સમયે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુયાને દેશને એક કડવું સત્ય યાદ અપાવી રહ્યા હતા કે, "સરકારે પોતાને પસંદ ન હોય તેવી વાત પણ સાંભળવી પડે. અસહમતિ એ કોઈ દેશદ્રોહ નથી, લોકશાહીનો શ્વાસ છે." આ બે નિવેદનો અલગ અલગ જગ્યા પરથી, એક જ સમયે અને એક જ સંદર્ભમાં આવ્યા છે. આ કોઈ સામાન્ય વાત નથી. આ સીધો મેસેજ ભાજપને છે. નમસ્કાર... અમેરિકામાં શું કાર્યક્રમ હતો ને તેમાં મોહન ભાગવત શું બોલ્યા? ન્યૂયોર્કમાં અહેડ ફોરમે ફેઇથ લીડર્સ કોન્ફરન્સ યોજી હતી. તેમાં બોલતાં મોહન ભાગવતે કહ્યું કે સામાજિક અને ધાર્મિક સંગઠનો સાર્વજનિક નીતિઓ અને રાજકારણને પ્રભાવિત કરવા માંગે છે, પરંતુ તેમણે સમાજથી શરૂઆત કરવી પડશે કારણ કે "રાજકારણ હવે સ્વાર્થનો ખેલ બની ગયું છે." આમ તો મોહન ભાગવતનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ વિવાદમાં ફસાઈ ગયો હતો, કારણ કે ન્યૂયોર્ક શહેરના મેયર ઝોહરાન મામદાનીએ જાહેરમાં આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો, અને સંઘની વિચારધારાને ન્યૂયોર્ક શહેરના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી હતી. પોતાના ભાષણ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, "એકવાર વાતચીત દરમિયાન મુસ્લિમોએ મને RSSના હિન્દુ રાષ્ટ્રના વિચાર વિશે પૂછ્યું. તેમણે પૂછ્યું કે શું તેનો અર્થ મુસ્લિમોને દેશમાંથી હાંકી કાઢવાનો છે. મેં કહ્યું, 'ના, આ હિન્દુત્વ નથી. જો કોઈ હિન્દુ એવું વિચારે છે કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી રહેતો." તેમણે કહ્યું, "જ્યારે આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કહીએ છીએ, ત્યારે ઘણીવાર એક શબ્દની ચર્ચા થાય છે: વિવિધતા. અને જ્યારે અમે ભારત કહીએ છીએ ત્યારે ઘણીવાર બીજા શબ્દની ચર્ચા થાય છે તે છે યુનિટી ઇન ડાયવર્સિટી. આમ એકતા અને વિવિધતા બંને ભારતના ડીએનએમાં છે." ભાગવતે કહ્યું, "અમે નીતિઓને પ્રભાવિત કરવા માંગીએ છીએ. અમે યુદ્ધ રોકવા માંગીએ છીએ એટલા માટે અમે રાજકારણને પ્રભાવિત કરવા માંગીએ છીએ. પરંતુ અમે શરૂઆત ફક્ત ત્યાંથી જ ન કરી શકીએ." "રાજકારણ હવે સ્વાર્થની રમત બની ગયું છે. જ્યાં 'હું અને મારું' છે ત્યાં કોઈ ઉકેલ નથી. 'અમે અને અમારું' એ જ ઉકેલ છે." મોહન ભાગવતે હરિયાણા ઉપર બે વિમાનોની ટક્કરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. આ ઘટનામાં 1996માં હરિયાણા ઉપર સાઉદી ઍરલાઇન્સ અને કઝાકિસ્તાન ઍરલાઇન્સ વિમાન વચ્ચે ટક્કર થઈ હતી. તેમણે કહ્યું કે આરએસએસ કાર્યકરો સૌથી પહેલાં તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને મદદ કરી હતી. તેમણે માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં પણ મદદ કરી હતી. ભાગવતે કહ્યું, "અમે એવું ન હતું વિચાર્યું કે તે મુસ્લિમ છે. જો અમે રાજકારણમાં હોત, તો કદાચ આવું ન કરી શક્યા હોત." શું ભાગવત ગાંધીજીની ભાષા બોલ્યા? જ્યારે ભારતના ભાગલાની વાત આવી ત્યારે સરદાર પટેલ ઈચ્છતા હતા તે તમામ મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા જાય. પણ ગાંધીજીની વિચારધારા અલગ હતી. તેમણે કહ્યું કે, આપણે કોઈને ફોર્સ ન કરી શકીએ. જેને જ્યાં રહેવું ત્યાં રહે. જેને ત્યાં જવું હોય ત્યાં જાય. સરદારનો ચહેરો ઉતરી ગયો પણ ગાંધીજી આ વાત પર મક્કમ હતા. ભાગવતની વાતમાંથી પણ આ જ તારણ નીકળે છે. કારણ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુ-મુસ્લિમની રાજનીતિ શરૂ થાય છે. પણ આ બહુ લાંબો સમય ન ચાલે. ગાંધીજી પર એવા આરોપ લાગતા કે તે મુસ્લિમોનું તુષ્ટિકરણ કરે છે. મતલબ તેને રાજી રાખવા માગે છે. પણ ગાંધીજી માત્ર સર્વધર્મ સમભાવની દ્રષ્ટિએ આ વાત કરતા. ગાંધીજીના નાનપણથી જ વાત લો. વિદ્યાર્થી અવસ્થામાં તેમને આડા રવાડે ચડાવનાર મિત્ર મુસ્લિમ હતો અને તેમને દક્ષિણ આફ્રિકા બોલાવનાર વેપારી પણ મુસ્લિમ. દક્ષિણ આફ્રિકામાં જ તેમણે પહેલી વાર કુરાનનો અભ્યાસ કર્યો. ગાંધીજી પર પહેલો ખૂની હુમલો દક્ષિણ આફ્રિકામાં એક મુસ્લિમે કર્યો હતો અને એ જ મુસ્લિમ (મીર આલમ) ગાંધીજીનો સાથી પણ બન્યો હતો. 'હિંદ સ્વરાજ' (1909)માં તેમણે લખ્યું હતું કે હિંદુ-મુસ્લિમોએ એકબીજાના સ્વાર્થને ખાતર પણ એક થઈ રહેવું પડશે. 'નવજીવન'માં ગાંધીજીએ શું લખ્યું હતું તે વાંચો ગાંધીજીને કયો રાજકીય લાભ લેવાનો હતો? તેમની એકમાત્ર ઇચ્છા દેશના ભાગલા અટકાવવાની અને દેશના લોકોને શક્ય એટલા ઘડવાની હતી. મોહન ભાગવતે પણ આ નિવેદન આપ્યું તેમાં તેણે કોઈ પોલિટિકલ લાભ લેવાનો નથી. ઊલટું, જે લોકો ખોટા રસ્તે ચાલી રહ્યા છે તેને મેસેજ આપવાનો તેમનો હેતુ છે. મોહન ભાગવતની વાત પર ઓવૈસી ભડક્યા મોહન ભાગવતે અમેરિકામાં સ્ટેટમેન્ટ આપ્યા પછી AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભડક્યા છે. ઓવૈસીએ કહ્યું કે, મોહન ભાગવતનું ભાષણ એ સંઘની પ્લેબુકની ટ્રીક છે. તેમનું ભાષણ દુનિયા માટે અલગ હોય છે અને તેમના સેવકો માટે અલગ. સંઘના સ્થાપકો કોંગ્રેસમાં હતા. એ લોકોએ કોંગ્રેસ સાથે છેડો એટલે ફાડ્યો કે મહાત્મા ગાંધી દરેક ધર્મના લોકોને સાથે લઈને અંગ્રેજો સામે લડવા માગતા હતા. એ લોકો ગાંધીજીને નફરત એટલા માટે કરતા હતા કે ગાંધીજી હંમેશાં હિન્દુ-મુસ્લિમ એકતાની વાતો કરતા હતા. સંઘ હંમેશાં ડેમોક્રેસીની વિરુદ્ધમાં રહ્યું છે. સંઘનું એક પુસ્તક છે- ભારતીય વિચાર સાધના વોલ્યુમ-1. તેમાં લખેલું છે કે ગુરૂ ગોલવાલકર એક જ વિચારધારાને માનનારા હતા. ગોલવાલકર માનતા હતા કે ભારતના મુસલમાનો અને ખ્રિસ્તીઓ દેશની અંદર રહેલા જોખમ છે. તે કહેતા કે હંમેશાં મુસલમાનો પર શંકા કરવી જોઈએ. ખ્રિસ્તીઓ સામાજિક માળખાંને વેરવિખેર કરી દેશે. સંઘની આ જ આઈડિયોલોજી છે. દેશના 18 કરોડ મુસલમાનો પર હિન્દુઓના કાયદા થોપી દેવાય છે. જેમ કે UCC. હું મોહન ભાગવતને કહેવા માગું છું કે તમારા વડવાઓએ જે વાત કરી છે તે દુનિયા સામે મૂકો ને. બીજી-ત્રીજી વાત કેમ કરો છો? જસ્ટિસ ભુયાને શું કહ્યું? નવી દિલ્હીમાં દિલ્હી લો યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને વિદ્યાર્થીઓનો બચાવ કર્યો. તેમણે જણાવ્યું કે, સવાલો પૂછવા બદલ વિદ્યાર્થીઓને સજા કરવી કે ધમકાવવા તે બંધારણ વિરુદ્ધ છે. અસંમતિ લોકશાહીનો અભિન્ન હિસ્સો છે અને સહિષ્ણુતા બંધારણીય મૂલ્ય છે. સત્તાએ નાગરિકોનો અવાજ સાંભળવો જ પડે. સવાલો પૂછવા તે નાગરિકતા, લિબર્ટી અને બંધારણીય જવાબદારીનો અત્યંત મહત્વનો હિસ્સો છે. એવામાં સવાલો પૂછવા કે અલગ અભિપ્રાય કે વિચાર ધરાવવા બદલ વિદ્યાર્થીઓની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવી તે ગેરબંધારણીય છે. સવાલો પૂછવા બદલ વિદ્યાર્થીઓને ધમકાવી પણ ના શકો. જસ્ટિસ ભુયાને વધુમાં કહ્યું હતું કે લોકશાહીમાં સવાલો પૂછવા એ આજ્ઞાાનું ઉલ્લંઘન ના ગણાય, સવાલો પૂછવા બંધારણીય જવાબદારી છે. એવામાં જો કોઇ વિદ્યાર્થી સત્તા સામે સવાલ પૂછે અથવા અલગ વિચારો ધરાવે તો તેમને ડરાવી ધમકાવી ના શકાય. સજા આપીશું કહીને ધમકાવી ના શકો. આવુ કરવું તે ગેરબંધારણીય અને સત્તાનો દુરુપયોગ ગણાશે. અસંમતિ પ્રત્યે સહિષ્ણુતા રાખવી લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે એમ પણ કહ્યું કે, બંધારણીય લોકશાહીમાં સત્તામાં બેઠેલા લોકોએ નાગરિકોનો અવાજ સાંભળવો પડે, નાગરિકોએ એકબીજાને સાંભળવા પડે, આપણુ શિક્ષણ સહિષ્ણુતા શીખવે છે, આપણુ દર્શનશાસ્ત્ર પણ સહિષ્ણુતાના પાઠ ભણાવે છે. આપણુ બંધારણ પણ તે જ શીખવે છે. મારી દ્રષ્ટીએ યુનિવર્સિટી એ પ્રથમ સ્થળ હોય છે કે જ્યાં સ્વતંત્ર રીતે વિચારવાની ટેવ પડે છે. બુદ્ધ અને ગાંધીની ધરતી હોવાને કારણે ભારતમાં અસહિષ્ણુ વિચારધારાને કોઇ જ સ્થાન ના હોવું જોઇએ. છેલ્લે, હું ભારતીય મુસ્લિમોને કહેવા માગું છું કે તમારે એક જ હોડીમાં સવાર થઈને સાથે તરવું કે ડૂબવું જોઈએ. તમે બે ઘોડા પર સવારી નહીં કરી શકો. જે લોકો પાકિસ્તાન જવા માગતા હોય તે ત્યાં જતા રહે અને શાંતિથી રહે, પણ અહીં લોકો શાંતિથી રહી પ્રગતિના કામમાં સહયોગ આપે. આ વાત સરદાર વલ્લભભાઈ પટેલે 6 જાન્યુઆરી, 1948ના રોજ આપેલા ભાષણમાંકરી હતી. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી/સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા PM મોદી:SCO સમિટ માટે બિશ્કેક પહોંચ્યા; ઈરાન, કિર્ગિસ્તાન અને આર્મેનિયાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે પણ મુલાકાત કરી
    Next Article
    સરકારે પ્રદર્શનકારીઓ પર નોંધાયેલી FIR રદ કરાવવા અરજી કરી:સુપ્રીમ કોર્ટનો CJP પ્રદર્શન પર રોક લગાવવાનો ઇનકાર, કહ્યું- અપ્રિય ઘટનાની સંભાવના નથી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment