Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા:કોર્પોરેશનની ચૂંટણીમાં હારેલા ગઢ ખાડિયામાં ભાજપની તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા

    1 day ago

    વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતાં અને 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 12 ઓગસ્ટ 2026ના રોજ રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે 12 ઓગસ્ટના રોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. હર ઘર તિરંગા અને લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તેના માટે યોજાયેલી આ તિરંગા યાત્રાનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા ભાજપનો હારેલો ગઢ એવા ખાડિયા વોર્ડમાં યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીને સાથે રાખીને ખાડિયા વિસ્તારમાં યોજવામાં આવેલી આ યાત્રાથી આવનારી વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીત મેળવવા માટે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાથમાં તિરંગો લઈને જોડાયેલા લોકોને અભિનંદન આપું છું. અમદાવાદે રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભકિત કેવી હોય તેને જોવી હોય તો અમદાવાદ આવો ખબર પડે. તિરંગો ઊંચો જ લહેરાવવો જોઈએ. તિરંગો રોડ પર પડેલો હોવો જોઈએ નહી. ઘરે તિરંગો શાનથી લહેરાવવો જોઈએ. ખાડિયા વિસ્તારમાં યોજાયેલી યાત્રા રાયપુર બિગ બજારથી શરૂ કરીને રાયપુર દરવાજા થઈ ખાડીયા ચાર રસ્તાથી ખાડિયા ગેટ અને સારંગપુર દરવાજા ખાતે પહોંચી હતી. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યાત્રાના પ્રારંભ પૂર્વે સ્ટેજ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેવા નીચે ઊતર્યા કે તુરંત જ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને પક્ષના કાર્યકર્તાઓ તેમને ઘેરી વળ્યા હતા. અચાનક મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતાં થોડીવાર માટે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા અને કાર્યક્રમ સ્થળે અફરાતફરી તથા અવ્યવસ્થાનો માહોલ ઊભો થયો હતો. જોકે, ટૂંક જ સમયમાં સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રાયપુરથી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશની સરહદો પર કપરા સંજોગોમાં દિવસ-રાત દેશની સુરક્ષા માટે તત્પર રહેતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ દેશભક્તિની ભાવનાને જન-જન સુધી પહોંચાડવા અમદાવાદ શહેરના રાયપુરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ‘તિરંગા યાત્રા’માં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા પણ જોડાયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગામડાથી મહાનગર સુધી આજે દેશભક્તિનો એક જ રંગ છે-તિરંગાનો રંગ. તેમણે જણાવ્યું કે ભારે ગરમી હોય કે ધોધમાર વરસાદ, કડકડતી ઠંડી હોય કે કપરા સંજોગો, આપણા વીર જવાનો દેશની સુરક્ષા માટે અડીખમ ઊભા રહે છે. આવા વીર જવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની દેશના દરેક નાગરિકની જવાબદારી છે. સૌ સાથે મળીને એક-એક વીર જવાનને નમન કરીએ, તેમની બહાદુરીને સલામ કરીએ અને 'ભારત માતા કી જય’ના ગગનભેદી નારા સાથે દેશભક્તિની ગુંજ દેશના દરેક ખૂણે પહોંચાડીએ. તિરંગા યાત્રામાં કિલોમીટરો સુધી યુવાનો, મહિલાઓ અને વડીલો હાથમાં તિરંગો લઈને જોડાયા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી ‘હર ઘર તિરંગા’ અભિયાન આજે દેશવ્યાપી જનઆંદોલન બન્યું છે. ગામડાથી મહાનગર સુધી અને બાળકોથી વડીલો સુધી સૌ કોઈ તિરંગા સાથે જોડાઈને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા છે. અમદાવાદની તિરંગા યાત્રામાં કિલોમીટરો સુધી યુવાનો, મહિલાઓ અને વડીલો હાથમાં તિરંગો લઈને જોડાયા છે, જે અમદાવાદની ગાઢ દેશભક્તિની જીવંત તસ્વીર છે. દેશભક્તોની રેલી કેવી હોય તેના દૃશ્યો જોવા હોય તો આજે અમદાવાદ આવો, તેમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું. તિરંગાની પવિત્રતા અને ગૌરવ જાળવવા નાગરિકોને અનુરોધ કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તિરંગો હંમેશા ઊંચો જ લહેરાવવો જોઈએ. ઉત્સાહમાં કે અજાણતાં પણ તિરંગો રસ્તા પર ન પડે તેની સૌએ કાળજી રાખવી જોઈએ. યાત્રા પૂર્ણ થયા બાદ તિરંગાને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરીને સન્માનપૂર્વક ઘરે લઈ જઈ યોગ્ય રીતે સાચવવો જોઈએ. તિરંગાની આન, બાન અને શાન જાળવવાની જવાબદારી દરેક નાગરિકની છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો હતો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજિત એક લાખથી વધુ નગરજનો જોડાયા હતા. બિગબજાર-રાયપુર ખાતેથી પ્રસ્થાન થયેલી યાત્રાના સમગ્ર રૂટને તિરંગાના રંગો અને દેશભક્તિની થીમ સાથે શણગારવામાં આવ્યો હતો. રાયપુર ચાર રસ્તા, ખાડિયા ગેટ અને સારંગપુર ચાર રસ્તા સહિતના માર્ગો પર 11 સ્વાગત સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’ અને ‘એ મેરે વતન કે લોગો’ જેવા દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો હતો. તિરંગા યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા 300 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ જોડવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ, ફાયર વિભાગ, હોમગાર્ડ, સ્કાઉટ બેન્ડ સાથેના વિદ્યાર્થીઓ-શિક્ષકો, રમતવીરો તેમજ વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા સ્વચ્છતા, પર્યાવરણ, રાષ્ટ્રભાવના અને શહેરના વિકાસના સંદેશ આપતા વિવિધ થીમ આધારિત ટેબ્લો પણ યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યા હતા. આ પ્રસંગે મેયર હિતેશ બારોટે સ્વાગત પ્રવચન કર્યું હતું રાયપુરથી પ્રસ્થાન કરેલી તિરંગા યાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ સારંગપુર ખાતે ભવ્ય આતશબાજી સાથે સંપન્ન થઈ હતી. સારંગપુર ખાતે પહોંચ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું હતું. ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારા, હાથમાં લહેરાતા તિરંગા અને ભવ્ય આતશબાજી સાથે પૂર્ણ થયેલી આ યાત્રા અમદાવાદની અખંડ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભવ્ય અભિવ્યક્તિ બની રહી હતી. આ પ્રસંગે મેયર હિતેશ બારોટે સ્વાગત પ્રવચન કર્યું હતું. તિરંગા યાત્રામાં શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, ધારાસભ્ય અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર, અલ્પેશભાઈ ઠાકોર, બાબુભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ, પાયલબેન કુકરાણી, અમૂલભાઈ ભટ્ટ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહા, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કલેકટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ પોલીસ જવાનો તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. BRTS અને AMTS બસોને ડાઈવર્ટ કરાઈ યાત્રાને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરાયા છે. કાલુપુરથી સારંગપુર થઈ એલિસબ્રિજ તરફ જતી BRTS અને AMTS બસોને ડાઈવર્ટ કરાઈ છે, જ્યારે કાલુપુરથી આસ્ટોડિયા સુધીના તમામ BRTS સ્ટેન્ડ બંધ રહેશે. આ ઉપરાંત રાયપુર દરવાજાથી સારંગપુર, છબીલા હનુમાન, ખાડિયા ગેટ, બાલા હનુમાનથી સારંગપુર ચકલા, કાગડાપીઠ ટીથી આસ્ટોડિયા અને પારસી અગિયારીથી રાયપુર દરવાજા સુધીના માર્ગો વાહનો માટે બંધ રાખવામાં આવ્યા છે. ટેબ્લો, સેલ્ફી કોર્નર તેમજ મેડિકલ ટીમની સુવિધા યાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ શણગાર તથા દેશભક્તિના માહોલને અનુરૂપ સજાવટ કરાઈ છે. યાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે રૂટ પર કુલ 11 સ્વાગત સ્ટેજ ઉભા કરાયા છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. AMCના થીમ આધારિત ટેબ્લો, સેલ્ફી કોર્નર તેમજ રીલ સ્પર્ધા પણ નાગરિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. નાગરિકોની સુવિધા માટે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે. આ યાત્રામાં હોમગાર્ડ, પોલીસ બેન્ડ, ફાયર વિભાગના જવાનો, સ્કાઉટ બેન્ડ સાથેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, રમતવીરો, વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે. યાત્રાનું ડિજિટલ માધ્યમથી પણ વ્યાપક પ્રસારણ કરવામાં આવશે, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા નાગરિકો પણ આ દેશભક્તિના મહોત્સવ સાથે જોડાઈ શકશે. AMC દ્વારા તિરંગા યાત્રા રીલ સ્પર્ધા AMC દ્વારા નાગરિકો માટે રીલ સ્પર્ધાનું આયોજન કરાયું છે. વિજેતાઓને પ્રથમ ઈનામ ₹31,000, દ્વિતીય ઈનામ ₹21,000 અને તૃતીય ઈનામ ₹11,000 રોકડ આપવામાં આવશે. ભાગ લેનારે તિરંગા યાત્રાની સર્જનાત્મક રીલ બનાવી પોતાના પબ્લિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર #AmdavadTirangaYatra2026 અને #AMC હેશટેગ સાથે @amdavadamc ને ટેગ કરીને પોસ્ટ કરવાની રહેશે. ત્યારબાદ આ રીલ સાથે પોતાનું નામ, વોર્ડ અને સંપર્ક નંબર @amdavadamc પર ડાયરેક્ટ મેસેજ (DM) કરવાનો રહેશે. રીલ મોકલવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ, 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) છે.
    Click here to Read More
    Previous Article
    Google Pixel 11 vs iPhone 17: Price in India and Full Specifications Compared
    Next Article
    Samsung Fold को टक्कर देने के लिए आ गया Google का Pixel 11 Pro Fold, कीमत जान उड़ जाएंगे होश!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment