Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:ફેન્ટસીની આંખે જાદુઈ દુનિયા

    16 hours ago

    મોટા થયા પછી તમે ક્યારેય વિચાર્યું છે કે ઊડતી શેતરંજી પર બેસીને તમે પલકવારમાં દૂરદૂરના પ્રદેશમાં પહોંચી શકો? પશુપક્ષીઓની ભાષા સમજી શકો? ‘ખુલ જા સિમસિમ’ બોલી ગુપ્ત ખજાનામાં પ્રવેશી શકો? નાનપણમાં એ શક્ય છે. કોઈ બાળક કહે કે એના હાથમાં રહેલી લાકડી જાદુઈ છડી છે તો એ એના માટે જાદુઈ છડી જ હોય છે. બાળકો વયસ્ક લોકોની વાસ્તવિક દુનિયાની બહાર આવેલી ચમત્કાર અને વિસ્મયની દુનિયામાં સરળતાથી પ્રવેશ કરી શકે છે. એ એવો પ્રદેશ છે, જ્યાં રમકડાં જીવતાં થાય છે, આકાશમાં કિલ્લા ઊડે છે, ડરામણા ડ્રેગન દોસ્ત બની જાય છે. એ કારણે જ બાળવાર્તાના વિશ્વપ્રસિદ્ધ લેખક જે. આર. આર. ટોલ્કિન લખે છે તેમ કલ્પના કરવી, ફેન્ટસી રચીને જીવવું બાળકના સ્વભાવનું સહજ લક્ષણ છે અને એ જ કારણે વિશ્વભરના કથાસાહિત્ય અને બાળસાહિત્યમાં ફેન્ટસીનું તત્ત્વ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ફેન્ટસીથી ભરપૂર વાર્તાઓ બાળપણની ભાષા બોલે છે. કુદરતે બાળકોને અખૂટ કલ્પનાશક્તિ આપી છે. તેઓ એમની કલ્પનાથી વાદળાં જુદાંજુદાં પ્રાણીઓ અને પક્ષીઓને જોઈ શકે છે, એકબીજાના પહેરણની ચાળ પકડી ઘરમાં જ છૂકછૂક ગાડીમાં ચલાવી શકે છે, ચાંદામામાના દેશમાં આવજા કરે છે અને ‘ગોળ કેરી ભીંટડી ને શેરડી કેરા સાંઠા’નું ઘર બનાવી શકે છે. બાળકો એમના કલ્પનાલોકમાં મોટેરાં માનવા તૈયાર ન હોય એવી ઘટના, સ્થળો અને પાત્રોને સાચાં માને છે. એવી વાર્તાઓમાંથી બાળકો મનોરંજનની સાથે સાહસ, દોસ્તી, પ્રામાણિકતા જેવાં માનવમૂલ્યોનું મહત્ત્વ શીખે છે, એમનામાં આપત્તિઓ સામે લડવાનો આત્મવિશ્વાસ જાગે છે અને સર્જનાત્મકતા ખીલે છે. હિન્દીના સુવિખ્યાત બાળવાર્તાસર્જક સમીર ગાંગુલી એમની વાર્તાઓમાં ફેન્ટસીનો ભરપૂર ઉપયોગ કરી અલગ જ સૃષ્ટિનું નિર્માણ કરે છે. એ કારણે એમની વાર્તાઓમાં બાળકોથી માંડી કોઈ પણ ઉંમરનાં વાચકોને એકસરખો રસ પડે છે. ગયા વર્ષે એમની બાળકો માટેની નવલકથા ‘ભૂ-ભૂ-ભન-ભન ભયંકર’ પ્રકાશિત થઈ, વિચિત્ર નામ ધરાવતી આ કથામાં એમણે ફેન્ટસીનો પૂરો કસ કાઢ્યો છે. કથાના વિષયમાં કશું નવું નથી, પરંતુ એની કલ્પનાસભર રજૂઆતથી એ રસપ્રદ કૃતિ બની છે. અગિયાર વર્ષ અને સાત મહિનાના છોકરા પુટુસને એની દાદીએ જંગલમાં મોટો કર્યોં છે. એક વાર દાદી પાસેથી જાણવા મળે છે કે એ ત્યાંથી ખૂબ દૂર આવેલા દેશનો રાજકુમાર છે. એ બહુ નાનો હતો ત્યારે ત્રણ દુષ્ટ ભૂતડીઓએ માયાવી શક્તિથી એનાં રાજવી માતાપિતાને હરાવી કેદમાં પૂર્યાં હતાં. દાદી પુટુસને લઈ નિર્જન જંગલમાં આવી ગઈ હતી. એમના દેશનું રાજપક્ષી કાકતુઆ દાદી અને પુટુસને લેવા આવે છે. એનું અડધું શરીર પોપટનું છે, અડધું કાગડાનું અને માથું માણસ જેવું છે. એ ખૂબ બુદ્ધિશાળી છે. એ કહે છે, હવે ભૂતડીઓ પાસેથી રાજ્ય પાછું લેવાનો સમય આવી ગયો છે. પુટુસ અને દાદી કાકતુઆ સાથે એમના દેશમાં જવા નીકળે છે. પ્રવાસ લાંબો અને કઠિન છે. શરૂઆતમાં તેઓ હજારો પતંગિયાં જોડેલાં રથ પર, પછી માછલીઓ દ્વારા હંકારાતી નાવમાં અને છેલ્લે વાંદરાઓની પાલખીમાં પ્રવાસ કરે છે. જલબિલાડી જેવાં વિચક્ષણ પ્રાણી એમને માર્ગદર્શન આપે છે. માર્ગમાં મધમાખીઓ, ઉંદરો અને વાંદરાઓની સેનાનો સાથ મળે છે. રાજ્યમાં પહોંચ્યા પછી ચિત્રવિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે. પુટુસ, દાદી અને એમનાં સાથીદારો ભૂતડીઓની માયાજાળ ભેદી રાજ્ય પાછું મેળવે છે અને માતાપિતાને કેદમાંથી મુક્ત કરે છે. આ સાહસકથા એનાં દરેક પાત્ર, દરેક ઘટના અને વિચિત્ર પ્રદેશોનાં કાલ્પનિક દૃશ્યાત્મક વર્ણનોથી રસપ્રદ બનતી જાય છે. ભારતીય કથાસાહિત્યમાં ફેન્ટસીની પરંપરા હજારો વર્ષ જૂની છે, વેદો, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યોની કથા-ઉપકથાઓ તથા લોકસાહિત્યમાં વાચકને અચંબિત કરી નાખે એવી કથાઓનો સાગર ભર્યો છે. પંચતંત્ર. હિતોપદેશ, વિક્રમ-વેતાળ અને કથાસરિત્સાગરની વાર્તાઓ આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે, કારણ કે એમાં કલ્પના અને જીવનમૂલ્યોનો અદભુત સંગમ થયો છે. આજના સમયમાં બાળકોનો મોટા ભાગનો સમય મોબાઇલ અને કમ્યૂટરના સ્ક્રીન સામે વેડફાય છે. એમાં તેઓ એમને જે બતાવવામાં આવે છે એટલું જ જોઈ શકે છે, જ્યારે વાર્તાઓના વાચન અને શ્રવણથી બાળક જાતે એના મનમાં ચિત્રો ઊભાં કરે છે. ગુજરાતીના અનેક બાળસાહિત્યકારોએ કેટલીય ઉત્તમ કૃતિઓ આપી છે. બકોર પટેલની વાર્તાઓની પાત્રસૃષ્ટિમાં બકરો-બકરી, વાઘ, ઊંટ, હાથી, વાંદરો જેવાં પ્રાણીઓ માણસો જેવું જીવન જીવે રહે છે, વેપાર-ધંધા કરે છે. ભૂલો કરે છે, એકબીજાને મદદ કરે છે અને માનવ માટે એક આગવો સંસાર રચી આપે છે. એ ઉપરાંત મિયાં ફૂસકી, તભા ભટ્ટ, છકો-મકો, છેલ-છબો, અડુકિયો-દડુકિયો જેવાં અમર પાત્રોએ પેઢી દર પેઢી ગુજરાતના આબાલ-વૃદ્ધ સૌમાં સંસ્કારનું સિંચન કર્યું છે. અંગ્રેજીના સુપ્રસિદ્ધ બાળવાર્તાકાર સી. એસ. લૂઇસનું એક જાણીતું વાક્ય છે: ‘એક દિવસ તમે એટલા મોટા અને સમજદાર થઈ જશો કે ફરીથી ફેન્ટસીથી ભરપૂર વાર્તાઓ વાંચવાનું શરૂ કરી શકશો.’ ફેન્ટસી આપણને શીખવે છે કે જીવનમાં દરેક પ્રશ્નનો જવાબ જાદુથી મળતો નથી, પરંતુ જાદુ કે ચમત્કારમાં વિશ્વાસ ધરાવતું મન ઘણી વાર સાચા જવાબો શોધી શકે છે. કદાચ એથી જ બાળસાહિત્યની શ્રેષ્ઠ ફેન્ટસી-કથા વર્ષો પછી પણ જૂની થતી નથી. બાળક મોટું થઈ જાય છે, પછી પણ એના ચિત્તમાં ક્યાંક એક ગુપ્ત દરવાજો હંમેશાં ખુલ્લો રહે છે અને એની પાછળ એક જાદુઈ દુનિયા એની રાહ જોતી હોય છે. }
    Click here to Read More
    Previous Article
    મજાતંત્ર:40 વટાવ્યા પછીની મૂંઝવણ!
    Next Article
    નેપાળ પૂર- ગુમ થયેલા લોકોનો આંકડો 2400 પહોંચ્યો:400 ભારતીયો તિબ્બતમાં ફસાયા; સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ભારત મદદ કરશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment