Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશની પહેલી ખાનગી એરલાઇનના માલિકની હત્યા:શું દાઉદના પૈસે ચાલતી હતી ભારતની એરલાઇન? જેટ એરવેઝના નરેશ ગોયલે છોટા રાજનને સુપારી આપેલી?

    2 days ago

    13 નવેમ્બર, 1995 બાંદ્રા, મુંબઈ રાત્રે લગભગ 9:25 વાગ્યે મુંબઈના બાંદ્રા વિસ્તારની હવામાં શિયાળીની ગુલાબી ઠંડી અને દરિયાની ખારી-ભેજવાળી હવાનું વાતાવરણ છવાયેલું હતું. નેવુંના દાયકાની મધ્યના એ સમયમાં જ્યારે મિડલ ક્લાસ પ્લેનમાં બેસવાનું સપનું પણ જોઈ નહોતા શકતા અને દેશનો હવાઈ વ્યવહાર લગભગ સરકારના કંટ્રોલમાં હતો ત્યારે એક ખાનગી એરલાઇન કંપની ખાસ્સું કાઠું કાઢી રહી હતી. એ હતી ‘ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સ’. તેના સ્થાપક અને બેંતાલીસ વર્ષના તાકીયુદ્દીન અબ્દુલ વાહિદ પોતાની ડાર્ક બ્લુ મર્સિડિઝમાં ઘર તરફ જઈ રહ્યા હતા. થોડીવાર પહેલાં જ તેમણે પાઇલટો સાથેની મિટીંગ પતાવી હતી. હવે થાકીને ઘરે જઈ રહ્યા હતા, જ્યાં તેમની પત્ની સજીના અને બે ક્યુટ બાળકો આઠ વર્ષની શહનાઝ અને સાત વર્ષનો સાહિલ એમની રાહ જોઈ રહ્યાં હતાં. ઓફિસથી ઘરનું અંતર માંડ એક કિલોમીટર હતું. સામેથી વાન આવી અને હથિયારધારી માણસો ઊતર્યા તેમના ડ્રાઇવર બરકત અલીએ મર્સિડિઝ એક સાંકડી ગલીમાં વાળી, પણ અચાનક એને સજ્જડ બ્રેક મારવી પડી. કારણ કે સામેથી એક લાલ મારુતિ વાન પુરપાટ સ્પીડે ગલીમાં એન્ટર થઈ અને બરાબર રસ્તાની વચ્ચે આવીને ઊભી રહી ગઈ. તે સાથે જ વાનમાંથી ત્રણ માણસો કૂદી પડ્યા અને તાકીઉદ્દીન વાહિદની મર્સિડિઝ તરફ દોડી આવ્યા. તેમાંથી સૌથી આગળના માણસના હાથમાં એક મોટો હથોડો હતો, જ્યારે પાછળના બે માણસો ઓટોમેટિક ગન હતી. કાચ પર હથોડો વીંઝાયો અને ગોળીઓનો વરસાદ શરૂ થયો ડ્રાઇવર કશું રિએક્ટ કરે તે પહેલાં જ હથોડો વીંઝાયો અને એક ધડાકાભેર કારનો આગળનો વિન્ડશીલ્ડ ચૂર ચૂર થઈ ગયો. તેના બાકોરામાંથી બંને હથિયારધારીઓએ ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો. પાછળની સીટ પર બેઠેલા તાકીયુદ્દીને સીટ પાછળ ઝૂકીને બચવાનો પ્રયાસ કર્યો, અને ડ્રાઇવરને બૂમ પાડી ‘રિવર્સ… રિવર્સ...’ પણ આ તેમના છેલ્લા શબ્દો હતા. તે સાંકડા રસ્તા પર રિવર્સ લેવા માટે કોઈ જગ્યા જ નહોતી. પિસ્તોલમાં હતી તેટલી બધી જ ગોળીઓ ખાલી કરીને હુમલાખોરો વાનમાં બેસીને અંધારામાં ઓગળી ગયા. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મૃત્યુ ગોળીઓથી બચી ગયેલા ડ્રાઇવરે પાછળ જોયું તો તેમના માલિક બેશુદ્ધ હાલતમાં પડ્યા હતા અને તેમના શરીરમાંથી લોહીનો ધોધ વછૂટી રહ્યો હતો. ડ્રાઇવરે ગાડી ઑફિસ તરફ મારી મૂકી અને ત્યાં મદદ માટે બૂમો પાડતાં પાડતાં નજીકની ભાભા જનરલ હોસ્પિટલ તરફ લઈ ગયો. રાત્રે 9:55 વાગ્યે તાકીઉદ્દીનને હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં લેવામાં આવ્યા, પરંતુ ત્યારે તેમના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા. ડૉક્ટરે તેમને ‘બ્રોટ ડેડ’ જાહેર કર્યા. *** દેશની પહેલી ખાનગી એરલાઇન કંપનીના માલિકની કરપીણ હત્યા તાકીઉદ્દીન અબ્દુલ વાહિદની ભરયુવાન વયે હત્યા સાથે જ 1991ના આર્થિક સુધારા પછીના ભારતની સૌપ્રથમ ખાનગી એરલાઇન્સનાં માત્ર ત્રણ જ વર્ષમાં પાટિયાં પડી ગયાં. ‘ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સ’ કંપનીના ફાઉન્ડર તાકીઉદ્દીનની હત્યા માત્ર એક યુવા આંત્રપ્રેન્યરની જ સ્ટોરી નહોતી, બલકે અંડરવર્લ્ડ, પૈસા, પોલિટિકલ હસ્તક્ષેપ અને ગંદી કોર્પોરેટ હરીફાઈની પણ દાસ્તાન હતી. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ ઇતિહાસનાં પાને દફન થઈ ગયેલા આ લોહિયાળ ચેપ્ટરની. *** માછીમારના દીકરાનું આકાશી સપનું 28 ડિસેમ્બર, 1952 કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના વરકલા નજીક એક નાનું દરિયાકાંઠાનું ગામ ઓદયમ. હજારો નાળિયેરીની કચારો, માછીમારોની હોડીઓ, આંખ ઠરે એવી લીલોતરી અને સાદું-સરળ જીવન. વાહિદનો જન્મ અગિયાર ભાઈ-બહેન ધરાવતા એક માછીમાર પરિવારમાં થયેલો. તેના પિતા અબ્દુલ વાહિદ મુસલિયાર સૂકી માછલીનો વેપાર કરતા હતા. પરિવારમાં વૈભવી સુવિધાઓ નહોતી, પરંતુ પુત્ર ચોક્કસપણે મહત્ત્વાકાંક્ષા ધરાવતો હતો. તેણે કોલ્લમની શ્રી નારાયણ કોલેજમાં પ્રવેશ મેળવ્યો પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો નહીં. પિતાએ બિઝનેસમાં ભૂલ કરી, રાતોરાત ગરીબી ઊતરી આવી સ્કૂલ-કોલેજ છૂટે પછી તે સીધો દરિયાકિનારે આવેલા પિતાના માછલીઓના ગોડાઉન પર પહોંચી જતો અને પિતાને મદદ કરાવતો. કોઇને સપનામાંય ખ્યાલ નહોતો કે સૂકી માછલીઓને બોક્સમાં ભરી ભરીને ટ્રકોમાં ચડાવતો આ છોકરો એક દિવસ ભારતની એવિએશન ઇન્ડસ્ટ્રીનો નકશો બદલી નાખશે. વાહિદના પિતા એન્કોવી પ્રકારની માછલી, કાજુ અને અન્ય સ્થાનિક પ્રોડક્ટ્સ વેચતા હતા. જેમાં તેમને સારી એવી કમાણી થઈ હતી. એમના ગામમાં સૌથી પહેલી કાર ખરીદનારા વાહિદના પિતા હતા. પરંતુ એમણે બિઝનેસમાં એક ભૂલ કરી અને બધી સંપત્તિ દરિયાની ઓટની જેમ સાફ થઈ ગઈ. તેમણે બિઝનેસ વધારવાની લ્હાયમાં પોતાનું ગોડાઉન અને ઓફિસ ગિરવે મૂક્યાં, બિઝનેસમાં ખોટ ગઈ અને સાથે પ્રોપર્ટી પણ લેતી ગઈ. ગલ્ફમાં તેજી આવી, વાહિદનું નસીબ ચમક્યું 1970ના દાયકામાં ગલ્ફ દેશોમાં પેટ્રોલિયમની તેજી આવી. તેને કારણે દુબઈ, બહેરીન અને સાઉદી અરેબિયામાં ધડાધડ નવા નવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ સ્ટાર્ટ થઈ રહ્યા હતા. તેના માટે કામદારોની ભારે માગ ઉભી થઈ હતી. કેરળના હજારો લોકો ગલ્ફમાં જવા માગતા હતા, પરંતુ વિઝા, ડોક્યુમેન્ટેશન અને ભરતી એજન્ટોની સમગ્ર વ્યવસ્થા અત્યંત અટપટી અને શોષણથી ભરપૂર હતી. વાહિદે ત્યાં એક તક જોઈ. તેમણે બહેરીનના AMA (અલ મન્સૂર અલ આલી) ગ્રૂપ માટે ભરતી શરૂ કરી અને ટૂંક સમયમાં જ તેમને ખ્યાલ આવી ગયો કે સાચો પાવર ફક્ત ટિકિટો વેચવામાં જ નહીં, પરંતુ લોકોની અવરજવરને કંટ્રોલ કરવામાં રહેલો છે. બિન લાદેન સહિતની કંપનીઓમાં હજારો માણસો મોકલ્યા 1980 સુધીમાં તેઓ મુંબઈ આવી ગયા હતા. વાહિદે પોતાના ભાઈઓ શાહબુદ્દીન, નાસિર અને ફૈઝલ સાથે મળીને દાદરમાં એક ટ્રાવેલ એજન્સી શરૂ કરી, ‘ઈસ્ટ વેસ્ટ ટ્રાવેલ એન્ડ ટ્રેડ લિંક્સ’. તેમની એજન્સી દરરોજ આશરે 600 એરલાઇન ટિકિટોનું પ્રોસેસિંગ કરતી હતી. 1986 સુધીમાં વાહિદની ટ્રાવેલ કંપનીએ સાઉદી અરેબિયાના બિન લાદેન ગ્રૂપ સહિતની કંપનીઓમાં 75 હજારથી વધુ માણસોને ગલ્ફમાં મોકલ્યા હતા. બાય ધ વે, આ બિન લાદેન ગ્રૂપ એટલે 9/11 ફેમ કુખ્યાત ત્રાસવાદી ઓસામા બિન લાદેનના પિતા મોહમ્મદ બિન લાદેનની કન્સ્ટ્રક્શન કંપની! વાહિદની જિંદગીમાં રાજીવ ગાંધીની એન્ટ્રી વાહિદ ફક્ત એક આંત્રપ્રેન્યોર નહોતા, બલકે તેમની સૌથી મોટી તાકાત નેટવર્કિંગ હતી. તેમનાં કનેક્શન દરેક જગ્યાએ હતાંઃ રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અમલદારો સુધી બધે જ. આ સમયગાળા દરમિયાન તેઓ રાજીવ ગાંધીને મળ્યા, જે તે સમયે આધુનિક અને ટેક્નોલોજી-કેન્દ્રિત ભારતનું સમર્થન કરી રહ્યા હતા. એક્ચ્યુઅલી, તાકીયુદ્દીન જ્યારે કેરળ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે તેની મુલાકાત રાજીવ ગાંધીના પર્સનલ સેક્રેટરી વિન્સેન્ટ જ્યોર્જ સાથે થઈ હતી. જેના મારફતે આગળ જતાં રાજીવ ગાંધી સાથે પણ તાકીયુદ્દીનની મુલાકાત થઈ. એવું કહેવાય છે કે રાજીવ ગાંધીએ વાહિદને ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. રાજીવ પોતે પણ એક કાબેલ પાઇલટ હતા. રાજીવ ગાંધીની યાદમાં એરલાઇન સ્થાપવાનો સંકલ્પ 1989માં ભારત સરકારની નવી ‘ઓપન સ્કાય’ પોલિસી હેઠળ એર ટેક્સી લાઇસન્સનું વિતરણ શરૂ થયું. પરંતુ 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક પ્રચંડ આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી. તાકીઉદ્દીન આ હત્યાના આઘાતમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે સ્વર્ગસ્થ વડા પ્રધાનની યાદમાં એક એરલાઇન સ્થાપવાનો સંકલ્પ કર્યો. ઇસ્ટ-વેસ્ટ એરલાઇનની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી 1991માં તત્કાલીન પ્રધાનમંત્રી પી.વી. નરસિંહ રાવની સરકારે આર્થિક ઉદારીકરણ શરૂ કર્યું. લાઇસન્સ રાજ નાબૂદ થવા લાગ્યું. ઓપન સ્કાય પોલિસી હેઠળ 1992માં વાહિદની ‘ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સ’ને એર ઓપરેટર તરીકેની પરમિટ મળી, અને 28 ફેબ્રુઆરી, 1992 ના રોજ તેની પ્રથમ ફ્લાઇટે મુંબઈથી કોચી માટે ઉડાન ભરી. આ ફક્ત ફ્લાઇટ નહોતી, બલકે તે સરકારી મોનોપોલી સામે ખુલ્લો બળવો હતો. પાઇલટને 1 લાખનો પગાર, 20 ટકા ઓછાં ભાડાં વાહિદે શરૂઆતથી જ આક્રમક રણનીતિ અપનાવી. પોતાનાં ભાડાં ઇન્ડિયન એરલાઇન્સ કરતાં લગભગ 20% ઓછા રાખ્યાં. પરંતુ સૌથી મોટો દાવ પાઇલટ્સની ભરતીનો હતો. ઇન્ડિયન એરલાઇન્સ પોતાના પાઇલટ્સને દર મહિને લગભગ 25,000 રૂપિયાનો પગાર આપતું હતું, જ્યારે વાહિદે દર મહિને 1 લાખ રૂપિયાની સેલરી ઑફર કરી, જે ચાર ગણી વધુ હતી. માર્કેટ હચમચી ગયું. પાઇલટ્સ આકર્ષાયા, અને મુસાફરો ખાનગી એરલાઇન્સ તરફ જોવા લાગ્યા. વાહિદની કંપની તેના પહેલા વર્ષમાં જ નફો કરતી થઈ ગઈ, જેની આવક 130 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આની સામે સરકારી માલિકીની ઇન્ડિયન એરલાઇન્સે તે વર્ષે ₹150 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું! મીડિયા રિપોર્ટ્સ કહે છે કે તેમણે આમિર ખાન, સુષ્મિતા સેન અને મધર ટેરેસા જેવી હસ્તીઓને જીવનભર મફત ટિકિટ આપી હતી. 1994માં ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં IPO (ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ) લાવીને એન્ટ્રી મારી. આ IPO 23 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો. ભારત સરકારે વાહિદની મદદ માગી! 1992માં જ્યારે ઇન્ડિયન એરલાઇન્સના પાઇલટ્સ હડતાળ પર ઊતર્યા, ત્યારે સરકાર ગભરાઈ ગઈ અને ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સને વધુ રૂટ ચલાવવાનું કહેવામાં આવ્યું. એક સમયે બહારની ગણાતી ખાનગી એરલાઇન હવે દેશની મુખ્ય સિસ્ટમનો કબજો લઈ રહી હતી. ‘ઇસ્ટ વેસ્ટ એરલાઇન્સ’ પાસે ત્યારે 42 ડેઇલી ફ્લાઇટ્સ, 40 સ્થળો, 4500 કર્મચારીઓ અને બોઇંગ 737 તથા ફોકર વિમાનોનો કાફલો હતો. વાહિદ હવે માત્ર એક ઉદ્યોગપતિ ન રહ્યા, પરંતુ ભારતની ખાનગી ઉડ્ડયન ક્રાંતિનો ચહેરો બની ગયા. પરંતુ જેમ જેમ તેની સફળતા વધતી ગઈ, તેમ તેમ તેમના દુશ્મનો પણ વધતા ગયા. જેટ એરવેઝ વર્સિસ ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સઃ ઝેરી હરીફાઈ 1993 માં ભારતના એવિએશન માર્કેટમાં એક નવું નામ પ્રવેશ્યુંઃ જેટ એરવેઝ, જેની સ્થાપના નરેશ ગોયલ દ્વારા કરવામાં આવી હતી. ઉડ્ડયન જગત પર તેમની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવતી હતી. ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં વાત ફેલાઈ ગઈ કે ઇસ્ટ-વેસ્ટ અને જેટ વચ્ચેની સ્પર્ધા હવે ફક્ત બિઝનેસ રાઇવલરીથી ક્યાંય આગળ વધી ગઈ હતી. અલબત્ત, કોર્ટમાં ક્યારેય આ વાતો પર મંજૂરીની મહોર લાગી નહીં, પરંતુ એ વખતની ઇન્ડસ્ટ્રીની ગોસિપ અને મીડિયા સ્ટોરીઝમાં આ વાતો ભારે મરી-મસાલા સાથે ચર્ચાતી હતી. એરલાઇન પર પડ્યો અંડરવર્લ્ડનો ડોળો તે અરસામાં મુંબઈ પોતે જ્વાળામુખીની ટોચ પર બેઠું હતું. ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ દુબઈથી પોતાનું નેટવર્ક ચલાવતો હતો, અને 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી છોટા રાજન તેનાથી અલગ થઈ ગયો હતો અને તેણે પોતાની અલગ ગેંગ બનાવી હતી. તે બંનેની ગેંગ વોર અને ખંડણીનું નેટવર્ક રિયલ એસ્ટેટ, બોલિવૂડ, હોટેલ બિઝનેસ વગેરે ચિક્કાર પૈસા ધરાવતાં અનેક ક્ષેત્રોમાં ફેલાઈ ગયું હતું. એરલાઇન્સ જેવા વૈભવી વ્યવસાયો હવે મેનેજ કરવા એટલા સરળ નહોતા. તેનો ડેઇલી ઓપરેશનલ ખર્ચ કરોડોમાં હતો, ઇંધણની ચુકવણી, વિમાન ભાડાં, પગાર, એરપોર્ટ હેન્ડલિંગ ચાર્જ… ચારે બાજુથી નાણાકીય દબાણ વધતું જતું હતું. કેટલાક રિપોર્ટ્સ કહે છે કે તેને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ પણ મળી હતી, જોકે તેના કોઈ સત્તાવાર પુરાવા મળતા નથી. એક મિનિટમાં જ વાહિદનો ખેલ ખતમ 13 નવેમ્બર, 1995નો દિવસ સામાન્ય દિવસની જેમ શરૂ થયો. વાહિદ આખો દિવસ મિટીંગ્સમાં વ્યસ્ત હતા. સાંજે તેણે તેની પત્ની સજીનાને ફોન કરીને જાણ કરી કે મિટીંગ પૂરી થઈ ગઈ છે અને તે ઘરે પરત ફરી રહ્યો છે. આ સિમ્પલ ફોન પાછળથી તેની જિંદગીનો છેલ્લો ફોન સાબિત થયો. બાંદ્રાની સાંકડી ગલીમાં તેમની મર્સિડિઝ કાર એન્ટર થઈ, ત્યારે એક મારુતિ ઓમની વાન સામેથી આવીને ઊભી રહી. તેમાંથી ત્રણ હુમલાખોર બહાર નીકળ્યા, એક હથોડા સાથે, બે જણા પિસ્તોલ લઇને. હથોડો વિન્ડસ્ક્રીન પર વીંઝાયો, અને કાચના ચૂરેચૂરા થઈ ગયા. તે સાથે જ આડેધડ ગોળીબાર શરૂ થયો. એક મિનિટથી પણ ઓછા સમયમાં લગભગ ત્રીસ રાઉન્ડ ફાયરિંગ થયું. હુમલાખોરો કન્ફર્મ કરવા માગતા હતા કે વાહિદ કોઇપણ ભોગે બચવો ન જોઇએ. હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ડૉક્ટરોએ તાકીયુદ્દીન અબ્દુલ વાહિદને બ્રોટ ડેટ એટલે કે હોસ્પિટલે લવાયાં તે પહેલાં જ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું. આ હુમલામાં તેમનો ડ્રાઇવર પણ ગંભીર રીતે ઘવાયો હતો. કોઇએ વાહિદની હત્યાની ‘સુપારી’ આપી હતી? આ સમાચાર ફેલાતાં જ એવિએશન ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ. ભારતની પ્રથમ ખાનગી એરલાઇનના સ્થાપકની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં જ સીધી અંડરવર્લ્ડ તરફ આંગળી ચીંધાઈ, કારણ કે 1990ના દાયકામાં મુંબઈમાં થતી આવી હત્યાઓ તેમની મોડસ ઓપરેન્ડી હતી. પરંતુ થોડા સમયમાં જ તપાસ અધિકારીઓને લાગવા માંડ્યું કે આ કોઈ ટિપિકલ મર્ડર નથી, બલકે એક પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ કિલિંગ છે. યાને કે કોઇએ વાહિદને મારવા માટે ‘સુપારી’ આપી હતી. છોટા રાજને કરાવી હતી વાહિદની હત્યાઃ મુંબઈ પોલીસ મુંબઈ પોલીસે સત્તાવાર રીતે એવું અનુમાન લગાવ્યું હતું કે આ હત્યા છોટા રાજન ગેંગ દ્વારા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, રાજન તેના નજીકના સાથી ઓમ પ્રકાશ કુકરેજાની હત્યાનો બદલો લેવા માગતો હતો, અને વાહિદને દાઉદ કેમ્પનો નજીક માનવામાં આવતો હતો. છોટા રાજને પોતે પછીથી આડકતરી રીતે કેટલાક પત્રકારો સમક્ષ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. પરંતુ અંડરવર્લ્ડમાં ઘણા ગુંડાઓ પોતાનો ખોફ વધારવા માટે મોટી હત્યાઓમાં સંડોવાયેલા ન હોય તોય તેનું ક્રેડિટ લેતા ખચકાતા નથી. અંડરવર્લ્ડના ગુંડાઓ કોંગ્રેસી મંત્રીના ઘરે રોકાયેલા! જુલાઈ 1993માં દિલ્હી પોલીસે ગગન વિહારમાં એક ટોયોટા કાર રોકી. તેમાં એ જ હત્યારાઓ હતા જેમણે થોડા મહિના પહેલાં મુંબઈની જેજે હોસ્પિટલના કેમ્પસમાં ભયાનક ગેંગ વોર શરૂ કરી હતી. પોલીસ સાથે અથડામણ ટાળવાના અંડરવર્લ્ડના નિયમને અવગણીને 500 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે હત્યારાઓ દિલ્હીમાં તત્કાલીન કેન્દ્રીય મંત્રી કલ્પનાથ રાયના સત્તાવાર નિવાસસ્થાને રોકાયા હતા. આ કેસમાં પાછળથી તેમને દસ વર્ષની જેલની સજા પણ થઈ હતી. આ કેસની તપાસ દરમિયાન દિલ્હી પોલીસને દાઉદ ઇબ્રાહિમના નજીકના હવાલા ઓપરેટર મોહમ્મદ ફારૂક તરફથી ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સના દિલ્હી વડા સાબુ ચાકોના નામે એક કવર મળ્યું. સાબુ ચાકો વિન્સેન્ટ જ્યોર્જનો સાળો હતો. તપાસ એજન્સીઓએ દાવો કર્યો હતો કે ચાકોએ ફારુક અને તેની પત્નીનાં હોટેલનાં બિલ પણ ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સના ખાતામાંથી ચૂકવ્યાં હતાં. વર્ષો પછી સુપ્રીમ કોર્ટે ચાકો સામેના તમામ આરોપો ફગાવી દીધા, અને તે યુનાઇટેડ સ્ટેટ્સ જતો રહ્યો. પરંતુ થોડા સમયમાં તો આખી ઇસ્ટ-વેસ્ટ કંપની શંકાના દાયરામાં આવી ગઈ. ટાઇગર મેમણના પરિવારને પણ તેમણે જ ભગાડેલો? ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’એ તો એવો રિપોર્ટ પણ છાપ્યો હતો કે 1993ના મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ પછી ટાઇગર મેમણના પરિવારને ભાગી જવા માટે ઇસ્ટ-વેસ્ટે જ ટિકિટ આપી હતી. જોકે પાછળથી એવું બહાર આવ્યું કે ટિકિટો એવું જ નામ ધરાવતી એજન્સી ‘ઇસ્ટ-વેસ્ટ ટ્રાવેલ એન્ડ ટુર્સ’ દ્વારા જારી કરવામાં આવી હતી અને ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સની તેમાં કોઈ સંડોવણી નહોતી. પરંતુ ત્યાં સુધીમાં તો અખબારી હેડલાઇન્સે તેમનું કામ કરી દીધું હતું. વાહિદની એરલાઇન દાઉદના પૈસે ચાલતી હતી? મુંબઈ પોલીસ અને ભારતની ખૂફિયા એજન્સીઓને ખાતરી હતી કે દાઉદ ઈબ્રાહિમના પૈસા કોઈક રીતે ઇસ્ટ-વેસ્ટ કંપનીમાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યા હતા. તપાસમાં સામેલ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પાછળથી જણાવ્યું હતું કે તેમની પાસે પુષ્કળ પુરાવા છે કે દાઉદે એરલાઈનને આંશિક રીતે નાણાં પૂરા પાડ્યા હતા. અને આ શંકા તાકીયુદ્દીનના જીવન માટે ખતરો બની ગઈ. 1993ના બોમ્બ વિસ્ફોટો પછી જ્યારે દાઉદની ગેંગ વિભાજીત થઈ ગઈ અને છોટા રાજન જેવા હિન્દુ ગુંડાઓ અલગ થઈ ગયા, ત્યારે તાકીઉદ્દીન છોટા રાજનનું નિશાન બન્યો, જેના પર દાઉદની નજીક હોવાની શંકા હતી. હત્યાના થોડા દિવસો પહેલાં, મુંબઈ પોલીસે તેને ચેતવણી આપી હતી કે તેના પર ખૂની હુમલો થઈ શકે છે. નરેશ ગોયલે ‘ગેમ’ કરી, ને વાહિદનાં પ્લેન પડાવી લીધાં! વ્યવસાયમાં પણ તાકીયુદ્દીનનો સૌથી મોટા દુશ્મન ‘જેટ એરવેઝ’ના માલિક નરેશ ગોયલ હતા. બંને વચ્ચેની દુશ્મનાવટ એટલી તીવ્ર બની ગઈ હતી કે 1995ની છેલ્લી બોર્ડ મીટિંગમાં તાકીયુદ્દીને ખુલ્લેઆમ જાહેર કર્યું, ‘આપણે ડોળ કરવાની જરૂર નથી. નરેશ ગોયલ આપણી પાછળ પડ્યા છે. આપણે તેમની સામે લડવું પડશે.’ મલેશિયન એરલાઇન્સ પાસેથી ભાડે લીધેલાં ત્રણ બોઇંગ 737-400 વિમાનો DGCA સાથે મુશ્કેલીમાં મુકાયા, કરાર તૂટી ગયો, અને તે જ ત્રણ વિમાન થોડાં અઠવાડિયાં પછી જેટ એરવેઝના કાફલામાં જોડાયાં. પ્રવાસીઓએ પણ નોંધ્યું કે પ્લેન પર ‘ઇસ્ટ વેસ્ટ એરલાઇન્સ’ના કલર હજુ પણ દેખાતા હતા! ‘મારા માણસો તોડ્યા છે તો તારી ખેર નથી’ બીજી એક ઘટનાએ સંબંધોને વધુ ઝેરી બનાવી દીધા. ગોયલના નજીકના માર્કેટિંગ નિષ્ણાત દામોદરને તાકીયુદ્દીનનો વ્યક્તિગત રીતે સંપર્ક કર્યો અને ઇસ્ટ-વેસ્ટમાં જોડાયા. થોડા મહિના પછી તે અચાનક ગાયબ થઈ ગયો. થોડા દિવસો પછી ગોયલે પોતે ફોન કરીને તાકીયુદ્દીનને ધમકી આપી, ‘મારો માણસ મારી સાથે પાછો આવી ગયો છે. ફરી આવું ના કરતો!’ આ સમયની આસપાસ દુબઈની એમીરેટ્સ એરલાઇન્સે ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સ સાથે રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમાચાર લીક થતાં જ કેન્દ્ર સરકારે ભારતીય કંપનીઓમાં વિદેશી એરલાઇન્સ દ્વારા રોકાણ કરવા પર પ્રતિબંધની જાહેરાત કરી. તાકીયુદ્દીને આને ગોયલની ચાલ તરીકે લીધું. આ ઉથલપાથલ વચ્ચે 13 નવેમ્બર, 1995ની રાત્રે ગોળીઓએ તાકીયુદ્દીનની લાઇફસ્ટોરી પર હંમેશ માટે પૂર્ણવિરામ મૂકી દીધું. ફોનમાં ટેપ થઈ છોટા શકીલ અને ‘એક ઉદ્યોગપતિ’ની સ્ફોટક વાતચીત વર્ષો પછી ગુપ્ત દસ્તાવેજો સપાટી પર આવ્યા ત્યારે ખરી મૂંઝવણ વધી. પત્રકાર જોઝી જોસેફે તેમના પુસ્તક ‘A Feast of Vultures’માં ગુપ્ત સૂત્રોનો હવાલો આપતાં લખ્યું છે કે 2003માં ભારતીય જાસૂસી સંસ્થા RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)એ એક ઇન્ટરનેશનલ ફોન ઇન્ટરસેપ્ટ કર્યો હતો, જેમાં છોટા શકીલ અને એક એવિએશન ઇન્ડસ્ટ્રીના એક અગ્રણી ઉદ્યોગપતિ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ રહી હતી. પુસ્તકમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે તે ઉદ્યોગપતિએ મર્ડરની સુપારી આપી હતી અને વર્ષો પછી પણ પૈસા ચૂકવ્યા નહોતા. જોઝી જોસેફ લખે છે કે 2001ના ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલમાં ‘જેટ એરવેઝ’ના નરેશ ગોયલનો દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલ સાથે નાણાકીય બાબતો અંગે સંપર્ક હોવાનો ઉલ્લેખ છે. જોકે આ વાતની ક્યારેય સંપૂર્ણ પુષ્ટિ જાહેરમાં થઈ નથી, અને ગોયલે આવા કોઈપણ સંપર્કનો ઇનકાર કર્યો છે. આનાથી પ્રશ્નો ઉભા થયા કે શું કોઈ વ્યવસાયિક હરીફે અંડરવર્લ્ડનો ઉપયોગ કરીને વાહિદની હત્યા કરાવી હતી? અને જો એવું હોય તો, RAW દ્વારા ફરીથી તપાસની ભલામણ કરવામાં આવી હોવા છતાં, પોલીસે ફરીથી તપાસ કેમ ન કરી? હત્યારા પકડાયા, પણ હત્યા સાબિત ન થઈ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ ચાર્જશીટમાં રોહિત શર્મા, જોસેફ જોન ડિસોઝા, સુનીલ માલગોરકર, બંટી પાંડે (છોટા રાજનનો વિશ્વાસુ સાથી) અને એજાઝ લાકડાવાલા જેવા લોકોનાં નામ સામે આવ્યાં. ડિસોઝાની 1998માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પુરાવાના અભાવે સેશન્સ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો. પાછળથી ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ પ્રદીપ શર્મા સાથેના એન્કાઉન્ટરમાં તેનું મોત થયું. માલગોરકરને પણ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. સ્કૂલમાં સાહેબને પરિકર મારનારાએ વાહિદની હત્યા કરી! સૌથી રસપ્રદ નામ એજાઝ લાકડાવાલા હતું. તેનો ગુનાહિત ઇતિહાસ કોઈ ગેંગસ્ટર ફિલ્મ જેવો જ છે. કહેવાય છે કે શાળાના દિવસોમાં એણે પોતાના શિક્ષક પર પરિકરથી હુમલો કર્યો હતો. 1987માં ડોંગરી પોલીસે લૂંટના કેસમાં તેની ધરપકડ કરી અને તેને બાળસુધાર ગૃહમાં મોકલી દીધો, અને ત્યાંથી, અંડરવર્લ્ડ સાથે તેના સંબંધો વધુ મજબૂત બન્યા. ધીમે ધીમે તે છોટા રાજન નેટવર્કનો ભાગ બન્યો. એ બિલ્ડરો પાસેથી પૈસા પડાવતો, કોન્ટ્રાક્ટ કિલિંગ કરતો અને ગેંગ ઓપરેશન કરતો. વાહિદ હત્યા કેસમાં તેનું નામ સામે આવ્યા પછી પણ તે વર્ષો સુધી ફરાર રહ્યો. તપાસ એજન્સીઓએ લગભગ 21 વર્ષ સુધી તેની શોધખોળ કરી. જાન્યુઆરી 2020માં તેની પુત્રીની ધરપકડ દ્વારા પૂરા પાડવામાં આવેલા સુરાગને પગલે તેની આખરે પટનામાં ધરપકડ કરવામાં આવી. આટલી મહત્ત્વપૂર્ણ ધરપકડ છતાં વાહિદ હત્યા કેસ સત્તાવાર રીતે વણઉકેલાયેલો રહ્યો. હત્યાના માત્ર 19 મહિનામાં એરલાઇનનો અંત વાહિદના મૃત્યુની અસર ફક્ત ગુનાહિત તપાસ સુધી મર્યાદિત ન હતી. તેની ‘ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સ’ પોતે ધીમે ધીમે વિખેરાઈ જવા લાગી. એરલાઇન ઉદ્યોગમાં રોકાણકારો, લેણદારો અને સ્ટાફનો વિશ્વાસ નેતૃત્વ પર રહેલો છે, અને સ્થાપકની હત્યા પછી અનિશ્ચિતતા વધી. ઓપરેશનલ સમસ્યાઓ ઊભરી આવી. પહેલેથી જ એરલાઇન પર તોળાઈ રહેલું નાણાકીય સંકટ ઓર ઘેરું બન્યું. એવિએશન માર્કેટમાં સ્પર્ધા વધુ ને વધુ તીવ્ર થવા માંડી. આખરે હત્યાના માત્ર 19 મહિના પછી 1996માં ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સે કામગીરી બંધ કરી દીધી. ભારતની સૌપ્રથમ પ્રાઇવેટ શિડ્યુલ્ડ કમર્શિયલ એરલાઇન્સ હવે ભૂતકાળ બની ગઈ હતી. વાહિદના ભાઈ ફૈઝલે પાછળથી વારંવાર જણાવ્યું હતું કે તપાસ પાટા પરથી ઊતરી ગઈ હતી અને ખરેખરા ગુનેગારોની ક્યારેય ઓળખ થઈ ન હતી. વક્રતા જુઓ કે ફૈઝલને પણ 1990ના દાયકામાં ફ્યુઅલના સોદામાં છેતરપિંડીનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2022માં મુંબઈની સીબીઆઈ કોર્ટે તેને બાર મહિનાની જેલની સજા ફટકારી હતી. આનાથી પરિવારની વિશ્વસનીયતા પર વધુ પ્રશ્નો ઉભા થયા. ત્રણ દાયકા પછી શું સ્થિતિ છે? આજે ઓગસ્ટ 2026માં હત્યાનો કથિત માસ્ટરમાઈન્ડ છોટા રાજન 2015માં ઇન્ડોનેશિયામાં ધરપકડ થયા પછી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને અનેક કેસોમાં સજા કાપી રહ્યો છે. બંટી પાંડેની 2010માં વિયેતનામમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે પણ એક અલગ હત્યા કેસમાં તિહાર જેલમાં છે. લાકડાવાલા પોતે છેલ્લાં કેટલાંક વર્ષોથી જેલ સિક્યોરિટી અને ટ્રાન્સફર અંગે કોર્ટમાં અરજીઓ દાખલ કરી રહ્યો છે. મે 2024માં તેને તલોજા જેલમાંથી આર્થર રોડ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પગલાને તેણે સુરક્ષાના કારણોસર પડકાર્યો હતો. કથિત RAW ઇન્ટરસેપ્ટમાં જેનો ઉલ્લેખ હતો કે ‘મોટા એવિએશન ઇન્ડસ્ટ્રિયલિસ્ટ’ની ઓળખ આજ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. મુંબઈ પોલીસે ક્યારેય કેસને ફરીથી ખોલવામાં રસ દાખવ્યો નથી. આ જ કારણ છે કે હત્યા આજે પણ કોન્સ્પિરસી થિયરીઓને આધારે જ ચર્ચાય છે. ‘જેટ એરવેઝ’ના નરેશ ગોયલ પણ જેલભેગા થયા તાકીઉદ્દીનના સૌથી મોટા હરીફ નરેશ ગોયલનું ભાગ્ય પણ ભારે નાટકીય હતું. સપ્ટેમ્બર 2023માં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ કેનેરા બેંક સાથે સંકળાયેલા ₹538 કરોડના કથિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરી હતી. કેન્સર સામે ઝઝૂમી રહેલા 75 વર્ષીય ગોયલને તબીબી કારણોસર કોર્ટ દ્વારા વારંવાર જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આખરે નવેમ્બર 2024માં બોમ્બે હાઈકોર્ટે તેમને કાયમી તબીબી જામીન આપ્યા. તેમની પત્ની અનિતા ગોયલનું પણ આ જ કેસમાં નામ હતું. એક સમયે આકાશ પર રાજ કરતી ‘જેટ એરવેઝ’ 2019 માં બંધ થઈ ગઈ. જ્યારે તાકીયુદ્દીનની પત્ની, સજીનાએ, મુંબઈની ચમક અને ગ્લેમરથી દૂર, બેંગલુરુમાં એક ટ્રાવેલ એજન્સી શરૂ કરીને એક નવું જીવન બનાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ‘બચવા માટે 30 મિનિટ હતી, લોકો સામાન સમેટતા રહ્યા’:ચેતવણીને હળવાશથી લેતા ફસાયા, 50 હજારની વસતીવાળું ત્રિશૂલી માટીમાં દફન
    Next Article
    Nepal Flash Flood LIVE Updates: 275 Indians Still Missing, New Delhi Sends 4th Aid Flight

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment